શીખવું એટલે શું ? વ્યાખ્યા અને સમજૂતી
શિક્ષણ વિશેની વ્યાખ્યા આપતાં અમેરિકન મનોવૈજ્ઞાનિક સી. ટી. મોર્ગન જણાવે છે
કે,
‘શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાને પરિણામે વર્તનમાં થતો સાપેક્ષ
કાયમી ફેરફાર.’ – સી. ટી. મોર્ગન
{getToc} $title={Table of Contents} $count={Boolean}
આ વ્યાખ્યામાં શિક્ષણ માટે મુખ્યત્ત્વે ત્રણ બાબતો અનિવાર્ય જણાય છે :- (1)
અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ (2) વર્તનમાં થતું પરિવર્તન (3) સાપેક્ષ
કાયમી પરિવર્તન
આપણે કેવી રીતે શીખીએ છીએ ?
શિક્ષણ વિશેના પ્રારંભિક ખ્યાલો મેળવ્યા પછી, મુખ્ય પ્રશ્ન એ થાય કે પ્રાણી કે
માનવી કોઈપણ બાબતનું શિક્ષણ મેળવે છે કેવી રીતે ? આ પ્રશ્ન એ અનેક વિદ્વાન
વૈજ્ઞાનિકોને સંશોધન માટેની પ્રેરણા પૂરી પાડે છે. વિવિધ ચાર તરાહો નીચે મુજબ
છે :-
1. અનુકરણ દ્વારા શિક્ષણ :- (મોડેલિંગ અને સામાજિક શિક્ષણ)
-
માનવબાળ હોય કે પ્રાણી મોટાભાગનું શિક્ષણ અનુકરણ દ્વારા જ મેળવે છે.
અનુકરણ દ્વારા મેળવેલ શિક્ષણ અવલોકનાત્મક શિક્ષણ કે સામાજિક શિક્ષણ પણ
કહેવાય છે. કારણ કે શિક્ષણ માટે જરૂરી એવા અનુકરણનો મુખ્ય આધાર છે
અવલોકન.
-
દા.ત., માતા-પિતા સાથે સ્કૂટર ફરવા જતું બાળક ઘરે પોતાની ટ્રાયસાયકલ
ફેરવતાં ફેરવતાં એક જગ્યાએ ટ્રાયસાયકલ ઊભી રાખી તેમાં પેટ્રોલ પૂરાવવા
માટે, ત્યાં પડેલી હવા ભરવાનાં પમ્પની ટ્યૂબને પોતાની સાયકલની સીટ પર લગાવી
થોડીવારે ખિસ્સામાંથી પૈસા કાઢીને આપવાનો અભિનય કરે તે અનુકરણાત્મક
શિક્ષણનું જ ઉદાહરણ છે. અનુકરણાત્મક શિક્ષણને સામાજિક પણ કહેવાય છે.
2. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ (થોર્નડાઈકનો પ્રયોગ)
-
શિક્ષણની આ તરાહમાં પ્રાણી કે માનવીને તેની સમક્ષ આવી પડેલી સમસ્યામાંથી
બહાર નીકળવાનો માર્ગ તરત જ શોધી શકાતો નથી પરંતુ આ માટે જેમ જેમ પ્રયત્ન
વધારે છે તેમ તેમ તેને શિક્ષણ પ્રાપ્ત થતું જાય છે.
થોર્નડાઈકનો પ્રયોગ
અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઈકે એક સમસ્યા પેટી બનાવી હતી. આ સમસ્યા
પેટીની રચના એવી કરવામાં આવી હતી કે જેમાં આપેલી એક કળ દબાવતાં પેટીનો
દરવાજો ખૂલી જતો હતો.
સમસ્યાપેટીમાં બિલાડીને મૂકવામાં આવી અને સમસ્યાપેટીની બહાર બિલાડીને
દેખાય તે રીતે ખોરાક મૂકવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે જ બિલાડી
ખોરાક મેળવવા માટે સમસ્યાપેટીની બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગી.
શરૂઆતમાં બિલાડીએ આમ તેમ ફરીને પંજા માર્યા, સળિયાને બચકાં ભર્યા,
સમસ્યાપેટીમાં આમથી તેમ આંટા માર્યા કર્યા.
બિલાડી બહાર નીકળવા માટે ધમપછાડા કર્યા પરંતુ તેને સફળતા મળી શકી નહિ.
આથી ફરી તેના તે જ પ્રયાસો ચાલુ રાખ્યા. જેમાં અચાનક જ તેનો પંજો
સમસ્યાપેટી ખૂલવાની કળ પર પડી જતાં સમસ્યાપેટીનો દરવાજો ખૂલી ગયો.
- અહીયાં સમસ્યાપેટીનો દરવાજો ખૂલવો તે એક આકસ્મિક ઘટના હતી.
બિલાડીએ કોઈપણ હેતુ કે સમજપૂર્વક કળ દબાવી નહોતી, એટલું જ નહિ આ કળ
દબાવવાથી જ દરવાજો ખૂલ્યો છે એવો પણ તેને ખ્યાલ નહોતો અને તેથી જ
બિલાડીને ફરીથી સમસ્યા પેટીમાં મૂકતાં તેણે પહેલા જેવાં નિરર્થક
પ્રયાસો ચાલુ કર્યા.
આ રીતે થોર્નડાઈકે સતત 24 દિવસ સુધી કુલ 24 પ્રયત્નો પાંજારામાં
મૂકતાંની સાથે જ કળ દબાવીને સમસ્યાપેટીની બહાર નીકળવાનું શિક્ષણ બિલાડી
પ્રાપ્ત કરી શકી હતી.
પ્રથમ દિવસે બિલાડીને કળ દબાવીને સમસ્યાપેટીનો દરવાજો ખોલવામાં લગભગ
160 સેકન્ડ જેટલો સમય લાગ્યો. જ્યારે 24મા પ્રયત્નએ બિલાડીએ ફક્ત 10
સેકન્ડમાં જ સમસ્યાપેટીનો દરવાજો ખોલી, બહાર નીકળી, ખોરાક મેળવવાનું
શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હતું.
પ્રયત્નો અને ભૂલો દ્વારા મળતા શિક્ષણમાં શરૂઆતના પ્રયત્નોમાં ભૂલો
વધારે જોવા મળે છે પરંતુ જેમ જેમ પ્રયત્નો વધતાં જાય તેમ તેમ સમસ્યા
અંગેની સમજ પ્રાપ્ત થવાથી ભૂલો ઓછી થતાં છેવટે ભૂલ વગરના પ્રયત્નો
દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે.
3. અભિસંધાન દ્વારા શિક્ષણ
અભિસંધાન એટલે જોડાણ. અભિસંધાન એ શિક્ષણની એક તરાહ છે, જે
સાહચર્યવાદ ઉપર આધારીત છે.
મૂળ/તટસ્થ ઉદ્દીપક સિવાયના અન્ય ઉદ્દીપક પ્રત્યે સમાન પ્રતિક્રિયા
આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય તો તે પ્રક્રિયાને અભિસંધાન થયું
કહેવાય.
દા.ત., શાળાના જુદા જુદા પ્રકારના ઘંટ વાગવાની સાથે જોડાયેલી આપણી
વિવિધ પ્રવૃત્તિઓ.
આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિને થતાં અનુભવોની સાંવેદનિક
પ્રતિમાઓનું મગજમાં જોડાણ થાય છે અને તેથી એક ઉદ્દીપકની રજૂઆત થતાં
અન્ય ઉદીપકની સ્મૃતિ તાજી થાય છે.
રશિયન શરીરશાસ્ત્રી ઈયાન પેટ્રોવીચ પાવલોવે પાચનક્રિયાનો અભ્યાસ
કરતાં કરતાં અનેક પ્રયોગો કરી અભિસંધાનને સમજાવ્યું છે.
આ અભિસંધાન પરંપરાગત હોવાથી શાસ્ત્રીય અભિસંધાન અથવા રૂટ અભિસંધાન
તરીકે ઓળખાય છે. આ ઉપરાંત શાસ્ત્રીય અભિસંધાનને પ્રશિષ્ટ અભિસંધાન
પણ કહે છે.
પ્રશિષ્ટ અભિસંધાનનો પ્રયોગ
રશિયન શરીરશાસ્ત્રી ઈવાન પેટ્રોવીચ પાવલોવને પાચનક્રિયાના અભ્યાસમાં
રસ હતો.
કૂતરા પરના પ્રાયોગિક અભ્યાસો કરતાં કરતાં તેમને અભિસંધાનની મહામૂલી
ભેટ મળી.
પાવલોવને ૧૯૦૪માં તબીબી વિદ્યાક્ષેત્રમાં નોબલ પારિતોષિક એનાયત થયું
હતું.
પાવલોવે પોતાના પ્રયોગ માટે એક સાધન બનાવ્યું જેમાં કૂતરાને સ્ટેન્ડ
ઉપર સ્થિર ઊભો રાખી અને તેનાં મોંમાંથી ઝરતી લાળરસ માપનયંત્રમાં એકઠી
થાય જેથી તેનું માપન શક્ય બને.
પાવલોવે કૂતરાની સમક્ષ ખોરાક રજૂ કર્યો. ખોરાક જોતાં જ કૂતરાના
મોંમાં લાળ ઝરી.
આ લાળ ઝરવાની પ્રતિક્રિયા ખોરાક જોતાં જ જોવા મળી હતી જે સહજ
પ્રતિક્રિયા હતી. હવે ઘંટડી વગાડી, જેના અવાજથી કૂતરામાં કોઈ
પ્રતિક્રિયા જોવા મળી નહીં, પરંતુ પછી ખોરાક રજૂ થતાં કૂતરાનાં મોમાં
લાળઝરણ જોવા મળ્યું.
ખોરાક અને ઘંટડી બંનેની રજૂઆત વારંવાર એકસાથે કરી. આમ, આ પ્રકારની
રજૂઆતના પુનરાવર્તનથી ફક્ત ઘંટડીનો અવાજ સાંભળીને કૂતરાના મોંમાં લાળ
ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી.
પ્રશિષ્ટ અભિસંધાનને સમજવા માટેના તેના કેટલાક ખ્યાલો :-
1. અનઅભિસંધિત ઉદ્દીપક (ખોરાક)
જે ઉદીપક કુદરતી – સ્વાભાવિક પ્રતિક્રિયા માટે જવાબદાર હોય તેને
અનઅભિસંધિત ઉદ્દીપક કહેવાય છે.
પાવલોવના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતાંની સાથે
કૂતરાનાં મોંમાં સ્વાભાવિક રીતે લાળ ઝરે છે.
2. અનઅભિસંધિત પ્રતિક્રિયા (લાળ ઝરવાની પ્રતિક્રિયા)
કોઈપણ પ્રકારનાં જોડાણ – શિક્ષણ અભિસંધાન થયા પહેલાં જે
પ્રતિક્રિયા જોવા મળે જે પ્રતિક્રિયા શીખાયેલી નથી.
આ પ્રકારની પ્રતિક્રિયા કોઈપણ પ્રકારનાં જોડાણ કે શિક્ષણ વગર
જોવા મળતી પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયાને અનઅભિસંધિત પ્રતિક્રિયા
તરીકે ઓળખવામાં આવે છે.
3. અભિસંધિત ઉદ્દીપક (ઘંટડીનો અવાજ)
અનઅભિસંધિત પ્રતિક્રિયા સાથે વારંવાર જેને રજૂ કરવાથી અનઅભિસંધિત
પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકે તે ઉદ્દીપકને અભિસંધિત ઉદીપક
કહેવાય છે.
4. અભિસંધિત પ્રતિક્રિયા (લાળ ઝરવાની પ્રતિક્રિયા)
જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલાં જે તે ઉદ્દીપક સાથે નહોતું પરંતુ
શિક્ષણ કે મહાવરા બાદ ચોક્કસ ઉદ્દીપકની રજૂઆત થતાં જ ચોક્કસ
પ્રતિક્રિયા જોવા મળે તો તેને અભિસંધિત પ્રતિક્રિયા કહેવાય છે.
5. સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ
બી.એફ.સ્કિનર નામના અમેરિકન મનોવૈજ્ઞાનિકે મનોવિજ્ઞાનને કારક –
ક્રિયાત્મક અભિસંધાન રજૂ કર્યું છે. કારક અભિસંધાનમાં શાસ્ત્રીય
અભિસંધાન કરતાં જુદી વિચારસરણી જોવા મળે છે.
શાસ્ત્રીય અભિસંધાનમાં પ્રાણી કોઈપણ પ્રતિ ક્રિયાના કરે છતાં
સમયાંતરે તેને પ્રબલન પ્રાપ્ત થયા કરતું હતું. જયારે કારક
અભિસંધાનમાં જે તે પ્રાણી જો પોતે જાતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા
કરે તો અને માત્ર તો જ તે પ્રબલનનું હકદાર બની શકે છે.
આ શિક્ષણમાં પ્રાણીના કારક વર્તન ઉપર ભાર મૂકાતો હોવાથી તેને
કારક અભિસંધાન કહેવામાં આવે છે.
આ પ્રકારના અભિસંધાનમાં પ્રાણીએ પ્રબલન મેળવવા માટે પ્રયોગકર્તા
દ્વારા નક્કી કરેલ ચોક્કસ પ્રતિક્રિયા કરવી પડે છે. આથી આ
અભિસંધાનને ક્રિયાત્મક અભિસંધાન તરીકે ઓળખવામાં આવે છે.
સ્કિનરે એક સમસ્યાપેટીમાં ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવ્યું. ઉંદરે
શરૂઆતમાં પેટીમાંથી બહાર નીકળવાના ખૂબ જ પ્રયાસો કર્યા. જેમાં
પેટીમાં દોડાદોડ કરવી, સમસ્યાપેટીના સળિયાઓ પર પ્રહારો કર્યાં.
સળિયાને બચકાં ભરવા જેવી ક્રિયાઓનો સમાવેશ થતો હતો.
આવી અનેક ક્રિયાઓ દરમિયાન અચાનક તેનાથી અન્નગુટિકા પ્રાપ્ત
કરવાનો હાથો દબાઈ ગયો. ઉંદર આ યાંત્રિક રચનાથી અપરિચિત – બેખબર
હોવાથી તેને અન્નગુટિકા પાત્રમાં અન્નગુટિકા છે તેવો કોઈ જ ખ્યાલ
નહોતો.
પ્રથમ અન્નગુટિકા ઉંદરને પેટીમાં મૂક્યાની 15 મિનિટ પછી પ્રાપ્ત
થઈ હતી.
જયારે બીજી અન્નગુટિકા પેટીમાં મૂક્યાની 35 મિનિટે એટલે કે પ્રથમ
અન્નગુટિકા પ્રાપ્ત થયાની 20 મિનિટ પછી પ્રાપ્ત થઈ.
ત્યારબાદ 47 મિનિટે ત્રીજી અન્નગુટિકા અને ચોથી અન્નગુટિકા
ઉંદરને પાંજરામાં મૂક્યાની 71મી મિનિટે પ્રાપ્ત થઈ.
આ ચાર વાર હાથો દબાવવાની પ્રતિક્રિયાઓને અંતે ઉંદરને સમજ પ્રાપ્ત
થઈ કે હાથો દબાવવાથી અન્નગુટિકા પ્રાપ્ત થાય છે.
કારક અભિસંધાનમાં આવતા મૂળભૂત ખ્યાલોની સમજૂતી :-
1. પ્રબલન :-
પ્રબલન એટલે કે શીખેલી – શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દૃઢ કે
બળવત્તર કરનારું ઘટક તેના બે પ્રકારો છે.
(અ) વિધાયક પ્રબલન
જે પ્રબલન વિધેયની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા પ્રેરીને
પ્રતિક્રિયાને દૃઢ બનાવે તેને વિધાયક પ્રબલન કહે છે.
સ્કિનરના મતે પ્રતિક્રિયાની વારંવારના વધારનારું પ્રતિક્રિયા બાદ રજૂ
કરાતું ઉદ્દીપક એટલે વિધાયક પ્રબલન.
દા.ત., માતાની ગેરહાજરીમાં બાળક શાળાનું હોમવર્ક કરી લે તો માતા તેને
ચોકલેટ આપે છે. અહીં ચોકલેટ એ બાળક માટે વિધાયક પ્રબલન છે.
(બ) નિષેધક પ્રબલન
સ્કિનરના મતે નિષેધક પ્રબલન એ શિક્ષા નથી. નિષેધક પ્રબલન એટલે
પ્રતિક્રિયાની સંભાવના વધારનારું અને પ્રતિક્રિયા બાદ દૂર કરાતું
ઉદ્દીપક.
2. વિલોપન
- શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા એટલે વિલોપન.
એકવાર અભિસંધિત થયેલ પ્રતિક્રિયા પ્રાણી વારંવાર કરે છતાં પણ તેને
પ્રબલન આપવાનું સદંતર બંધ કરવામાં આવે તો તે શીખેલી પ્રતિક્રિયા
આપવાનું બંધ કરે છે. જેને વિલોપન કહેવાય છે.
3. આંતરસૂઝ દ્વારા શિક્ષણ
આંતરસૂઝ શિક્ષણ એ એક બોધાત્મક ક્રિયા સાથે સંકળાયેલ શિક્ષણપ્રક્રિયા
છે.
જેમાં પ્રાણી કે વ્યક્તિને તેની સમક્ષ આવી પડેલી સમસ્યા અંગે તેની
અંદરથી જ આંતરસૂઝ પ્રાપ્ત થતી જોવા મળે છે. કોહલરનો ચિમ્પાન્ઝી
વાનરનો પ્રયોગ
ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં શિક્ષણ
અનુકરણ દ્વારા પ્રાપ્ત થતું જોવા મળે છે.
આંતરસૂઝ દ્વારા પ્રાપ્ત થતાં શિક્ષણ માટે કોહલરે વાનરની એક પ્રજાતિ –
ચિમ્પાન્ઝી પર પસંદગી ઉતારી હતી.
(અ) એક લાકડીવાળો પ્રયોગ
કોહલરે સરળથી જટિલ સમસ્યાઓ લઈને ચેમ્પાન્ઝી પર પ્રયોગો કરેલા. અહીં
એક સરળ સમસ્યાનો ઉકેલ ચિમ્પાન્ઝી કેવી રીતે લાવે છે.
તેમણે ભૂખ્યા ચિમ્પાન્ઝીને પાંજરામાં પૂર્યો. પાંજરાની બહાર
ચિમ્પાન્ઝીને દેખાય તે રીતે કેળાંની એક લૂમ મૂકવામાં આવી અને
પાંજરાના પાછળના ભાગમાં એક લાકડી મૂકી.
ચિમ્પાન્ઝીએ કેળાંની લૂમ મેળવવા માટે હાથ બહાર કાઢીને પગ બહાર કાઢીને
અસંખ્ય પ્રયત્નો કર્યાં.
છેવટે કંટાળીને તે પાંજરાના પાછલા ભાગમાં જઈને બેઠો. જયાં અચાનક તેની
નજર લાકડી પર પડી, જેવું તેનું ધ્યાન લાકડી પર ગયું કે તરત જ તેણે
લાકડી ઉપાડી, પાંજરાના આગળના ભાગમાં જઈને કેળાંની લૂમ મેળવી લીધી.
ચિમ્પાન્ઝીને લાકડીને જોઈને થયેલો ઝબકારો કે આંતરસૂઝ જવાબદાર છે.
(બ) બે લાકડીવાળો પ્રયોગ
કોહલરે આ પ્રયોગમાં ચિમ્પાન્ઝીની સમક્ષ એક અઘરી સમસ્યા રજૂ કરવાનું
વિચાર્યું.
જેમાં ચિમ્પાન્ઝીની સમક્ષ તેણે પાંજરામાં નાની લાકડી મૂકી અને તેના
જેવી થોડી મોટી લાકડી પાંજરાની સહેજ બહાર મૂકી.
ચિમ્પાન્ઝીએ નાની લાકડીની મદદથી કેળાંની લૂમ મેળવવા માટે પ્રયાસ
કર્યો પણ તે નિષ્ફળ રહ્યો.
ત્યારબાદ તેણે નાની લાકડી વડેથી પાંજરાની મોટી લાકડી મેળવી હવે મોટી
લાકડીમાં પણ તે નિષ્ફળ ગયો. આખરે થાકીને કંટાળીને બેસી જાય છે.
ચિમ્પાન્ઝી રમત કરતો હોય છે લાકડી વડે ત્યારે અચાનક બંને લાકડીઓ ભેગી
થઈ જાય છે ત્યારે ચિમ્પાન્ઝીને ઝબકારો થાય છે અને તુરંત જ તે કેળાંની
લૂમ પ્રાપ્ત કરી લે છે.
(ક) ખોખાનો પ્રયોગ
ચિમ્પાન્ઝીએ આ પ્રયોગમાં તેમણે ઊંચી છતવાળા ઓરડામાં ત્રણ ખોખાં
મૂક્યા હતા.
- આ ઊંચી છતવાળા ઓરડામાં કોહલરે વચોવચ કેળાં લટકાવ્યા.
ચિમ્પાન્ઝીએ કેળાં જોયાં એટલે કૂદકો મારીને, કોઈપણ રીતે કેળાં
પ્રાપ્ત કરવાના અનેક નિષ્ફળ પ્રયાસો કર્યો.
ત્યારબાદ વચોવચ ખોખાંને લાવીને તેના પર ચડીને કેળાંની લૂમ મેળવવા
પ્રયાસ કર્યો. જેમાં તેને નિષ્ફળતા મળી.
ખોખાંઓની રમતો રમતા રમતાં તે ત્રણેય ખોખાંઓ એકબીજાના ઉપર ખોખાઓ
ગોઠવાઈ જતાં તેને અચાનક ઝબકારો થયો અને તેણે તરત જ ઉપર ચડીને તે
કેળાંની લૂમને પ્રાપ્ત કરી લીધી.
કોહલરે પોતાનો આ પ્રયોગ સુલતાન નામના ચિમ્પાન્ઝી પર કર્યો હતો.