મનોવિજ્ઞાન, મનોવિજ્ઞાનનો વિકાસ અને અભિગમો
મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ :-
- મનોવિજ્ઞાન માટે અંગ્રેજી શબ્દ Psychology એ રૂડોલ્ફ આપ્યો હતો.
- મનોવિજ્ઞાન વિશેના ખ્યાલો માનવ ઉત્પત્તિ સાથે શરૂ થયા છે.
- ગ્રીસ અને રોમમાં એરિસ્ટોટલ, ભારતમાં ચાણક્ય, ભરતમૂનિ અને પતંજલિ જેવા વિદ્વાનોએ માનવીનાં વર્તનોને સમજવાનો પ્રયત્ન કર્યો હતો.
- આ સમયમાં મનોવિજ્ઞાન તત્ત્વજ્ઞાનની એક શાખા ‘માનસિક તત્ત્વજ્ઞાન’ તરીકે ઓળખાતું હતું.
- ઓગણીસમી સદીના અંત ભાગમાં ‘મનોવિજ્ઞાન’ એક સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે અસ્તિત્વમાં આવ્યું.
મનોવિજ્ઞાનના વિકાસના તબક્કા:
મનોવિજ્ઞાનના વિકાસના તબક્કાને ચાર તબક્કાઓમાં વહેંચવામાં આવ્યા છે :-
(1) પૂર્વ વૈજ્ઞાનિક મનોવિજ્ઞાન
(2) મનોવિજ્ઞાનના સંપ્રદાયો અને વિચારધારાઓ
(3) આધુનિક સમયનું મનોવિજ્ઞાન
(4) ભારતમાં આધુનિક મનોવિજ્ઞાનનો વિકાસ
ઉપરોક્ત મનોવિજ્ઞાનના વિકાસના તબક્કાની સમજૂતી આ પ્રમાણે આપી શકાય :-
(1) પૂર્વ વૈજ્ઞાનિક મનોવિજ્ઞાન :-
- રૂડોલ્ફે મનોવિજ્ઞાન માટે સૌપ્રથમ ‘Psychology’ શબ્દનો પ્રયોગ કર્યો હતો.
- Pshchology મૂળ લેટિન શબ્દ ‘Psyche’ (આત્મા) અને ‘Logos’ (વિજ્ઞાન) શબ્દોનો બનેલો છે તેનો શબ્દાર્થ ‘આત્માનું વિજ્ઞાન’ થાય છે.
- આત્માનું સ્વરૂપ અસ્પષ્ટ હોવાથી આ ખ્યાલનો અસ્વીકાર થયો.
- Psyche નો બીજો એક અર્થ (મન) થાય છે માટે ‘મનોવિજ્ઞાન એટલે મનનું વિજ્ઞાન’ એ ખ્યાલ પ્રચલિત થયો. આ મત મુજબ (મનના વિજ્ઞાનના મત મુજબ) મગજના જુદા જુદા ભાગોમાં જુદી જુદી માનસિક શક્તિઓ ગોઠવાયેલી છે.
- મગજનો જે ભાગ વધુ વિકસિત હોય તે ભાગની માનસિક શક્તિ એનામાં વધારે છે એમ માનવામાં આવતું હતું.
- આ જ સમય દરમિયાન વેબર, ફેકનર, મ્યુલર, હેલ્હોલ્ટઝ વગેરે વિજ્ઞાનીઓએ વર્તનના ભૌતિક અને શારીરિક આધાર પર ભાર મૂક્યો તથા મગજની વિવિધ શક્તિઓનાં અલગ અલગ કેન્દ્રોની માન્યતા નકારી કાઢી.
- આથી, મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે. એ વ્યાખ્યાનો પણ અસ્વીકાર થયો.
- 19મી સદીના ઉત્તરાર્ધમાં ‘મનોવિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન છે.’ એમ કહેવામાં આવ્યું.
- વિલ્હેમ વુન્ટે મનોવિજ્ઞાનને ‘ચેતન અનુભવો’ (મનોવ્યાપારો)નો અભ્યાસ કરતું વિજ્ઞાન ગણાવ્યું.
- ચેતનાનો અભ્યાસમાં પ્રાણીઓનો, શિશુઓનો અને અસાધારણ વ્યક્તિઓનો અભ્યાસ શક્ય ન બનતાં મનોવિજ્ઞાનનું ક્ષેત્ર સિમિત થઈ ગયું.
- આથી ચેતનાને કેન્દ્રમાં રાખતી આ વ્યાખ્યાનો પણ અસ્વીકાર થયો.
- અમેરિકામાં જે. બી. વૉટ્સને મનોવિજ્ઞાનને ‘વાર્તનિક વિજ્ઞાન’ તરીકે ઓળખાવ્યું.
- ચેતનાના અભ્યાસ માટે વુન્ટે દર્શાવેલી આંતરનિરીક્ષણ પદ્ધતિના સ્થાને તેમણે વર્તનના અભ્યાસ માટે બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ ઉપર ભાર મૂક્યો અને માત્ર વર્તનને જ મનોવિજ્ઞાનના વિષયવસ્તુ તરીકે સ્વીકાર્યું.
- વૉટ્સનનો આ મત આખરી મત ન હતો, કેમકે માનવીનું વર્તન એ યંત્રમાનવના વર્તન જેવું યાંત્રિક નથી.
- માનવીના વર્તન પાછળ અનેક પ્રેરકો, આવેગો, મનોવલણો, ગમા – અણગમા વગેરે માનસિક ઘટકો સંકળાયેલા હોય છે.
- માનવ વર્તનને સમજવા માટે માનસિક ઘટકોનો અભ્યાસ કરવો અનિવાર્ય છે.
- વ્યક્તિના પ્રત્યેક વર્તન પાછળ અનેક જટિલ મનોવ્યાપારો છુપાયેલા હોય છે.
- આમ, મનોવિજ્ઞાનમાં વર્તન, બાહ્ય વાર્તનિક અનુભવો અને માનસિક વ્યાપારોને પણ સ્થાન મળ્યું.
(2) મનોવિજ્ઞાનના સંપ્રદાયો અને વિચારધારાઓ :
- ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અને વીસમી સદીના પૂર્વાર્ધમાં અનેક વિદ્વાનોએ મનોવિજ્ઞાનને સમજવાનો
- પ્રયત્ન કર્યો અને જુદા જુદા અભિપ્રાયો રજૂ કર્યા.
આ વિચાર વૈવિધ્યમાંથી મનોવિજ્ઞાનમાં નીચે પ્રમાણે કેટલાક સંપ્રદાયો અને વિચારધારાઓનો વિકાસ થયો.
(1) રચનાવાદ
(2) કાર્યવાદ
(3) વર્તનવાદ
(4) સમષ્ટિવાદ
(5) મનોવિશ્લેષણ
(1) રચનાવાદ :-
- રચનાવાદીઓએ મનોવિજ્ઞાનમાં ચેતન અનુભવની રચના,, તેના ઘટકો, સંવેદનો, પ્રતિમાઓ તથા લાગણીઓના અભ્યાસ માટે આંતર નિરીક્ષણ પદ્ધતિઓ વિકસાવી.
- રચનાવાદના વિકાસમાં વિલ્હેમ વુન્ટ અને એડવર્ડ ટિન્શનરનો ફાળો મુખ્ય છે.
(2) કાર્યવાદ :-
- રચનાવાદના વિરોધમાં કાર્યવાદનો વિકાસ થયો.
- કાર્યવાદમાં ચેતનાના ઘટકોનું પૃથક્કરણ કરવાને બદલે તેનાં કાર્યોના અભ્યાસને મહત્ત્વ અપાયું.
- વ્યક્તિ પોતાની જાત સાથે, બીજાઓ સાથે અને વાતાવરણ સાથે અસરકારક સમાયોજન સાધે છે તે મનોવિજ્ઞાનનો અભ્યાસ વિષય છે.
- કાર્યવાદના વિકાસમાં વિલિયમ જેમ્સ, જહોન ડયુઈ, એન્જલ અને કારનો ફાળો મુખ્ય છે.
(3) વર્તનવાદ :-
- અમેરિકામાં વૉટ્સને માત્ર બાહ્ય વર્તનને મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ બનાવ્યું.
- આથી તે સંપ્રદાય ‘વર્તનવાદ’ તરીકે ઓળખાયો.
- તેમણે વર્તનના અભ્યાસ માટે બાહ્ય નિરીક્ષણ અને પ્રયોગપદ્ધતિની રજૂઆત કરી.
- પછીથી વૉટ્સનની વિચારધારાનો વિરોધ થયો.
- વર્તનવાદનાં વિકાસમાં નવા વર્તનવાદી એડવીન ગથરી, ઈ.સી. ટોલમેન અને બી. એફ. સ્ક્રિનરનો ફાળો મુખ્ય છે.
(4) રામષ્ટિવાદ :-
- સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો વર્તન અને મનોવ્યાપારને અવિભાજય એકમ ગણે છે અને રચનાવાદ તથા વર્તનવાદના અણુવાદી ઘટકલક્ષી અભિગમનો વિરોધ કરે છે.
- તેમણે જણાવ્યું કે મન અને વર્તનને ઘટકોમાં છૂટા પાડવાથી મન કે વર્તનનો સમગ્રલક્ષી અભ્યાસ થઈ શકતો નથી.
- ઈ.સ. 1912માં ફ્રી – ફીનોમિનના પ્રયોગ દ્વારા વર્ધાયમર, કોફકા અને કોહલરનાં પ્રયત્નોથી સમષ્ટિવાદી વિચારધારાનો વિકાસ થયો.
(5) મનોવિશ્લેષણવાદ :-
- મનોવિશ્લેષણવાદના પ્રણેતા ડૉ. સિમંડ ફ્રોઈડનો જન્મ વિયેનામાં થયો હતો.
- તેઓ તબીબ અને મનોચિકિત્સક હતા.
- તેમણે અચેતન મનનો ખ્યાલ આપ્યો.
- તેમણે માનસિક સમસ્યા ધરાવતા દર્દીઓની સારવાર માટે ‘સ્વપ્ર વિશ્લેષણ’ અને ‘મુક્ત સાહચર્ય’ પદ્ધતિનો ઉપયોગ કર્યો.
- તેમણે ‘વ્યક્તિત્વનો સિદ્ધાંત’ રચી વ્યક્તિત્ત્વના ઘટકોની સમજૂતી આપી.
- તેમણે માનસિક રોગોના મૂળ કારણ તરીકે માનવીના અચેતન મનમાં દયન પામેલી જાતીયતાને ગણાવી છે.
2. મનોવિજ્ઞાનના અભિગમો
- માનવીની ઉત્પત્તિ થઈ ત્યારથી માનવવર્તનને સમજવાની જરૂરિયાત ઊભી થઈ. અનેક વિદ્વાનોએ માનવવર્તનની જટિલતાને સમજવાનો પ્રયત્ન કર્યો છે.
- અને તેથી અનેક અભિગમો પ્રાપ્ત થયા છે.
- આ અભિગમોનું સંકલન કરીને મનોવિજ્ઞાનની સાચી સમજ મેળવી શકાય છે.
- આ અભિગમોનું સંકલન કરીને મનોવિજ્ઞાનની સાચી સમજ મેળવી શકાય છે.
1. જૈવિય અભિગમ
- માનવ વર્તનને સમજવા માટે વેબર, હેલ્મહોટ્ઝ અને ફેકનરે જૈવિય અભિગમનો આધાર લીધો હતો.
- આ અભિગમમાં વ્યક્તિના વર્તનને સમજવા માટે રંગસૂત્રો, જનીનતત્ત્વો, ચેતાપ્રવાહો, શરીરરચના, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, સ્નાયુતંત્ર, ગ્રંથિઓના રસસ્રાવ વગેરેનો આધાર લેવામાં આવે છે.
- આ માટે સંશોધકો શસ્ત્રક્રિયા, વિદ્યુત ઉદ્દીપન અને જીવરાસાયણિક જેવી પદ્ધતિઓ અને વિવિધ સાધનોનો ઉપયોગ કરે છે.
- કેટલાક વિદ્વાનોના અભિપ્રાય મુજબ વ્યક્તિના વર્તન માટે જૈવિય જનીનિક વારસો તેમજ ભય, દુઃખ અને આનંદ જેવા આંતરિક – માનસિક અનુભવો માટે મગજ જવાબદાર છે.
2. વાર્તનિક અભિગમ
- અમેરિકન મનોવૈજ્ઞાનિક જે. બી. વૉટ્સને મનોવિજ્ઞાનને ફક્ત વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું છે.
- વાર્તનિક અભિગમ વ્યક્તિના વસ્તુલક્ષી નિરીક્ષણ કરી શકાય તેવા વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે.
- આ અભિગમમાં વ્યક્તિગત અનુભવ, ચેતના અને આંતરનિરીક્ષણ પદ્ધતિને સ્થાન નથી.
- વ્યક્તિના વર્તનને ઉદ્દીપક પ્રત્યેની પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે.
- આથી આ અભિગમ ‘ઉદ્દીપક – પ્રતિક્રિયા અભિગમ’ તરીકે પણ ઓળખાય છે.
- આ અભિગમ વ્યક્તિનાં વાણી, મુખભાવ, ચેષ્ટાઓ અને શારીરિક હલનચલનનો અભ્યાસ કરતો હોવાથી તેને ‘વાર્તનિક અભિગમ’ કહે છે.
- આ અભિગમના વિકાસમાં વૉટ્સન, ગથરી, સ્કીનર, ટોલમેન વગેરેનું મહત્ત્વનું પ્રદાન છે.
3. મનોગત્યાત્મક અભિગમ
- મનોગત્યાત્મક અભિગમ વર્તનના પ્રેરણા અને આવેગ જેવા મનના ગતિશીલ પરિબળોના સંદર્ભમાં અભ્યાસ કરે છે. દા.ત., આપણે બસમાં મુસાફરી કરતાં હોઈએ અને કોઈ અપરિચિત વ્યક્તિ આપણી બાજુમાં બેસે તે આપણને ગમતું નથી.
- આ અણગમો થવાનું કારણ શું? મનોગત્યાત્મક અભિગમ આવા પ્રશ્નોના ઉત્તર અચેતન મન દ્વારા આપે છે.
- આમ થવાનું કારણ વ્યક્તિના મનમાં પડેલી અચેતન પ્રેરણાઓ છે.
- માનવીના વર્તન અને મનને માનવીની અચેતન પ્રેરણાઓ અને આવેગો માટે અબોધ મનને જવાબદાર ગણે છે.
- મનોગત્યાત્મક અભિગમ માનવીની સુખ મેળવવાની ઈચ્છા, વ્યક્તિના ઈડ, ઈગો અને સુપર ઈગો, મનનાં જાગૃત, અર્ધજાગૃત અને અજાગૃત પાસાંઓ તથા મનોજાતીય વિકાસના સિદ્ધાંતોના આધારે માનવવર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે.
4. માનવવાદી અભિગમ
- આ અભિગમ મનોગત્યાત્મક અભિગમ કરતાં વિરોધી બાબત પર ભાર મૂકે છે.
- મનોગત્યાત્મક અભિગમ અનુસાર માનવી અનિચ્છનીય અને સમાજવિરોધી પ્રેરણાથી વર્તે છે.
- તેને પોતાની મૂળભૂત ઈચ્છાઓ પૂરી કરવામાં જ રસ હોય છે.
- જયારે માનવવાદી અભિગમ અનુસાર માનવી શક્તિશાળી અને સમાજને અનુકૂળ રીતે વર્તનાર ક્રિયાશીલ વ્યક્તિ છે.
- આ અભિગમના પ્રણેતાઓમાં અબ્રાહ્મ મેસ્લો, કાર્લ રોજર્સ, એરિક ળોમ વગેરેનો સમાવેશ થાય છે.
- તેમના મતે માનવી પોતાના વર્તન માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. તેનું દૃષ્ટિબિંદુ તેના વર્તનને ઘડે છે.
- આ અભિગમ અનુસાર માનવી સ્વતંત્ર, ઈચ્છાશક્તિવાળો, સ્વવિકાસની ઈચ્છાવાળો અને વિધાયક દ્રષ્ટિબિંદુવાળો છે અને પોતાના વર્તનને નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. આથી જ આ અભિગમને ‘માનવીય અભિગમ’ પણ કહે છે.
5. બોધાત્મક અભિગમ
- બોધાત્મક અભિગમે વાતનિક અભિગમનો વિરોધ કરી જણાવ્યું કે માનવી જૈવિક પ્રાણી છે, યંત્ર નથી.
- માનવી ફક્ત ઉદ્દીપક પ્રત્યે પ્રતિક્રિયા આપે અથવા હુકમોના સંદર્ભમાં જ ક્રિયાઓ કરે એવું રોબોટ (માનવયંત્ર) નથી. રૉબોટ અગાઉથી અપાયેલી સૂચનાઓ મુજબ જ બધાં કાર્યો કરે છે. તેનામાં પોતાની સંકલ્પશક્તિ, ઈચ્છા કે પસંદગી હોતાં નથી.
- બોધાત્મક અભિગમ અનુસાર માનવમન કમ્પ્યૂટર જેવું યંત્ર છે. જેમાં ઉદીપકની માહિતી અંદર જાય છે, તેના પર અર્થઘટન, પૃથક્કરણ વગેરે જેવી બોધાત્મક પ્રક્રિયાઓ થાય છે અને પછી પ્રતિક્રિયા બહાર આવે છે.
6. સામાજિક – સાંસ્કૃતિક અભિગમ
- આ અભિગમમાં આધુનિક્તા જોવા મળે છે. બીજા અભિગમોમાં વાતાવરણ, અચેતન ઈચ્છાઓ કે માનવીના વર્તનને જવાબદાર ગણવામાં આવતા હતા. પરંતુ માનવીના વિકાસનાં મહત્ત્વનાં પરિબળો સમાજ અને સંસ્કૃતિની અવગણના કરવામાં આવતી હતી.
- આ અભિગમ માનવીના વર્તન માટે તેની આજુબાજુના સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણને જવાબદાર ગણે છે.
(4) ભારતમાં આધુનિક મનોવિજ્ઞાનનો વિકાસ :-
- ઈ.સ. 1905માં ભારતની કોલકાતા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં બ્રોજેન્દ્રનાથ સીલે મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપી અને તેમણે મનોવિજ્ઞાનના અભ્યાસની રૂપરેખા તૈયાર કરી.
- 1916માં કોલકાતા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનનો એક અલગ વિભાગ શરૂ થયો.
- તેના અધ્યક્ષ તરીકે વિલ્હેમ વુન્ટના શિષ્ય હ્યુગોમુન્સ્ટર સાથે હાર્વર્ડ યુનિવર્સિટીમાં તાલીમ પામેલા ડૉ. એન. એન. સેનગુપ્તાની નિયુક્તિ થઈ.
- મનોવિજ્ઞાન વિષયમાં ભારતમાં સૌપ્રથમ Ph.D. ની પદવી ડૉ. સિગ્લંડ ળોઈડના મનોવિશ્લેષણવાદથી પ્રભાવિત થયેલા શેખર બોઝને એનાયત કરવામાં આવી.
- ગુજરાતના ડૉ. ધીરેન્દ્ર મહેતાએ જર્મનીમાં ડો. ળોઈડના માર્ગદર્શન નીચે તાલીમ મેળવી.
- થોડા વર્ષ પછી મૈસૂર અને પટનામાં મનોવિજ્ઞાન વિભાગની શરૂઆત થઈ.
- ઈ.સ. 1950 પછી ભારતમાં મનોવિજ્ઞાનનો વિકાસ યુનિવર્સિટીઓમાં શિક્ષણ સંસ્થાઓમાં, વહીવટીસંસ્થાઓમાં, સંરક્ષણ ક્ષેત્રે અને શિક્ષણશાસ્ત્રીઓની તાલીમમાં થવા લાગ્યો છે.
- હાલમાં ભારતમાં ઉદ્યોગક્ષેત્રે, અવકાશ સંશોધનક્ષેત્રે અને રમત-ગમતના ક્ષેત્રે મનોવિજ્ઞાનનો વ્યાપક ઉપયોગ થાય છે.
મનોવિજ્ઞાનની વ્યાખ્યા :-
- મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ માનવીનું વર્તન છે. મનોવિજ્ઞાન માનવીના બાહ્ય, આંતરિક, શારીરિક અને માનસિક વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે.
- ‘મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતાં વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે.’- એચ. ઈ. ગેરેટ
- ‘મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે.’ – સી. ટી. મોર્ગન
- ‘મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.’ – હિલગાર્ડ, એટકિન્સન
મનોવિજ્ઞાનનું સ્વરૂપ :-
- વિજ્ઞાન એ જ્ઞાન મેળવવાની અને જ્ઞાનને સંગઠિત કરવાની પ્રક્રિયા છે.
- મનોવિજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિથી વર્તનનો અભ્યાસ કરે છે. આથી તે વિજ્ઞાન છે.
1. મનોવિજ્ઞાન વિજ્ઞાન છે :-
- મનોવિજ્ઞાન વાસ્તવિક્તાના ભૌતિક, શારીરિક અને મનોવૈજ્ઞાનિક પાસાઓ સાથે સંબંધ ધરાવતું વિજ્ઞાન છે.
- ઈ.સ. 1879માં વિલ્હેમ વુન્ટ નામના મનોવૈજ્ઞાનિકે જર્મનીના લિમ્પઝીંગ શહેરમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થપાતા તેને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે.
- મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ માનવીનું વર્તન હોવાથી તે ભૌતિક વિજ્ઞાન, રસાયણવિજ્ઞાન કે જીવવિજ્ઞાન જેવું શુદ્ધ વિજ્ઞાન નથી.
- વર્તમાન સમયમાં અનેક વિષયો વચ્ચે જ્ઞાનનો સેતુ રચાયો છે ત્યારે મનોવિજ્ઞાન આ બધાં વિજ્ઞાનોનો ઉપયોગ કરી માનવીના વર્તનને વધુ વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કરે છે.
- મનોવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ કરી સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનો અભ્યાસ કરે છે.
2.મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે :-
- માનવી પ્રાકૃતિક જગતનો હિસ્સો છે.
- મનોવિજ્ઞાનનું અભ્યાસવસ્તુ માનવીનું વર્તન છે. આથી મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે.
- મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરવા માટે અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનનો જે અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે તે જ અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ મનોવિજ્ઞાન કરે છે.
- આથી મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે.
3. મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે :-
- મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ કરતી વખતે તેના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભને ધ્યાનમાં રાખે છે. આથી મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે.
- મનોવિજ્ઞાન માનવીમાં રહેલાં સામાજિક પાસાંને સ્પર્શતું હોવાથી મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે.
4. મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે :-
- જે વિજ્ઞાન માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે, તેને ‘વાર્તનિક વિજ્ઞાન’ કહે છે.
- સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજયશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર વગેરે વિજ્ઞાનો પણ માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું હોવાથી મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે.
માનવવાદ :-
- કાર્લ રોજર્સ, અબ્રાહ્મ મેસ્લો, એરીક ફ્રોમ વગેરે માનવવાદીઓએ માનવીની ઈચ્છાશક્તિની સ્વતંત્રતા, આંતરિક સંભાવનાનો વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા પર ભાર મૂક્યો.
- આ મત મુજબ વર્તનવાદ વાતાવરણથી પ્રભાવિત થતાં માનવીના વર્તન પર ભાર મૂકે છે ત્યારે માનવીની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠાની અવગણના કરી માનવવર્તનને યાંત્રિક બનાવે છે.
બોધાત્મક અભિગમ :-
- વીસમી સદીના ઉત્તરાર્ધમાં વિકાસ પામેલા બોધાત્મક અભિગમને આપણે વિશ્વને કઈ રીતે જોઈએ છીએ તે બાબત પર પ્રકાશ પાડયો.
- બોધન એ જાણવાની પ્રક્રિયા છે, જેમાં વિચારણા, સમજણ, જોવું, યાદ રાખવું, સમસ્યા ઉકેલ વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
- આ બાબતો આપણી માનસિક પ્રક્રિયાઓ અને આપણા જ્ઞાન સાથે મળીને વાતાવરણ સાથે કામ પાર પાડવા માટે આપણને સક્ષમ બનાવે છે.
મનોવિજ્ઞાનના અભ્યાસક્ષેત્રો જણાવો :-
- આધુનિક યુગમાં મનોવિજ્ઞાનના સૈદ્ધાંતિક અને વ્યવહારિક જ્ઞાનનો ઉપયોગ જીવનનાં દરેક ક્ષેત્રોમાં વ્યાપક પ્રમાણમાં થાય છે.
મનોવિજ્ઞાનના વિકસિત અભ્યાસક્ષેત્રો નીચે પ્રમાણે છે :-
(1) પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન
(2) ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન
(3) શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન
(4) સંગઠનલક્ષી મનોવિજ્ઞાન
(5) સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન
(6) જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન
(7) સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન
(8) પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન
(9) ગુનાશોધનનું મનોવિજ્ઞાન
આધુનિક મનોવિજ્ઞાનનો વિકાસ :-
2. ભારતમાં મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ :-
મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ :
મનોવિજ્ઞાનના વિષયવસ્તુના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતી મુખ્ય છ અભ્યાસ પદ્ધતિઓ છે :-
(1) નિરીક્ષણ પદ્ધતિ
(2) દીર્ઘકાલીન અને સમકાલીન પદ્ધતિ તથા વ્યક્તિ ઈતિહાસ પદ્ધતિ
(3) પ્રયોગ પદ્ધતિ
(4) પ્રશ્નાવલિ પદ્ધતિ
(5) મુલાકાત પદ્ધતિ
(6) મનોવૈજ્ઞાનિક કસોટીઓ
1. નિરીક્ષણ પદ્ધતિ :-
- ‘નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ.’
આંતરનિરીક્ષણ :-
- ‘આંતનિરીક્ષણ એટલે પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતાં મનોવ્યાપારોનું નિરીક્ષણ કરવું.’
કુદરતી નિરીક્ષણ :-
- ‘કુદરતી નિરીક્ષણ પદ્ધતિમાં વ્યક્તિ, જૂથ કે ઘટના જે પરિસ્થિતિમાં હોય તેવી જ પરિસ્થિતિમાં નિરીક્ષણ કરવું.’
વ્યવસ્થિત નિરીક્ષણ :-
- ‘વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ એ કુદરતી નિરીક્ષણ પદ્ધતિનું વધુ ચોક્કસ અને વિશ્વસનીય સ્વરૂપ છે.’
ક્ષેત્ર નિરીક્ષણ :-
- “નિરીક્ષણ તો કોઈ સમસ્યાના નિરીક્ષણ માટે જે તે સ્થળ પર જઈ ત્યાંની પરિસ્થિતિમાં નિરીક્ષક સામેલ થઈ જાય અને નિરીક્ષણ કરે તેને સહભાગી નિરીક્ષણ કહેવાય.’
તુલનાત્મક નિરીક્ષણ :-
- કેટલાક મનોવૈજ્ઞાનિક અભ્યાસોમાં એક વ્યક્તિના વર્તનની સરખામણી અન્ય વ્યક્તિના વર્તન સાથે કરવામાં આવે છે જેને તુલનાત્મક નિરીક્ષણ કહેવાય છે.
2. દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ :-
- આ અભ્યાસ પદ્ધતિને ‘અન્વાયામ અભ્યાસ’ પણ કહે છે. આ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિઓના સમૂહને કે જૂથને ઘણાં વર્ષો સુધી અભ્યાસ કરી પરિણામોની તુલના કરવામાં આવે છે.
3. સમકાલીન અભ્યાસ પદ્ધતિ :-
- આ અભ્યાસ પદ્ધતિને ‘અનુપ્રસ્થ છેદીય અભ્યાસ’ પણ કહે છે.
- મનોવિજ્ઞાનમાં જયારે વિકાસના તબક્કાઓનો ઝડપી અને એક જ સમયે અભ્યાસ કરવાનો હોય ત્યારે જુદી જુદી ઉંમરના પ્રયોગપાત્રોને એક સાથે લઈ તેમનો અભ્યાસ કરવામાં આવે તેને ‘સમકાલીન અભ્યાસ’ કહે છે.
4.વ્યક્તિ ઈતિહાસ પદ્ધતિ :-
- જેમાં વ્યક્તિને વિશ્લેષણના એકમ તરીકે લેવામાં આવે છે. તેને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ શોધવા તેનો જીવનઈતિહાસ તપાસાય છે.
5. પ્રયોગ પદ્ધતિ :-
- ‘પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ.’
6. પ્રશ્નાવલિ પદ્ધતિ :-
- ‘પ્રશ્નાવલિ પદ્ધતિ એટલે અમુક ચોક્કસ સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોનો સમૂહ.’
7. મુલાકાત પદ્ધતિ :-
- મુલાકાત એટલે રૂબરૂ મોંઢામોઢની વાતચીત ‘ મુલાકાત’ પદ્ધતિ એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. – ગુડ અને હાટ
8. મનોવૈજ્ઞાનિક કસોટીનો અર્થ :-
- ‘મનોવૈજ્ઞાનિક કસોટી એટલે બે કે બેથી . વધુ વ્યક્તિઓના
- વર્તનનું અનાત્મલક્ષી રીતે માપન કરવાની રીત’ મનોવૈજ્ઞાનિક કસોટી વડે નિરીક્ષણને વધુ ચોક્કસ અને વ્યવસ્થિત બનાવી શકાય છે.
- મનોવૈજ્ઞાનિક કસોટીઓ વર્તનનાં વિવિધ પાસાંઓનાં માપન માટેનાં વસ્તુલક્ષી સાધનો છે.
- મનોવૈજ્ઞાનિક કસોટીની શરૂઆત 19મી સદીની શરૂઆતમાં થઈ હતી. શરૂઆતમાં બુદ્ધિ કસોટીની રચના પર ભાર મૂકવામાં આવ્યો હતો.
- મનોવૈજ્ઞાનિક આલ્ફ્રેડ બિનેએ ડૉ. સાયમનના સહયોગથી સૌપ્રથમ બેંચ ભાષામાં બુદ્ધિકસોટીની રચના કરી હતી. 1905માં અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ બિને-સાયમનની બુદ્ધિકસોટી તૈયાર કરવામાં આવી.
મનોવૈજ્ઞાનિક કસોટીઓના લક્ષણો :-
1. વિશ્વસનીયતા :-
- વિશ્વસનીયતા એટલે કસોટીની સુસંગતતા.
- વિશ્વસનીયતા એ પુનરાવર્તનશીલતા સૂચવે છે.
- જો કોઈ એક જ વ્યક્તિ કે વ્યક્તિઓને તે જ કસોટી અથવા સમાન સ્વરૂપની કસોટી જુદા જુદા સમયે આપવામાં આવે અને બધા પરિણામોમાં સુસંગતતા કે સાતત્ય હોય તો એ કસોટી વિશ્વસનીય છે એમ કહેવાય.
- દા.ત., મનિષને આજે એક બુદ્ધિકસોટી આપતાં તેનો બુદ્ધિઆંક 90 આવે અને પંદર દિવસ પછી ફરી તે જ કસોટી આપતાં તેનો બુદ્ધિઆંક 110 આવે તો તેવી કસોટી વિશ્વસનીય ન કહેવાય.
2. યથાર્થતા :-
- કસોટી દ્વારા જે કંઈ માપવાનો હેતુ હોય તેનું જ કસોટી દ્વારા માપન થાય તો તે કસોટી યથાર્થ કહેવાય.
- કસોટી દ્વારા વ્યક્તિના જે ગુણ, લક્ષણ કે શક્તિના માપન માટે કસોટીની રચના કરવામાં આવી હોય તે જ ગુણ, લક્ષણ કે શક્તિનું માપન કસોટી દ્વારા થવું જોઈએ. અન્ય બાબતનું નહિ.
- દા.ત., બુદ્ધિ માટે બનાવેલી કસોટી અભિયોગ્યતા કે સર્જનાત્મકતાનું માપન કરે તો તેવી કસોટી યથાર્થ ન કહેવાય.
3. પ્રમાણિતતા :-
- ‘પ્રમાણિતતા એટલે કસોટીનું સંચાલન કરવાની અને તેના પ્રાપ્તાંકો તારવવાની પદ્ધતિની એકરૂપતા.’
4. માનાંકો :-
- માનાંકો એટલે ધોરણો
- માનાંકો એટલે સમધારણ કે સરેરાશ કાર્ય કસોટીના પ્રમાણિકરણ સમયે સ્થાપવામાં આવેલા માપદંડોને માનાંકો કહે છે.
5. વસ્તુલક્ષિતા :-
- કસોટી લેનાર વ્યક્તિ કોઈપણ પ્રકારની અંગત માન્યતા, મનોવલણો કે પૂર્વગ્રહ રાખ્યા વગર કસોટીનું મૂલ્યાંકન કરે તો તેને વસ્તુલક્ષિતા કહેવાય.
પ્રયોગપદ્ધતિ :-
- પ્રયોગ એટલે શું ?
- પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ.
પ્રયોગના લક્ષણો :-
1. નિયંત્રણ
- પ્રયોગ પદ્ધતિ એક જ એવી પદ્ધતિ છે જેની અંદર પ્રયોગકર્તાનું પરિસ્થિતિ પર નિયંત્રણ હોય છે. પ્રયોગમાં જે ઘટકોની ચકાસણી કરવાની હોય છે તે સિવાયના તમામ ઘટકો પર પ્રયોગકર્તા નિયંત્રણ રાખે છે.
2.પરિવર્તન :-
- પ્રયોગકર્તા પ્રયોગના પરિબળોમાં અને પ્રયોગની પરિસ્થિતિઓમાં જરૂરિયાત મુજબ પરિવર્તન કરી શકે છે.
3. પુનરાવર્તન :-
- પ્રયોગશાળાની અંદર માનવસર્જિત પરિસ્થિતિમાં પ્રયોગ થતો હોવાથી પ્રયોગકર્તા જરૂરિયાત પ્રમાણે ગમે ત્યારે ગમે તેટલી વખતે પ્રયોગનું પુનરાવર્તન કરી શકે છે.
4. વસ્તુલક્ષીતા :-
- પ્રયોગના પરિણામો જેમાં પ્રયોગકર્તા પોતાની અંગત માન્યતાઓ, મનોવલણો, પૂર્વગ્રહો, પક્ષપાત વગેરેની અસર થવા દેતો નથી તેને વસ્તુલક્ષિતા કહે છે.
પ્રયોગમાં પરિવત્યો :-
- પરિવર્ત્ય એટલે શું ?
- જે સતત પરિવર્તનશીલ છે તે.
- પદાર્થ, વસ્તુ કે જીવંત પ્રાણીનું એવું ગુણલક્ષણ કે જેનું માપન થઈ શકે તે.
પરિવર્ત્યના પ્રકારો :-
1. સ્વતંત્ર પરિવર્ત્ય :-
- પ્રયોગ દરમિયાન જેની અસર તપાસવાની હોય અને પ્રયોગકર્તા જેમાં જરૂરી ફેરફાર કરવા સ્વતંત્ર હોય તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહે છે. સ્વતંત્ર પરિવર્યોમાં નીચેના બે પરિવર્યોનો સમાવેશ થાય છે.
પ્રાયોગિક પરિવાઁ :-
- પ્રયોગ દરમિયાન જે પરિવર્ત્યની અસર તપાસવાની હોય જે બાબત અંગે અભ્યાસ કરવાનો હોય તેને પ્રાયોગિક પરિવર્ત્ય કહેવાય છે. દા.ત., ઘોંઘાટની શિક્ષણકાર્ય પર અસર તપાસતા હોઈએ તો ઘોંઘાટ સ્વતંત્ર પરિવર્ત્ય.
2. આધારીત કે અવલંબી પરિવર્ત્ય :-
- પ્રયોગ દરમિયાન પ્રાયોગિક પરિવર્ત્યમાં ફેરફાર કરવાથી પરિણામ ઉપર જે અસર પડે કે ફેરફાર થાય.
- તેને આધારિત કે અવલંબી પરિવર્ત્ય કહે છે. દા.ત., ઘોંઘાટની તીવ્રતા વધઘટ કરતાં શિક્ષણકાર્ય પર જે અસર થાય છે તે.
મનોવિજ્ઞાનના ધ્યેયો :-
દરેક વિજ્ઞાનનું પોતાનું ધ્યેય હોય છે તેમ મનોવિજ્ઞાનમાં પણ તેનું પોતાનું ધ્યેય છે જે નીચે પ્રમાણે છે :-
(1) વર્ણન
(2) સ્પષ્ટીકરણ
(3) આગાહી
(4) નિયંત્રણ
(5) જીવનની ગુણવત્તા સુધારવી

