પત્રકાર પરિષદ
પત્રકાર પરિષદ એટલે શું ?
સરકાર કે નામાંકિત સંસ્થા કોઈ મહત્ત્વના નીતિવિષયક નિર્ણયોની સત્તાવાર જાહેરાત પત્રકારો સમક્ષ કરે તેને પત્રકાર પરિષદ કહેવામાં આવે છે.
આવી જાહેરાત સરકારના અધિકૃત મીડિયા પ્રવક્તા કે અધિકારી દ્વારા કરાતી હોય છે.
(1) ઉપયોગ :
કેન્દ્ર કે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયોની જાહેરાત કરવા માટે
કોઈ સંસ્થા દ્વારા પોતાના નિર્ણયો કે ચોખવટની જાહેરાત કરવા માટે
ચૂંટણી વખતે રાજકીય પક્ષ પોતાના પક્ષનો પ્રચાર-જાહેરાત કે સૂચનાઓ પ્રજા સુધી પહોંચે તે માટે
વિપક્ષ દ્વારા આલોચના કરવા માટે
(2) ઉદ્દેશ્ય :
નીતિવિષયક નિર્ણયોની બહોળી પ્રસિદ્ધિ કરવા માટે.
માહિતીને વિશાળ ફલક પર મૂકવા માટે.
(3) પ્રશ્નમાં પુછાઈ શકે એવા વિષયો :
લોકહિતને સ્પર્શતા
સરકારની કામગીરીનું તટસ્થ મૂલ્યાંકન કરતા
લોકતાંત્રિક મૂલ્યોનું સંવર્ધન કરતા
(4) શૈલી – માળખું (ધ્યાનમાં રાખવાની બાબતો) :
(1) પત્રકાર પરિષદ પણ ઔપચારિક ભાષણની જેમ જ બોલચાલનું સ્વરૂપ છે, જેને લેખન દ્વારા ઉપસાવવાનું છે. જેથી લખવાની શૈલી અર્થાત્ શબ્દો-વાક્યોનું આયોજન તેના સ્વરૂપને છાજે તે રીતે કરવું જોઈએ.
(2) પત્રકાર પરિષદનું માળખું બે ભાગોમાં વિભાજિત થયેલું હોય છે. જેમાં,
(i) પ્રવક્તાનું કોઈ પણ વિષયના અનુસંધાનમાં પત્રકારો સાથેનું ઉદ્બોધન
(ii) પત્રકારો અને પ્રવક્તા બંને વચ્ચે થતી પ્રશ્નોત્તરી
(iii) TET/TAT/HTAT અને GPSCની પરીક્ષામાં હવે માત્ર ઉદ્બોધન જ પુછાય છે, એટલે કે પત્રકાર પરિષદનો પ્રથમ વિભાગ જ આપણે જવાબ રૂપે હવે લખવાનો રહે છે. આ ખાસ ધ્યાન રહે. પત્રકારો અને પ્રવક્તા વચ્ચેની પ્રશ્નોત્તરી હવે લખવાની રહેતી નથી.
(5) પત્રકાર પરિષદ લખવાનો ઢાંચો :
સૌથી પહેલા શીર્ષક લખવું જોઈએ.
જે-તે પ્રવક્તા પત્રકારોને સંબોધન કરે છે અને વિષયને અનુસાર વિગતોની રજૂઆત કરે છે.
ધ્યાન રહે વિગતોની રજૂઆત અત્યંત ઔપચારિકપણે થવી જોઈએ. અર્થાત્ ટૂંકમાં થવી જોઈએ. આ ઔપચારિક ભાષણની જેમ અનૌપચારિક સ્વરૂપ નથી. જેથી અહીં લખાણની ભાષા પ્રત્યે અત્યંત સભાન રહેવું.
અંતમાં જે પણ વિગતની ચર્ચા આપણે સમગ્ર પત્રકાર પરિષદ દરમિયાન કરી હોય એનો ઉદ્દેશ્ય અંતમાં લખવો જોઈએ.
ભાષા :
પત્રકાર પરિષદની ભાષા ઔપચારિક હોવી જોઈએ.
સરકારી તંત્ર કે કોઈ વ્યવસાયિક જગત સાથે જોડાયેલા અધિકારીની જે રીતની ભાષા હોય તે રીતની ભાષાનો ઉલ્લેખ અત્રે થવો જોઈએ.
અહીં કોઈ પણ વધારાના સંવાદને સ્થાન આપી ના શકાય.
અહીં આલંકારિક ભાષા, શેર-શાયરી, રૂઢિપ્રયોગ, કહેવત કે નાના નાના ટુચકાઓ ના લખવા.
ઔપચારિક ભાષણમાં વક્તા વાત કરતાં કરતાં શ્રોતા સામે સીધો સંવાદ સાધી શકે છે, પરંતુ અહીં એક વાર પ્રવક્તા શરૂઆતમાં પત્રકારો સાથે સ્વાગત સંબોધન કરે છે. ત્યારબાદ ફક્ત અંતમાં જ શ્રોતાસ્થાનમાં રહેલા પત્રકારો સાથે સીધો સંવાદ સાધે છે. આ ધ્યાન રહે.
પત્રકાર પરિષદનું લખાણ ભાષાગત કે વ્યાકરણગત ભૂલો વિનાનું હોવું જોઈએ.
પત્રકાર પરિષદના ઉદાહરણ નીચે મુજબ છે :
ઉદાહરણ (1): તાજેતરમાં જ સરકાર દ્વારા ખેડૂતો માટે ‘પીએમ કિસાન યોજના’ થકી કિસાનોને મોટી રાહત આપતી જાહેરાત કરાઈ છે. આપ સરકારી પ્રવક્તા છો. આ વિષયના અનુસંધાનમાં આપ પત્રકાર પરિષદમાં ઉદ્બોધન આપવાના છો, તો આ માટેનું લખાણ તૈયાર કરો.
કિસાન સન્માન નિધિ યોજના અને E-KYC અપડેટ
સરકારી પ્રવક્તા : અત્રે ઉપસ્થિત સર્વ પત્રકાર ભાઈઓ-બહેનોનું હું સ્વાગત કરું છું. પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે ‘અ, બ, ક’ સરકાર હંમેશાં કટિબદ્ધ છે અને રહેશે. હાલ ‘જગતનો તાત’ એવા ખેડૂતમિત્રોના લાભની યોજના ‘અ, બ, ક’ સરકાર લઈને આવી છે. જેની જાહેરાત આપ સમક્ષ કરતા હું કૃષિ અગ્રસચિવ ‘૫, ડ, ફ’ આનંદની લાગણી અનુભવું છું.
પીએમ કિસાન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મો હપતો જમા થશે, એટલે કે હપ્તાની રકમ જમા થશે. જોકે હજી સત્તાવાર તારીખ સામે આવી નથી, પરંતુ એ પહેલાં ખેડૂતોએ e-kyc અપડેટ કરવાનું રહેશે. જે પણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ રહ્યા છે એ સૌ માટે e-kycને અપડેટ કરવું કેન્દ્ર સરકારે અપડેટ કર્યું છે. જોકે કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં છેલ્લી તારીખને વધારી દીધી છે. આ પહેલાં e-kyc અપડેટ કરવાની છેલ્લી તારીખ 22, મે નક્કી થયેલ એ હવે 31 મે, 2022 નક્કી કરાયેલ છે.
વધુમાં જણાવવાનું કે, જે ખેડૂતોએ e-kyc અપડેટ નહિ કરાવ્યું હોય તેમના હપતા અટકી જશે. અર્થાત્ કોઈ પૈસા તેમના બેન્ક એકાઉન્ટમાં મળવાપાત્ર રહેશે નહિ. ટૂંક સમયમાં જ ‘પીએમ કિસાન સન્માન નિધિ યોજના’નો 11મો હપતો પણ બહાર પાડવામાં આવનાર છે. આ માટે વધુ વિગતે જાણકારી ‘પીએમ કિસાન પોર્ટલ’ પર ઉપલબ્ધ છે. જેના આધારિત સર્વ ખેડૂતોને નીચે મુજબની વિગતો ધ્યાન રાખવી જરૂરી છે :
(i) આધારકાર્ડ આધારિત OTP પ્રમાણીકરણ માટે ખેડૂતોએ કિસાન કોર્નરમાં e-kyc વિકલ્પ પર ક્લિક કરવું પડશે,
(ii) બાયોમેટ્રિક પ્રમાણીકરણ માટે નજીકના CSC કેન્દ્રની મુલાકાત લેવી પડશે. .
(iii) ખેડૂતમિત્રો આ કામ પોતાના ઘરે બેઠાબેઠા મોબાઇલ, કમ્પ્યૂટર કે લેપટોપ દ્વારા પણ કરી શકે છે.
(iv) આ માટે સૌથી પહેલાં તમે https:\pmkissan.gov.in પોર્ટલ પર જાઓ.
(v) જમણી બાજુએ e-kyc ટેબ હશે. તેના પર ક્લિક કરો.
(vi) આ સિવાય તમે તમારા હપતાની સ્થિતિ સરળતાથી ચકાસી શકો છો. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી.
કિસાન સન્માન નિધિ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવાનો છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની રકમ સીધા તેના બેન્ક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. સરકાર ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 10 હપતા મોકલી ચૂકી છે. આશા સેવાઈ રહી હતી કે, 11મો પણ ખેડૂતોના ખાતામાં મે મહિના સુધી આવી જશે. જોકે, નિયમોમાં ફેરફાર અને લાખો ખેડૂતો દ્વારા e-kycની પ્રક્રિયા પૂર્ણ ના થવાના કારણે અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 11મો હપતો મોકલવામાં આવ્યો નથી.
આ પત્રકાર પરિષદ દ્વારા કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ વધુ ને વધુ ખેડૂતો લે તેવો આશય છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતો માટેની વિગતો અત્રે સમાપ્ત થાય છે.
ઉદાહરણ (2): નર્મદા ડેમના દરવાજા તાજેતરમાં બંધ કરવામાં આવ્યા છે. આ નિર્ણયને લીધે ઊર્જાક્ષેત્રે મળનારાં હકારાત્મક પરિણામો વિશે માહિતી આપવા માટે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રીશ્રી પત્રકાર પરિષદ સંબોધિત કરશે તેમના ઔપચારિક ઉદ્બોધન માટેનું લખાણ તૈયાર કરો.
નર્મદા ડેમમાં સંગ્રહ થશે પાણી, ઊર્જાનો જથ્થો લાવશે આણી
પત્રકારમિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે નર્મદા ડેમના ત્રીસ દરવાજા બંધ કરવાની કામગીરીનો આરંભ થયો છે. આ એક ઐતિહાસિક ઘટના છે. આ દરવાજા બંધ થવાની સાથે ગુજરાતના વિકાસના દ્વાર આપોઆપ ખુલી જશે.
નર્મદામાં 138 મીટર સુધી પાણી ભરવા માટે દરવાજા બંધ કરવા સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માંગવામાં આવી હતી. જેને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી. તે પછી ગઈ કાલે નર્મદા કંટ્રોલ ઓથોરિટીની લીલી ઝંડી મળતા જ આજે દરવાજા બંધ કરાયા છે. નર્મદા ડેમના 30 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. જ્યારે એક દરવાજાને બંધ થતાં લગભગ એક કલાક જેટલો સમય લાગે છે. આજે મોડી રાત સુધી ડેમના 30 દરવાજા બંધ થઈ જશે. સરદાર સરોવર યોજનાનું સપનું સરદાર પટેલે જોયું હતું અને આજે વડા પ્રધાન ‘અ, બ, ક’એ આજે તેમનું સપનું સાકાર કર્યું છે. ગુજરાત માટે આ એક સુવર્ણ અને ઐતિહાસિક દિવસ છે.
આ યોજનાના કારણે ચોમાસામાં ડેમ ઓવરફ્લો થતા પાણી વહી જતું હતું તે અટકશે અને નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ થશે. જેથી ગુજરાતને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળી રહેશે. આ ઉપરાંત આ નિર્ણય અનેક રીતે ફાયદાકારક છે.
(i) 30 દરવાજા બંધ થતાં ડેમમાં પાણીની સંગ્રહક્ષમતા વધશે અને દરવાજા બંધ થતાં ડેમની ઊંચાઈ 143.5 મીટર પહોંચી જશે, જે પહેલા 121.82 મીટર હતી. આ કારણે ઊર્જા-ઉત્પાદનમાં પણ 40 ટકાનો વધારો થશે. આથી ડેમની સંગ્રહક્ષમતા 3.46 ટકા વધી જશે અને 6 લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળશે.
(ii) આ પૂર્વે અનેક પ્રયાસો બાદ 2001માં 90 મીટરની અને 2004 સુધીમાં 110 મીટરની ઊંચાઈ સંભવ બની હતી. વર્ષ 2006માં બાર હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ થયું હતું અને ત્યારબાદ તે સમયે મુખ્યમંત્રી ‘અ, બ, ક’ના સત્યાગ્રહ બાદ 121.92 મીટરની મંજૂરી મળી હતી. તે પછી હવે ઊંચાઈ વધવાની સાથે જળસંગ્રહની ક્ષમતા પણ વધી છે.
(iii) હવે 55 x 60 ફૂટના 23, 60 x 60 ફૂટના 7 દરવાજા મળીને કુલ ત્રીસ દરવાજા બંધ થવાથી 138 મીટરના લેવલ સુધી પાણી ભરાશે. વધુ પાણી ભરાવાથી મોટા પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન થશે. આ ફાયદો ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યને મળશે.
(iv) હાલમાં નર્મદા ડેમની પાણીની લાઇવ સ્ટોરેજ ક્ષમતા 1.27 મિલિયન એકર ફૂટની છે. દરવાજા બંધ કરવાની મંજૂરી મળ્યા પછી લાઇવ સ્ટોરેજની ક્ષમતા વધીને 4.73 મિલિયન એકર ફૂટની થઈ જશે, એટલે કે 3.46 ગણું વધુ રાખી શકાશે. જેના પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી વ્યાપી છે.
(v) ડેમના દરવાજા બંધ કરવાથી ચોમાસામાં ઓવરફલો થતું પાણી હવે દરિયામાં વહી નહિ જાય, જે કારણે ખેતીમાં ઘણો ફાયદો થશે.
જોકે આજના આ ઐતિહાસિક દિવસ માટે કેન્દ્રીય સરકારનો સરાહનીય સાથ અને પૂર્વના મુખ્યમંત્રી ‘અ, બ, ક’ના અથાગ પ્રયાસને અત્રે યાદ કરવો ઘટે.
આભાર.
ઉદાહરણ (3): ‘અ, બ, ક’ શહેરે સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આ સફળતા હાંસલ કરવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ કામગીરી વર્ણવતું, શહેરના મેયરશ્રીનું પત્રકાર પરિષદ માટેનું ઉદ્બોધન તૈયાર કરો.
‘અ, બ, ક’ શહેર સ્વચ્છ શહેર નંબર ૧
મેયરશ્રી : પત્રકારમિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જીવનમંત્ર હતો. ગાંધીજી વ્યક્તિગત અને સામૂહિક સ્વચ્છતાના જીવનભર આગ્રહી હતા. અગાઉ રાજ્ય સરકારે વર્ષ 2007થી નિર્મળ ગુજરાત અભિયાન શરૂ કરેલ. તે અભિયાનને સારો પ્રતિસાદ મળેલ છે. તમામ શહેરો, નગરો અને ગામો સ્વચ્છ થાય. સંપૂર્ણ ગટર-વ્યવસ્થા બને, નાગરિકોનું આરોગ્ય અને જીવન સારું બને તથા શહેરો, નગરો અને ગામોમાં વસતા લોકોને સ્વચ્છ પર્યાવરણ મળી રહે તેવું મહાત્મા ગાંધીનું સ્વપ્ન સાકાર કરવા રાજ્ય સરકારે ગુજરાતનાં શહેરોને ‘કચરા વગરનાં શહેરો અને ગામો’ બનાવવાનો નિર્ધાર કરેલ છે. જેને સર્વથા રીતે સફળ કરતાં ‘અ, બ, ક’ શહેરે આજે સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, જે આનંદની બાબત છે. જોકે આ અભિયાન પ્રજાના સાથ વિના અધૂરો રહેત. જોકે એક મહત્ત્વની વાત સર્વે સ્વીકાર કરવી જ પડે કે સમગ્ર શહેરને સ્વચ્છતા ક્ષેત્રે પ્રથમ ક્રમાંક અપાવવા માટે ‘અ, બ, ક’ મહાનગરપાલિકાએ અનેકવિધ કામગીરીઓ હાથ ધરેલી, જે સરાહનીય છે. જેમાં,
(i) શહેરના તમામ વિસ્તારોમાં 100 ટકા સફાઈ થાય તેવું ચુસ્ત આયોજન કરાયું.
(ii) શહેરનાં દરેક ઘરે ઘરેથી કચરો એકત્ર કરવો, એટલું જ નહિ બલકે ઘન તેમજ પ્રવાહી કચરાનું સુવ્યવસ્થિત એકત્રીકરણ અને પરિવહન કરાયું.
(iii) શહેરમાંથી એકત્ર થયેલા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો અને એની સાથે સાથે ઘન-પ્રવાહી કચરાને વેસ્ટ તરીકે નહિ, પરંતુ સંસાધન ઘન કચરાનો ઉપયોગ કરીને ઊર્જાનો વૈકલ્પિક સોર્સ એટલે કે ગ્રીન પાવર મેળવવા તથા ડ્રેનેજ વોટર રિ-સાઇકલ અને રિ-યુઝની હાથ ધરાયેલી સરાહનીય કામગીરી બજાવામાં આવી.
(iv) મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન દ્વારા રાજ્ય કક્ષાએ અમલવારી અને દેખરેખ રાખવાની નેમને શહેરમાં અમલી બનાવવા ઉત્કૃષ્ઠ કામગીરીનું આયોજન થયું.
(v) સમગ્ર શહેરમાં ‘ઝીરો વેસ્ટ’ નીતિનું નિર્ધારણ થયું.
(vi) શહેરી વિસ્તારોમાં ટોઇલેટ વિહોણાં ઘરોમાં 100 ટકા વ્યક્તિગત / સામૂહિક ટોઇલેટની સુવિધા ઊભી કરાઈ.
(vii) સફાઈ અને ડ્રેનેજ કર્મચારીઓનો વર્ષમાં ‘બે વાર’ ફ્રી હેલ્થ ચેકઅપ થયું.
(viii) નગરપાલિકામાં ‘ઇકો-ફ્રેન્ડલી’ સ્મશાનગૃહોનું આયોજન કરાયું.
(ix) સફાઈ બાબતે શહેરોનું રેટિંગ રખાયું હતું. આંતર-શહેર સફાઈ-સ્પર્ધા અને પુરસ્કારની વ્યવસ્થા રખાઈ હતી.
(x) બે-બે મહિનાના અંતરે ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશનું આયોજન થયું.
(xi) સ્વચ્છતા બાબતે જનજાગૃતિ અને જન ભાગીદારી માટે લોકોને સતત પ્રેરણા અપાઈ.
(xii) શાળાઓમાં સ્વચ્છતા સુવિધાઓ ઊભી કરાઈ, શહેરની નજીકના ગ્રામીણ વિસ્તારોની આંગણવાડીઓમાં સ્વચ્છતા શિક્ષણ અપાયું અને સ્વચ્છતા માટે વિધાર્થીઓને પ્રોત્સાહન અપાયું.
આ સમગ્ર આયોજન ‘મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન સ્વચ્છ ભારત અભિયાન’નું આયોજન થયું હતું. જોકે સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરને મળેલા પ્રથમ ક્રમ માટે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ વાક્ય સાથે બન્યું એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી.
અસ્તુ. આભાર,
ઉદાહરણ (4): ગુજરાતી ભાષાનું માન ગુજરાતમાં જળવાઈ રહે તે હેતુથી ગુજરાત સરકારે “હું છું ગુજરાતી” યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજના હેઠળ સરકાર તરફથી લેવાયેલા નિર્ણયોને વર્ણવતું સરકારી પ્રવક્તાનું પત્રકાર પરિષદ માટેનું ઉદ્બોધન તૈયાર કરો.
“હું છું ગુજરાતી”
સરકારી પ્રવક્તા : પત્રકારમિત્રો, ગુજરાત સરકાર વતી આ પત્રકાર પરિષદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે હાલ માતૃભાષા સાપ્તાહિક ચાલી રહ્યું છે. ત્યારે આ પત્રકાર પરિષદ દ્વારા ગુજરાત સરકાર ગુજરાતની પ્રજા દ્વારા માતૃભાષાને પ્રોત્સાહન મળે તે અંતર્ગત એક જાહેરાત કરે છે.
રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધે તે હેતુથી ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો છે કે, રાજ્યનાં 8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓમાં, પરિસરોમાં અને સાર્વજનિક સ્થળોએ લખાણમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાતપણે કરવાનો રહેશે. ‘માતૃભાષા સાપ્તાહિક’ની શરૂઆતમાં ગુજરાત સરકાર તરફથી લેવાયેલો આ નિર્ણય મહત્ત્વનો બની રહેશે. અત્યાર સુધી આપણે જાહેર સ્થળો પર અંગ્રેજીમાં લખાણ લખેલા બોર્ડ જોતાં હતાં, પરંતુ હવેથી આ બોર્ડ ગુજરાતી ભાષામાં જોવા મળશે. આ સૂચનાનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. અંગ્રેજી ભાષાના ચલણ વચ્ચે ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો સરકારનો આ સરાહનીય પ્રયાસ છે. ગુજરાતીઓ જ પોતાની ભાષા ભૂલવા લાગ્યા હતા, ત્યારે તેને જાળવી રાખવા આ નિર્ણય મહત્ત્વનો સાબિત થશે. આપણે ભાષાનું ગૌરવ જાળવવા સાર્વત્રિક પ્રયાસ કરવા જોઈએ. ભાષાનું ગૌરવ તેમાં મહત્ત્વનું છે. અનેક રાજ્યોમાં તેમની પ્રાદેશિક ભાષામાં બોર્ડ હોય છે. ઉત્તર ભારતમાં હિન્દી ભાષામાં બોર્ડ હોય છે. દરેક જગ્યાએ અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીનો પણ વિકલ્પ આપવો જોઈએ. વળી, મોટા ભાગના ગુજરાતી બોર્ડમાં જોડણીની ભૂલો ઊડીને આંખમાં ખટકે તેવી હોય છે, જે આપણી જ આપણી ભાષા પ્રત્યેની સૂગ છતી કરે છે. આથી જ ગુજરાતી ભાષાને ગુજરાતીઓમાં જ કેળવવા માટે તેનો ઉપયોગ અને પ્રેક્ટિસ જાહેરમાં કરાય એ જરૂરી બન્યું છે. આ કારણે હવે સર્વત્ર ગુજરાતી ભાષાના ઉપયોગને ગુજરાત સરકારે ફરજિયાત બનાવ્યો છે.
જે મહાનગરોમાં ગુજરાતી ફરજિયાત કરવામાં આવ્યું એની યાદી :
(i) અમદાવાદ,
(ii) વડોદરા,
(iii) રાજકોટ,
(iv) सुरत,
(v) ભાવનગર,
(vi) જામનગર,
(vii) જૂનાગઢ,
(vili) ગાંધીનગર.
જે સ્થળોએ ગુજરાતી ફરજિયાત કરાયું એની યાદી :
(i) સિનેમાગૃહ,
(ii) નાટ્યગૃહ,
(iii) બેન્ક્વેટ હોલ,
(iv) શાળા-કોલેજ,
(v) સુપર માર્કેટ,
(vi) શોપિંગ મોલ્સ,
(vii) હોસ્પિટલ,
(vili) હોટલ-રેસ્ટોરન્ટ-કેફે,
(ix) બેન્ક,
(x) વાંચનાલય,
(xi) બાગ-બગીચા.
આમ, ગુજરાત સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય આપણી પોતાની જ ભાષાને પોતાના જ પ્રાંતમાં માન આપવાની ઝુંબેશ સમાન છે. એમ કહી શકાય કે, આ સાબિત કરવા જેવો નિર્ણય છે.
આભાર.
પત્રકારમિત્રો, આ નિર્ણયના અનુસંધાનમાં આપ સૌ હવે આપના પ્રશ્નો મૂકી શકો છો. (વિદ્યાર્થીમિત્રો, અંતમાં તમે આ રીતે પણ લખી શકો છો, પણ આપણને માત્ર ઉદ્બોધન પુછાય છે એટલે પ્રશ્નોત્તરી લખવાની જરૂરિયાત નથી.)
ઉદાહરણ (5): તાજેતરમાં ‘અ, બ, ક’ રાજ્ય સરકારે ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ હેઠળ રાજ્યના યુવાનોના હિતમાં વિવિધ નિર્ણયો લીધા છે, જે અંતર્ગત રાજ્યના ગૃહમંત્રીશ્રીનું પત્રકાર પરિષદ માટેનું ઉદ્બોધન તૈયાર કરો.
‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’
ગૃહમંત્રીશ્રી : પત્રકારમિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ગુણવત્તા અને આવકના ધોરણે આર્થિક સહાય મળી રહે તે હેતુથી આ યોજનાનું અમલીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની વિગતો નીચે મુજબ છે :
યુવાનોની પાત્રતા અંગેનાં ધોરણો :
(i) જે વાલીઓની વાર્ષિક આવક ₹ 6,00,000 /- સુધીની હોય એવા વાલીઓનાં સંતાનો પાત્ર ગણાશે.
(ii) સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પરસેન્ટઇલ મેળવનાર વિદ્યાર્થીઓ યોજનાનો લાભ લેવા પાત્ર ગણાશે.
(iii) ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે ધોરણ 10ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પરસેન્ટઇલ મેળવનાર વિદ્યાર્થીઓ લાભ લેવા પાત્ર ગણાશે.
યોજનાના ફાયદાઓ અને સહાયની યાદી :
(i) સ્નાતક કક્ષાના મેડિકલ અને ડેન્ટલની સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયે ટ્યૂશન ફીની 50 % રકમ અથવા ₹ 2,00,000/-ની સહાય મળશે.
(ii) સ્નાતક કક્ષાના પ્રોફેશન માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની 50 % રકમ અથવા ₹ 25,000/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય મળી શકશે.
(iii) સરકાર માન્ય સંસ્થાના ડિપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની 50 % રકમ અથવા ₹ 25,000 તે બે પૈકી જે હોય તેટલી સહાય.
(iv) સરકારી મેડિકલ, ડેન્ટલ, ઇજનેરી કોલેજોમાં જનરલ બેઠકો પર અનામત કક્ષાના વિધાર્થીઓ જે સંખ્યામાં પ્રવેશ મેળવે અને તેને કારણે જનરલ કેટેગરીના જે સંખ્યામાં વિદ્યાર્થીઓને સ્થળાંતર કરવું પડે અને છેલ્લે જો કોઈ પણ સરકારી કોલેજમાં પ્રવેશ ના મળે અને ફરજિયાતપણે તેઓને સ્વ-નિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવવો પડે તો આવા આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવેલ સ્વ-નિર્ભર કોલેજ અને સરકારી કોલેજ વચ્ચેની ટ્યૂશન ફીના તફાવતની રકમ સહાય પેટે મળવાપાત્ર છે.
સાધન-પુસ્તક સહાયની યાદી :
મેડિકલ / ડેન્ટલના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન-પુસ્તક સહાય પેટે ₹10,000 ઇજનેરી / ટેક્નોલોજી / ફાર્મસી / આર્કિટેક્ચરના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન- પુસ્તક સહાય પેટે ₹ 5,000 તથા ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન-પુસ્તક સહાય પેટે ₹ 3,000 મળવાપાત્ર છે. અભ્યાસક્રમની અવધિ દરમિયાન સાધન-પુસ્તક સહાય માત્ર એક જ વખત મળવાપાત્ર છે.
યોજનાની સહાય મેળવવા માટેની પ્રક્રિયા :
(i) વિદ્યાર્થીએ NIC દ્વારા તૈયાર કરવામાં આવેલ વેબ પોર્ટલ (http: //mysy.guj.nic.in) પર ઓનલાઇન અરજી કરવાની રહે છે.
(ii) ઓનલાઇન અરજી કર્યા બાદ જરૂરી દસ્તાવેજો સાથે વિધાની ખરાઈ હેતુ રાજ્યમાં આવેલાં કુલ 91 હેલ્પ સેન્ટર્સ પૈકીનાં નજીકનાં હેલ્પ સેન્ટર ખાતે જવાનું રહે છે.
અમલીકરણ કરતી કચેરી / એજન્સી / સંસ્થા :
(i) આ યોજના માટે નોડલ એજન્સી તરીકે કેસીજીને નિયુક્તિ કરવામાં આવેલ છે.
(ii) અભ્યાસક્રમ અનુસાર નીચે જણાવેલું કમિશનરશ્રી / નિયામકશ્રીની કચેરીઓ અરજીની અંતિમ ચકાસણી અને મંજૂરી માટે અધિકૃત કરવામાં આવેલ છે, જે નીચે મુજબ છે :
(a) ટેક્નિકલ શિક્ષણને લગતા અભ્યાસક્રમ માટે કમિશનરશ્રી, ટેક્નિકલ શિક્ષણ કચેરી
(b) ઉચ્ચ શિક્ષણને લગતા અભ્યાસક્રમ માટે કમિશનરશ્રી, ઉચ્ચ શિક્ષણ કચેરી
(c) મેડિકલ અને ડેન્ટલ અને પેરામેડિકલને લગતા અભ્યાસક્રમો માટે શ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી
(d) એગ્રિકલ્ચરને લગતા અભ્યાસક્રમ માટે નિયામકશ્રી, ખેતીની ક્ચેરી
(e) વેટરનરીને લગતા અભ્યાસક્રમો માટે નિયામકશ્રી, પશુ-પાલનની કચેરી
(f) આ સિવાયના અન્ય અભ્યાસક્રમો માટે સંબંધિત નિયામકશ્રી / કમિશનરશ્રીની કચેરીઓ દ્વારા અરજીઓની ચકાસણી અને મંજૂરીની કાર્યવાહી કરવાની રહેશે.
આમ, આજનો યુવાન આવતી કાલના દેશનું ભવિષ્ય છે. આ યોજનાના અમલ પાછળ દેશનું ભવિષ્ય સુધારવાનો હેતુ રહેલો છે.
આભાર.
(પત્રકારમિત્રો, હવે આપ આપના પ્રશ્નો અહીં મૂકી શકો છો.)