પ્રસ્તાવના
કેળવણી એ શિક્ષક અને શિષ્ય વચ્ચેની એક જીવંત અને વર્ષો જૂની પ્રક્રિયા છે. એ પ્રક્રિયાના પરિપાકરૂપે અધ્યેતામાં આપણે ઈચ્છિત પરિવર્તન લાવવા ઇચ્છીએ છીએ. તેથી જ કેટલાક કેળવણીકારો “કેળવણી એટલે અધ્યેતાના વર્તનમાં પરિવર્તન લાવવાની એક પ્રક્રિયા છે” એવો અર્થ ઘટાવે છે .અધ્યેતા પાસે જે માહિતી શાળામાં પ્રવેશ કરતાં પહેલાં ન હતી તે તેની પાસે શાળાજીવનના અંતે હોવી જરૂરી છે. તે જ પ્રમાણે શાળાંતે તેનામાં નવી સમજ, કૌશલ્યો, શક્તિઓ, વલણ અને અભિરુચિ પેદા થવાં જોઇએ. શાળા આ પ્રકારનાં પરિવર્તનો પોતાના શૈક્ષણિક કાર્યક્રમો) Educational programme (દ્વારા કે અભ્યાસક્રમ દ્વારા લાવવા માગે છે. તેથી આ બધાને શૈક્ષણિક હેતુઓ કહી શકાય. આ શૈક્ષણિક હેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા છે તે નક્કી કરવાની પ્રક્રિયાને મૂલ્યાંકન કહે છે. જે અંગેની સમજ શિક્ષણવ્યવહાર અને અધ્યાપન કૌશલ્યોમાં મેળવી. શિક્ષણવ્યવહાર અને અધ્યાપન કૌશલ્યોમાં આ બાબતે મૂલ્યાંકનની સંકલ્પના, મૂલ્યાંકન પ્રક્રિયાનાં લક્ષણો, મૂલ્યાંકનના પ્રકાર, શિક્ષકની ભૂમિકા જેવા મુદ્દાઓ સમાવિષ્ટ હતા પ્રસ્તુત પ્રકરણમાં મૂલ્યાંકનની પ્રવિધિઓ વિષયક સમજ મેળવીશુ.
ઉદ્દેશો અને અધ્યયન નિષ્પત્તિઓ (Objectives & Learning outcomes)