પ્રસ્તાવના:
આજના બ્લોગમાં આપણે જાણીશું, આ પત્રલેખન વિશેના પાઠમાં પત્રલેખનની કળા અને તેની ઉપયોગિતાનું મહત્વ સમજાવાયું છે. ટેકનોલોજીના આધુનિક યુગમાં ઇ-મેલ અને વોટ્સએપ જેવી સુવિધાઓનો ઉપયોગ વધી રહ્યો છે, પરંતુ પત્રલેખનને એક આગવી અને વિશિષ્ટ કળા માનવામાં આવે છે. પત્રલેખન દ્વારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે સંદેશાઓનું આપ-લે કરવામાં આવે છે. પત્રલેખનના બે મુખ્ય પ્રકારો — ઔપચારિક અને અનૌપચારિક — સાથે, વિવિધ પ્રસંગો માટે યોગ્ય ભાષા અને શૈલીનો ઉપયોગ કરવાનો મહત્વપૂર્ણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
{getToc} $title={Table of Contents} $count={Boolean}
પત્રલેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:
- સામાન્ય રીતે પત્રલેખન એ લેખિત પ્રત્યાયન માટે ખૂબ જ ઉપયોગી લખાણ છે. પરંતુ વર્તમાન સમયમાં ટેકનોલોજીના વિકાસને કારણે આપણે પત્રની જગ્યાએ ઈ-મેલ (વિજાણું પત્ર) દ્વારા કામ ચલાવતા હોઈએ છીએ અથવા હાલ વોટ્સએપ દ્વારા સંદેશાની આપ-લે કરતાં હોઈએ છીએ. છતાં પત્રલેખન એ એક આગવી કળા છે. સરકારી કચેરીઓ કે કોર્પોરેટ ઓફિસોમાં ઓફિશિયલ રીતે પત્રો લખાતા હોય છે. તો પત્રલેખન વિશે પાયાની માહિતી મેળવીએ.
- પત્રલેખન એ આગવી અને વિશિષ્ટ કલા છે. તે અંગત લેખનનો જ એક પ્રકાર છે. રોજ-બરોજના જીવનમાં તેનું ખૂબ જ મહત્ત્વ છે. પત્રલેખન અંગત તેમજ જાહેર જીવન માટે જરૂરી છે.
- સરકાર પાસેથી જયારે કોઈ સુવિધાની માંગણી કરવી હોય તો તે અંગે માંગણી-પત્ર મોકલી આપવો જોઈએ. આ માંગણીપત્રમાં સુવિધાની શા માટે જરૂરિયાત ઊભી થઈ છે, તે અંગે કારણોની રજૂઆત કરવી જોઈએ.
- જ્યારે કોઈ બાબત અંગે ફરિયાદ પત્ર લખવાનો હોય ત્યારે તે અંગે પણ જરૂરી કારણો દર્શાવવા જોઈએ. ફરિયાદ પત્રની ભાષા વિનંતી સ્વરૂપે જ હોવી જોઈએ. તેમાં કોઈ અપમાનજનક કે બિભત્સ શબ્દનો ઉપયોગ ન થવો જોઈએ.
- વિનંતીપત્રમાં પણ વિવેકી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય રીતે કાર્યમાં વિલંબ થતો હોય ત્યારે તે ઝડપી કરવા અંગે અથવા સુવિધાઓ વધારવા અંગે અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગે પ્રજાજનો વતી વિનંતી પત્ર લખવામાં આવે છે.
- પત્રલેખનનું લખાણ વિવેકપૂર્ણ અને અસરકારક રીતે લખાય તે જરૂરી છે. એમાં લખવામાં આવતી ભાષા સીધી, ધારદાર અને મુદ્દાસર રીતે રજૂ થયેલ હોવી જોઇએ.
- પુત્ર જેને ઉદેશીને લખવાનો હોય તેમાં નાના કે મોટા, મિત્ર કે વડીલ, વેપારી કે અધિકારી તે બાબતમાં ધ્યાનમાં રાખીને સંબોધન અને વકતવ્ય વગેરેમાં ખાસ તકેદારી રાખવાની હોય છે.
- પત્ર લખતી વખતે સામી વ્યક્તિ આપણી આગળ હાજર છે એમ માનીને જો લખાણ થાય તો જ આપણી કહેવાની વાત અસરકારક અને વધુ સ્પષ્ટ બની જાય.
- વ્યવહાર જીવનમાં અવનવા અનેક પ્રસંગે પત્રલેખનના પ્રસંગો સૌ કોઈને આવતા હોય છે.
- કોઈને કંઈ વિશેષ પદપ્રાપ્તિ થાય, કોઈનો જન્મદિવસ કે, લગ્નપ્રસંગ હોય, કોઈની નિવૃત્તિ કે, કોઈની પ્રગતિ કરાવતી કોઈ ઘટના બની હોય વગેરે જેવા પ્રસંગોમાં આપણે શુભેચ્છા કે, અભિનંદનપત્ર પાઠવવાનો આવે છે.
- માણસ સામાજિક પ્રાણી છે.
- સમાજ-વ્યવસ્થામાં એકબીજા સાથેનો નાતો અગત્યનો બની રહે છે.
- એકબીજા સાથે પરિચય થાય, નાતો બંધાય અને એ નાતો લાંબો સમય ટકી રહે એ માટે સારા-માઠા પ્રસંગે હળવું-મળવું ને એ શક્ય ન હોય ત્યારે પત્ર દ્વારા પોતાની સંવેદના-લાગણી- સદ્ભાવ વગેરે વ્યક્ત કરવાનું અત્યંત જરૂરી બની રહે છે.
પત્રલેખનના પ્રકારો
પત્રલેખન મુખ્યત્વે બે પ્રકારો છે :
(૧) ઔપચારિક પત્ર (૨) અનૌપચારિક પત્ર
ઔપચારિક પત્ર આપના સરકારી અથવા અન્ય કામકાજમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જયારે અનૌપચારિક પત્ર દ્વારા આપણે આપણા મિત્રો, સગાં-સંબંધીઓને લખતા હોઈએ છીએ.
જેમાં, શુભેચ્છા, અભિનંદન અંગેના પત્રો લખવામાં ટાટની પરીક્ષામાં અભ્યાસક્રમ અનુસાર નીચે મુજબના ચાર પ્રકારના પત્રોમાંથી કોઈપણ પત્રલેખન પુછાઈ શકે છે.
(૧) શુભેચ્છા પત્ર (૨) અભિનંદન પત્ર (૩) વિનંતી પત્ર (૪) ફરિયાદ પત્ર
કોને પત્ર | શરૂઆત / સંબોધન | અંત / વિદાય વચન |
---|---|---|
1. સગાસંબંધી, વડીલો, કુટુંબના લોકો | પૂજય પિતાશ્રી, પૂજય બા, પૂજ્ય દાદાજી, પૂજ્ય મોટાભાઈ, મુરબ્બી મામા, પૂજ્ય કાકા, સ્નેહીશ્રી પ્રવીણભાઈ, પૂજ્ય માતૃશ્રીની સેવામાં, પૂજ્ય પિતાજીને નમસ્કાર | આજ્ઞાંકિત પુત્રના પ્રણામ, આજ્ઞાંકિત પુત્રના વંદન, ના સવિનય પ્રણામ, અજ્ઞાંકિત પુત્રના જયશ્રીકૃષ્ણ, જય જિનેન્દ્ર |
2. પુત્ર/પુત્રી, નાના ભાઈ-બહેન, મિત્ર | પ્રિય આશિષ, બહેન આયુષી, ચિરંજીવી ધૃવીશ, પ્રિય ભાઈ પાર્થ, વ્હાલી દિકરી નીના | ધીરૂની આશિષ, પપ્પાના આશીર્વાદ, તારો સ્નેહાધીન, પરમમિત્ર |
3. સામાન્ય પરિચિતો કે અજાણ્યા લોકો | સ્નેહી ભાઈશ્રી, મુરબ્બીશ્રી, શ્રીમાન, સુજ્ઞ મહાશય, શ્રીયુત, શ્રીમતી, સુજ્ઞ મહોદય, અ.સૌ. બહેનશ્રી, ગં.સ્વ. બહેનશ્રી, વડીલ બંધુ | મહેશના સ્નેહ સ્મરણ, સ્નેહવંદન, વંદન, સ્નેહયાચના |
4. વર્ગ શિક્ષક | આદરણીય ગુરૂજી, પૂજય સાહેબશ્રી, માનનીય સાહેબ | સવિનય વંદન, આપનો આજ્ઞાંકિત |
5. વ્યવસાયિક પેઢી કે વ્યાવસાયિક વ્યક્તિ | સુજ્ઞ મહોદય, મહાશય, સાહેબ, સ્નેહી, ભાઈશ્રી, શ્રીયુત, શ્રીમાન | લિ. ભવદીય, આપનો વિશ્વાસુ |
6. વર્તમાન પત્રના તંત્રી, મેનેજર, વ્યવસ્થાપક | તંત્રીશ્રી, મેનેજરશ્રી, વ્યવસ્થાપક શ્રી, સાહેબશ્રી, તંત્રી મહોદયશ્રી | લિ. આપનો વિશ્વાસુ, લિ. આપનો શુભેચ્છક |
7. સરકારી કે અન્ય અધિકારી | માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મહેરબાન સાહેબ, આદરણીય મહોદય | લિ. આપનો વિશ્વાસુ, લિ. આપનો સેવક |
8. પોતાના ઉપરી અધિકારી | મહેરબાન સાહેબ, વંદનીય સાહેબ, મહેરબાન કમિશ્નર સાહેબ, માનનીય સાહેબ | લિ. આપનો આજ્ઞાંકિત, લિ. આપનો સેવક |
9. યુનિવર્સિટી, કોલેજ, સ્કૂલના આચાર્ય અથવા અધિકારી | મહેરબાન સાહેબ, માનનીય સાહેબશ્રી, અધિકારીશ્રી | લિ. આપનો વિશ્વાસુ, લિ. આપનો આજ્ઞાંકિત |
10. પ્રધાનશ્રી, સાંસદ સભ્ય, વિધાનસભાના સભ્ય | માનનીય શિક્ષણ પ્રધાનશ્રી, માનનીય સાહેબશ્રી | આપનો આજ્ઞાંકિત નાગરિક, આપનો વિશ્વાસુ |