પ્રસ્તાવના
વર્ગવ્યવહારને અસરકારક બનાવવા માટે કેટલીક પાયાની બાબતોની સમજ કેળવવી જરૂરી બને છે. વર્ગખંડ અધ્યાપન આયોજનમાં હેતુઓના નિર્ધારણ બાદ શિક્ષક તરીકે હેતુઓની સફળ સિદ્ધિ માટે જે અગત્યની બાબતોનો વિચાર કરવાનો હોય છે તે છે વિષયવસ્તુને અનુરૂપ યોગ્ય અધ્યાપન પદ્ધતિઓ (Methods), અધ્યાપન પ્રવિધિઓ (Techniques), અધ્યાપન પ્રયુક્તિઓ (Strategies) તેમજ અધ્યાપન પ્રવૃત્તિઓ (Activities)નો ઉપયોગ. શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં આ તમામ બાબતોનો વિશિષ્ટ અર્થ છે અને તેની યોગ્ય સમજ એક શિક્ષક તરીકે વિકસાવવી ખૂબ જરૂરી બને છે. શિક્ષણની સામાન્ય અને વિષય સંબંધિત વિશિષ્ટ અધ્યાપન પ્રવિધિઓની સમજ પ્રાપ્ત કરવી તથા તેનો વર્ગખંડ શિક્ષણમાં અસરકારક ઉપયોગ કરવાનું કૌશલ્ય પ્રાપ્ત થાય એ પણ શિક્ષક માટે અત્યંત જરૂરી બને છે. સાથોસાથ શિક્ષણકાર્ય દરમ્યાન કેટલીક ચોક્કસ બાબતોનું પાલન કરવાથી અસરકારક વર્ગવ્યવહાર સુનિશ્ચિત કરી શકાય છે.આ વિવિધ બાબતો પૈકી અધ્યાપન કાર્યને વધુ સુઆયોજિત કરવા માટે ખૂબ ઉપકારક બની શકે છે તે છે અધ્યાપન સૂત્રો (Maxims of Teaching). સમગ્ર પ્રકરણ અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાને વધુ પુષ્ટ કરવામાં તેમજ વર્ગવ્યવહારને વધુ અસરકારક બનાવે તેવી જરૂરી એવી તમામ શૈક્ષણિક સંકલ્પનાઓથી આપણે પરિચિત થઈશું.
{getToc} $title={Table of Contents} $count={Boolean}
અધ્યાપનના ઉદ્દેશો
આ એકમનો અભ્યાસ કર્યા બાદ તમે નીચે જણાવેલ મુદ્દાઓ માટે સમર્થ બનશો.
1. અધ્યાપન સૂત્રોની સંકલ્પનાથી પરિચિત થશો.
2. અધ્યાપન પદ્ધતિ, પ્રવિધિ અને પ્રયુક્તિ વચ્ચેનો ભેદ તારવશો.
૩. વિવિધ અધ્યાપન પ્રવિધિઓથી પરિચિત થશો.
4. વિવિધ અધ્યયન પ્રવિધિઓથી પરિચિત થશો.
2.3 અધ્યયન મુદ્દાઓ
અધ્યાપન સૂત્રોની સંકલ્પના
અસરકારક વર્ગવ્યવહાર માટે અધ્યાપન સૂત્રોનું મહત્વ
વિવિધ અધ્યાપન સૂત્રોની ઉદાહરણ સહિત વિસ્તૃત સમજ
અધ્યાપન પદ્ધતિ, પ્રવિધિ અને પ્રયુક્તિ વચ્ચેનો ભેદ
વિવિધ અધ્યાપન પ્રવિધિઓનો પરિચય
વિવિધ અધ્યયન પ્રવિધિઓનો પરિચય
2.4 અધ્યાપન સૂત્રો (Maxims of Teaching)
અધ્યાપન સૂત્રોની સંકલ્પના
વર્ગખંડમાં અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષકને ઘણા બધાં સારા-નરસા અનુભવો પ્રાપ્ત થાય છે. આ અનુભવો અંગે વિચારણા કરી શિક્ષક સમુદાયની ભાવિ પેઢીને માર્ગદર્શન મળે તે માટે અધ્યાપન કાર્ય અંગે કેટલાંક સત્યો કે તથ્યો તારવવાના પ્રયત્નો થયા. આ સત્યોને સૂત્રાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા. આમ, અનુભવ અને વિચારણામાંથી તારવવામાં આવેલાં સામાન્યીકરણો જે સૂત્રાત્મક રીતે રજૂ થયાં તેને અધ્યાપનના સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. અધ્યાપનનાં સૂત્રો એ વર્ષોના શિક્ષણ કાર્યના અનુભવોનો પરિપાક છે. આપણા વ્યવહારુ જીવનમાં જે રીતે કહેવતો અને રૂઢિપ્રયોગો ઉપકારક સાબિત થયાં છે તે જ રીતે આ શિક્ષણનાં સૂત્રો અધ્યાપન કાર્યના માર્ગદર્શક આધારસ્તંભો પૂરવાર થયાં છે. શિક્ષક અનાયાસે પણ વર્ગ અધ્યાપનમાં આ સૂત્રોનો ઉપયોગ કરે છે.
અધ્યાપનના સૂત્રોની વાત સૌપ્રથમ હર્બર્ટ સ્પેન્સરે તેમના ‘એજ્યુકેશન’નામનાં પુસ્તકમાં કરી હતી. ત્યારબાદ ડૉ. વેલ્ટને આ સૂત્રોને સ્પષ્ટ કરી વ્યાપક બનાવ્યા.
અધ્યાપન સૂત્રોનો અર્થ:
અધ્યાપન દરમિયાન શિક્ષકને થયેલા અનુભવો, શિક્ષણ વ્યવહારનું અવલોકન અને તે અંગેના ચિંતનના પરિણામે તારવવામાં આવેલ વર્ગવ્યવહારને લગતાં સામાન્યીકરણો એટલે અધ્યાપનનાં સૂત્રો.
અધ્યાપનનાં સૂત્રો એ વૈજ્ઞાનિક ઢબે પ્રયોગો દ્વારા શોધાયેલા નિયમો કે સિદ્ધાંત નથી, પરંતુ અનુભવ, વિચાર અને નિરીક્ષણની નીપજ છે.
કેળવણીકારોના અનુભવ અને વિચારોમાંથી તારવેલા સામાન્યીકરણો એટલે અધ્યાપન સૂત્રો.
અધ્યાપન સૂત્રની વ્યાખ્યા:
શિક્ષણનાં સૂત્રો અધ્યાપન પદ્ધતિના ગૌણ સિદ્ધાંતો છે. શિક્ષક પોતાના અધ્યાપનની સફળતા માટે તેનો ઉપયોગ કરી શકે છે. સફળ અધ્યાપન માટે તે માર્ગદર્શક સ્તંભો છે. તે એવાં તથ્યોની સંહિતા છે, જે પૂરતા સન્માનને યોગ્ય છે.
-ડૉ. જે. વેલ્ટન
અધ્યાપન સૂત્રોનું મહત્ત્વ:
અધ્યાપનનાં સૂત્રોનો અધ્યાપનમાં ઉપયોગ વિષયવસ્તુની અસરકારક રજૂઆત કરવામાં શિક્ષકને સહાયક બને છે તેમજ તે વિષયવસ્તુને સરળતાથી ગ્રહણ કરવામાં વિદ્યાર્થીઓ માટે ઉપકારક બની રહે છે. આ ફાયદો જોતા અધ્યાપનનાં સૂત્રોનું મહત્વ સ્વયં સ્પષ્ટ છે.
શિક્ષકને પાઠ આયોજનમાં વિશેષ રીતે ઉપકારક બને છે. વિષયવસ્તુની પસંદગી, ગોઠવણી અને તેની રજૂઆતની ક્રમબદ્ધતા નકકી કરવામાં મદદરૂપ બને છે.
વિદ્યાર્થીઓની વયકક્ષા મુજબ જિજ્ઞાસા અને જરૂરિયાત અનુસાર વર્ગવ્યવહાર પસંદ કરી શકાય છે.
અધ્યાપન કાર્ય ગુણવત્તાસભર, અસરકારક, પરિણામલક્ષી અને ધ્યેયલક્ષી બને છે.
વિષયવસ્તુ અને હેતુ આધારિત વિવિધ અધ્યાપન પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, પ્રવિધિઓ, સાધનસામગ્રીની પસંદગી અને તેના અસરકારક અમલીકરણ માટેનું માર્ગદર્શન શિક્ષકને પ્રાપ્ત થાય છે.
અસરકારક વર્ગવ્યવહાર માટે જરૂરી તૈયારી અંગેની સૂઝ શિક્ષકમાં વિકસાવવા માટે ઉપયોગી બને છે.
વિભિન્ન અધ્યયન શૈલી ધરાવતા વિદ્યાર્થીઓની જરૂરિયાતને સંતોષે છે.
અધ્યાપન સૂત્રોનું અસરકારક પાલન શિક્ષકનો આત્મવિશ્વાસ વધારે છે અને અધ્યેતાકેન્દ્રી શિક્ષણ આપવામાં નિર્ણાયક બને છે.
અધ્યાપન સૂત્રોના ઉપયોગથી શીખનારની તત્પરતા અને તેની વર્ગખંડમાં સહભાગીદારીતા અને રસ વધારી શકાય છે.
અધ્યાપનની પશ્ચાદભૂમિમાં રહેલ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાની સમજ માટે અધ્યાપન સૂત્રો ઉપકારક બને છે.
અધ્યાપન સૂત્રોને લગતા કેટલાક પ્રશ્નો:
નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
1. અધ્યાપન સૂત્રો એ શાની નીપજ છે ?
a. વૈજ્ઞાનિક પ્રયોગોની નીપજ છે.
b. અનુભવની નીપજ છે.
c. બંનેની નીપજ છે.
2. અધ્યાપન સૂત્રો એ શું છે ?
a. નિયમો છે.
b. માર્ગદર્શક સિદ્ધાંતો છે.
c. સિદ્ધાંતો છે.
3. અધ્યાપન સૂત્રોની વિચારણા વિશેષ રીતે કઈ બાબતમાં ઉપકારક બને છે ?
a. અધ્યાપન આયોજનમાં
b. વર્ગવ્યવહારમાં
c. બંનેમાં
4. અધ્યાપન સૂત્રોની તારવણીમાં વધુ યોગદાન કઈ બાબતનું છે?
a. નિરીક્ષણ
b. અનુભવ
c. અનુભવ અને નિરીક્ષણ
5. અધ્યાપન સૂત્રોનો પાયો કેવો છે ?
a. સામાજિક
b. મનોવૈજ્ઞાનિક
c. તાત્વિક
6. અધ્યાપન સૂત્રોના ઉપયોગથી શું વધે છે ?
a. શીખનારની અધ્યયન માટેની તત્પરતા
b. શીખનારનું અધ્યયનમાં ધ્યાન
c. શીખનારનું અધ્યયન માટેનું વલણ
વિવિધ અધ્યાપન સૂત્રો:
વિવિધ અધ્યાપન સૂત્રોની સમજૂતી નીચે મુજબ છે.:
(1) સરળ પરથી કઠિન અથવા જટિલ તરફ
શિક્ષણનો મનોવૈજ્ઞાનિક નિયમ એ છે કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ સરળ બાબત પ્રથમ શીખે છે અને ત્યાર પછી તે ક્રમશઃ અધ્યયનના અનુભવે કઠિન અથવા જટિલ બાબત શીખે છે. અભ્યાસક્રમની જે બાબતોને ગ્રહણ કરવામાં માનસિક પ્રક્રિયા ઓછી કરવી પડતી હોય તે સરળ ગણાય, જયારે અભ્યાસક્રમની જે બાબતોને ગ્રહણ કરવામાં ઉચ્ચસ્તરીય માનસિક પ્રક્રિયા કરવી પડતી હોય તે કઠિન અથવા જટિલ મુદ્દો છે. શિક્ષકે વિદ્યાર્થીઓને અધ્યયન અનુભવો પૂરા પાડતી વખતે ક્રમિક રીતે સરળ પરથી કઠિન કે સંકુલ તરફ જવું જોઈએ.
વિદ્યાર્થીઓ અધ્યયન અનુભવો પૂરા પાડતી વખતે અધ્યયન મુદ્દાઓના કઠિનતાના ક્રમને ધ્યાનમાં લે છે. અધ્યાપન મુદ્દાઓની રજૂઆત સરળ પરથી કઠિન તરફ લઈ જવાથી,
વિદ્યાર્થીઓમાં આનંદ, ઉત્સાહ અને તત્પરતા જળવાઈ રહે છે.
વિદ્યાર્થીની શક્તિમર્યાદાને ન્યાય મળે છે અને ધીમે ધીમે કઠિન બાબતો આત્મસભર કરે છે.
શિક્ષક ઓછી મહેનતે સારું કામ કરી શકે છે.
વિદ્યાર્થીઓ અભ્યાસ તરફ હકારાત્મક વલણ કેળવતા થાય છે.
આ રીતે અધ્યાપન કાર્ય સરળ, રોચક અને અર્થપૂર્ણ બને છે.
વિદ્યાર્થીઓની સમજશક્તિ વિકસે છે પરિણામે વિવિધ હેતુઓ સિદ્ધ થાય છે.
શિક્ષકે વિદ્યાર્થીઓના માનસિક સ્તર અને વય કક્ષાને ધ્યાનમાં રાખી તેઓને કઈ કઈ બાબતો કઠિન અથવા સંકુલ લાગશે તેનો ખ્યાલ રાખવો.
ઉદાહરણ તરીકે…
શિક્ષકે ગણિત વિષયમાં વિદ્યાર્થીઓને સરવાળા બાદબાકી શીખવતી વખતે શરૂઆતમાં વદ્દી વગરનાં સરળ ઉદાહરણો રજૂ કર્યા પછી વદ્દીવાળા સરવાળા-શીખવવા. બાદબાકી શીખવતી વખતે શરૂઆતમાં સાદી બાદબાકીની પ્રક્રિયા કરાવી પછીથી દશકો લેવો પડે તેવા દાખલા શીખવવા. તેવી જ રીતે ગણિત વિષયના ભૂમિતિના અધ્યાપન વખતે ઘરની વિવિધ વસ્તુઓના આકારો પરથી ચોરસ, લંબચોરસ અને વર્તુળ જેવા આકારોનો ખ્યાલ સ્પષ્ટ કરી શકાય. એ જ રીતે સંખ્યાની સ્થાનકિંમત સમજાવતાં પહેલાં વિદ્યાર્થીઓને એકમ, દશક, સો, હજાર અને દસ હજારના સ્થાનની સમજ શિક્ષકે આપવી.
ગુજરાતીમાં શિક્ષક શબ્દલેખન શીખવવા માંગે ત્યારે શરૂઆતમાં માત્રા વગરના શબ્દથી લેખનની શરૂઆત કરવી જોઈએ. ત્યાર પછી માત્રાવાળા શબ્દો, પછી જોડણીવાળા શબ્દો ક્રમશઃ આગળ વધારી શકાય, જેમ કે રમ-રામ-રામજી-રામજીભાઈ. તે જ પ્રમાણે શરૂઆતમાં ટૂંકા તથા સાદાં વાક્યો રજૂ કર્યા પછી સંયુક્ત વાક્યની સમજ આપવી. પર્યાવરણ વિષયમાં શાહીની ટોટી પરથી ટપક સિંચાઈ પદ્ધતિની સમજ આપી શકાય. સૂર્ય ઊગે-આથમે અને ફરીથી ઊગે છે. જેવી ક્રિયાઓના આધારે દિવસનો ખ્યાલ સ્પષ્ટ કરી શકાય. ફુગ્ગો ફુલાવીને હવા જગ્યા રોકે છે તેનો પ્રયોગ બતાવી શકાય. આમ, શિક્ષકે પોતાના રોજિંદા જીવનમાંથી ઉદાહરણો આપી બાળકોને સરળ બાબતો પરથી કઠિન બાબતો પર લઈ જવા.
(2) જ્ઞાત પરથી અજ્ઞાત તરફ
શીખવાની પ્રક્રિયાની એક વિશેષતા એ છે કે વ્યક્તિ હંમેશાં પોતાના પૂર્વ અનુભવના આધારે નવા અનુભવો ગ્રહણ કરવા પ્રયાસ કરે છે. પૂર્વજ્ઞાન પાયો છે, જ્યારે નવું જ્ઞાન ઈમારત છે. માટે જ જ્ઞાતના પાયા ઉપર અજ્ઞાતની નવી ઈમારત ચણવી જોઈએ.
વિદ્યાર્થી જે જાણતો હોય તેનો આધાર લઈને નવા જ્ઞાનની રજૂઆત કરવાથી અધ્યાપન કાર્ય સરળ અને સફળતાપૂર્વક થઈ શકે છે. શિક્ષકે વિદ્યાર્થીના પૂર્વજ્ઞાન અને નવા જ્ઞાન વચ્ચે સાંકળ બાંધવાની છે. નવું જ્ઞાન શીખવતી વખતે શિક્ષકે વિદ્યાર્થીના સંબંધિત પૂર્વ અનુભવોને ધ્યાનમાં રાખવા. વિદ્યાર્થી જે બાબતથી જ્ઞાત હોય તે પ્રથમ રજૂ કરવાથી તેને સરળ લાગે છે. પરિણામે વર્ગચર્ચામાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે છે.
નાનાં બાળકોનું અનુભવ ક્ષેત્ર એના ઘરથી શરૂ થઈ છેક વિશ્વ સુધી વિસ્તરે છે. જ્ઞાનનો આરંભ હંમેશાં પરિચિત પ્રસંગો, ઘટના, બાબત, શબ્દો દ્વારા થાય, એના આધારે જ અપરિચિત અને અજ્ઞાત બાબતોનું જ્ઞાન ગ્રહણ થાય છે. આથી, શિક્ષકે અધ્યાપનનો પ્રારંભ પૂર્વજ્ઞાનના આધારે કરવો જોઈએ અને વિદ્યાર્થીઓને અજ્ઞાત મુદ્દા શીખવવા તરફ દોરી જવા. શિક્ષક આ સૂત્રની મદદથી શૈક્ષણિક અનુભવો પૂરા પાડે તો,
વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય,
વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ લેતા કરી શકાય.
વિદ્યાર્થીઓને અધ્યયન સરળ લાગે છે તેઓનો ઉત્સાહ વધે છે અને અધ્યયનની તત્પરતા વધે छे.
વિદ્યાર્થીઓને નવીન વિષયવસ્તુનું જ્ઞાન વધુ અર્થસભર અને સ્પષ્ટ લાગે છે.
અધ્યાપનના હેતુઓને સિદ્ધ કરવામાં સરળતા રહે.
ઉદાહરણો
ગણિત વિષયમાં રકમના સરવાળા પરથી આંક, ઘડિયા અને ગુણાકારની સમજ આપવી જોઈએ. સ્વનિર્મિત ત્રાજવાં, પથ્થર, લખોટી અને મણકાનાં આધારે પદાર્થના વજનનો ખ્યાલ આપવો. વેંત, પગલાં, લાકડીના આધારે વસ્તુની લંબાઈની સમજ આપી શકાય. રોજિંદા અનુભવોના આધારે ગુંજાશની સમજ આપવી. ઘરની દિશાઓ, ગામનાં વિવિધ સ્થળોની દિશાઓનો આધાર લઈ પર્યાવરણ વિષયમાં દિશાઓની ઓળખની સમજ આપી શકાય. વિવિધ ધાર્મિક તહેવારોની ઊજવણી પરથી આઝાદીનો તહેવાર (15મી ઓગષ્ટ) સમજાવી શકાય. વિવિધ વ્યવસાય કરતી વ્યક્તિઓનાં નામો મેળવીને આપણા સેવકો તથા વિવિધ વ્યવસાયોની સમજ આપી શકાય. ઈતિહાસ જેવા વિષયમાં તાજમહેલનું ચિત્ર બતાવી શાહજહાં વિશે શીખવી શકાય. ભૂગોળમાં ભમરડાની ગતિ પરથી પૃથ્વીની ગતિ વિશે શીખવી શકાય. બાળકોના અનુભવના આધારે વિવિધ ઋતુઓ તથા વર્ષના મહિનાનાં નામ શીખવવામાં સરળતા રહે છે.
(3) મૂર્ત પરથી અમૂર્ત તરફ
જે બાબત કે વસ્તુ જોઈ શકાય, જાણી શકાય, સ્પર્શ કરી શકાય તેવી બાબત કે વસ્તુને મૂર્ત કહેવામાં આવે છે. મૂર્ત એટલે પ્રત્યક્ષ. જે વિચાર, સંવેદના કે ભાવને પ્રત્યક્ષ રીતે જોઈ કે સ્પર્શી શકાતા નથીઃ પરંતુ માત્ર માનસિક સ્તરે અનુભવી શકાય છે તે અમૂર્ત કહેવાય છે. અમૂર્ત એટલે પરોક્ષ. દા.ત., પાણીનું ઉકળવું એ મૂર્ત છે, જ્યારે પાણીનું વરાળમાં રૂપાંતર એ અમૂર્ત છે.
હર્બર્ટ સ્પેન્સર કહે છે કે પાઠનો આરંભ મૂર્તથી કરવો અને સમાપ્તિ અમૂર્તમાં થવી. આથી શિક્ષકે મૂર્ત પરથી અમૂર્ત તરફ જવા માટે શરૂઆતમાં શૈક્ષણિક-સાધનસામગ્રીની મદદથી પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડવા. પરિણામે વિદ્યાર્થીઓમાં કેટલાક પાયાના ખ્યાલો સ્પષ્ટ થાય છે અને અમૂર્ત ખ્યાલોનું ઘડતર શક્ય બને છે. આમ, આ સૂત્રની મદદથી વિદ્યાર્થી પ્રથમ સંવેદન અનુભવે છે પછી પ્રત્યક્ષીકરણ અને ખ્યાલોના ઘડતર દ્વારા તેનામાં હેતુઓની સમજ વિકસે છે. વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ જ્ઞાન જેટલું સમૃદ્ધ અને વિશાળ તેટલી પરોક્ષ જ્ઞાનની કલ્પના સરળ. આ સૂત્રો
વિદ્યાર્થીઓમાં કોઈ બાબત કે ખ્યાલના સ્પષ્ટીકરણ માટે ઉપયોગી થાય છે.
વિદ્યાર્થીઓની અમૂર્ત વિચારશકિત ખીલવવામાં મદદરૂપ બને છે.
વિદ્યાર્થીઓ જ્ઞાનનો વ્યાવહારિક ઉપયોગ કરવાની ક્ષમતા સિદ્ધ કરે છે.
મૂલ્યો, ભાવો ઈત્યાદિની સમજ વિકસાવવામાં ખૂબ જ ઉપયોગી છે.
ઉદાહરણો
વિવિધ ફૂલો બતાવીને તેની સુગંધ અને આંતરિક રચનાની સમજ આપી શકાય. ગામમાં આવેલાં વિવિધ સ્થળોનું ચિત્ર બતાવીને દિશાનો ખ્યાલ સ્પષ્ટ કરી શકાય. બાળક અહિંસા જેવા અમૂર્ત વિચારને સમજી શકે નહિ તે માટે શિક્ષકે ગાંધીજી, અશોક, બુદ્ધ, મહાવીર વગેરેના જીવનપ્રસંગો રજૂ કરવા જોઈએ જ્યારે આ મહાન પુરુષો વિશે એ સમજશે ત્યાર પછી અહિંસા એટલે શું તેની સમજણ પ્રાપ્ત થશે.
એવી જ રીતે ગણિત વિષયમાં 3+2=5 એ અમૂર્ત સંકલ્પના આપવા કરતાં પહેલાં 3 લખોટી કે મણકા રજૂ કરી તેમાં બે લખોટી કે મણકા ઉમેરી પૂછીએ કે હવે કેટલા થયા તો તે અનુભવ કર્યા બાદ પાંચ લખોટી કે મણકા કહેશે. આ વાત મૂર્ત ઉદાહરણો પરથી 3+2=5 થાય છે કે 5-2=3 થાય એ બાળક સમજી શકશે.
(4) પૃથક્કરણ પરથી સંયોગીકરણ તરફ
આ સૂત્રને “વિશ્લેષણ પરથી સંશ્લેષણ તરફ જવું” તરીકે પણ ઓળખાય છે. પૃથક્કરણ એટલે પૂર્ણનું અંશોમાં વિભાજન કરવું અને સંયોજન એટલે અંશોને ભેગા કરી પૂર્ણરૂપ આપવું તે. વિદ્યાર્થી પોતાની રીતે કોઈ પણ વિષયમાં પ્રયોગ કરી કે ઉદાહરણો તપાસીને ગુણધર્મ, સામાન્ય સત્ય, નિયમ કે સિદ્ધાંતની તારવણી કરે છે ત્યારે પૃથક્કરણ પરથી સંયોગીકરણના સૂત્રનો ઉપયોગ કર્યો કહેવાય. આ સૂત્રના ઉપયોગના પરિણામે
વિદ્યાર્થીઓનું નવું જ્ઞાન નિશ્ચિત, સ્પષ્ટ અને ચોક્કસ બને છે.
વિદ્યાર્થીઓ જ્ઞાનપ્રાપ્તિ માટે ગોખણપટ્ટી જેવી અનિચ્છનીય રીતનો ઉપયોગ કરતાં અટકે છે.
વિદ્યાર્થીઓ માહિતીનું જાતે વિભાજન કરી ઉકેલ મેળવતાં શીખે છે. આમ, તેમને સ્વતંત્ર રીતે સમસ્યા ઉકેલતાં આવડે છે.
વિદ્યાર્થીઓમાં નવું નવું જ્ઞાન શોધવાનું વલણ વિકસે છે.
સ્વ-અધ્યયન માટે આ સૂત્ર ખૂબ જ ઉપયોગી છે.
ઉદાહરણો
શિક્ષકે ગણિત વિષયમાં ક્ષેત્રફળનો ખ્યાલ સ્પષ્ટ કરવા જુદા જુદા ચોરસ તથા લંબચોરસની લંબાઈ- પહોળાઈનાં માપો શોધી તેનાં ગુણાકારને આધારે પરિણામ મેળવવું. દા.ત., ગણિત વિષયમાં સરવાળા માટે વિદ્યાર્થીઓમાં લખોટીઓ કે નાના મણકા વહેંચી પ્રશ્નનોત્તર કરી સરવાળાનો ખ્યાલ આપી શકાય. જેમ કે, મહેશ તારી પાસે કેટલી લખોટી છે ? મનુ તારી પાસે કેટલી લખોટી છે? બંનેની ભેગી લખોટીઓ કેટલી થઈ?
ત્રિકોણનાં ત્રણે ખૂણાનાં માપનો સરવાળો 180° થાય તેનો ખ્યાલ સ્પષ્ટ કરવા ત્રિકોણના દરેક ખૂણાનાં માપ વિદ્યાર્થીઓ પાસેથી મેળવવા. ત્યારબાદ ત્રણે ખૂણાઓનાં માપનાં સરવાળો કરી પરિણામ મેળવીને ખાતરી કરાવવી. ક્ષેત્રફળનો ખ્યાલ સ્પષ્ટ કરવા વિવિધ ચોરસ-લંબચોરસની લંબાઈ-પહોળાઈનાં માપો શોધી તેના ગુણાકારના આધારે પરિણામ મેળવવું.
(5) આગમન પરથી નિગમન તરફ
અધ્યાપન કાર્યની શરૂઆતમાં જુદાં જુદાં માધ્યમ દ્વારા વિવિધ ઉદાહરણો કે દ્રષ્ટાંતો રજૂ કરી તેના આધારે નિયમ તારવે, વ્યાખ્યા બાંધે અને સામાન્યીકરણ કરે છે, ત્યારે આગમન પરથી નિગમન તરફના સૂત્રનો ઉપયોગ થયો છે એમ કહી શકાય. વિવિધ ઉદાહરણો દ્વારા સિદ્ધાંતનું નિરૂપણ કરવામાં આવે છે. નિગમન પદ્ધતિમાં આનાથી ઊલટું થાય છે. આ પદ્ધતિમાં નિયમ કે વ્યાખ્યાની રજૂઆત પહેલાં કરવામાં આવે છે અને પછી ઉદાહરણોની રજૂઆત કરવામાં આવે છે. આ સૂત્રની મદદથી…
વિદ્યાર્થીઓ સ્વાનુભવે જ્ઞાન પ્રાપ્ત કરે છે.
વિદ્યાર્થીઓમાં સિદ્ધાંત, નિયમ અને વ્યાખ્યા વિશેની સાચી સમજ સરળતાથી વિકસે છે.
વિદ્યાર્થીઓ સક્રિય અને ક્રિયાશીલ બને છે અને તેઓના જ્ઞાનનું દૃઢીકરણ થાય છે.
વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલ જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે.
વિદ્યાર્થીઓની તર્કશક્તિમાં વધારો થાય છે તેમજ તેઓમાં ચિંતન, ચોકસાઈ અને એકાગ્રતા જેવા ગુણોનો વિકાસ થાય છે.
ઉદાહરણો
ભાષાશિક્ષણમાં વ્યાકરણના અને જોડણીના નિયમોની તારવણી માટે પ્રથમ વિવિધ ઉદાહરણોની રજૂઆત કરવી. દરેક ઉદાહરણમાંથી સામાન્ય બાબત મેળવી નિયમ સ્પષ્ટ કરી શકાય. દા.ત, બાળકો પાસે મનપસંદ ત્રિકોણો દોરાવવા. દરેક ખૂણાનાં માપનો સરવાળો 180° થાય. આ પરથી સામાન્ય નિયમ તારવી શકાય કે ત્રિકોણના ત્રણે ખૂણાનાં માપનો સરવાળો 180° થાય છે. આ આગમન પદ્ધતિ કહેવાય.
વિજ્ઞાન જેવા વિષયમાં પદાર્થનાં વિવિધ સ્વરૂપોની સમજ વિકસાવવા ઉદાહરણોનો ઉપયોગ કરી શકાય. પાલતુ પ્રાણીઓની સમજ માટે વિવિધ ઉદાહરણો આપી શકાય. પશુ-પંખીના રહેઠાણનો ખ્યાલ આપવા શાબ્દિક-અશાબ્દિક ઉદાહરણોની રજૂઆત કરી શકાય, ગણિત વિષયમાં અપૂર્ણાંક, ગુંજાશ, ક્ષેત્રફળ, સપાટી અને ધાર વગેરેની સમજ સ્પષ્ટ કરી શકાય.
(6) પૂર્ણથી ખંડ તરફ
મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આ સૂત્રનું મહત્વ સમજવા યોગ્ય છે. આ સૂત્ર ગેસ્ટાલ્ટના સમષ્ટિવાદના સિદ્ધાંત પર આધારિત છે. તેની વિચારધારા અનુસાર વ્યક્તિ કોઈ પણ વસ્તુને પ્રથમ તેના સમગ્ર સ્વરૂપને જુએ છે. પછી જ વ્યક્તિની દૃષ્ટિ તેના જુદા જુદા ભાગો પર જાય છે. સમગ્રનો અભિગમ ખંડના અભિગમ કરતાં વધુ સારો છે. આથી વિદ્યાર્થીઓની દૃષ્ટિએ સમગ્ર કે સંપૂર્ણ શું છે તેનો શિક્ષકે હંમેશાં ખ્યાલ રાખવો. વિદ્યાર્થીની શક્તિ પ્રમાણે શિક્ષકે સમગ્રનો પરિચય કરાવવો. સમગ્ર વધુ અર્થપૂર્ણ છે. કોઈ પણ વ્યક્તિને સમગ્ર કે સંપૂર્ણનો પરિચય થતાં, તે તેની ભવ્યતાનો આનંદ અનુભવે છે કારણ કે તે શીખવાની વસ્તુના બધાં જ અંગો વચ્ચેનો પારસ્પરિક સંબંધ જોઈ શકે છે. શિક્ષક આ અધ્યાપન સૂત્રને ધ્યાનમાં લેવાથી….
વિદ્યાર્થીઓને વિષયવસ્તુના એકમની સમગ્રતાનો ખ્યાલ આવે છે.
વિદ્યાર્થીઓ વિષયવસ્તુને બહોળા પરિપ્રેક્ષ્ય (Larger Perspective) માં મૂલવતાં થાય છે.
વિદ્યાર્થીઓ સમગ્રમાંથી પેટા મુદ્દાઓની તારવણી કરતાં શીખે છે.
ઉદાહરણો
ગણિત વિષયમાં કોઈ એક સંખ્યા રજૂ કર્યા પછી દરેક અંકની સ્થાનકિંમત જણાવવી. દા.ત., 26975 સંખ્યા રજૂ કર્યા પછી 2,6,9,7,5 આ દરેક અંકની સ્થાન કિંમત સમજાવવી. કા.પા. પર ત્રિકોણની રજૂઆત કર્યા પછી તેની ત્રણે બાજુઓ, ત્રણે ખૂણાઓની સમજ આપવી.
ચોરસ અને લંબચોરસના આધારે લંબાઈ અને પહોળાઈનો ખ્યાલ સ્પષ્ટ કરવો. વર્ગખંડમાં બાળકોને રાષ્ટ્રધ્વજ બતાવ્યા પછી તેના વિવિધ રંગો અને ચક્રની સમજ આપવી. અહીં રાષ્ટ્રધ્વજ પૂર્ણનો ખ્યાલ આપે છે. જ્યારે રંગો, ચક્ર તેના ખંડ (ભાગ)નો ખ્યાલ આપે છે.
આપણા શરીરનું ચિત્ર કે મોડેલ બતાવ્યા પછી દરેક અંગની સમજ આપવી. આપણું શરીર પૂર્ણ અને દરેક અંગ તેનો ખંડ (ભાગ) છે. વૃક્ષ અને પછી તેના વિવિધ ભાગોનો ખ્યાલ આપી શકાય. ગામ વિશે માહિતી આપતી વખતે ગામનાં વિવિધ સ્થળોની યાદી તૈયાર કરવી. કાવ્યના શિક્ષણ વખતે પ્રથમ કાવ્યગાન કર્યા પછી દરેક પંક્તિની સમજ આપવી. કાવ્ય એ પૂર્ણ છે અને કાવ્ય પંક્તિ ખંડ છે. ગદ્ય શિક્ષણમાં પણ સમગ્ર પાઠનું વાચન કર્યા પછી તેના મુદ્દાની સમજ આપવી.
વિવિધ અધ્યાપન સૂત્રો પરથી પૂછાતા કેટલાક પ્રશ્નો:
નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
1. સરળ પરથી કઠિન તરફ સૂત્ર શા માટે ઉપયોગી છે?
a. કારણ કે તે વિદ્યાર્થીને સરળ માનસિક પ્રક્રિયાથી ઉચ્ચસ્તરીય માનસિક પ્રક્રિયા તરફ ક્રમશ: દોરી જાય છે.
b. કારણ કે તે વિદ્યાર્થીને ઉચ્ચસ્તરીય માનસિક પ્રક્રિયા તરફ દોરી જાય છે.
c. કારણ કે તેનાથી વિદ્યાર્થીની શીખવાની પ્રક્રિયાને વધારે ગતિ મળે છે
2. પૂર્વજ્ઞાનનું મહત્વ ક્યા અધ્યાપન સૂત્રમાં સવિશેષ સ્વીકારવામાં આવ્યું છે ?
a. સરળ પરથી કઠિન તરફ
b. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ
c. સાદા પરથી સંકુલ તરફ
3. અધ્યયનની પ્રક્રિયામાં તત્પરતા વધારવા કયું અધ્યાપન સૂત્ર સવિશેષ ઉપકારક છે ?
a. મૂર્ત પરથી અમૂર્ત તરફ
b. સરળ પરથી કઠિન તરફ
c. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ
4. ગાણિતિક સંકલ્પનાઓના અધ્યાપનમાં કયું સૂત્ર સવિશેષ ઉપકારક છે?
a. મૂર્ત પરથી અમૂર્ત તરફ
b. સરળ પરથી કઠિન તરફ
c. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ
5. સમસ્યા ઉકેલના કૌશલ્યને વિદ્યાર્થીઓમાં વિકસાવવા માટે કયા અધ્યાપન સૂત્રની સવિશેષ ભૂમિકા રહેલી છે?
a. પૃથક્કરણ પરથી સંયોગીકરણ તરફ
b. આગમન પરથી નિગમન તરફ
c. મૂર્ત પરથી અમૂર્ત તરફ
6. વૈજ્ઞાનિક પ્રયોગોના આધારે સિદ્ધાંતની તારવણીમાં કયા સૂત્રનો ઉપયોગ સારા પરિણામો આપે છે ?
a. પૃથક્કરણ પરથી સંયોગીકરણ તરફ
b. પૂર્ણથી ખંડ તરફ
c. ઉપરોક્ત બંને
7. વ્યાખ્યા વિશેની સરળ સમજ કયા અધ્યાપન સૂત્રના ઉપયોગથી ઝડપથી વિકસે છે ?
a. આગમન પરથી નિગમન તરફ
b. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ
c. મૂર્ત પરથી અમૂર્ત તરફ
8. વિદ્યાર્થીઓમાં તર્કશક્તિનું કૌશલ્ય કયા અધ્યાપન સૂત્રના ઉપયોગથી વિકસે છે ?
a. પૃથક્કરણ પરથી સંયોગીકરણ તરફ
b. આગમન પરથી નિગમન તરફ
c. ઉપરોક્ત બંને
9. કાવ્ય શિક્ષણમાં સામાન્ય રીતે કયા અધ્યાપન સૂત્રનો ઉપયોગ ઈચ્છનીય છે ?
a. આગમન પરથી નિગમન તરફ
b. પૂર્ણથી ખંડ તરફ
c. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ
10. નીચે પૈકી અમૂર્તનું ઉદાહરણ કયું છે ?
a. પ્રેમ
b. પાણી
c.પ્રકાશ
નીચે આપેલા પ્રત્યેક પ્રસંગને વાંચો અને તેના આધારે શિક્ષકે ઉપયોગમાં લીધેલા અધ્યાપન સૂત્રોનું નામ પસંદ કરો :
પ્રસંગ – 1:
સામાજિક વિજ્ઞાન વિષયના એક શિક્ષક વિદ્યાર્થીઓને ‘ભારતની નદીઓ’ વિશે શીખવી રહ્યા છે તે સંદર્ભમાં તેઓએ કેટલાક પ્રશ્નો વિદ્યાર્થીઓને પૂછ્યા જેવા કે આપના વિસ્તારની નદીઓનાં નામ જણાવો. તમે કયારેય તેની મુલાકાત લીધી છે ? નદી સ્થળે તમને શું જોવા મળે છે ?નદી સ્થળે જઈને તમે કઈ પ્રવૃત્તિઓ કરો છો ? ત્યારબાદ શિક્ષક વિદ્યાર્થીઓને ‘ભારતની નદીઓ’ વિશેની વાત કરે છે.
a. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ
b. સરળ પરથી કઠિન તરફ
c. આગમન પરથી નિગમન તરફ
પ્રસંગ – 2:
ધોરણ ૪માં એક શિક્ષિકાબહેન વિદ્યાર્થીઓને ગુણાકાર શીખવી રહ્યાં છે તેઓ વિદ્યાર્થીઓને પ્રથમ એકી સંખ્યાના ગુણાકાર શીખવે છે ત્યારબાદ બેકી સંખ્યાના ગુણાકાર તરફ વિદ્યાર્થીઓને ધીરે ધીરે દોરી જાય છે.
a. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ
b. સરળ પરથી કઠિન તરફ
C. પૂર્ણ તરફથી ખંડ તરફ
પ્રસંગ – 3:
વિજ્ઞાન અને ટેકનોલૉજી શીખવતા એક શિક્ષક વિદ્યાર્થીઓ સમક્ષ નિદર્શન કરી રહ્યા છે. નિદર્શન દરમ્યાન દરેક વસ્તુને હવામાં ઉછાળતાં શું થાય છે તેનું અવલોકન કરવાની સૂચના વિદ્યાર્થીઓને આપી. શિક્ષકે દડો, લખોટી, હાથ રૂમાલ ઈત્યાદિ વસ્તુઓને એક પછી એક ઉછાળી વિદ્યાર્થીઓનાં અવલોકનની ચર્ચા કરી-વિદ્યાર્થીઓને પૃથ્વીનાં ગુરુત્વાકર્ષણ બળની સમજ આપી.
a. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ
b. સરળ પરથી કઠિન તરફ
c. આગમન પરથી નિગમન તરફ
પ્રસંગ – 4:
અંગ્રેજીનાં એક શિક્ષક વિદ્યાર્થીઓને નીચેનો સંવાદ વાંચીને સંભળાવે છે.
Rohan: Excuse me; can I have your pen please?
Radha: Oh! Yes. Here you are.
Rohan: Thank you.
Radha:
You’re welcome.
શિક્ષક વિદ્યાર્થીઓને બોલાવી આ સંવાદ ભજવવા કહે છે. ત્યારબાદ શિક્ષક વિદ્યાર્થીઓને penને બદલે duster, notebook અને you’re welcomeને બદલે mention not શબ્દોનો ઉપયોગ કરી સંવાદ તૈયાર કરવા કહે છે.
a. પૂર્ણથી ખંડ તરફ
b. સરળ પરથી કઠિન તરફ
c. આગમન પરથી નિગમન તરફ
પ્રસંગ – 5:
ગુજરાતીના એક શિક્ષક વિદ્યાર્થીઓને કાવ્ય ‘રાનમાં’ કાવ્યગાન બાદ કાવ્ય આધારે પ્રશ્નો પૂછે છે અને સમગ્ર કાવ્યના ભાવની ચર્ચા વિદ્યાર્થીઓ સાથે કરે છે. વર્ષારાણીનાં આગમન ટાણે વિદ્યાર્થીઓ કેવી લાગણી અનુભવે છે તેની વાત પણ સાંકળે છે.ત્યારબાદ વિદ્યાર્થીઓનું ધ્યાન કાવ્યમાં વપરાયેલા વિશિષ્ટ શબ્દો, પંક્તિઓ તરફ દોરે છે અને તેની સમજ આપે છે.
a. પૂર્ણ તરફથી ખંડ તરફ
b. સરળ પરથી કઠિન તરફ
c. આગમન પરથી નિગમન તરફ
અહીં આપણે શિક્ષણના સૂત્રોનો અર્થ, સંકલ્પના અને તેનો વર્ગવ્યવહારમાં ઉપયોગ તે વિષે વિસ્તૃત સમજ મેળવી. તેમજ વિવિધ ઉદાહરણો દ્વારા પ્રત્યેક સૂત્રની સમજ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. હવે કોઈ પણ શિક્ષક પોતાના વર્ગશિક્ષણને સફળતા તરફ લઈ જવા ઈચ્છતો હોય તો તેનામાં અધ્યાપન પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ, પ્રવૃત્તિની વિશેષ સમજ હોવી જરૂરી છે.
2.5 અધ્યાપન પદ્ધતિઓ અને પ્રવિધિઓ
કેળવણીની સમગ્ર પ્રક્રિયામાં પાયાના ત્રણ પ્રશ્નનો છે. (1) શા માટે શીખવવું ? (2) શું શીખવવું ? અને (3) કેવી રીતે શીખવવું?
આ પૈકી કઈ રીતે શીખવવું એ ખૂબ મહત્વનું છે. આથી અધ્યાપનની પદ્ધતિઓ, પ્રવિધિઓ, પ્રયુક્તિઓ અને પ્રવૃત્તિઓ વગેરે બાબતે સ્પષ્ટ સમજ મેળવવી પડે. અધ્યાપનના સંદર્ભમાં આપણે તેનો કેવી રીતે અને શો ઉપયોગ કરીએ છીએ તેના આધાર પર પદ્ધતિ, પ્રવિધિ અને પ્રયુક્તિ વચ્ચેનો ભેદ સમજી શકાય છે.
2.5.1 અધ્યાપન પદ્ધતિઓ
શિક્ષક વર્ગખંડમાં જઈ જ્ઞાનનું પોટલું ખોલી દે તેનાથી યોગ્ય અધ્યાપન થતું નથી કારણ કે શિક્ષણ એ હેતુલક્ષી પ્રક્રિયા છે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનું હોય છે. આ પરિવર્તન લાવવા જે કંઈ શીખવવાનું છે તે વિષયવસ્તુને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવાની સુગ્રથિત, વ્યવસ્થિત, વિશાળ ફલક ઉપરની એક નિશ્ચિત શૈલી ધરાવતી અધ્યાપનની રીત નક્કી કરવી પડે. આવી ચોક્કસ સ્વરૂપ ધરાવતી અને અધ્યાપન અનુભવો પૂરા પાડવાની જે મુખ્ય કર્મયોજના વિચારાય છે તેને અધ્યાપન પદ્ધતિ કહેવામાં આવે છે.
પ્રવચન પદ્ધતિ, પ્રશ્નોત્તર પદ્ધતિ, પેનલ ચર્ચા પદ્ધતિ, આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ પૃથક્કરણ પદ્ધતિ, સંયોગીકરણ પદ્ધતિ, તુલના પદ્ધતિ, પ્રવાસ પદ્ધતિ, જીવન વૃત્તાંત પદ્ધતિ, સ્વાધ્યાય પદ્ધતિ, પરિસંવાદ પદ્ધતિ, જૂથચર્ચા પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ, પ્રૉજેક્ટ પદ્ધતિ, સમસ્યા- ઉકેલ પદ્ધતિ વિગેરે અધ્યાપન પદ્ધતિઓના ઉદાહરણ છે. અધ્યાપન કાર્યમાં પદ્ધતિ એ મુખ્ય છે. પદ્ધતિને અસરકારક બનાવવા પ્રવિધિઓ, પ્રયુક્તિઓ અને પ્રવૃત્તિઓની મદદ લેવાય છે.
અધ્યાપન પદ્ધતિ, પ્રવિધિ અને પ્રયુક્તિ વચ્ચેનો ભેદ:
વિષયવસ્તુની ક્રમિક રજૂઆત માટેની સમગ્રતયા યોજના એટલે અધ્યાપન પદ્ધતિ. અધ્યાપન પદ્ધતિ અભિગમ પર આધારિત છે. સામાન્ય રીતે અધ્યાપન પદ્ધતિને વર્ગખંડ શિક્ષણ પૂર્વે અસરકારક શિક્ષણ કાર્ય માટે સફળ સાબિત થઇ શકે તેવી વિચારવામાં આવે છે. જ્યારે પદ્ધતિનો વિચાર કરવામાં આવે છે ત્યારે તેની સંકલ્પના, તેના ઉપયોગથી થતા ફાયદા અને ગેરફાયદાની બાબત વિચારવામાં આવે છે. અધ્યાપન પદ્ધતિ કાર્ય યોજના છે તો પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિ એ કાર્ય યોજના આધારિત વર્ગખંડમાં થતું કાર્ય છે. પ્રવિધિ માટે અંગ્રેજીમાં Technique શબ્દ પ્રયોજાય છે. વર્ગખંડ અધ્યાપન-અધ્યયન દ્વારા કોઈ ચોક્કસ અધ્યયન હેતુની પૂર્તિ માટે પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે છે. પદ્ધતિ એ પ્રક્રિયાને લગતી (Procedural) બાબત છે. જ્યારે પ્રવિધિએ અમલીકરણ (Implementational)ને લગતી બાબત છે. પદ્ધતિ એ વર્ગખંડ શિક્ષણ પૂર્વે વિચારવામાં આવતી બાબત છે જ્યારે પ્રવિધિઓનો ઉપયોગ વર્ગખંડ શિક્ષણ દરમ્યાન થતો હોય છે.
2.5.2 અધ્યાપન પ્રયુક્તિઓ
પ્રયુક્તિ માટે અંગ્રેજીમાં શબ્દ છે “Strategy”. અધ્યાપન પ્રયુક્તિ એ અધ્યાપન પદ્ધતિ અને પ્રવિધિઓનું સંમિશ્રણ છે જેનો ઉપયોગ વર્ગખંડ શિક્ષણ દરમ્યાન વિદ્યાર્થીઓના અધ્યયન સંદર્ભમાં ઉભી થતી મુશ્કેલીના નિવારણ માટે શિક્ષક દ્વારા કરવામાં આવતો હોય છે. અધ્યાપન પ્રયુક્તિ એ અધ્યયન મુશ્કેલીના નિવારણ માટે હોય છે અને તે આયોજનમાં હંમેશાં પૂર્વ વિચારણામાં હોય તે જરૂરી નથી. જે પ્રમાણે વર્ગખંડ શિક્ષણ દરમ્યાન જરૂરિયાત અનુભવાઈ તે પ્રમાણે શિક્ષક દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીઓની અધ્યયનની મુશ્કેલી દૂર થાય.
2.5.3 અધ્યાપન પ્રવિધિઓ
પ્રવિધિ માટે અંગ્રેજીમાં Technique શબ્દ પ્રયોજાય છે. વર્ગખંડ અધ્યાપન-અધ્યયન દ્વારા કોઈ ચોક્કસ અધ્યયન હેતુની પૂર્તિ માટે પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે છે. પદ્ધતિ એ પ્રક્રિયાને લગતી (Procedural) બાબત છે. જ્યારે પ્રવિધિએ અમલીકરણ (Implementational)ને લગતી બાબત છે. પદ્ધતિ એ વર્ગખંડ શિક્ષણ પૂર્વે વિચારવામાં આવતી બાબત છે જ્યારે પ્રવિધિઓનો ઉપયોગ વર્ગખંડ શિક્ષણ દરમ્યાન થતો હોય છે. આ પ્રવિધિઓ અધ્યાપન કાર્યને વધુ સરળ, વધુ અર્થપૂર્ણ અને વધુ ઉપયોગી બનાવવાની દિશામાં અસરકારક ભૂમિકા ભજવે છે. કથન, વર્ણન, પ્રશ્નનોત્તર, પ્રદર્શન, મુલાકાત વગેરે અધ્યાપન પ્રવિધિનાં ઉદાહરણ છે.
વર્ગખંડ શિક્ષણને અસરકારક બનાવવા માટે શિક્ષક વિવિધ પદ્ધતિ અને પ્રવિધિઓનો ઉપયોગ કરે છે. વાર્તાકથન, ગાન, નાટ્યીકરણ-પાત્રઅભિનય, શૈક્ષણિક રમત, પપેટ્રી (કઠપૂતળી વિદ્યા) વગેરે અધ્યાપન પ્રવિધિઓ ઉદાહરણ દ્વારા સમજીએ.
1. નાટ્યીકરણ-પાત્રાભિનય
ભાષા, પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાં પાઠ્યપુસ્તકના કેટલાક એકમ નાટ્યસ્વરૂપે રજૂ થઈ શકે તેવા હોય છે. તેમના અધ્યાપન દરમિયાન એકમનું નાટ્ય રૂપાંતર કરી, એનાં પાત્રો વર્ગના વિદ્યાર્થીઓ નાટક સ્વરૂપે ભજવે તો શિક્ષણ કાર્ય રસપ્રદ બને છે. ક્યારેક સમગ્ર વિષયવસ્તુને નાટક સ્વરૂપે રજૂ કરાય તેમ ન હોય પણ ચોક્કસ પરિસ્થિતિ હોય કે કોઈ પાત્રનો પરિચય કરાવવાનો હોય ત્યારે પાત્રાભિનય પ્રવિધિનો ઉપયોગ થાય છે. જો કે બધા જ એકમોમાં નાટ્યીકરણ પ્રવિધિનો ઉપયોગ શક્ય નથી. વળી, અભિનય માટે વર્ગના બધા જ વિદ્યાર્થીઓને તક મળતી નથી. એકમનું નાટ્ય રૂપાંતર કરવું અને તેની યોગ્ય ભજવણી કરાવવી તે કૌશલ્ય છે. પૂર્વતૈયારી માટે સમય ફાળવણી અને આયોજન હોય તો જ આ પ્રવિધિ ફળદાયી બને છે છતાં આ પ્રવિધિના યોગ્ય પ્રયોજનથી વર્ગશિક્ષણમાં નીચે પ્રમાણે લાભ મળે છે.
શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા વધે છે. પરસ્પર સહયોગ વધે છે.
અમૂર્ત ખ્યાલો સ્પષ્ટ બને છે.
વિષયવસ્તુ સરળતાથી સમજાય છે. જ્ઞાન ચિરંજીવી બને છે.
આ પ્રયુક્તિ વિષયાભિમુખ માટે પણ ઉપયોગી છે.
આ પ્રયુક્તિ વિદ્યાર્થીકેન્દ્રી પ્રવિધિ છે.
2. વાર્તાકથન
વિદ્યાર્થીઓને વિષયાભિમુખ કરવા માટે વાર્તાકથન કરવામાં આવે છે. તો ક્યારેક કેટલાક એકમોને વાર્તા સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. કથનમાં વાર્તાનું તત્વ ભળતાં તે રસપ્રદ અને અસરકારક બને છે. ગુજરાતી, પર્યાવરણ, ઈતિહાસ વગેરે જેવા વિષયોમાં કેટલાંક એકમ વાર્તાકથનથી રજૂ કરતાં રજૂઆત રસપ્રદ બને છે. આ પ્રવિધિ વાપરતાં એટલું યાદ રાખવું કે વિષયવસ્તુ ગૌણ બની જાય અને વાર્તા મહત્વની બની જાય તેવું ન થાય તેની ખાસ કાળજી રાખવી. વાર્તાકથનમાં પ્રવીણતા કેળવી લેવી. શૈલી, હાવભાવ, આરોહ-અવરોહ વગેરેનું પૂરું ધ્યાન રાખવું. વાર્તા રસદાયક અને સ્વાભાવિક લાગવી જોઈએ. વાર્તાકથન પ્રવિધિનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો –
બાળકોની કલ્પના શક્તિ વિકસે છે.
ગમ્મત સાથે જ્ઞાન મળે છે.
ચારિત્ર્ય ઘડતરલક્ષી મૂલ્યો વિકસે છે.
જે-તે એકમનું જ્ઞાન ચિરસ્થાયી બને છે.
3. કથન-ચર્ચા
શિક્ષણના રોજબરોજના વર્ગવ્યવહારમાં કથન-ચર્ચાનો ઉપયોગ સ્વાભાવિક રીતે થતો જોવા મળે છે.
આ પ્રવિધિ વિચારોના આદાન-પ્રદાનની પ્રક્રિયા છે. કોઈ નવી બાબત શીખવવા શિક્ષક કથન કરે છે. કથન સાથે પ્રશ્નનોત્તર દ્વારા ચર્ચા યોજે છે. બાળકો મુક્તપણે પોતાના વિચારો આપે છે. શિક્ષકની કથનક્ષમતા જેટલી યોગ્ય તેના પ્રમાણમાં શિક્ષણ કાર્ય રસપ્રદ અને આનંદપૂર્ણ બની શકે છે અને વિદ્યાર્થી ચર્ચામાં સહભાગી બને છે.
આ પ્રવિધિ નાનાં બાળકો માટે ખાસ ઉપયોગી નથી પણ વિદ્યાર્થીઓની વયકક્ષા જોઈ તેનો ઉપયોગ કરવાથી
વિદ્યાર્થીઓમાં કલ્પનાશક્તિ, તર્કશક્તિ, નિર્ણયશક્તિ કેળવાય છે.
વિદ્યાર્થીઓમાં પ્રશ્નન પૂછવાની, જવાબ આપવાની, વિચારો કે અભિપ્રાયો આપવાની ક્ષમતા કેળવાય છે.
શિક્ષક-વિદ્યાર્થી અને વિદ્યાર્થી-વિદ્યાર્થી વચ્ચે ચર્ચા થાય છે.
લાંબો અભ્યાસક્રમ પણ સમયમર્યાદામાં પૂર્ણ કરી શકાય છે
4. ગાન
અધ્યાપન પ્રક્રિયા દરમિયાન કાવ્ય, ગીત, ભજન, પદ, જોડકણાં વગેરેનું ગાન કરી સંભળાવવામાં આવે તેને ગાન પ્રવિધિ કહે છે. સ્વર અને લય સાથે તાલબદ્ધ ગાન થાય તો જે-તે એકમની વિગત રસમય બને છે. વળી તેમાં અભિનય ભળે તો વિદ્યાર્થીઓને ખૂબ મજા પડે છે. ગાન પ્રવિધિ
પ્રાથમિક કક્ષાએ અતિ ઉપયોગી છે.
સમૂહશિક્ષણ માટે અતિ ઉપયોગી પ્રવિધિ છે.
કાવ્યશિક્ષણમાં વિશેષ ઉપયોગી છે.
ગાન પ્રવિધિ દ્વારા વિષયવસ્તુની સમજ સ્પષ્ટ બને છે અને શિક્ષણ રસપ્રદ બનાવી શકાય છે.
ગાન પ્રવિધિ દ્વારા સ્મૃતિ શક્તિ વિકસે છે અને જ્ઞાન ચિરંજીવ બને છે.
5. નિદર્શન
વર્ગીકરણ દરમિયાન વિદ્યાર્થીઓ માત્ર સાંભળે તેના કરતાં તેઓ જુએ તો તેમને વધારે સમય સુધી યાદ રહે છે. નિદર્શન એટલે દર્શાવવું-બતાવવું. શિક્ષક વિદ્યાર્થીઓને પ્રયોગો, નકશા, ચાર્ટ વગેરે બતાવે. આ પ્રવિધિને નિદર્શન પ્રવિધિ કહે છે.
અહીં વિદ્યાર્થીઓ અવલોકન કરે છે અને તારણો નોંધે છે. નિદર્શન માટે સાધન-સામગ્રીની જરૂર રહે છે. પૂરતાં સાધનો વગર નિદર્શન શક્ય લાગતું નથી. આ પ્રવિધિના ઉપયોગથી…
વિષયવસ્તુની સંકલ્પનાઓ સ્પષ્ટ બને છે.
પ્રત્યક્ષ જોયેલી બાબત લાંબા સમય સુધી યાદ રહે છે.
પ્રયોગશીલ અને પ્રવૃત્તિલક્ષી પ્રવિધિ છે.
શિક્ષણપ્રક્રિયા અસરકારક, ઝડપી અને ગુણવત્તાયુક્ત બને છે.
બાળકોની કલ્પનાશક્તિ, જિજ્ઞાસા, સર્જનશક્તિ વગેરે ખીલવી શકાય છે.
6. કઠપૂતળી કળા
કઠપૂતળીનો અર્થ કાષ્ટમાંથી બનાવેલી પૂતળી. કઠપૂતળી એ મનોરંજન આપતી લોકકલા છે. જેમાં અદૃશ્ય રીતે દોરી સંચાર કરીને નાચતી પૂતળી દ્વારા ખેલ બતાવવામાં આવે છે. આ કળાનો શિક્ષણમાં ઉપયોગ કરવામાં આવે છે. જે દૃશ્ય-શ્રાવ્ય અનુભવો પૂરી પાડતી પ્રવિધિ બને છે. વિષયવસ્તુના કેટલાક એકમોને કઠપૂતળીના માધ્યમથી અભિનય અને સંગીત સાથે રજૂ કરવાથી શિક્ષણ જીવંત અને રસપ્રદ બને છે. આ માટે શિક્ષક પાસે કઠપૂતળી સંચાલનની આવડત હોવી જરૂરી છે. ક્યારેક શિક્ષણ કરતાં મનોરંજન તરફ ઢળી જવાય છે. જો આવું ન થાય અને પૂરતી કાળજી લેવામાં આવે તો-
વિદ્યાર્થીઓનાં મન પર વિષયવસ્તુની અસરકારકતા સહિત કાયમી છાપ ઊભી થાય છે.
વાસ્તવિક પરિસ્થિતિને પ્રતિબિંબિત કરી શકાય છે.
સમૂહનું શિક્ષણ થાય છે.
7. રમત
એવી કેટલીક રમતો છે જે શિક્ષણના કેટલાક મુદ્દાઓ સાથે સાંકળી શકાય છે. આવી શૈક્ષણિક રમતો વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપવાનું કામ કરે છે. આ પ્રવિધિથી વિષયશિક્ષણ ઉપરાંત બુદ્ધિ તર્ક, કલ્પના,
વિચારની ચતુરાઈ જેવાં કૌશલ્યો વિકસે છે. આ ઉપરાંત
વિદ્યાર્થીઓ રમત કે ક્રિયા દ્વારા આનંદ મેળવે છે.
સ્વાનુભવ મેળવી વિવિધ જાણકારી મેળવે છે.
જે કાંઈ શીખે તે આનંદ સાથે શીખે છે.
રમત દ્વારા સ્વસ્થતા, આનંદ, શ્રદ્ધા અને આત્મસંતોષ મળે છે.
શિક્ષણનું વિષયવસ્તુ સહજતાથી યાદ રહે છે.
કેટલાક જીવનલક્ષી મૂલ્યોનું ઘડતર થાય છે.
અધ્યાપન પ્રવિધિઓમાંથી પૂછાતા કેટલાક પ્રશ્નો:
નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
1. વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિને વિકસાવવા માટે કઈ પ્રવિધિ મદદરૂપ બને છે ?
a. ગાન
b. રમત
c.વાર્તાકથન
2. પાત્રો અને તેના લક્ષણોની અનુભૂતિ વિદ્યાર્થીઓને કરાવવા માટે કઈ પ્રવિધિ ઉપયોગી છે?
a. નાટ્યીકરણ
b. વાર્તાકથન
c. ગાન
3. શિક્ષકનું રજૂઆતનું કૌશલ્ય નીચે પૈકી કઈ પ્રવિધિનાં પ્રયોજનને વધુ અસરકારક બનાવે છે ?
a. ગાન
b. કથન-ચર્ચા
c. વાર્તાકથન
4. કઈ પ્રવિધિનાં પ્રયોજન માટે વિશેષ પૂર્વતૈયારીની જરૂર છે?
a. નાટ્યીકરણ
b. વાર્તાકથન
c. કથન-ચર્ચા
5. વિદ્યાર્થીઓમાં મૂલ્યોના સિંચન માટે કઈ પ્રવિધિનું ઉચિત પ્રયોજન સારા પરિણામો આપી શકે छे?
a. વાર્તાકથન
b. વાર્તાકથન અને નાટ્યીકરણ
c ગાન
6. વિદ્યાર્થીઓમાં પ્રશ્ન પૂછવા અને પૂછાયેલ પ્રશ્નોના યોગ્ય જવાબ આપવાનું કૌશલ્ય કઈ પ્રવિધિનાં પ્રયોજનથી સુપેરે થાય છે ?
a. નાટ્યીકરણ
b. વાર્તાકથન
c. કથન-ચર્ચા
7. વિદ્યાર્થીઓમાં આરોહ-અવરોહનું કૌશલ્ય વિકસાવવા માટે કઈ પ્રવિધિ મદદરૂપ બને છે ?
a. નાટ્યીકરણ
b. વાર્તાકથન
c. કથન-ચર્ચા
8. વર્ગના તમામ વિદ્યાર્થીઓની સહભાગીદારીતા કઈ પ્રવિધિનાં પ્રયોજનમાં સાપેક્ષ રીતે સૌથી વધુ હોય છે?
a. વાર્તાકથન
b. નાટ્યીકરણ
c. કથન-ચર્ચા
9. કથન-ચર્ચા પ્રવિધિ નીચે પૈકી કયા કાર્ય માટે ઉચિત છે ?
a. સામાજિક સમસ્યાઓની સમજૂતી માટે
b. વિજ્ઞાનના નિયમોની સમજૂતી માટે
c. ગાણિતિક સૂત્રની સમજૂતી માટે
2.5.4 અધ્યાપન પ્રવૃત્તિઓ
પ્રવૃત્તિ એ ખૂબ જાણીતો શબ્દ છે. પ્રવૃત્તિ એટલે સર્જનાત્મક અભિગમ. પ્રવૃત્તિ એટલે જાત-અનુભવ. વ્યક્તિના શરીર અને મન બંને સક્રિય હોય અને તે દ્વારા કોઈ પરિણામ પ્રાપ્ત થતું હોય એટલે કે શૈક્ષણિક નીપજ થતી હોય તો તેને અધ્યાપન પ્રવૃત્તિ કહે છે.
અધ્યાપન કાર્ય વખતે બાળકોને ક્રિયાશીલ રાખી ઈન્દ્રિયગમ્ય અધ્યયન અનુભવો પૂરા પાડવા વિવિધ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જાત-જાતના નમૂના બનાવવા, અંક બનાવવા, માટીકામ, ચિત્રકામ, રંગપૂરણી, ચીટકકામ, છાપકામ, ગુણ-લક્ષણ ઓળખ કરાવવાં વિગેરે જેવી અનુભવજન્ય પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ આનંદ મેળવે છે અને કોઈ પણ પ્રકારના ભાર વિના અનેક ગુણો અને શક્તિઓ પ્રાપ્ત કરે છે.
અધ્યાપન પ્રવૃત્તિમાંથી પૂછતાં કેટલાક પ્રશ્નો:
નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
1. શિક્ષણનો હેતુ શું છે ?
a. વિદ્યાર્થીઓમાં વર્તન-પરિવર્તનનો છે.
b. વિદ્યાર્થીઓમાં અપેક્ષિત વર્તન-પરિવર્તનનો છે.
c. બંને
2. અધ્યાપન પદ્ધતિનો વિચાર નીચે પૈકી કોના સંદર્ભમાં આવે છે ?
a. શિક્ષણ હેતુ
b. શિક્ષણપ્રક્રિયા
c. શિક્ષણ અર્થ
3. અધ્યાપન પદ્ધતિ, પ્રવિધિઓ અને પ્રયુક્તિઓને નીચે પૈકી કઈ બાબત લાગુ પડે છે ?
a. પરસ્પર સંકળાયેલ છે.
b. પરસ્પર કોઈ સબંધ ધરાવતી નથી.
c. ઉપરોક્ત બંને
4. અધ્યાપન પદ્ધતિને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે શાની જરૂર પડે છે ?
a. અધ્યાપન પ્રવિધિઓ
b. અધ્યાપન પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ
c. અધ્યાપન પ્રયુક્તિઓ
5. અધ્યાપન પ્રવિધિઓ કયા સંદર્ભમાં પ્રયોજાતી હોય છે ?
a. અધ્યાપન પદ્ધતિનાં સંદર્ભમાં પ્રયોજાતી હોય છે.
b. અધ્યાપન પદ્ધતિથી સ્વતંત્ર રીતે પ્રયોજાતી હોય છે.
c. ઉપરોક્ત બંને
6. અધ્યાપન પ્રવિધિનો ઉપયોગ શાના માટે થાય છે ?
a. સમગ્ર વિષયવસ્તુના સ્પષ્ટીકરણ માટે થાય છે.
b. વિષયવસ્તુના કોઈ એક ખાસ મુદ્દાના સ્પષ્ટીકરણ માટે થાય છે.
c. ઉપરોક્ત પૈકી એક પણ નહિ.
7. પ્રવૃત્તિ દ્વારા મેળવેલ જ્ઞાન વિદ્યાર્થીઓને શા માટે વધુ સમય માટે યાદ રહે છે ?
a. રસ પડવાના કારણે
b. જાત અનુભવના કારણે
c. પ્રત્યક્ષ અનુભવના કારણે
8. અધ્યાપન પ્રવૃત્તિ એ કેવી નીપજ છે ?
a. શૈક્ષણિક નીપજ છે.
b. નીપજ છે.
c. ઉપરોક્ત બંને
2.5.5 અધ્યયન પ્રવિધિઓ
ઉપરની ચર્ચામાં આપણે અધ્યાપનની કેટલીક પ્રવિધિઓની સમજ મેળવી. અધ્યેતા સારી રીતે અધ્યયન કરવા વિવિધ પ્રવિધિઓની મદદ લે છે. અહીં આપણે અધ્યયનની પ્રવિધિઓ તરીકે ગૃહકાર્ય અને પૂરક વાચનની ચર્ચા કરીશું.
1. ગૃહકાર્ય
અધ્યયનની પ્રવિધિ તરીકે ગૃહકાર્ય મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વિદ્યાર્થી પોતાના ફુરસદના અંગત સમયમાં ગૃહકાર્ય કરે છે. ગૃહકાર્યમાં વિદ્યાર્થી સ્વ-અધ્યયન કરે છે અને મેળવેલ જ્ઞાનનો ઉપયોગ કરે છે. ગૃહકાર્ય આપતી વખતે શિક્ષકોએ નીચેની કાળજી રાખવી.
ગૃહકાર્ય પ્રમાણસર હોવું અને કક્ષાનુસાર હોવું.
ગૃહકાર્યનો સંબંધ શૈક્ષણિક હેતુઓની પૂર્તિ સાથે હોવો.
બાળકો જાતે કરી શકે તેવી કાળજી રાખવી જોઈએ.
ગૃહકાર્ય કરવા વિદ્યાર્થીઓને તત્પર કરવા જોઈએ.
ગૃહકાર્યમાં વિવિધતા હોવી.
શિક્ષા સ્વરૂપે ગૃહકાર્ય ન આપવું.
ગૃહકાર્ય નિયમિત તપાસવું.
ગૃહકાર્ય તપાસ્યા પછી જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા.
આ રીતે કાળજી લેવામાં આવે તો તે અભ્યાસ માટે પ્રેરણારૂપ બની જાય છે. જાતે શીખવાની ટેવ પડે તો અધ્યયન તલસ્પર્શી બને છે.
2. પૂરક વાચન
વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક ઉપરાંત પૂરક વાચન કરવા પ્રેરાય તે અત્યંત જરૂરી છે. વિદ્યાર્થીઓમાં વાચન અભિરુચિ કેળવાય તો તેના માટે જ્ઞાનના દ્વાર ખુલી જાય છે. એ રીતે પૂરક વાચન એ અધ્યયનની ઉત્તમ પ્રવિધિ છે. શિક્ષકે વિદ્યાર્થીઓને પૂરક વાચન માટે પ્રેરણા પૂરી પાડવી.
શાળાઓમાં પુસ્તકાલયો છે તેનો યોગ્ય ઉપયોગ કરવો.
પ્રાર્થનાસભામાં પુસ્તક પરિચય કરાવવો.
પુસ્તકોની સમીક્ષા કરાવડાવી તેનું વર્ગસમક્ષ વાચન કરાવવું.
‘આ તો વાંચવું જ રહ્યું’ એવું બુલેટિન બોર્ડ ઉપર મૂકીને તેમાં વાંચવા જેવાં પુસ્તકોની યાદી આપવી.
પ્રસંગોચિત પુસ્તક પ્રદર્શન ભરવું.
પુસ્તકોનું વાચન કેવું થાય છે તેની માહિતી રાખી સારા વાચકને બિરદાવવા.
આપણે યાદ રાખીએ કે મહાપુરુષોનાં જીવન ઘડતરમાં વાચનનો ઘણો મોટો ફાળો પણ છે. વિદ્યાર્થીઓને શિક્ષણકાળ દરમિયાન જ વિવિધ પ્રકારનાં વાચન તરફ પ્રેરવા, કેમ કે આ તબક્કે જ તેમનામાં વાચન ટેવ ઘડાય છે. શરૂ શરૂમાં પાઠ્યપુસ્તકને સહાયક એવાં અન્ય પુસ્તકો વાંચવા કહેવું. એકવાર વાચન પ્રત્યે અભિમુખ થશે તો નાગરિક જીવન દરમિયાન પણ વાચનનો શોખ સચવાઈ રહેશે. જાતે જ્ઞાન મેળવવાની આ ઉત્તમ પ્રવિધિ છે. કહેવાયું છે કે સુવાચનની ટેવ અમૂલ્ય સિદ્ધિ છે. સુવાચન માનવજીવનને ઊર્ધ્વગામી બનાવે છે. જ્ઞાનના સીમાડાને વિસ્તૃત કરે છે. સંસ્કારલક્ષી બનાવે છે. જીવન જીવવાનું ભાથું આપે છે.
અધ્યયન પ્રવિધમાંથી પૂછતાં કેટલાક પ્રશ્નો:
નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
1. ગૃહકાર્યનો હેતુ શું છે ?
a. વિદ્યાર્થીઓ મેળવેલ જ્ઞાનનો ઉપયોગ કરે.
b. વિદ્યાર્થીઓએ મેળવેલ જ્ઞાનનું દૃઢીકરણ થાય.
c. બંને
2. પૂરક વાચન પ્રવિધિનું અંતિમ લક્ષ્ય શું છે?
a. વિદ્યાર્થીઓ વાચન પ્રત્યે અભિમુખ થાય.
b. સ્વ-મેળે વિચારતા થાય.
c. જાતે જ્ઞાન મેળવતા થાય.
3. ગૃહકાર્યની પ્રવિધિ નીચે પૈકી કઈ પરિસ્થિતિમાં અપેક્ષિત પરિણામ ન આપી શકે ?
a. જો શિક્ષક તેને તપાસે નહીં તો
b. જો શિક્ષક તેને નિયમિત તપાસે નહીં તો
c. જો શિક્ષક તેને નિયમિત તપાસે નહીં અને જરૂરી માર્ગદર્શન ન આપે તો
4. પૂરક વાચન પ્રવિધિનો સમુચિત ઉપયોગ પ્રાથમિક શિક્ષણમાં શા માટે વિશેષ થવો જોઈએ ?
a. કારણ કે આ તબક્કે વિદ્યાર્થીઓ વાચન પ્રત્યે અભિમુખ બને છે
b. કારણ કે આ તબક્કે વિદ્યાર્થીઓમાં વાચનની ટેવ ઘડાય છે.
c. કારણ કે આ તબક્કે વિદ્યાર્થીઓને પુસ્તકો વાંચવા ગમે છે.
5. વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય ઘડતર માટે કઈ અધ્યયન પ્રવિધિનો લાંબાગાળાનો ઉપયોગ અપેક્ષિત પરિણામ આપે છે ?
a. પૂરક વાચન
b. વાર્તાકથન
c. ગૃહકાર્ય
2.6 સારાંશ
વર્ગખંડ અધ્યાપન આયોજનમાં હેતુઓના નિર્ધારણ બાદ વર્ગશિક્ષણને અર્થપૂર્ણ તેમજ સરળ બનાવવા શિક્ષક તરીકે હેતુઓને પાર પાડવા વિષયવસ્તુને અનુરૂપ યોગ્ય અધ્યાપન પદ્ધતિઓ, પ્રવિધિઓ, પ્રયુક્તિઓ તેમજ પ્રવૃત્તિઓનો સમજપૂર્વક ઉપયોગ કરવા આ એકમ ઉપયોગી બની રહેશે.
2.7 સ્વાધ્યાય
નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
1. સંકલ્પનાઓના સ્પષ્ટીકરણ માટે કયું અધ્યાપન સૂત્ર સવિશેષ ઉપકારક છે?
a. પૃથક્કરણ પરથી સંયોગીકરણ તરફ
b. આગમન પરથી નિગમન તરફ
c. મૂર્ત પરથી અમૂર્ત તરફ
2. કાવ્યશિક્ષણમાં કાવ્ય ગાન મોટા ભાગે કેવી રીતે પ્રયોજાય છે?
a. અધ્યાપન પ્રયુક્તિના રૂપમાં
b. અધ્યાપન પ્રવિધિના રૂપમાં
a. અધ્યાપન પ્રવિધિ
3. વર્ગખંડ વ્યવહારમાં માત્ર કોઈ ચોક્કસ હેતુ પૂર્તિ માટે થોડા સમય માટે શું પ્રયોજાય છે ?
a. અધ્યાપન પ્રયુક્તિના રૂપમાં
b. અધ્યાપન પ્રવિધિના રૂપમાં
c. અધ્યાપન પદ્ધતિના રૂપમાં
3. વર્ગખંડ વ્યવહારમાં માત્ર કોઈ ચોક્કસ હેતુ પૂર્તિ માટે થોડા સમય માટે શું પ્રયોજય છે?
a. અધ્યાપન પ્રવૃત્તિ
c. અધ્યાપન પદ્ધતિ
4. ગુજરાતી ભાષાના એક શિક્ષક વિદ્યાર્થીઓને ‘રાવણના બળ’ વિશે જણાવતા રાવણ દ્વારા કૈલાસ પર્વત ઊંચકવાના પ્રસંગનું વર્ણન કરે છે. શિક્ષક અહીં નીચે પૈકી શાનો ઉપયોગ કરે છે?
a. અધ્યાપન પ્રવિધિ
b. અધ્યાપન પદ્ધતિ
c. અધ્યાપન પ્રયુક્તિ
5. અધ્યાપન પ્રવૃત્તિઓનું વૈવિધ્ય વિદ્યાર્થીઓને શામાં મદદરૂપ થાય છે ?
a. વિવિધ અનુભવો આપવામાં
b. વિવિધ ઈન્દ્રિયગમ્ય અનુભવો આપવામાં
c. જાતઅનુભવ આપવામાં
6. વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય ઘડતર માટે કઈ અધ્યાપન પ્રવિધિનો લાંબાગાળાનો ઉપયોગ અપેક્ષિત પરિણામ આપે છે ?
a. નાટ્યીકરણ
b. વાર્તાકથન
c. પૂરક વાચન
7.વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વૃત્તિને ખીલવવા માટે કઈ અધ્યાપન પ્રવિધિ ઉપયોગી બને છે ?
a. નાટ્યીકરણ
b. રમત
c. નિદર્શન
8. વિદ્યાર્થીઓની તર્ક શક્તિને ખીલવવામાં કઈ અધ્યાપન પ્રવિધિઓ ઉપકારક બને છે ?
a. નિદર્શન અને કથન-ચર્ચા
b. નિદર્શન અને રમત
c. કથન-ચર્ચા અને વાર્તાકથન
9. વિદ્યાર્થીઓ પૂરક વાચન તરફ કયારે વધુ વળે?
a. જો શિક્ષક પોતે ઈતર વાચન કરતો હોય.
b. જો શિક્ષક વાચનમાં રસ ધરાવતો હોય.
c. જો શિક્ષક સારા વાચકને બિરદાવતો હોય.
2. નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો
1. અધ્યાપન પદ્ધતિ, પ્રયુક્તિ અને પ્રવિધિ વચ્ચેનો ભેદ જણાવો.
2. ભાષાના પાઠ્યપુસ્તકનો કોઈ એકમ પસંદ કરી તેને શીખવવા માટેની પદ્ધતિ અને પ્રવિધિ લખો.
3. અધ્યાપન પદ્ધતિનાં ઉદાહરણો જણાવો.
4. અધ્યાપન પ્રવિધિઓનાં ઉદાહરણો જણાવો.
5. શિક્ષક પક્ષે વધુ પૂર્વતૈયારી અને આયોજન માંગી લેતી પ્રવિધિઓનાં નામ લખો.
6. વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે વધુ સક્રિય રાખતી પ્રવિધિઓનાં નામ જણાવો.
7. સમૂહ શિક્ષણ માટે ફાયદાકારક પ્રવિધિઓનાં નામ જણાવો.
8. વિદ્યાર્થીઓમાં કલ્પનાશક્તિના વિકાસ માટે વિશેષ રીતે ઉપયોગી એવી પ્રવિધિઓનાં નામ જણાવો.
નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો
1. શિક્ષકે અધ્યાપનનાં સૂત્રોથી શા માટે પરિચત થવું ?
2. અધ્યાપનનાં સૂત્રો જણાવી ગમે તે એક ઉદાહરણની સમજ અને ઉપયોગિતા જણાવો.
3. અધ્યાપનની પ્રવિધિ તરીકે રમત શિક્ષણનું મહત્વ સમજાવો.
4. અસરકારક વર્ગ વ્યવહાર માટે યોગ્ય અધ્યાપન પદ્ધતિ, પ્રવિધિઓ અને પ્રયુક્તિની પસંદગીનું મહત્વ સમજાવો.