પ્રસ્તાવના
આજના બ્લોગમાં આપણે શિક્ષકો માટે TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન મહત્વપૂર્ણ છે. આ માર્ગદર્શનમાં તમે કેવી રીતે વ્યક્તિગત વૃદ્ધિ હાંસલ કરી શકશો, વ્યવસાયિક વિકાસને આગળ ધપાવી શકશો અને પરિપક્વતા પ્રાપ્ત કરી શકશો તે વિશે મહત્વપૂર્ણ ટિપ્સ મળશે. આ લેખ ખાસ કરીને TET, TAT, HTAT પરીક્ષા આપનારા ઉમેદવારો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેથી તેઓની તૈયારીને વધુ સુશ્રુષિત અને અસરકારક બનાવી શકાય.
- પ્રસ્તાવના
- ઉદ્દેશો
-
1વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા : સંકલ્પના અને લક્ષણો
- 1.3.1 વૃદ્ધિ : સંકલ્પના અને લક્ષણો
- વિકાસ : સંકલ્પના અને લક્ષણો
- પરિપક્વતાની સંકલ્પના
- વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત
- વિકાસના સિદ્ધાંતો
-
વિકાસના વિવિધ તબક્કાઓ
- જન્મ પૂર્વેની અવસ્થા (Prenatal Stage): (બીજ ધારણથી જન્મ સુધી)
- શૈશવ (Infancy): (જન્મથી બીજા અઠવાડિયાના અંત સુધી)
- બાલ્યાવસ્થા (Babyhood): (બીજા અઠવાડિયાના અંતથી બીજા વર્ષના અંત સુધી)
- પ્રારંભિક બાલ્યાવસ્થા (Early Childhood): (2 વર્ષથી 6 વર્ષ સુધી)
- ઉત્તર-બાલ્યાવસ્થા (Late childhood): (6 વર્ષથી 12 વર્ષ સુધી)
- તરુણાવસ્થા (Adolescence): (12 વર્ષથી 21 વર્ષ સુધી)
- પુખ્તાવસ્થા અથવા યુવાવસ્થા (Adulthood): (21 વર્ષથી 40 વર્ષ સુધીનો સમયગાળો)
- પ્રૌઢાવસ્થા (Middle Age) : (૪૦ વર્ષથી ૬૦ વર્ષ સુધીનો સમયગાળો)
- વૃદ્ધાવસ્થા (Old Age) : (૬૦ વર્ષ પછીનો સમયગાળો)
- બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા અનુરુપ શૈક્ષણિક ફલિતાર્થો
- વિકાસને અસર કરતાં પરિબળો (વારસો અને વાતાવરણ)
- વાલી અને શિક્ષકોની બાળકોના વિકાસમાં ભૂમિકા
- વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાનો સારાંશ
TET, TAT, HTAT જેવી પરીક્ષાઓ માટે યોગ્ય માર્ગદર્શન તમારું કરિયર ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. અહીં આપેલા ઉપાયો અને મંત્રો તમને તમારી પરીક્ષા માટે શ્રેષ્ઠ પદ્ધતિ અપનાવવા મદદ કરશે.
જીવનની શરુઆત જન્મથી થાય છે, મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરુઆત ગર્ભાધાનથી થાય છે. જન્મ એ લાંબા પરિવર્તનના ક્રમમાં એક ઘટના માત્ર છે, જેને પ્રારંભ ગણી શકાય નહિ.
નવજાત બાળક શરુઆતમાં અસહાય અને બીજા પર આધારિત હોય છે. તે પોતાની બધી જરુરિયાતો સંતોષવા બીજા પર આધાર રાખતું હોય છે. પરંતુ બાળક જેમ જેમ મોટું થતું જાય; વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા પ્રાપ્ત કરતું જાય, તેમ તેમ પોતાની જાતે પોતાની જરુરિયાતો સંતોષવા પ્રયત્ન કરવા લાગે છે.
વૃદ્ધિ, વિકાસ અને પરિપકવતા એકબીજા પર આધારિત છે. વૃદ્ધિ વગર વિકાસ નથી, વિકાસ વગર પરિપક્વતા નથી, તેમજ પરિપક્વતા વગર વૃદ્ધિ પણ નથી. આમ, વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા પરસ્પર અવલંબિત છે. આ ક્રિયાઓ એક પછી એક થતી નથી, પરંતુ અરસપરસના સંબંધથી ચાલે છે. પ્રસ્તુત એકમમાં આપણે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા વિશે વિસ્તૃત ચર્ચા કરીશું.
ઉદ્દેશો
પ્રશિક્ષણાર્થી….
- વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાની સંકલ્પના અને લક્ષણો જાણે.
- વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત સમજે.
- વિકાસના સિદ્ધાંતોની સમજ મેળવે.
- વિકાસના વિવિધ તબક્કાઓ વિશેની સમજ મેળવે.
- વિવિધ તબક્કાઓને અનુરુપ શૈક્ષણિક ફલિતાર્થોની સમજ મેળવે.
- વિકાસ પર થતી વારસો અને વાતાવરણની અસર વિશે જાણે.
- બાળકના વિકાસમાં વાલી અને શિક્ષકની ભૂમિકાની સમજ મેળવે.
1વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા : સંકલ્પના અને લક્ષણો
વૃદ્ધિ, વિકાસ અને પરિપકવતા: સંકલ્પના અને લક્ષણો વિશેની સમજૂતી નીચે મુજબ છે:
1.3.1 વૃદ્ધિ : સંકલ્પના અને લક્ષણો
વૃદ્ધિનો અર્થ વધવું એવો થાય છે. “ગર્ભાવસ્થાથી માંડીને પુખ્તાવસ્થા સુધીમાં વ્યક્તિના વજન, કદ અને આકારમાં થતા વધારાને વૃદ્ધિ કહે છે.” આમ, વૃદ્ધિ શારીરિક પાસાં સાથે સંબંધિત છે. વૃદ્ધિ એટલે શરીરના અંગોમાં થતા ફેરફાર એવું કહી શકાય. હરલોકના મતે વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે.
બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ તેના વજન અને કદમાં વધારો થાય છે. ઉંમર વધવાની સાથે મસ્તક, ઘડ, હાથ, પગ, હાડકાં, સ્નાયુઓ, હ્રદય, મગજ તથા અન્ય અવયવોના આકાર, કદ અને વજનમાં જે ફરફાર થાય છે તે વૃદ્ધિ છે.
વૃદ્ધિ વિશેની સમજૂતીને આધારે નીચે મુજબના લક્ષણો ફલિત થાય છે:
- વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભાધાનથી શરુ થાય છે.
- વૃદ્ધિથી શરીરના વજન, કદ અને આકારમાં ફેરફાર થાય છે.
- વૃદ્ધિ પ્રમાણાત્મક અને એકાંગી છે.
- વૃદ્ધિ પરિપક્વતાનું પ્રથમ પગથિયું છે.
- વૃદ્ધિનો આધાર વારસામાં મળેલ જનીનો ઉપર હોય છે.
- વૃદ્ધિની પ્રક્રિયાનો સમય મર્યાદિત છે, અમુક ઉંમરે વૃદ્ધિ અટકી જાય છે.
વિકાસ : સંકલ્પના અને લક્ષણો
ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતાં પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહે છે. વિકાસને કારણે જ વ્યક્તિમાં પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની ક્ષમતા વધે છે. વિકાસ એ શારીરિક ઉપરાંત માનસિક પાસાં સાથે પણ સંબંધિત છે. વિકાસની પ્રક્રિયા એ વૃદ્ધિ કરતાં જટિલ છે. વૃદ્ધિને પરિણામે પ્રાપ્ત થતું સાર્મથ્ય એ વિકાસ છે. દા.ત.સ્નાયુની વૃદ્ધિ બાદ બ્રેક મારતા શીખવું.
વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, પરિપક્વતાના લક્ષ્ય તરફ લઇ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફારને વિકાસ કહે છે.
હરલોક
વિકાસમાં થતા ફેરફારની ચોક્કસ દિશા હોય છે. વિકાસ ક્રમબદ્ધ અને સુસંવાદી છે. એટલે કે વિકાસની પ્રક્રિયામાં એક તબક્કા પછી બીજો, પછી ત્રીજો એ ક્રમ જોવા મળે છે. જેમ કે બાળક ગબડે, ઘૂંટણિયે પડે, ટેકો દઈને ઊભા રહેતા શીખે, પછી ચાલતાં, દોડતાં, કૂદતાં શીખે છે. આ રીતે વિકાસની પ્રક્રિયામાં એક પછી એક એમ ક્રમ જોવા મળે છે. સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે.
વિકાસ વિશેની સમજૂતીને આધારે નીચેના લક્ષણો ફલિત થાય છે:
- વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે.
- વિકાસ વર્તનમાં થતાં ફેરફાર સાથે જોડાયેલ છે.
- વિકાસ એ ગુણાત્મક ફેરફાર સૂચવે છે.
- વિકાસ ચોક્કસ અને ક્રમબદ્ધ હોય છે.
- વિકાસ સર્વાંગી સાંગોપાંગ ફેરફાર સૂચવે છે.
- વિકાસ પર શિક્ષણ અને તાલીમની અસર પડે છે.
પરિપક્વતાની સંકલ્પના
વૃદ્ધિ અને વિકાસની મહત્તમ કક્ષા એટલે પરિપક્વતા. પરિપક્વતાને કારણે જ બાળકમાં વિવિધ પ્રકારનાં વર્તનો શીખવાની તત્પરતા આવે છે. ગર્ભાધાનથી ક્રમશ: બાળકની વૃદ્ધિ શરુ થઇ ક્રમશઃ પુખ્તવયે તે ચરમસીમાએ પહોંચે છે.
કોઇપણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને પરિપક્વતા કહે છે.
દા.ત., સોની સોનાને પ્રમાણસર ગરમ કર્યા પછી જ યોગ્ય ઘાટ આપી શકે છે. તે જ રીતે બાળકમાં પરિપક્વતાનાં લક્ષણો દેખાવા લાગે ત્યારે જ તેને તાલીમ આપવામાં આવે તો તેની શીખવાની ક્રિયા ઝડપી બને છે. બાળક જે જે ઉંમરે, જે-તે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય, ત્યારે તે તે કાર્ય કરવા માટે બાળક પરિપક્વ છે એમ કહી શકાય. આમ, પરિપકવતા એટલે આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉમરે આપમેળે થતું પ્રગટીકરણ કે જે બાળકની કાર્ય કરવા માટેની વિકાસની પુખ્તતા દર્શાવે છે.
- વિકાસ ચોક્કસ તરેહ પ્રમાણે થાય છે.
- વિકાસની પ્રક્રિયા ઉપરથી નીચેની તરફ એટલે કે મસ્તકથી ધડ તરફ થાય છે.
- વિકાસની પ્રક્રિયા કેન્દ્ર(મધ્યભાગ)થી પરિઘ (છેડા) તરફ થાય છે.
- વિકાસની પ્રક્રિયા સામાન્યથી વિશિષ્ટ તરફ થાય છે.
- વિકાસ એ જન્મથી મૃત્યુ સુધી સતત ચાલતી પ્રક્રિયા છે.
- વિકાસ અને વૃદ્ધિ એકબીજા પર આધારિત છે.
- વિકાસની પ્રક્રિયામાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે.
- વિકાસની પ્રક્રિયા પરાવલંબનથી સ્વાવલંબન તરફ હોય છે.
વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત
વૃદ્ધિ | વિકાસ |
શારીરિક ફેરફાર સાથે સંબંધિત છે. | શારીરિક ઉપરાંત માનસિક ફેરફાર સાથે સંબંધિત છે. |
મહદ્અંશે વારસા પર આધારિત છે. | વારસા ઉપરાંત વાતાવરણ પર આધારિત છે. |
સહજ અને સરળ પ્રક્રિયા છે. | સંકુલ અને જટિલ પ્રક્રિયા છે. |
ભૌતિક માપ પદ્ધતિથી માપન થઇ શકે છે. દા.ત., ઉંચાઇ, વજનનું માપન | મનોવૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા માપન થઇ શકે છે. દા.ત., બુદ્ધિનું માપન, સ્મૃતિનું માપન |
વૃદ્ધિ અમુક ઉંમરે અટકી જાય છે. | વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. |
વૃદ્ધિ એ વિકાસની પૂર્વશરત છે. દા.ત., સ્નાયુની વૃદ્ધિ | વિકાસ એ વૃદ્ધિની અનુગામી ઘટના છે. દા.ત., બ્રેક મારતા શીખવું |
પ્રમાણાત્મક ફેરફાર છે. | ગુણાત્મક ફેરફાર છે. |
શરીરના કોઇ એક અંગ વિશેનો એકાંગી ફેરફાર સૂચવે છે. | વિકાસ સર્વાંગી-સાંગોપાંગ ફેરફાર સૂચવે છે. |
બાહ્ય ક્ષમતાઓ સાથે વિશેષ સંબંધ છે. | આંતરિક ક્ષમતાઓ સાથે વિશેષ સંબંધ છે. |
શરીરના વજન, કદ અને આકારમાં થતો વધારો એટલે વૃદ્ધિ | પરિપક્વતાના લક્ષ્ય તરફ લઇ જતો ક્રમબદ્વ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફાર એટલે વિકાસ |
વિકાસના સિદ્ધાંતો
દરેક બાળકમાં વિકાસની પ્રક્રિયા લગભગ સમાન જોવા મળે છે. વિકાસ ક્રમિક અને તબક્કાવાર થતો હોવાથી વિકાસની આગાહી કરી શકાય છે. વિકાસની પ્રક્રિયામાં કેટલાક મૂળભૂત સિદ્ધાંતો જોવા મળે છે.
- વિકાસ ચોક્કસ તરેહ પ્રમાણે થાય છે.
- વિકાસની પ્રક્રિયા ઉપરથી નીચેની તરફ એટલે કે મસ્તકથી ધડ તરફ થાય છે.
- વિકાસની પ્રક્રિયા કેન્દ્ર(મધ્યભાગ)થી પરિઘ (છેડા) તરફ થાય છે.
- વિકાસની પ્રક્રિયા સામાન્યથી વિશિષ્ટ તરફ થાય છે.
- વિકાસ એ જન્મથી મૃત્યુ સુધી સતત ચાલતી પ્રક્રિયા છે.
- વિકાસ અને વૃદ્ધિ એકબીજા પર આધારિત છે.
- વિકાસની પ્રક્રિયામાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે.
- વિકાસની પ્રક્રિયા પરાવલંબનથી સ્વાવલંબન તરફ હોય છે.
વિકાસના વિવિધ તબક્કાઓ
વિકાસ જન્મથી મૃત્યુ સુધી સતત ચાલ્યા કરે છે. વિકાસની ગતિ એકસરખી રહેતી નથી. અમુક ઉંમરના ગાળામાં વિકાસની ગતિ ઝડપી હોય છે. તો અમુક ઉંમરના ગાળામાં આ ગતિ ધીમી પડે છે. “આ અમુક વર્ષોનો ગાળો કે જેમાં વિકાસની ગતિમાં એક તરેહ કે સાતત્ય જોવા મળે છે તેને વિકાસની અવસ્થા કે તબક્કાઓ તરીકે ઓળખવામાં આવે છે”. જોકે વિકાસ એ સતત ચાલતી એક જટિલ પ્રક્રિયા છે. એક તબક્કો પૂરો થાય પછી બીજો તબક્કો શરુ થાય તેવું કંઇ વ્યવહારમાં બનતું નથી, પરંતુ અભ્યાસની સરળતા ખાતર મનોવૈજ્ઞાનિકોએ વિકાસના નીચેના જેવા તબક્કાઓ દર્શાવેલા છે.
જન્મ પૂર્વેની અવસ્થા (Prenatal Stage): (બીજ ધારણથી જન્મ સુધી)
શૈશવ (Infancy): (જન્મથી બીજા અઠવાડિયાના અંત સુધી)
બાલ્યાવસ્થા (Babyhood): (બીજા અઠવાડિયાના અંતથી બીજા વર્ષના અંત સુધી)
આ અવસ્થામાં બાળક બાહ્ય વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે. પ્રથમ શ્વસન ક્રિયા, તાપમાન, ત્યારબાદ ચુસવાની અને ગળવાની ક્રિયા તેમજ મળોત્સર્ગની ક્રિયા સાથે અનુકૂલન સાધે છે. ઊંધા પડવું, ગબડવું, બેસવું, ચાલવું, ઊઠવું, ખાવું-પીવું કે પોતાની જરુરિયાત બીજાને સમજાય તે માટે ભાષા (સંકેતો) નો ઉપયોગ કરવો વગેરેનો બાબતોનો સમાવેશ થાય છે.
પ્રારંભિક બાલ્યાવસ્થા (Early Childhood): (2 વર્ષથી 6 વર્ષ સુધી)
બે વર્ષથી છ વર્ષના સમયગાળાને પૂર્વ બાલ્યાવસ્થા ગણવામાં આવે છે. આ ગાળામાં બાળકમાં શારીરિક અને ભાષાકીય વિકાસ જોવા મળે છે. વાર્તા યાદ રાખીને બોલી શકે છે. હાથ અને આંગળીના સ્નાયુઓના વિકાસને કારણે લખવાનું, દોરવાનું કાર્ય કરી શકે છે અને તેથી જ શાળામાં પ્રવેશ મેળવે છે. આ અવસ્થા દરમિયાન બાળકમાં જિજ્ઞાસાવૃત્તિ તીવ્ર હોય છે, તે પ્રશ્નો ખૂબ પૂછે છે માટે આ ઉમરને “પ્રશ્ન પૂછવાની ઉંમર” તરીકે પણ ઓળખવામાં આવે છે. લૈંગિક તફાવત અને સારાનરસાનો ખ્યાલ પણ આ અવસ્થામાં વિકસે છે.
ઉત્તર-બાલ્યાવસ્થા (Late childhood): (6 વર્ષથી 12 વર્ષ સુધી)
છ થી બાર વર્ષના સમયગાળાને ઉત્તર બાલ્યાવસ્થા ગણવામાં આવે છે. આ ગાળામાં શારીરિક વિકાસની પ્રક્રિયામાં થોડીક સ્થિરતા જોવા મળે છે. બાળક શાળામાં જતું હોવાથી શાળાના વાતાવરણ દ્વારા શિસ્ત, વલણો અને વર્તનમાં ફેરફાર કરતાં શીખે છે. શાળામાં યોજાતી ઇત્તર પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ કૌશલ્યો તેનામાં વિકાસ પામે છે. આ અવસ્થા દરમિયાન મિત્રોનું સ્થાન તેમના જીવનમાં વધુ હોવાથી આ અવસ્થાને “ટોળાની ઉંમર” પણ કહે છે.
તરુણાવસ્થા (Adolescence): (12 વર્ષથી 21 વર્ષ સુધી)
તરુણાવસ્થાના આ ગાળાને નીચે મુજબના પેટા તબક્કામાં વહેંચવામાં આવે છે.
- પૂર્વ-તરુણાવસ્થા (Pre Adolescence) (બાર વર્ષથી ચૌદ વર્ષ સુધી)
- પ્રારંભિક-તરુણાવસ્થા (Early Adolescences): (ચૌદ વર્ષથી સત્તર વર્ષ સુધી)
- ઉત્તર-તરુણાવસ્થા (Later Adolescence): (સત્તર વર્ષથી એકવીસ વર્ષ સુધી)
તરુણાવસ્થા દરમિયાન થતા વિકાસની તરેહને સમજીએ.
તરુણાવસ્થાનો ગાળો તેર વર્ષથી એકવીસ વર્ષ સુધીનો ગણવામાં આવે છે. તરુણાવસ્થા એટલે ઉત્સાહ, આશા અને કલ્પનાઓનો અસ્ખલિત કુવારો .નીત નવાં શીખરો આંબવાની ધગશ, તેની વિચારસૃષ્ટિ અને કલ્પનાશક્તિ બધું જ તેનું પોતાનું આગવું હોય છે. ભાવિ યુવાશક્તિના ઘડતરનો સમય તરુણાવસ્થા છે. આ અવસ્થાને સક્રાંતિકાળ પણ કહે છે. તરુણાવસ્થા દરમિયાન નોંધપાત્ર શારીરિક-માનસિક ફેરફારો જોવા મળે છે.
આ ગાળામાં વિજાતીય આકર્ષણ જોવા મળે છે. દેખાવ પ્રત્યેની સભાનતા અને અન્ય પર પ્રભાવ પાડવાના પ્રયત્નો કરે છે. જેને પોતાના મનનો હિરો – આદર્શ (Ego Ideal) માને છે તેની પ્રશંસા કરવી, તેનું અનુકરણ કરવાની વૃત્તિ એટલે કે વિરપૂજા તેનામાં જોવા મળે છે. તરુણાવસ્થામાં કલ્પનાશીલતા અને અતિ લાગણીશીલતા જોવા મળે છે. બૌદ્ધિક કૌશલ્યના વિકાસ સાથે જાતિગત ભૂમિકા આ ગાળામાં શીખે છે. સ્વાવલંબન અને સ્વાતંત્ર્ય માટેની તીવ્ર ઝંખના જોવા મળે છે. કારકિર્દી, લગ્ન અને કુટુંબ જીવનની પૂર્વતૈયારી આ ગાળામાં જોવા મળે છે. તરુણાવસ્થા સંઘર્ષ, હતાશા અને મૂંઝવણનો ગાળો હોઈ આ અવસ્થામાં તરુણને માતાપિતા અને શિક્ષક તરફથી મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન મળે તે ખૂબ જ જરુરી છે.
પુખ્તાવસ્થા અથવા યુવાવસ્થા (Adulthood): (21 વર્ષથી 40 વર્ષ સુધીનો સમયગાળો)
યુવાવસ્થાનો ગાળો એકવીસ વર્ષથી ચાલીસ વર્ષ સુધીનો ગણવામાં આવે છે. આ સમયગાળામાં શારીરિક અને બૌદ્ધિક પરિપકવતા જોવા મળે છે. કાંઇક સિદ્ધ કરવાની પ્રેરણા પણ આ ઉંમરે જ જોવા મળે છે અને તેથી જ મહાન શોધકો, સર્જકો અને વૈજ્ઞાનિકોએ આ ગાળા દરમિયાન જ વિશિષ્ટ કાર્યો કર્યા છે. વ્યવસાય અને લગ્ન બાદ કૌટુંબિક જવાબદારી સાથે સામાજિક રીતે પરિપક્વતા ખૂબ જ વિકસે છે.
પ્રૌઢાવસ્થા (Middle Age) : (૪૦ વર્ષથી ૬૦ વર્ષ સુધીનો સમયગાળો)
પ્રૌઢાવસ્થાનો સમયગાળો ચાલીસ વર્ષથી સાઈઠ વર્ષ સુધીનો ગણવામાં આવે છે. આ અવસ્થામાં વ્યક્તિ સફળતાને ટકાવવાનો પ્રયાસ કરે છે. વ્યક્તિમાં શારીરિક-માનસિક શક્તિમાં ઘટાડો જોવા મળે છે.
વૃદ્ધાવસ્થા (Old Age) : (૬૦ વર્ષ પછીનો સમયગાળો)
સાઠ વર્ષ પછીના ગાળાને વૃદ્ધાવસ્થા ગણવામાં આવે છે. શક્તિ, સ્મૃતિ અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળે છે. લાગણીશીલતા વધુ જોવા મળે છે. ભૂતકાળની વાતો વધુ કરે છે. આર્થિક અસલામતી અને સમય કેમ પસાર કરવો એ પણ વૃદ્ધાવસ્થાની એક સમસ્યા છે. જો યુવાવસ્થામાં યોગ્ય આયોજન કર્યું હોય તો વૃદ્ધાવસ્થા સારી રીતે પસાર કરી શકાય છે.
બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા અનુરુપ શૈક્ષણિક ફલિતાર્થો
વિવિધ અવસ્થાઓના વિકાસની તરેહ-લાક્ષણિકતાને ધ્યાનમાં લઇ શિક્ષણ કાર્ય કરાવવાથી વધુ સફળતા પ્રાપ્ત કરી શકાય છે. વિવિધ અવસ્થાને અનુરુપ શિક્ષણ કાર્ય કરાવવામાં કઇ કઇ બાબત ધ્યાનમાં લેવી જોઇએ તેની સમજૂતી મેળવીએ.
બાલ્યાવસ્થાને અનુરુપ શૈક્ષણિક ફલિતાર્થો :
- અનુકરણથી બાળક આ અવસ્થામાં ઘણું બધું શીખે છે, માટે વડીલોએ તેમજ શિક્ષકોએ આદર્શ વર્તન પૂરું પાડી, યોગ્ય બાબતો શીખવવી જોઇએ, તેમજ આદર્શપાત્રોનો પરિચય આપવો જોઈએ.
- બાળકના આત્મનિર્ભર બનવાના તમામ પ્રયત્નોની નોંધ લઇ, તેને બિરદાવવો જોઇએ.
- બાળકના શિસ્તના પ્રશ્નો દૂર કરવા, તેની રસ-રુચિને ધ્યાનમાં લઇ શિક્ષણ કાર્ય કરવું જોઇએ.
- આ ઉંમરના બાળકોમાં રમત પ્રત્યે વિશેષ રસ હોય છે. માટે જ્ઞાન સાથે ગમ્મત મળે તેવું આયોજન કરવું જોઇએ.
- બાળક વૃત્તિ પ્રધાન છે તે પોતાના વર્તન પર નિયંત્રણ ધરાવતા નથી. અમુક વર્તન વારંવાર કરતાં હોય છે ત્યારે તેને દમન કે ધમકીને બદલે સમજપૂર્વક અને ધીરજપૂર્વક સુધારવા પ્રયત્નો હાથ ધરવા જોઇએ.
- કલ્પનાશક્તિ અને જિજ્ઞાસાવૃત્તિના વિકાસ માટે વાર્તાઓ અને બાળગીતના માધ્યમ દ્વારા શિક્ષણ આપવું જોઇએ.
- ‘આવુ ન કરાય’ તેવા નકારાત્મક સૂચનોને બદલે ‘આમ કરાય’ તેવા હકારાત્મક સૂચનો દ્વારા બાળકોને પ્રેરણા પૂરી પાડવી જોઈએ.
- બાળક ઘરનું હુંફાળું વાતાવરણ છોડી, શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે માટે તેની સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડવું જોઇએ.
- ચેષ્ટાકીય કૌશલ્યના વિકાસ અને લડાયકવૃત્તિના ઊર્ધીકરણ માટે વિવિધ રમત-ગમતો અને સ્પર્ધાઓનું આયોજન કરવું જોઇએ.
- પ્રશંસા એ આ ઉંમરના બાળકો માટે ટોનિક જેવું કાર્ય કરે છે. બાળકની જરુરી પ્રશંસા કરી, તેને સતત પ્રોત્સાહન પૂરું પાડવું જોઇએ.
- કોમળભાવોને સ્પર્શતી આ અવસ્થા સાથે કામ પાર પાડવા માટે શિક્ષકે બાળક બની, બાળકની નિર્દોષ લાગણીઓને મનોવૈજ્ઞાનિક દ્દષ્ટિએ સમજવી જોઇએ.
તરુણાવસ્થાને અનુરુપ શૈક્ષણિક ફલિતાર્થો :
- જાતિયવૃત્તિ, ક્રોધ અને ભય જેવા સંવેગોના ઊધ્વીંકરણ માટે બાળકને કલા, સાહિત્ય અને રમત- ગમત તરફ અભિમુખ કરવો જોઇએ.
- તરુણો સામે સારા આદર્શ રજૂ કરવાથી તે આદર્શ પ્રતિભા (Ego Ideal) તરીકે તેનો સ્વીકાર કરી, તેના જેવી પ્રતિભા વિકસાવે તે માટે તેને પ્રેરિત કરવો જોઇએ.
- તરુણના વિચિત્ર લાગતા વર્તનથી પૂર્વગ્રહિત થવાને બદલે તેની લાગણીઓને મનોવૈજ્ઞાનિક દ્દષ્ટિએ સમજવાનો પ્રયાસ કરવો જોઇએ.
- વિજાતીય વ્યક્તિ પ્રત્યેના તેના વ્યવહારને શંકાની દ્દષ્ટિએ ન જોતાં, આ બાબતે તેમનામાં તંદુરસ્ત દ્દષ્ટિકોણ વિકસે તેવા પ્રયાસો કરવા જોઇએ.
- મનોશારીરિક ફેરફાર અને ભાવિ કારકીર્દીને લગતી અનેક મૂંઝવણોના આ કટોકટીના ગાળાને શિક્ષક અને વાલીએ સહિયારા પ્રયત્નોથી સમજી, તેની સમસ્યા ઉકેલવાના પ્રયાસો કરવા જોઇએ.
વિકાસને અસર કરતાં પરિબળો (વારસો અને વાતાવરણ)
વારસો (Heredity)
માતાપિતા અને બાળકમાં જે કંઇ સમાનતા જોવા મળે છે તે વારસો એવું માનવામાં આવે છે, પરંતુ વૈજ્ઞાનિક દ્દષ્ટિએ “ગર્ભાધાન સમયે બાળકને માતાપિતા દ્વારા પ્રાપ્ત રંગસૂત્રોમાં રહેલા જનીનતત્વો જે બાળકોના શારીરિક માનસિક લક્ષણો નક્કી કરે છે તેને વારસો કહે છે.”
બાળકને માતાપિતા તરફથી વારસામાં જનીનતત્વો મળે છે. આ જનીનતત્વો બાળકના મનોશારીરિક લક્ષણો નક્કી કરે છે. બાળકનો દેખાવ, ચામડીનો રંગ, વાળનો રંગ, બ્લડગ્રુપ, ઊંચાઇ વગેરે વારસા પર આધારિત છે.
વારસાની અસર જાણવા માટે એકદળ જોડિયા બાળકો પર પ્રયોગો થયા છે. એમાંથી એટલું ચોક્કસપણે જાણવા મળ્યું છે કે, વારસો ફક્ત જનીનતત્વોનો જ હોય છે. આ જનીનતત્વો શરીરના રુપ રંગ, આકાર, બાંધો, ઊંચાઈ વગેરે નક્કી કરે છે. ઊંચાઈ પણ મોટાભાગે વારસાગત છે.
ફ્રાન્સિસ ગાલ્ટને પોતાનાં ‘Hereditary Genius’ પુસ્તકમાં જણાવ્યું છે કે વ્યક્તિના વિકાસમાં વારસાગત લક્ષણો મહત્વનો ફાળો આપે છે. આમ ઘણા વારસાવાદી મનોવૈજ્ઞાનિકો વિકાસની પ્રક્રિયામાં વારસાને ખૂબ જ મહત્વ આપે છે.
વાતાવરણ (Atmosphere)
વાતાવરણ માટે પર્યાવરણ શબ્દ પણ વપરાય છે. પરંતુ મનોવૈજ્ઞાનિક દ્દષ્ટિએ વાતાવરણનો અર્થ એટલે ભૌગોલિક વાતાવરણ થતો નથી, પરંતુ “ગર્ભાધાનથી મૃત્યુ સુધી અસર કરતાં તમામ પરિબળો, પરિસ્થિતિઓ કે ઘટનાને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે.” સામાન્ય રીતે વાતાવરણના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે.
આંતરિક વાતાવરણ : ચયાપચયની પ્રક્રિયા, ઉત્સેચકો, વિટામીન, હોજરીના આકુંચન-પ્રસરણ, વિચારક્રિયા વગેરે આંતરિક વાતાવરણનો ભાગ છે.
બાહ્ય/ભૌતિક વાતાવરણ : આપણી આજુબાજુના ભૌતિક પદાર્થો, વૃક્ષ, મકાન, સૂર્ય, વરસાદ, ઠંડી- ગરમી વગેરેનો સમાવેશ ભૌતિક વાતાવરણમાં થાય છે.
સામાજિક વાતાવરણ : અન્ય વ્યક્તિની હાજરીથી આપણું વર્તન બદલાય છે. કુટુંબ, જ્ઞાતિના રિવાજો, શાળાનું વાતાવરણ વગેરે સામાજિક વાતાવરણનો ભાગ છે.
આ ત્રણેય પ્રકારના વાતાવરણને સગવડ ખાતર જુદા પાડયા છે. બાકી ત્રણેય એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.
વ્યક્તિની શારીરિક લાક્ષણિકતાઓ નક્કી કરવામાં વારસાની ભૂમિકા મહત્વની છે તેમજ માનસિક શક્તિના વિકાસમાં વાતાવરણની ભૂમિકા અગત્યની છે. મનોવૈજ્ઞાનિક વોટ્સન તો ત્યાં સુધી કહે છે કે, “મને એક ડઝન તંદુરસ્ત બાળકો આપો અને તમે તેને કહો તેને ડૉક્ટર, વકીલ, ઉદ્યોગપતિ, ચોર કે ભિખારી બનાવી દઉં, ભલે તેનો વારસો ગમે તેવો હોય.”
સોરેન્સ અને મામ કહે છે કે, “એ નક્કી કરવું ખરેખર મુશ્કેલ છે કે વ્યક્તિ પર વારસો અને
વાતાવરણની ચોક્કસ અસર કેટલી છે વારસો અને વાતાવરણની અસરને જુદી પાડવાનું કામ ઘણું દુષ્કર
વ્યક્તિત્વ વિકાસ માટે માત્ર વારસો કે માત્ર વાતાવરણ પર્યાપ્ત નથી, પરંતુ બંન્નેની જરુરિયાત છે. બંન્ને એકબીજાના વિરોધી નથી, પણ પરસ્પર પૂરક છે. ક્રો અને ક્રો જણાવે છે કે “વ્યક્તિનું ઘડતર માત્ર વારસાથી કે માત્ર વાતાવરણથી થતું નથી, પરંતુ બંનેની આંતરક્રિયાથી થાય છે.”
ટૂંકમાં, આપણા માતાપિતા પાસેથી આપણે ચોક્કસપણે શારીરિક લાક્ષણિકતાઓ મેળવીએ છીએ. જ્યારે બીજી બાજુએ શીખવું, વર્તણૂંક અને વ્યક્તિત્વ એ આપણે વાતાવરણમાંથી વધુ પ્રાપ્ત કરીએ છીએ. આ બન્નેની આંતરક્રિયાથી જ મનુષ્યનો વિકાસ જોવા મળે છે.
વાલી અને શિક્ષકોની બાળકોના વિકાસમાં ભૂમિકા
આપણે વાલી અને શિક્ષકોની બાળકોના વિકાસમાં તેની ભૂમિકા વિશેની માહિતી પ્રાપ્ત કરીએ.
બાળકના વિકાસમાં વાલીની ભૂમિકા
આજના યુગમાં ભાવિપેઢીનું જતન વાલીઓ, માતાપિતા માટે એક પડકારરુપ છે. વિજ્ઞાન અને જગતની વિભિન્ન શોધો બાળમાનસને આશ્ચર્યમાં ગરકાવ કરે છે ને કંઇક અંશે જીવનમાં મદદરુપ થાય છે. પરંતુ આખરે બાળકના વિકાસમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે વાલી કે માતાપિતા. કહેવાય છે કે ઘર જેવી અમૂલ્ય પાઠશાળા બીજી એકપણ નથી. માતા એ શ્રેષ્ઠ શિક્ષક છે. પિતા શ્રેષ્ઠ આચાર્ય છે. બાળકનો સૌથી વધુ સંબંધ તેના માતાપિતા, ભાઈ બહેનો અને અન્ય કુટુંબીજનો અને ઘર સાથે જ હોય છે. બાળકના મન પર જાણે અજાણે ઘરના વાતાવરણની અસર ખૂબ થાય છે. એટલું જ નહિ પણ બાળક જ્યારે માતાના ઉદરમાં હોય છે ત્યારે પણ આ અસરથી મુક્ત નથી. બાળક જન્મતાંની સાથે જ પોતાની પંચેન્દ્રિયોથી વિકાસ સાધવાનું શરુ કરી દે છે. આ વિકાસ માટે વાલી / માતાપિતાએ બાળક વિકાસ સાધી શકે તેવું વાતાવરણ નિર્માણ કરવાનું હોય છે. વાતાવરણ નિર્માણ કરવા માટે સૌથી પહેલી જરુર રહેશે ‘આદર્શ ઘર’ બનાવવાની, આદર્શઘર કે જેમાં બાળકને પ્રેમ, પ્રોત્સાહન, હુંફ, યોગ્ય સંસ્કાર મળી રહે.
- માતાપિતા અને પાલક વચ્ચે સુસંવાદિતા હોય, અરસ-પરસ પ્રેમ, માન હોય.
- બાળકેન્દ્રી ઘર હોય, અર્થાત ઘરની વ્યવસ્થા, ગોઠવણમાં બાળકને ધ્યાનમાં રાખવામાં આવે. ઉદાહરણરુપે બાળક જાતે લઇ શકે તેવી પાણીની વ્યવસ્થા, પોતાનાં કપડાં જાતે લઇ મૂકી શકે તેવી ઊંચાઇએ હોય, બાળકના રમકડાં બાળક જાતે લઇ શકે તેવી વ્યવસ્થા હોય.
- મૂલ્ય શિક્ષણ ઘરમાંથી જ પ્રાપ્ત થાય તેવું આચરણ હોય, માતા-પિતા કે વાલી બાળકના ‘આદર્શ’ હોય છે. બાળક જેવું જોશે, સાંભળશે તેવું જ અનુકરણ કરશે.
મનોવૈજ્ઞાનિકો ત્રણ થી છ વર્ષના સમયગાળાને ‘અનુકરણના કાળ’ તરીકે ઓળખાવે છે. આ વય દરમ્યાન બાળક સૌથી વધુ અનુકરણ દ્વારા જ શીખે છે. માતા-પિતા જાહેર સ્થળો સ્વચ્છ રાખવામાં નિયમોનું પાલન કરતાં હશે તો બાળક એ નિયમનું પાલન કરવા પ્રેરાશે. માતા-પિતા સત્ય બોલવાનો આગ્રહ રાખતા હશે તો બાળક તે શીખશે. બાળકના સર્વાંગી વિકાસમાં માતા-પિતાની ભૂમિકા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.
બાળકના વિકાસમાં શિક્ષકની ભૂમિકા
શિક્ષકે બાળકના વિકાસના તબક્કાને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ આપવી.
(1) શારીરિક વિકાસ
નાના, મોટા સ્નાયુઓની કેળવણી માટેની પ્રવૃત્તિઓ જેવી કે, જુદી-જુદી ચાલ, જુદા-જુદા પ્રકારની દોડ, જુદા-જુદા પ્રકારે કુદવું, જુદી-જુદી વસ્તુઓને ખેંચવી, ફેંકવાની પ્રવૃત્તિ, વસ્તુઓ પકડવી ઝીલવાની, ચઢવા-ઉતરવાની, ઉપાડવા-ઊંચકવાની, છલાંગ લગાવવી, દબાવવાની, ધકેલવાની, સંતુલન સાધવાની પ્રવૃત્તિઓ આપવી.
(2) માનસિક વિકાસ
એકાગ્રતાની પ્રવૃત્તિ, સ્મૃતિ સતેજ થાય, કલ્પનાશક્તિ ખીલે, નિર્ણય લઇ શકે, અનુમાન કરી શકે, વર્ગીકરણ કરે, નિરીક્ષણ કરી શકે, તુલના કરી શકે, નિમાર્ણ કરી શકે (સર્જન કરી શકે), પંચકેન્દ્રિય સાધનોની પ્રવૃત્તિઓ કરાવવી.
(૩) સાંવેગિક-આવેગિક વિકાસ
હકારાત્મક-નકારાત્મક લાગણીઓને વ્યક્ત કરવા કાર્ડની પ્રવૃત્તિ, બાળગીત, બાળવાર્તા, બાળનાટક, સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવી.
(4) સામાજિક વિકાસ
જીવન વ્યવહારની પ્રવૃત્તિઓ જેવી કે, મહેમાનને પાણી આપવું, થાળી પીરસવી વગેરે સમૂહ પ્રવૃત્તિઓ કરાવવી જેવી કે, સમૂહ કવાયત, ક્રીડાંગણ, પર્યટન, નાસ્તાની પ્રવૃત્તિ.
(5) ભાષા વિકાસ
ભાષા વિકાસના સાધનો જેવાં કે, સામ્યજોડ, પ્રાણી-પક્ષી કાર્ડનું વર્ગીકરણ, વાંચનની પૂર્વ તૈયારી અને લેખનની પૂર્વ તૈયારીની પ્રવૃત્તિ જેવી કે, પેટર્ન રાઇટીંગ, માટીકામ વગેરે.
આ ઉપરાંત સુટેવોના ઘડતર, ઊર્જા બચાવવા જેવી બાબતોની પ્રવૃત્તિ વ્યક્તિ-સમાજ-દેશપ્રેમ, માનવતા, સંબંધી વાર્તાઓ અને ચિત્રોનું પ્રદર્શન જેવી પ્રવૃત્તિઓમાં બાળકને સામેલ કરવા.
વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાનો સારાંશ
ઉપરોક્ત એકમમાં આપણે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાની સંકલ્પનાની સમજૂતી પ્રાપ્ત કરી. વિકાસની વિવિધ અવસ્થાઓ અને તે અવસ્થા દરમિયાન વ્યક્તિમાં જોવા મળતી લાક્ષણિકતાઓ અને વિકાસની તરેહને અભ્યાસ કર્યો. વૃદ્ધિ અને વિકાસની અવસ્થાઓના લક્ષણોને ધ્યાનમાં રાખી માતાપિતા અને શિક્ષક બાળકના વર્તનને સમજવાની કોશિશ કરે તો શિક્ષણની પ્રક્રિયા ઘણી સરળ બની શકે છે. જેની સમજૂતી આપણે શૈક્ષણિક ફલિતાર્થો દ્વારા પ્રાપ્ત કરી. આ ઉપરાંત વિકાસને અસર કરતાં પરિબળ તરીકે વારસો અને વાતાવરણની સમજૂતી મેળવી. સાથોસાથ આધુનિક સમયમાં બાળકના વિકાસમાં માતાપિતા અને શિક્ષકોએ કેવી ભૂમિકા ભજવવી જોઇએ તેના વિશેની વિસ્તૃત સમજૂતી પ્રાપ્ત કરી છે. આ એકમની ખરી ફલશ્રુતિતો એ જ રહેશે કે તમે એક શિક્ષક તરીકે આ બધી બાબતનો તમારા વર્ગ વ્યવહારમાં ઉત્તમ રીતે ઉપયોગ કરતાં થાવ.
Cover: https://amzn.to/4l2fEIr