વિચાર-વિસ્તાર (અર્થ વિસ્તાર)
વિચારવિસ્તાર એટલે શું ?
કોઈ પણ વિચારને સમજીને, અર્થપૂર્ણ રીતે તેનું નિરૂપણ કે વિસ્તાર કરવો, તેને વિચારવિસ્તાર કહેવાય છે.
એકાદ – બે લીટીના ગર્ભમાં ઘણી ગહન વાત છુપાયેલી હોય છે.
વિચારવિસ્તારનું માળખું
મૂળ રીતે તો વિચારવિસ્તાર વિચારનો વિસ્તાર કરવાની સાદી પ્રક્રિયા છે; પરંતુ આપણા પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ મુજબ એક ચોક્કસ માળખાગત પદ્ધતિ મુજબ જો આ પ્રશ્નના જવાબને ન્યાય અપાય, તો પરિણામ સારું મેળવી શકાય છે. જેના માટે નીચે મુજબ વિભાગ બનાવીને લખવું જોઈએ.
(1) અર્થ : આમાં વિચારવિસ્તારમાં પંક્તિ કે ઉક્તિ અપાઈ હોય તેનો ગર્ભિત અર્થે બે લીટીમાં રજૂ કરવાનો હોય છે.
(2) સમજૂતી : વિચારવિસ્તારમાં માકર્સ મેળવવા માટે આ વિભાગ બહુ મોટી ભૂમિકા ભજવે છે. આ વિભાગમાં જે આપણે અર્થ કહ્યો છે, એને ઊંડાણપૂર્વક સમજાવવાનો હોય છે. સમજૂતીને યોગ્ય રીતે રજૂ કરવા માટે અમુક ઉદાહરણરૂપ વાક્યો કે પંક્તિઓ પણ મૂકી શકાય છે. પણ યાદ રાખવું કે, તમે જે વાક્યો કે પંક્તિઓ મૂકી રહ્યા છો એ મૂળ પ્રશ્ન વિચારવિસ્તાર છે; એ પંક્તિના વિચાર સાથે મેળ ખાતો હોવો જોઈએ.
(3) ઉપસંહાર / સાર : પ્રશ્નમાં જે વિચારવિસ્તાર અપાયો હોય એના સારરૂપ અને બીજરૂપ સમજણ આ મુદ્દામા સમાવિષ્ટ કરવી જોઈએ, જેનાથી વિચારને સમજાવવામાં આપણે સંપૂર્ણ ખ્યાલ પ્રગટ કર્યો છે તેવી આભા ઊભી થશે
વિચારનો વિસ્તાર શ્રેષ્ઠ બનાવવાની શૈલી
કેન્દ્રસ્થ વિચાર પકડવો : વિચારવિસ્તારમાં જે કેન્દ્રસ્થ વાત હોય એને પકડવી એ વિચારવિસ્તારને સાચો લખવાની પહેલી શરત છે. કારણ કે, દેખીતી રીતે જે લખવામાં આવ્યું હશે એનાં કરતાં કંઈક વિશિષ્ટ વાત વિચારવિસ્તારમાં સચવાયેલી હશે, જેને શોધવાની રહેશે.
શબ્દોનું મનન : વિચારવિસ્તારમાં અપાયેલા શબ્દોનું મનન કરો અને તેને સમજવાની કોશિશ કરો. જો શબ્દોને સમજશો તો વિચારવિસ્તારના આંતરિક શરીરને સમજવામાં મદદ મળી રહેશે.
ઉદાહરણોને વિચારવા : જે પંક્તિ અને વિચારને આપણે રજૂ કરતા હોઈએ તેના અનુસંધાનમાં, તે વિચારને ગહનતાથી સમજાવી શકે તેવાં ઉદાહરણો જો મૂકવામાં આવે તો વિચારવિસ્તાર સારી રીતે સમજાવ્યો પણ લાગશે અને તમારા સમગ્ર કથનને જરૂરી લંબાણ પણ મળી રહેશે.
અવતરણ ચિન્હો મૂકવાં : વિચારવિસ્તારમાં જે વિચાર મુખ્ય હોય તેને સમજાવવા માટે મહાનુભાવોનાં અવતરણ ચિન્હો મૂકવાં જોઈએ. જેનાં કારણે સમજૂતી વધારે આકર્ષક બને છે.
રજૂઆત : વિચારવિસ્તારમાં રસવાહી અને રસળતી શૈલીમાં વિલક્ષણ રજૂઆત કરવી એ અપેક્ષિત છે. કોઈ અઘરા અઘરા શબ્દોનો પ્રયોગ કરવો નહિ. સાદા શબ્દો પણ સચોટ હોય છે એનું ઉદાહરણ તમારાં લખાણ પરથી મળવું જોઈએ.
ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
પરીક્ષા દરમિયાન વિધાર્થી મિત્રો ઘણી વાર વિચારવિસ્તારના મૂળ વિચારને પકડી શક્તા નથી, ખોટું અર્થઘટન કરી નાંખે છે.
ઘણી વાર એક વિચાર અન્ય કોઈ બીજા વિચાર જેવો લાગતા વિચારનો વિસ્તાર બીજા ભળતા વિચાર તરફ ઢળી પડવાનાં ભયસ્થાનો ઘણાં છે.
વિચારવિસ્તારની શ્રેષ્ઠતાનો આધાર તેના તટસ્થ મૂલ્યાંકન પર રહેલો છે.
વધુ પડતું લંબાણ વધારે માર્ક અપાવશે, એ વિચારવું ભૂલભરેલું છે. ટૂંકમાં બિનજરૂરી લંબાણ ટાળવું.
વિચાર-વિસ્તારના કેટલાંક ઉદાહરણો દ્વારા સમજીએ:
ઉદાહરણ (1) : અંધ ને અજ્ઞ એ બેમાં ઓછો શાપિત આંધળો, એકાંગે પાંગળો અંધ, અજ્ઞ સર્વાંગે પાંગળો
અર્થ :
સાંદાળો અને અજ્ઞાની માણસ એમ બંનેમાં બંને શાપગ્રસ્ત તો કહેવાય જ, પરંતુ બંનેની સરખામણી જો કરવામાં આવે તો આંચળો ઓછો શાપિત મનાય છે. કારણ કે, આંધળો તો એક અંગથી જ પાંગળો છે, જ્યારે અજ્ઞાની માણસ સર્વ રીતે પરાધીન છે, પાંગળો છે.
સમજૂતી :
માણસનું શરીર પાંચ જ્ઞાનેન્દ્રિયોનું બનેલું છે. આ પાંચેય ઇન્દ્રિયોમાંથી કોઈ પણ એકનો અભાવ માણસને પરાધીન અર્થાત્ પાંગળો બનાવી દે છે. અને એમાંય આંખમાં તેજની ગેરહાજરી માણસનું જીવન ઘણું અઘરું બનાવી દે છે, પણ એ બીજી ચાર ઇન્દ્રિયોના સહારે જીવનમાં ઉત્કૃષ્ટતા ઉમેરી શકે છે; પરંતુ આની જ સરખામણીમાં પાંચેય ઇન્દ્રિયો સલામત હોય તેવો અજ્ઞાની માણસ સર્વ રીતે ‘પાંગળો’ છે. આપણે જોઈ શકીએ છીએ, કવિએ પ્રથમ પંક્તિમાં અજ્ઞાનીને આંધળા કરતાંય વધુ શાપિત ગણાવ્યો છે.
અંધ વ્યક્તિ આંખથી જોઈ નથી શકતી પણ મનની આંખોથી જગતના સૌન્દર્શને જોવાની કળા તેની પાસે સુપેરે હોય છે. એક ઉદાહરણ સમજીએ તો, આંધળો સ્પર્શ દ્વારા પ્રકૃતિની દરેક અદાને માણી શકે છે. પ્રકૃતિની નાજુકાઈને આહલાદી શકે છે. એ એની સૌરભને માણી શકે છે. આપણા ભારતીય સાહિત્યમાંના લોકપ્રિય સાહિત્યકારોમાંના એક એવા કવિશ્રી સુરદાસ અંધ હતા, છતાંય અંતરની આંખથી ઈશ્વરનો સાક્ષાત્કાર સુપેરે કર્યો હતો, તો વળી. કવિ મિલ્ટન, હેલન કેલર, ૫. સુખલાલજી પાસે ચર્મચક્ષુ ન હતાં, છતાંય એમણે એમના જીવનમાં વિભિન્ન ક્ષેત્રમાં સિદ્ધિ અને પ્રસિદ્ધિ હાંસલ કરી જ હતી. કારણ કે, એક ઇન્દ્રિયનો અભાવ તેઓ પોતાના જ્ઞાનથી પૂરો કરી નાંખે છે. જ્યારે જેની પાસે જ્ઞાનનો અભાવ છે એ વ્યક્તિ જીવનની એકપણ ક્ષણને માણી શકતી નથી, પામી શકતી નથી, અર્થાત્ સર્વક્ષેત્રે નિષ્ફળ રહે છે.
ઉપસંહાર :
આમ, ઉપર્યુક્ત વિચાર જ્ઞાનનો મહિમા સમજાવી જાય છે. જ્ઞાનના સાચા સ્વરૂપથી જે અજાણ છે તે ખરેખર અધૂરો છે. તેને ઈશ્વરી શાપનો ભોગ બન્યો એમ કહીએ તો કશી જ અતિશયોક્તિ નથી.
ઉદાહરણ (2) ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ નવ સરે, મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે .
અર્થ :
કોઈ અમૂલ્ય વસ્તુઓને જીરવવાનો પણ અધિકાર હોવો જોઈએ. જો યોગ્ય સમજણનો અભાવ હશે, તો મહામૂલી વસ્તુની પણ કિંમત ક્યારેય સમજી શકાતી નથી.
સમજૂતી:
કવિ દયારામ રચિત પંક્તિ સનાતન સત્યનું ઉત્તમ ઉદાહરણ છે. યોગ્ય પાત્રતા વિના વ્યક્તિને જો અલભ્ય વસ્તુ પ્રાપ્ત થાય તો એને મન એનું મૂલ્ય કશું રહેતું નથી. આ વાતને કવિએ પ્રથમ પંક્તિમાં ઉદ્ધૃત કરી છે, જેને બીજી પંક્તિમાં ઉદાહરણ થકી સમજાવી છે કે, જે બગલાને માત્રને માત્ર માછલી ખાવાની આદત પડી છે. એ બગલાની સામે મુક્તાફળ (સાચાં મોતી) મૂકવામાં આવે, તો પણ એ એક ચાંચ જેટલું પણ આરોગતો નથી, કારણ કે, એ એની કિંમત સમજી શકતો નથી.
કહેવાય છે કે, સિંહણનું દૂધ પચાવવા માટે સિંહણનું બાળ જ બનવું પડે; એ સિવાય એ દૂધ પચાવવાની ક્ષમતા કોઈની પાસે હોતી નથી. વળી, એ જ સિંહણનું દૂધ ધરવા માટે પાત્ર પણ સોનાનું જોઈએ, નહિ તો પાત્ર પણ કાણું થઈ જાય છે.
આ વિચારને ઊંડાણપૂર્વક સમજીએ તો વસ્તુ હોય કે સંબંધ ; સર્વને લાયક આપણે પોતે બનવું પડે છે. જો આપણે એમ નથી કરી શકતા તો એ સંબંધ હોય કે વસ્તુ, કશું આપણી પાસે લાંબો સમય ટકતું નથી જ.
ઉપસંહાર:
સનાતન ઋતને રજૂ કરતી કવિ દયારામની પંક્તિઓ વ્યક્તિત્વ ઘડતરની ઉમદા શિખામણ આપણને આપી જાય છે. જીવનમાં કોઈ પણ વસ્તુનો – વાતાવરણનો કે જે અભાવ સતાવે એની સામે ફરિયાદો કરવાનું મન થઈ આવે ત્યારે સીપા.. આપણે પોતાની જાતને એ સવાલ પૂછવો જ રહ્યો કે, “શું આપણે એને લાયક છીએ?”
ઉદાહરણ (3) : મોટાં નાનાં વધુ મોટામાં, તો નાનાં પણ મોટાં ; વ્યોમ-દીપ રવિ નભબિંદુ, તો ઘરદીવડા શા ખોટા ?
અર્થ :
પ્રસ્તુત કાવ્યકડિકામાં કવિએ એવું સૂચવ્યું છે કે, મોટું અને નાનું એ બે સાપેક્ષ વિશેષણો છે, અને એકબીજા પર આધારિત છે. તેથી કોઈને ખૂબ મોટી ગણી તેને વધુ પડતું મહત્ત્વ આપવાનું તેમજ કોઈને ખૂબ નાનો ગણી તેને અવગણવાનું ઉચિત નથી
સમજૂતી :
જગતમાં સ્વીકારાયેલા સર્વસામાન્ય વિચારનો પ્રસ્તુત વિચારમાં વિરોધ થયો છે. સરખામણી કરવી એ માનવજાતિનો ગુણધર્મ છે. આ સરખામણીના પરિણામે જે બાહ્ય રીતે મોટું દેખાય એ તરફ પોતાનો ઝુકાવ બતાવવો એ માનવજાતિનો સ્વાભાવ છે, જ્યારે સામાન્ય રીતે મોટી હોય તેવી વસ્તુની સરખામણી આપણે જો કોઈ અતિશય મોટી વસ્તુ સાથે કરીએ તો પેલી સામાન્ય વસ્તુઓ આપણને ઘણી નાની લાગે છે.
બીજી પંક્તિને સમજીએ તો પૃથ્વી અને ઉપગ્રહોની સરખામણીમાં સૂર્ય ઘણો મોટો છે, પણ અનંત આકાશમાં આટલો મોટો સૂર્ય એક નાનકડા બિંદુ જેવો છે. કારણ કે, તેનાથી ઘણા મોટા કદના સૂર્ય બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે. અને આ બાબતને ધ્યાનમાં રાખીએ તો આપણા ઘરમાં રહેલો નાનકડો દીવો પણ મોટો જ લાગે છે. કારણ કે, તે આપણા ઘરમાં પ્રકાશ પાથરી શકે છે. રાત્રે ઘરમાં ઘરદીવડો જ ઉપયોગી થાય છે. સૂર્ય નહીં. ઉદા. તરીકે કોઈ વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિની સરખામણી કોઈ નાના વિસ્તારના નેતા સાથે કરીએ તો આ નેતાનું સ્વરૂપ આપણને ઘણું નાનું લાગશે, પણ આ નાના એરિયાની તકલીફો દૂર કરવામાં અગ્રીમ રહેનાર નેતા તરીકે તેમને જોઈશું. તો ચોક્કસ આપણને તેનું કદ અપ્રતિમ દેખાશે.
ઉપસંહાર :
દુનિયામાં ખરેખર કોઈ નાનું નથી કે ખરેખર કોઈ મોટું નથી. સૌ કોઈ સમાન છે, એ ખ્યાલને પુરુસ્કૃત કરતો પ્રસ્તુત વિચારવિસ્તાર છે. કારણ કે, જેને આપણે નાનું ગણીએ છીએ, પણ એ એનાં કાર્યોથી એ ઘણું મોટું હોય છે.
ઉદાહરણ (4) : “હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુંદર, રહી તેહ સર્વને, મૂકું કરી સુંદર ચાહી ચાહી” – સુંદરમ્
અર્થ :
આ જગતમાં જેટલી સુંદર વસ્તુઓ છે, તે વસ્તુ તરફ તો વધુ પડતી આસક્તિ માણસ માત્રની રહેશે એ સ્વાભાવિક છે, પણ અસુંદર તત્ત્વને પણ ચાહીને સુંદર બનાવવાની ભાવનાને વિચારવિસ્તારમાં કવિએ ઉઘાડ આપ્યો છે.
સમજૂતી :
પ્રસ્તુત કાવ્યકંડિકા કવિ સુંદરમ્ દ્વારા રચિત ‘હું ચાહું છું’ કાવ્યમાંથી લેવામાં આવી છે. આ પંક્તિઓને વિસ્તૃત રીતે સમજીએ તો આ પંક્તિઓ સાચી ચાહનાનું મહત્ત્વ અને અપ્રતિમ શક્તિની પરખ આપણને આપી જાય છે. સમાજની સુંદર વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે સૌને સ્નેહ થાય છે; પરંતુ અસુંદર કોઈને પસંદ નથી. એને કોઈ ચાહતું નથી. કવિને તો સૃષ્ટિમાં જેટલી અસુંદર વસ્તુ કે વ્યક્તિ હોય તેને હદથી વધારે ચાહી ચાહીને સુંદર કરી મૂકવી છે. આ વાતને હજુ ઊંડાણપૂર્વક સમજીએ તો કવિ આ કડીઓ દ્વારા માનવીય જીવનમાં વ્યાપેલા રાગ-દ્વેષ, ઊંચ-નીચ, સુંદર-અસુંદર વગેરે દ્વંદ્વનું છેદન કરવાની અને સાયા સ્નેહના પ્રસ્થાપનની વાત રજૂ કરે છે.
સુંદરતા સૌ કોઈની પ્રિય હોય એ સ્વાભાવિક છે, પણ સુંદરતાને બનાવવી એ સૌ કોઈની વાત નથી. અસુંદર તત્ત્વને સુંદરતા અર્પવાની નેમ બાઈને ચાલનારો બિરાદર સૌ પહેલાં અસુંદર તત્ત્વને પ્રેમ કરે છે, અને પ્રેમના પથ દ્વારા સુંદરતા આપે છે. અર્થાત્ જે સૌ કોઈને નથી ગમતું એ ચાહવાની પણ કળા અને હિંમત બંને જે કેળવી જાણે એ પોતાની આસપાસ સર્વત્ર સુંદરતા મેળવી જાણે, મહાત્મા ગાંધીએ પોતાના જીવનમાં નીચામાં નીયા સ્તરના જનાને સ્થાન આપ્યું. અને તેમના વિચારો. તેમની રહેણીકરણી સર્વમાં પરિવર્તન આણ્યું. સમાજને ભદ્રતા ભેટમાં આપી.
ઉપસંહાર :
દુનિયાના મલિન ભાવોની તિલાંજલિ થશે તો જ અસુંદરને પોતાની નજીક સ્થાન આપી શકાશે. સુંદરતાને વ્યાપ્ત કરવા કોઈ કે તો અસુંદરતાને ગમાડવી પડશે જ ને !
ઉદાહરણ (5): “સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કથે એ જ કવિજન એક” – શામળ
અર્થ : સરળતાથી ગહન વાતની રજૂઆત કરનાર કવિની સર્જકતામાં શ્રેષ્ઠ સર્જકત્વની ઓળખ થાય છે.
સમજૂતી :
પઘવાર્તાકાર શામળ દ્વારા રચિત ઉપર્યુક્ત પંક્તિમાં સાહિત્યકારની શ્રેષ્ઠતાની વ્યાખ્યા રજૂ થઈ છે. ઉત્તમીત્તમ શિક્ષણ અર્થાત્ શિખામણ જે સર્જક કોઈ અઘરી અઘરી ભાષામાં લખવા કરતાં સહજ અને લોકોમાં જીવાતી ભાષા દ્વારા શીખવી જાણે એ જ સાહિત્યકાર શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે, ‘સરળતા’ સર્વનાં મૂળિયાંને સ્પર્શી શકે છે; પરંતુ સામાન્ય રીતે કેટલાક સાહિત્યકારોનો એવો ખ્યાલ હોય છે કે, અઘરી ભાષા અને અઘરી શૈલીથી જો વિચારોને મૂકવામાં આવશે તો લોકો એનાથી અભિપ્રેત થઈ જશે; પરંતુ ખરેખર એવું હોતું નથી, અઘરા શબ્દો પહેલી નજરે ક્યારેક સર્જક બહુ વિદ્વાન હોવાની ઓળખ આપી જાય, પરંતુ તે વાચક કે ભાવકને સંતપર્ક બનતા નથી. એની સરખામણીમાં સાદી – સરળ ભાષા સ્વાભાવિક રીતે સામાન્ય જનને આકર્ષિત કરે છે.
કહેવાય છે કે, “આપણું વ્યક્તિત્વ એવું રાખવું જોઈએ કે, સૌ કોઈને મીઠો છાંયડો મળી રહે.” જ્યારે વ્યક્તિત્વ જેટલું સરળ હોય છે, એટલું અન્યોના હૃદયમાં સ્થાન મોભાદાર હોય છે. સરળ વ્યક્તિત્વ ધરાવનાર સૌ કોઈના હૃદયમાં વિશ્વાસને પાત્ર બને છે. ટાપટીપવાળી બોલી અને રહેણીકરણીથી લોકોને આંજી શકો છો, પણ ‘પોતાના’ તો કરી શકતા નથી જ. એ માટે તો સરળતા જ અનિવાર્ય છે.
ઉપસંહાર :
ટૂંકમાં, સમજીએ તો, ‘દંભ સર્વત્ર વજયતે’ એ ખ્યાલ પ્રમાણે જયાં જ્યાં દંભનું વર્ચસ્વ હશે ત્યાં ત્યાં સત્યતાની ઊણપ હશે જ. અર્થાત્ સરળતા એકમાત્ર રસ્તો એવો છે કે, જ્યાંથી ‘સાચા સુખ’નો રસ્તો મળે છે.
ઉદાહરણ (6): ‘ગર્ભમાં રહેલાં બાળકની બીડેલી આંખો માતાના ચહેરામાં ટમકે, મારા અસ્તિત્વમાં એક કાવ્ય ચમકતું તમે જોયું છે ?’ – ઉમાશંકર જોશી
અર્થ :
પ્રસ્તુત કાવ્યકંડિકામાં એક કવિનું ભાવસંવેદન ઝીલાયું છે. કવિ થકી જ્યારે કોઈ કાવ્ય રચિત થાય છે; ત્યારે તે એક માતાના ઉદરમાંથી બાળક જન્મ લે છે તેવી અદ્દભુત સંવેદન છે, તેવો અર્થ આ પંક્તિના ગર્ભમાં રજૂ થયો છે.
સમજૂતી :
ઉપર્યુક્ત પંક્તિમાં કવિ ઉમાશંકર જોશી કૃત કાવ્ય ‘શોધ’ માંથી મુકાયેલી છે. અહીં કવિએ દરેક કવિના ભાવસંવેદનાની અવતરણ એવી કડી મૂકી છે. જ્યારે કોઈ પણ સ્ત્રી સગર્ભા હોય છે ત્યારે તેણીના ગર્ભમાં રહેલા બાળકનું તેજ તેના ચહેરા પર નીતરતું હોય છે, બસ તેવી જ રીતે જયારે હોઈ પણ સાહિત્યસર્જન શબ્દદેહ નથી પામતું એ પહેલાં તેનું સૌંદર્ય સર્જકન સમગ્ર વ્યક્તિત્વમાં ઝંકૃત થતું હોય છે. માતાના ઉદરમાં રહેલું – જીવતું – ધબકતું બાળક, જે માતા સિવાય અન્યોની કલ્પનાની દુનિયામાં જીવતું હોય છે. બસ તેવી જ રીતે કવિના ચેતોવિસ્તારમાંથી ન જાનેલું કાવ્ય ભાવક અને તાયકની દુનિયામાં કવિના સંપર્ક સમયથી કલ્પનામાં રમતું થઈ જાય છે. .
પ્રસ્તુત પંક્તિ દ્વારા કવિ કવિતાના સ્વરૂપને નવપલ્લવિત રૂપમાં વ્યાખ્યાયિત કરે છે. દરેક સ્ત્રી જયારે માતા બને છે. ત્યારે તેનામાં નવું સ્વરૂપ જન્મ લે છે, જે તેનો નવો જન્મ છે. બસ, તેવી જ રીતે જયારે કોઈ પણ કવિ-સર્જક પોતાની કોઈ પણ કૃતિની રચના કરે છે ત્યારે તેમાં તે પોતાની લાગણીઓને ગૂંથે છે. પોતાના ભાવથી કાવ્યાનો દેહ ઘડે છે. શબ્દ આપી તે કાવ્યમાં પ્રાણ પૂરે છે. કાવ્યની વાચા ભાવકનું મન સંતોપે છે, ત્યારે એક માતાની માફક જ કવિ આનંદવિભોર થઈ જાય છે. આમ, એક માતા અને નૂતન સાહિત્યની પાંખડીઓને ઉઘાડ આપતો દરેક સર્જક સમન્વય ધરાવે છે તેમ પ્રસ્તુત પંક્તિ દ્વારા સ્વીકારવું જ રહ્યું.
ઉપસંહાર:
જગત આખામાં માતાને ઈજારથી પણ વધુ પૂજનીય ગણવામાં આવે છે. ઉપર્યુક્ત પંક્તિ મુજબ સાહિત્યસર્જકની કોટી માતાથી સહેજે ઊતરતી કક્ષાની નથી. એની પવિત્રતા, એની લાગણી અને એનું તેજ માતૃવંદનાની સમકક્ષનું છે તેવું કહેવામાં કશી અતિશયોક્તિ નથી.
ઉદાહરણ (7) : “એકવાર માણસનું કાદવિયું તળિયું જોઈ લીધા પછી એના હોઠ પર રમતી સ્મિતની રંગીન માછલીઓમાં રસ પડતો નથી” – સુરેશ દલાલ
અર્થ :
આપણા સંબંધોમાં ક્યારેક કોઈના સ્વભાવના એકદમ નીચલા સ્તરનો અનુભવ કોઈ એકવાર થઈ જાય. પછી આપણી સાથે એ ભલે ને ગમે તેવું સારું વર્તન કરે એ વ્યક્તિ આપણા હૃદયમાં ફરી માનભર્યું સ્થાન મેળવી શકતી નથી જ.
સમજૂતી :
સિદ્ધહસ્ત સર્જક શ્રી સુરેશ દલાલ દ્વારા લિખિત ઉપર્યુક્ત ગધસૂક્તિ માનવીય જીવનનું ૠત છે. આપણે જન્મ લેતાંની સાથે જ સંબંધોની માયાજાળમાં બંધાઈ જઈએ છીએ. આ સંબંધોમાં નિકટના સંબંધો આપણી મનોભૂમિને ઘડે છે, તોડે છે. સ્વાભાવિક રીતે સૌ કોઈ પોતે અમુક નિકટના સંબંધમાં આસક્ત થયેલા હોય છે જ. એ સંબંધ તરફથી જ ક્યારેક વિશ્વાસ તૂટે-કે કોઈ ભ્રમ છૂટે એવો અનુભવ થાય તો માણસ વિખેરાઈ જાય છે. આવા સમયે પછી ગમે તેટલાં સારા વર્તન દ્વારા ભાંગેલા મનના માણસને ફરી પાછી પોતાના તરફ આકર્ષવાની તરકીબો કરવામાં આવે, પણ માણસ પાછો પહેલાં જેવો થઈ શકતો નથી જ. એ પોતાના આ સંબંધથી દૂર ફેંકાઈ જાય છે. કહેવાયું છે કે :
“પીળાં પણ™ ફરી નથી થતાં કોઈ કાળે જ લીલાં
ભાંગ્યાં હૈયાં ફરી નથી થતાં કોઈ કાળે રસીલાં”
એટલે જ કોઈ પણ સંબંધમાં હંમેશાં ‘નિષ્ઠા’નું ભારણ ભારોભાર જળવાવવું જોઈએ, નહિ તો રસવિહીન શેરડીનો સાંઠો હોય એવી જ રીતે સંબંધ પણ મૃતપ્રાય થઈ જાય છે.
ઉપસંહાર:
ગુજરાતીમાં કહેવત છે કે, ‘મન, મોતી ને કાચ, તૂટ્યાં ન સંધાય’ પ્રમાણે ઉપર્યુક્ત પંક્તિના સારને આપણે સમજવો જોઈએ, અને સંબંધમાં જીવ અને સંબંધથી જીવન રાખવા માટે એને આપણા સ્વભાવમાં નિષ્ઠારૂપે આચરણ કરાવવું જોઈએ
ઉદાહરણ (8): “લોખંડના દરવાજા પર ટકોરા મારીને થાકી ગયેલા પતંગિયાને કહું છું તું ફૂલની પાંદડીઓ પાસે જા”
અર્થ :
પ્રસ્તુત વિચારવિસ્તારમાં પ્રતીક દ્વારા મુખ્ય વાતને ઉદ્ધૃત કરાઈ છે. લોખંડના દરવાજારૂપી શહેરીજીવન જીવી રહેલાં લોકો પાસે હૃદયની રમણીયતાની સહેજે અપેક્ષા રખાય નહીં. એ મેળવવા માટે તો ખરેબર રમણીય સ્થાન અર્થાત્ નિર્મળ હૃદય પાસે જ જવું જોઈએ. નિર્મળ હ્રદય જ નિર્મળ હદયમાં રહેલી અપેક્ષાને સમજી શકે.
સમજૂતી :
અછાંદસ કાવ્યપંક્તિઓ આધુનિક કાવ્યધારાનું ઉદાહરણ છે, જેમાં પ્રતીક-કલ્પન કે પુરાકલ્પનનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થયેલો છે. અહીં પણ પ્રતીકના ઉપયોગ દ્વારા આધુનિક જીવનની કાળી બાજુ જેને ‘પ્રેક્ટિકલ લાઇફ’ના ફેશનેબલ નામથી ઓળખવામાં આવે છે તેની વાત રજૂ થઈ છે.
પતંગિયા સમાન મુગ્ધ હૃદયનો ધની આધુનિક યુગમાં જો પોતાની મુંગગ્ધતાને વહેંચવા માટે કોઈ યોગ્ય પાત્ર શોધે તો એને અંતે નિરાશા જ પ્રાપ્ત થાય છે. જેમ લોખંડના દરવાજા સામે શરીર ઝળુંબી રહેલાં પંતગિયાને કોઈ રસ પ્રાપ્ત થતો નથી. એ દરવાજો ક્યારેય ખૂલતો નથી. પતંગિયાએ તો પોતાના સંતોષનો રસ મેળવવા માટે ફૂલોની પાંદડી પાસે જ જવું પડે છે. બસ, તેવી જ રીતે અત્રે મુગ્ધ અને નિર્મળ હૃદય માટે નિર્દોષ પતંગિયાની ઉપમા આપવામાં આવી છે. જ્યારે લોખંડના દરવાજા એ શહેરી જીવનના લાગણીવિહીન ‘પ્રેક્ટિકલ’ જીવનની ઉપમા છે. કારણ કે, અત્યંત વ્યસ્ત અને યાંત્રિક બની ગયેલું શહેરીજીવન કોઈની નિર્મળતાને સમજવા જેટલી તસ્દી લેતું નથી. આજે માણસે પોતાની લાગણીઓ રજૂ કરવા માટે પણ સહૃદયીને શીધવા ડે છે; જેમ પતંગિયાને પોતે રસ ચૂસવા માટે ફૂલની જરૂર પડે છે.
ઉપસંહાર :
યાંત્રિકતા એ આજના આધુનિક સમયની ફેશન છે. પ્રસ્તુત કાવ્યકંડિકા વર્તમાન પરિસ્થિતિ માટે કટાક્ષરૂપ છે. ફૂલનો રસ દરવાજાની પેલે પાર મળશે જ એ આશા એ મુગ્ધ પતંગિયું લોખંડના દરવાજાને પોતાનું શરીર અથડાવતું ભલે હોય પણ એને નિરાશા જ સાંપડે છે. બસ, તેવી જ રીતે લાગણીભીના હૃદયને સામે પક્ષે કોરાં અને સૂકાભટ હદયના લોકો જ મોટે ભાગે મળતા હોય છે. આ આજનું કડવું સત્ય છે.
ઉદાહરણ (9) : ખટદર્શનના જૂજવા મતા, માંહોમાંહે તેણે ખાધી ખતા, એકનું થાપ્યું બીજો હણે, અન્યથી આપને અધિકો ગણે. – અખો ભગત
અર્થ :
આ દુનિયામાં દંભી અને જુઠ્ઠા માણસોને પોતાના અલગ કાયદાઓ હોય છે. તેઓને એવું હોય છે કે, તેઓ જે કહે છે કે અમે જે બોલીએ છીએ એ બધું જ સાચું છે. એ જ કારણે આખી જિંદગી પરસ્પર વિરોધ, ઝઘડા કર્યા સિવાય એમની કોઈ ખાસ પ્રવૃત્તિ હોતી નથી. બીજા કરતાં પોતાને મહાન અને હોશિયાર સમજવો એ આવા લોકોનો સ્વભાવ હોય છે.
સમજૂતી :
મધ્યકાળના અખા ભગત જ્ઞાનમાર્ગી કવિ છે. એમનાં છપ્પા દ્વારા એમણે કટાક્ષ દ્વારા એમણે ગુઢ જ્ઞાનની વાતો મૂકી આપી છે. આ જ ન્યાયે ઉપર્યુક્ત વિચારવિસ્તારમાં પણ અખા ભગતે કટાક્ષ દ્વારા દંભી – લુચ્ચા માણસોની ઓળખ આપી છે. પહેલી પંકિત મુજબ સમજીએ તો, ‘ખટદર્શનના જૂજવા મતા……’ એટલે લુચ્ચા લોકો પોતાનો દંભી સ્વભાવ પ્રગટ કરવામાં જુદી જુદી રીતિ અપનાવતા હોય છે, પણ અંદરોઅંદર એકબીજાને નીચે પાડવામાં આવા લોકો જાણે સ્પર્ધામાં હોય એવું લાગે છે. ‘એકનું થાપ્યું બીજો હાર……’ વાળી પંક્તિને સમજીએ તો – પોતાને મહાન બુદ્ધિવાળો સમજતો માણસ, અન્યની વાતનું ક્યારેય સ્વીકારતો જ નથી, એ વાતનો વિરોધ કરવો, ઝઘડા કરવા એ એનો સ્વભાવ પડી ગયો હોય છે. એને એમ લા છે કે, હંમેશાં સામેવાળાની વાતનો વિરોધ કરવામાં આવશે તો જ હું જ્ઞાની દેખાઈશ.
કહેવાય છે કે, માત્ર સારા વક્તા બનવું એ જ પૂરતું નથી, પણ સારા શ્રોતા પણ બનવું એ સાચી વ્યક્તિ અને ઉમા. વ્યક્તિત્વની ઓળખ છે. બસ તે જ રીતે હંમેશાં આપણે જ આપણી જાતને હોશિયાર ગણીને દુનિયાને શિખામણ આપત રહીશું અને બીજાની વાત સાંભળવા અને સ્વીકારવાનો વિરોધ દર્શાવીશું તો ખરેખર આપણે અધૂરા જ રહીશું. અને અધૂર ઘડો છલકાય ઘણો’ એ ન્યાથે આપણે પણ દરેક જગ્યાએ છલકાતા રહીશું. પછી એ છલકાવાપણામાં ‘હું’ પણાનો ધોઈ આછકડાઈ અને અહ્મની લહેરોને સાથે લઈને આવે છે, જેમાં આપણું વ્યક્તિત્વ ‘દલદલ ‘માંથી ના નીકળે એવું કાદવિસા બનીને બહાર આવશે.
ઉપસંહાર :
જિંદગી જીવવાનો સાચો રસ્તો એ છે કે, આપણે આપણી જાતમાં ‘નમ્રતા’ને સ્થાન આપવું જોઈએ. બીજા પર હંમેશા આપણ જ વિચારો થોપવાને બદલે બીજાના વિચારોનું પણ માન રાખવું જોઈએ, બીજાના વિચારો પણ સ્વીકારવા જોઈએ આપણા સ્વભાવને આ આદત કેળવવાવી એ આપણા વ્યક્તિત્વમાં પૂર્ણતા ઉમેરવા અતિઆવશ્યક છે. આ વાતને પચાવવી અતિજરૂરી બની જાય છે.
ઉદાહરણ (10) : બાથ ભરી ભેટયા થકી કરીએ નહિ વિશ્વાસ ફોફળને લઈ બાથમાં સૂડી કરે વિનાશ
અર્થ :
પ્રસ્તુત પંક્તિ પ્રમાણે આ દુનિયાભરમાં કોઈ આપણા પર અસીમ પ્રેમ ભલે વરસાવે, પણ એના પર વિશ્વાસ કરતા પહેલાં બે વાર વિચારવું જોઈએ. આ વાતને સમજાવવા માટે કવિએ સૂડી અને સોપારીના સંબંધને મૂકી આપ્યો છે.
સમજૂતી :
કહેવાય છે કે, ‘આ દુનિયા વિશ્વાસથી ચાલે છે.’ આમ છતાં, એ પણ સ્વીકારીને જ જીવવું જોઈએ કે, ‘કોઈના પર વિશ્વાસ કરતાં પહેલાં હજાર વાર વિચારવું જોઈએ જ’. ઉપર્યુક્ત વિચારવિસ્તારમાં સૂડી અને સોપારીનું ઉદાહરણ આપીને કવિએ કહ્યું છે કે, આપણા જીવનમાં ક્યારેય કોઈ અત્યંત નિકટ થાય ત્યારે ખરેખર ચેતવું જોઈએ જ. ક્યારેક આપણને નિકટતા આપી આપણને હાનિ પહોંચાડવાનો હેતુ પણ એનો હોઈ શકે છે. હંમેશાં બધાય હસતાં લોકો આપણા મિત્ર જ હોય એવું બનતું નથી.
પ્રસ્તુત વિચારવિસ્તારમાંની બે પંક્તિમાંથી પહેલી પંક્તિ શિખામણરૂપ છે, જ્યારે બીજી પંક્તિ એ સલાહને સાચી પાડતી ઉદાહરણરૂપ છે. સૂડી સોપારીના બે કટકા કરતાં પહેલાં તેને ભેટતી હોય તે રીતે નજીક આવે છે, પણ બાથ ભરીને અત્યંત પ્રેમ દર્શાવતી હોય એમ આલિંગન આપે છે અને અંતે એનો વિનાશ કરે છે. અર્થાત્ કહેવાયું છે, ‘અતિ સર્વત્ર વજ્ર્યતે’
બસ તે જ ન્યાયે વધુ પડતો પ્રેમ પણ હાનિકારક હોય છે. કોઈ સંબંધ, જે આપણા નિકટનો નથી છતાંય અત્યંત નિકટનો બનવા જાય છે, ત્યારે ખરેખર ચેતવું જરૂરી બની જાય છે.
મહાભારતનું યુદ્ધ આ પંક્તિના ઉદાહરણરૂપ જાણે લાગે ! યુધિષ્ઠિરને લાગણીના વહેણમાં ડુબાડી દુર્યોધને કપટ મનમાં રાખી ભાઈબંધુ બનીને જુગટું રમવા પ્રેરિત કર્યા. યુધિષ્ઠિર આ કપટ ના સમજી શક્યા અને પછી જે પણ થયું એના માટે સમગ્ર ઇતિહાસ સાબિતી પૂરે છે.
ઉપસંહાર :
ટૂંકમાં, સાંસારિક જીવનમાં વિશ્વાસુ કોણ અને વિશ્વાસઘાતી કોણ એની સમજ કેળવવી જ રહી. અતિવિશ્વાસ મૂકીને આપણે ખુદ આપણા જ નુકસાનકર્તા બની ના જઈએ એ માટે સાવચેત રહેવું જોઈએ.