પ્રસ્તાવના
આ લેખમાં નિબંધલેખનની મૌલિકતા, શૈલી અને રજૂઆત અંગેની મહત્વપૂર્ણ બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. નિબંધ એ મૌલિક લેખનનો એક પ્રકાર છે, જેમાં લેખકના વિચારો સ્વતંત્ર રીતે, બાંધેલી સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. નિબંધ હંમેશા સરળ, શુદ્ધ અને સ્પષ્ટ ભાષામાં લખવો જોઈએ, અને ક્યારેય અન્ય સ્થાનથી મેળવેલા લખાણનો ઉપયોગ ન કરવો જોઈએ. નિબંધના પ્રકારો, તેની બાંધણી, અને મૌલિક વિચારોને કેવી રીતે રજૂ કરવા, તે અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા આપી છે.
{getToc} $title={Table of Contents} $count={Boolean}
નિબંધલેખન
નિબંધએ મૌલિક લેખનનો પ્રકાર છે માટે નિબંધ હંમેશા મૌલિક રીતે લખાવો જોઈએ. કોઈએ લખેલો નિબંધ કે નિબંધમાળામાંથી વાંચેલો નિબંધ પરીક્ષામાં લખવાથી ક્યારેય સારા ગુણ મળતા નથી. કારણ કે, નિબંધ હંમેશા તમારા પોતાના શબ્દોમાં નિ + બંધ એટલે કે કોઈપણ પ્રકારના બંધન વગર છતાં સારી રીતે બાંધણી થયેલ લખાણ કે જેમાં આપના મૌલિક વિચારોને શુદ્ધ સરળ અને સચોટ ભાષામાં રજૂ કરો છો. જે વાંચીને વાંચનાર વ્યક્તિ વિચારતો થઈ જાય છે.
નિબંધની શરૂઆત હંમેશા કોઈ કોટેશન, કોઈ મહત્ત્વની કાવ્યપંક્તિ, વિચારવિસ્તાર, કહેવતથી કરવી જોઈએ. જેમાં આપ અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત કોઈપણ ભાષાના સારા કોટેશન, શ્લોક કે વિચાર વિસ્તારનો ઉપયોગ કરી શકો છો. દા.ત., વિશ્વના મહાન નિબંધકાર ફ્રાન્સિસ બેકન નોંધે છે કે, ‘નોલેજ ઈઝ પાવર’
નિબંધ લેખન માટેનાં અગત્યની સૂચના :
કાકાસાહેબ કાલેલકર ‘નિબંધ’ વિષયનાં લઘુનિબંધના તેમના લેખમાં જણાવે છે કે “સાહિત્ય વગરનું સાહિત્ય તે નિબંધ.”
સામાન્ય રીતે સહેલો લાગતો વિષય નિબંધ એ લખવા બેસીએ ત્યારે ખબર પડે કે કેવો અઘરો છે. નિબંધ વિશેના મુખ્ય ચાર લક્ષણો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરે દર્શાવ્યાં છે.
(૧) વાચક જોડે આત્મીયતાનો સંબંધ હોવો જોઈએ.
(૨) વ્યક્તિગત અપીલ કરવાની સૂઝ કેળવવી.
(૩) તદ્દન સરળ-સહજ લાગે એવી શૈલીમાં અભિવ્યક્તિ કરવી.
(૪) જે કહેવું છે તે ટૂંકાણમાં પણ રસમય રીતે કહેવું. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય નિબંધકાર કવિ શ્રી નર્મદા શંકર દવેએ નોંધ્યું છે કે, નિબંધલેખનમાં વ્યક્તિની એકાગ્રતા ને તન્મયતા હોવી જરૂરી છે, તો જ ઉત્તમ નિબંધો લખાઈ શકે.
નિબંધ લખવો એ અઘરું કામ છે એમ ભલે કવિ નર્મદે કહ્યું, પણ આજના આ ગહનતા પામેલાનો વ્યાપ ધરાવતાં ભાષાસાહિત્યના અભ્યાસે વિદ્યાર્થીઓને વિવિધ માધ્યમો દ્વારા અભિવ્યક્તિની પરિપકવતા બક્ષી છે.
કોઈપણ પ્રકારનો નિબંધ લખવા માટે આપણી પાસે નીચે મુજબની માહિતી હોવી જોઈએ :
1. નિબંધના વિષયની માહિતી
2. એ માહિતીને વ્યવસ્થિત કરીને મૂકવા માટે શુદ્ધ અને સરળ ભાષા.
નિબંધલેખન માટે ઉત્તમ વિચારો અને માહિતી મેળવવા માટે આપણે સારાં પુસ્તકો અને લેખોનું, વાંચેલી કે સાંભળેલી હકીકત પર મનન, વાચન અને આસપાસના જીવનનું અવલોકન કરવાની ટેવ પાડવી જોઈએ.
વ્યાખ્યાનો સાંભળવાનો, જુદા જુદા વિષયો પર વારંવાર ચર્ચા કરવાનો અને હંમેશાં કાંઈ ને કાંઈ લખવાનો નિયમ રાખવાથી ઘણો ફાયદો થાય છે.
નિબંધ લેખનની શરૂઆત કરતા પહેલા નીચેની બાબતો ધ્યાન રાખવી:
નિબંધ લેખનની શરૂઆત કરતા પહેલા નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ જે નીચે મુજબ છે.
(1) આપેલા નિબંધના વિષયો ધ્યાનથી વાંચી ગયા પછી તમે ક્યો નિબંધ યોગ્ય રીતે લખી શકો તે નક્કી કરવું.
(2) વિષય નક્કી કર્યા પછી મનમાં વિષય અંગે વિચાર કરવો અને જરૂરી મુદ્દાઓ તારવવા.
(3) લખેલા મુદાઓમાં બિનજરૂરી પુનરુક્તિ થતી હોય તેવા મુદ્દા દૂર કરવા.
(4) મુદ્દાઓની ક્રમમાં ગોઠવણી કરવી. ઉ.દા. તરીકે “એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા” નિબંધ લખતા હોઈએ તો શરૂઆતમાં પોતે શિક્ષકનો વ્યવસાય કેમ પસંદ કર્યો, શિક્ષક તરીકેની નોકરી દરમિયાન મેળવેલ સિદ્ધિઓ, વિદ્યાર્થીઓમાં લોકપ્રિયતા, નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિમય જીવન-આમ ક્રમબદ્ધ વિચારીને લખવું.
(6) નિબંધમાં વિષયની રજૂઆત વખતે પ્રાસ્તવિકરૂપે એક ફકરો લખવો અને જયાં જયાં વિચાર-મુદ્દા બદલાતા રહે ત્યાં અલગ ફકરા પાડવા.
(7) નિબંધ લખતાં આપણું લખાણ વાંચનાર વ્યક્તિને સ્પષ્ટ સમજાય એવું સાદું, સરળ, સચોટ હોવું જોઈએ.
(8) નિબંધમાં જરૂર જણાય ત્યાં વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવો.
(9) શુદ્ધ ગુજરાતી ભાષામાં નિબંધ લખવો. ઘણીવાર નિબંધમાં ઘરમાં બોલાતા તળપદા શબ્દો આવી જાય છે. સાથે જે-તે વિસ્તારની બોલીનો પડઘો પણ સંભળાતો હોય છે. જે બાબતે નિબંધ લખતી સમયે ધ્યાન રાખવું જોઈએ.
(10) નિબંધની શરૂઆત અને અંત સચોટ હોવો જોઈએ.
(11) આત્મકથાના નિબંધમાં ક્યારેક “એક શિક્ષકની આત્મકથા” ની જગ્યાએ “એક શિક્ષકની
હૈયાવરાળ” જેવા શબ્દો વાપરવામાં આવે, તો ક્યારેક “આપવીતી”, “કબૂલાતનામું”, “કહાણી” જેવાં શબ્દ વાપરવામાં આવે તો તે વિષય આત્મકથાનો નિબંધ જ છે એમ સમજવું.
(12) વસંતઋતુ અને વર્ષાઋતુ બે અલગ છે. આવા પ્રકૃતિવિષયક નિબંધો ધ્યાનથી જોઈ જવા જેથી પરીક્ષામાં વિષયાંતર ન થાય.
(13) ભાષાશુદ્ધિ અને શબ્દોની જોડણી પ્રત્યે ખાસ ધ્યાન રાખવું.
(14) નિબંધમાં વિષયનિરૂપણની, મિતાક્ષરતા, સંક્ષિપ્તતા અને ધનતા અપેક્ષિત છે. સાથોસાથ એમાં સાધારણ વસ્તુને અસાધારણ નૂતનતાભરી બતાવવાનું કૌશલ પણ અપેક્ષિત છે.
નિબંધના પ્રકાર:
સામાન્ય રીતે નિબંધના વર્ણનાત્મક, મનનાત્મક, કલ્પનાત્મક એવા પ્રકારો પાડવામાં આવે છે. એ જ પ્રકારના નીચે મુજબ વિષયવાર વિભાગો પાડીશું તો સમજવામાં એને યાદ કરવામાં સરળતા રહેશે.
વર્ણનાત્મક : (1) પ્રકૃતિવર્ણન (2) સ્થળવર્ણન (3) વ્યકિતચિત્રો (4) તહેવારો
કથનાત્મક : (5) પ્રવાસ કે મુલાકાત (6) પ્રિય કે પસંદગીની વસ્તુઓ (7) પ્રસંગાલેખન
ચિંતનાત્મક : (8) ચર્ચાત્મક (9) મનનાત્મક (10) આત્મકથા
કાલ્પનિક : (11) “જો… હોઉં”, ‘જો… થાય તો’, ‘શું થવું ગમે ?’
વર્ણનાત્મક :
પ્રકાર – ૧ : પ્રકૃતિવર્ણન : સામાન્ય રૂપરેખા
(1) દૃશ્યની અપૂર્વતા, મહત્તા કે વિશેષતા
(2) તેનાં વિવિધ અંગોનું વર્ણન
(3) તેની અસર
(4) તે પરથી સ્ફુરતા વિચારો
પ્રકાર – ૨ : સ્થળવર્ણન : સામાન્ય રૂપરેખા
(1) સ્થળનો ઇતિહાસ અને તેની વિશેષતા
(2) તેનો સામાન્ય દેખાવ
(3) તેનાં વિવિધ અંગોનું વર્ણન
(4) જુદે જુદે સમયે ત્યાં થતી જુદી જુદી પ્રવૃત્તિઓ GYA
(5) તેની અસર
પ્રકાર – 3 : વ્યક્તિચિત્રો – સામાન્ય રૂપરેખા
(1) તેની સામાન્ય ઓળખ – વિશિષ્ટતા
(2) તેનો જીવનક્રમ
(3) તેની ટેવો, તેનાં લક્ષણો, તેના ગુણો
(4) સમાજમાં તેનું સ્થાન, તેની ઉપયોગિતા
(5) તેની સ્થિતિ, તેના ભાવિ વિશે વિચાર
પ્રકાર – ૪ : તહેવારો – સામાન્ય રૂપરેખા
(1) તહેવારનો સમય
(2) તેનો ઈતિહાસ અને મહિમા
(3) તેની ઉજવણી
(4) સમાજજીવનમાં તહેવારનું મહત્ત્વ
કથનાત્મક :
પ્રકાર – ૫ : પ્રવાસ અને મુલાકાત : સામાન્ય રૂપરેખા
(1) પ્રવાસ કે મુલાકાતનો હેતુ અને પૂર્વતૈયારી
(2) માર્ગના અનુભવો
(3) પ્રવાસ કે મુલાકાતના સ્થળનું વર્ણન
(4) આપણા મન પર પડેલી તેની અસર
(5) પ્રવાસ કે મુલાકાતની સમાપ્તિ
પ્રકાર – ૬ : પ્રિય કે પસંદગીની વસ્તુઓ સામાન્ય રૂપરેખા
(1) કોઈ વસ્તુ વિશેષ પ્રિય કે પસંદ છે ? શા માટે ?
(2) તેનું વર્ણન – તેનાં વિશિષ્ટ લક્ષણો
(3) દોષ અથવા વિરુદ્ધ દ્રષ્ટિબિંદુ
(4) તે વસ્તુની આપણા પર અસર
પ્રકાર – ૭ : પ્રસંગાલેખન : સામાન્ય રૂપરેખા
(1) પ્રસંગ કે બનાવનાં કારણો, સ્થળ અને કાળ
(2) પ્રસંગ કે બનાવનું વિસ્તૃત વર્ણન
(3) અંત-પરિણામ-અસર
પ્રકાર – ૮ : ચર્ચાત્મક વિષયો : સામાન્ય સમજ
(1) વિષયની સમજૂતી, મહત્તા અને તેનો ઈતિહાસ
(2) વિષયના ગુણ, કાયદા કે સદુપયોગ
(3) વિષયના અવગુણ, ગેરફાયદા કે દુરુપયોગ
(4) વિષય પર આપણો સ્વતંત્ર અભિપ્રાય
પ્રકાર – ૯ : ચિંતનાત્મક વિષયો : સામાન્ય સમજ
(1) વિષયની સમજૂતી – મહત્તા
(2) તેના ફાયદા – સમર્થનમાં ઉદાહરણો
(3) તેની બીજી બાજુ – દલીલો
(4) તેના વિશે આપણો સ્વતંત્ર અભિપ્રાય
પ્રકરણ ૧૦ : આત્મકથા – સામાન્ય સમજ
(1) ક્યાં, ક્યારે અને કેવી રીતે જન્મ કે ઉત્પત્તિ
(2) ક્રમિક અનુભવો કે પ્રસંગો
(3) મહત્તા કે ઉપયોગિતા
(4) ભાવિ સંબંધી વિચારો
નિબંધનું માળખું :
નિબંધ લેખન કરતી વખતે નીચે આપેલું માળખું ધ્યાને લેવી જોઈએ
પૂર્વભિમિકા : ૫૦ થી ૬૦ શબ્દોમાં – નિબંધ અંગેની પ્રસ્તાવના
મુખ્ય ભાગ : ૧૫૦ થી ૨૦૦ શબ્દોમાં – નિબંધના હાર્દસમાન મુદાઓની સચોટ રજૂઆત
સમાપન : ૫૦ થી ૬૦ શબ્દોમાં – સમગ્ર નિબંધનું સંક્ષિપીકરણના અંતે આશાવાદી સંદેશ
નિબંધ લખવાની શરૂઆત કરતાં પહેલાં નીચેની બાબતો ચકાસી લેવી.
(1). વિષય પસંદગી: આપેલ વિકલ્પ પૈકી સૌથી કઠિન વિકલ્પ પર નિબંધ લખવો. જેમાં આપને અન્ય પ્રતિસ્પર્ધી કરતાં વધારે ગુણ મળવાની તકો રહે છે.
(2). નિબંધની રૂપરેખા: નિબંધના માળખા અનુસાર જરૂરી રૂપરેખા અનુસાર સ્પષ્ટ અને સચોટ અભિપ્રાય સાથે નિબંધ લખવો. નિબંધના વિષયને અનુરૂપ વર્તમાન પ્રવાહો અને બંધારણના અનુચ્છેદ ઉપરાંત પ્રસિદ્ધ પુસ્તકો વિશેના જરૂરી સંદર્ભો નિબંધમાં ટાંકવા.
(3). મુદ્દાઓની પુન: ચકાસણી-પસંદ કરેલ નિબંધ માટે જરૂરી મુદ્દાઓ પર વિષયવસ્તુ ચકાસી લેવી અને મુદ્દાનું પુનરાવર્તન ટાળવું.
નિબંધ : શિક્ષણનું માધ્યમ – દરેક માતા-પિતાની મૂંઝવણ
“મા, માતૃભૂમિ અને માતૃભાષાનો કોઈ વિકલ્પ હોતો નથી”
જયાં સુધી શિક્ષણના માધ્યમ સાથે સંબંધ છે ત્યાં સુધી માતૃભાષા જ શિક્ષણનું માધ્યમ હોવી જોઈએ, કારણ કે દુનિયાના તમામ કેળવણીકારોએ માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરેલ છે અને આના માટેના સૈદ્ધાંતિક આધારો આપણને ભારતના શ્રેષ્ઠ કેળવણીકાર ડૉ. યશપાલજીની આગેવાનીમાં બનેલી રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા, ૨૦૦૫માંથી પણ મળી રહે છે કે બાળકને પ્રારંભિક શિક્ષણ તો તેની પ્રાદેશિક ભાષામાં જ મળવું જોઇએ.
ગાંધીજીએ ઇ.સ. ૧૯૩૭માં વર્ધાશિક્ષણ પરિષદમાં માતૃભાષા દ્વારા શિક્ષણ અંગે ભલામણ કરેલી અને વર્તમાન સમયના પ્રખ્યાત કેળવણીકાર ગુણવંત શાહે તો એવુ કહ્યું છે કે બાળકને માતૃભાષાના શિક્ષણથી વંચિત રાખવું, એ માના ધાવણથી વંચિત રાખવા બરાબરનું પાપ છે માટે શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ હોવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે સાથોસાથ અંગ્રેજી એક વિષય તરીકે શીખવવો જ જોઇએ કારણ કે હવે જમાનો અંગ્રેજી ભાષાનો છે. આથી જ ગુજરાત સરકાર દ્વારા પહેલા ધોરણથી અંગ્રેજી વિષયના અભ્યાસ કરાવવાનું નક્કી કરેલું છે તો એક વિષય તરીકે અંગ્રેજીનો અભ્યાસ કરવો જોઈએ પણ તમામ વિષયો અંગ્રેજીમાં ભણાવવાં એ બાળકને બાળપણમાં જ બેબાકળો કરી મૂકશે. બાળકની માની ભાષા એટલે માતૃભાષા માટે માને મૂકી માસીને ગળે શા માટે ન વળગવું? “માનવાના વિચારો અને લાગણીઓને વાત કરવાની ધ્વનિરૂપ વ્યવસ્થા એટલે ભાષા.”
બાળકને શિક્ષણ કઈ ભાષામાં આપવું, જેથી તેની કારકિર્દી વધુ મજબૂત, સુદૃઢ બને તેની ચિંતામાં આજના માબાપો રહેતા હોય છે. અંગ્રેજી માધ્યમમાં ભણવાનું ચલણ આજકાલ વધારે જોવા મળે છે. તેમાં નાના મોટા શહેરોમાં વાલીઓ તો પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશ અપાવવા આકાશપાતાળ એક કરતા હોય છે. અંગ્રેજી માધ્યમમાં બાળકોને શિક્ષણ આપવાથી તેની કારકિર્દી સારી વધુ સક્ષમ બને છે તેવી ગેરમાન્યતા આજના વાલીઓમાં જોવા મળે છે. હવે પ્રશ્ન એ છે કે બાળકને ક્યાં માધ્યમનું શિક્ષણ આપવું. અંગ્રેજી કે ગુજરાતી?
“માતૃભાષા પ્રત્યે માતા સમાન પ્રેમ અને આદર રાખો.”
બાળક જે પરિવારમાં કે સમાજમાં જન્મે છે, એ પરિવાર કે સમાજમાં જે ભાષાના માધ્યમ દ્વારા બોલવાનો વ્યવહાર શીખે છે એ જ બોલતાં શીખે છે, જેથી માતૃભાષામાં વિચારો સરળતાથી વ્યક્ત કરી શકે છે. લખતાં- વાંચતા મુશ્કેલી પડતી નથી, આથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષા દ્વારા જ આપવું યોગ્ય ગણાય છે. જેથી બાળકનો ઉત્તમ વિકાસ થાય છે. માતૃભાષા દ્વારા મળતું શિક્ષણ બાળક જલદી ગ્રહણ કરી લે છે. માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવવા બાળકો ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે છે. એકવાર માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવી લીધા પછી બાળકને અન્ય ભાષાઓ શીખવવામાં સરળતા રહે છે.
માતૃભાષા બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય છે. માતૃભાષા દ્વારા બાળકોમાં અદર્શગુણો વિકાસ છે. બાળકોનો આપણી માતૃભાષામાં રહેલો છે. માતૃભાષામાં શિક્ષણ આપવાથી સંસ્કારો અને સંસ્કૃતિ બંને જળવાઈ રહે છે.
જો તમને તમારી માતૃભાષા પર ગર્વ નથી તો તમને તમારી માતૃભૂમિમાં રહેવાનો કોઈ હક નથી. ૨૧ ફેબ્રુઆરીના આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે પરિસંવાદો કરવા અને બાળકોને અંગેજી માધ્યમની માયાજાળમાં મૂકવાવાળા વાલીઓને જણાવવાનું કે આ માતૃભાષા માટે કવિ પ્રેમાનંદે એવું કીધેલું કે જયાં સુધી મારી માતૃભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘ બાંધીશ નહીં તો આપણે ગુજ્જુ ભાઇ-બહેનોએ પોતાના બાળકને તેનું બાળપણ જીવવા દેવું હોય તો આજે જ એક સંકલ્પ કરવો જોઈએ કે મારા બાળકને શિક્ષણ તો ગરવા ગુજરાતની ગુજરાતી માધ્યમની શાળામાં જ.