પ્રચાર માધ્યમોનાં નિવેદનો (જાહેર નિવેદન)
પ્રચાર માધ્યમોના નિવેદન એટલે શું ?
પ્રજાજીવનને લગતા કોઈ સળગતા પ્રશ્નો અંગે કોઈ સંસ્થા દ્વારા કે સરકાર દ્વારા અખબારમાં જે ખુલાસો કે સ્પષ્ટતા, વિનંતી કે અનુરોધ કરવામાં આવે છે તેને અખબારી વિજ્ઞપ્તિ કે અખબારી નિવેદન તરીકે ઓળખવામાં આવે છે. જેને પ્રચાર માધ્યમોનાં નિવેદનો કહેવામાં આવે છે.
પ્રચાર માધ્યમોનાં નિવેદનને જાહેર નિવેદન પણ કહેવામાં આવે છે.
ભાષા:
આ એક જાહેરાતનું માધ્યમ છે. જેથી તેમાં માહિતી પ્રદાન ભાષાનો જ ઉપયોગ કરવો જોઈએ.
અહીં અર્થ વિનાનું લંબાણ ટાળવું જોઈએ.
પ્રચાર માધ્યમોનાં નિવેદનોની માહિતી જાહેર જનતાના દરેક વર્ગ સુધી પહોંચે એવો ઉપક્રમ રખાતો હોય છે, જેથી દરેક વર્ગ સમજી શકે તેવી ભાષાનો ઉપયોગ થયેલો હોવો જોઈએ.
વિદ્યાર્થીએ આલંકારિક કે સાહિત્યિક ભાષાને ઉપયોગમાં લેવી જોઈએ નહિ.
ભાષા સુરેખ અને સ્પષ્ટ હોવી જરૂરી છે.
કોઈ કાનૂની કે ટેક્નિકલ ભાષાના ઉપયોગને બદલે સામાન્ય ભાષાનો ઉપયોગ કરવો હિતાવહ છે.
ભાષામાં કઠોરતા પ્રવેશવી જોઈએ નહિ.
ભાષામાં ઔચિત્ય, શિષ્ટાચાર, વિનમ્રતાના ગુણો જળવાવવા જોઈએ.
વ્યાકરણગત ભૂલો ના થવી જોઈએ.
માળખું:
વિદ્યાર્થીમિત્રો, જાહેર નિવેદનમાં એનું માળખું ખૂબ જ અગત્યનું પરિબળ છે.
જાહેર નિવેદન ક્યારેય પણ સળંગ લખાતું નથી.
તેનું લખાણ ચોક્કસ મુદ્દાઓમાં વહેંચાયેલું હોવું જોઈએ જ.
ઉપરાંત, નીચેની બાબતો ધ્યાનમાં રાખવી:
(1) પ્રકાશનની વિગતો :
અમુક તારીખ અને સમય પહેલાં પ્રકાશિત નહિ કરવાની વિગતો મૂકી શકાય. (જો મૂકવી હોય, તો) તમારા પેજની બિલકુલ વચ્ચેના ભાગમાં ‘જાહેર નિવેદન’ કે ‘પ્રચાર માધ્યમોના નિવેદન’ લખવું જોઈએ.
(2) શીર્ષક :
પ્રકાશનની વિગતો લખાઈ ગયા પછી પ્રશ્નમાં જે વિષય મુકાયો હોય એના અનુસંધાનમાં શીર્ષક લખવું જોઈએ.
(3) જાહેર નિવેદનની વિગતો :
શીર્ષક લખાઈ ગયા પછી જાહેર નિવેદનની વિગત લખવી જોઈએ. જેની એક પદ્ધતિ છે તે અનુસાર આગળ વધાય.
(i) સૌપ્રથમ ત્રણ કે ચાર લીટીમાં જાહેર નિવેદન પ્રકાશિત કેમ કરવામાં આવે છે તેની સ્પષ્ટતા મૂકવામાં આવે છે. ત્યારબાદ મુદ્દાસર વિગતને મૂકવામાં આવે છે.
(4) અંત :
જાહેર નિવેદનના માળખાની પરિપૂર્ણતા તેના અંતથી જળવાય છે. અહીં સૌથી નીચે ડાબી અને જમણી બાજુ એમ લખાણને લખવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીએ સતર્કતા રાખવી જ પડે.
નીચે ડાબી બાજુનું લખાણ :
જે-તે ખાતું કે સંસ્થાનું નામ, રાજ્ય સરકાર કે કોઈ સંસ્થાના જવાબદાર અધિકારીનું નામ (પ્રશ્નમાં આપ્યા પ્રમાણે)
જાહેરાત ક્રમાંક
તા. ………………………….
નીચે જમણી બાજુનું લખાણ :
સહી :
સહી કરનારનો હોદ્દો,
સ્થળનું નામ :
આ રીતે અંતમાં ચોક્કસ જગ્યાએ સ્પષ્ટ માહિતી લખવી જોઈએ. આ માટે ખાસ કરીને પ્રશ્નમાં જે વાત પૂછી હોય તેના પર ધ્યાન વધુ આપવું જોઈએ. એ પ્રમાણે ખાતું કે સંસ્થાનું નામ નક્કી કરવું જોઈએ. એમાં સચોટતા હોવી જરૂરી છે. વધુ વિગતો ઉદાહરણ પરથી સમજી શકાશે.
ખાસ ધ્યાન રાખવા જેવું:
વિદ્યાર્થીમિત્રો, પ્રચાર માધ્યમોનાં નિવેદનો કે જાહેર નિવેદનોનાં ઉદાહરણો આપણને જે પ્રચાર માધ્યમના લેખિત સ્રોત છે, ત્યાંથી પણ પ્રાપ્ત થઈ શકે છે.
જેમ કે, સરકારના કોઈ પણ નિર્ણયની જાહેરાત રસ્તા પરના હોડિંગ્સમાં હોય છે.
કોઈ નામાંકિત સંસ્થા પોતાની સંસ્થાની જાહેરાત કે નિર્ણય અર્થે રસ્તા પરના હોડિંગ્સનો ઉપયોગ કરે છે.
ઉપરાંત, વર્તમાનપત્રોમાંથી જાહેર નિવેદનનાં શ્રેષ્ઠ ઉદાહરણો મળી રહે છે. જેથી વિદ્યાર્થીઓએ એ રીતે નજર કેળવવી જોઈએ.
પ્રચાર માધ્યમોનાં નિવેદનો (જાહેર નિવેદન)ના ઉદાહરણો :
ઉદાહરણ (1) : રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ડિજિટલ ક્રાંતિ અંગે કેટલાક નિર્ણયો લેવાયા છે. જેને ધ્યાનમાં રાખી પ્રચાર માધ્યમનું નિવેદન તૈયાર કરો.
જાહેર નિવેદન
“ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિનાં પગરણ”
સરકાર દ્વારા સંચાલિત ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી દ્વારા નાગરિક સેવાઓ હવે ટેરવે થઈ ગઈ છે. તાજેતરમાં ગ્રામીણ વિસ્તારના રહેવાસીઓ માટે સરકારે વિધવિધ જાતની ડિજિટલ સવલતો બહાર પાડી છે, જેના પરિણામે ગ્રામીણ વિસ્તારના લોકોને પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે સમય અને આર્થિકતા એમ બંને રીતે ફાયદો થશે. આ સવલતોની
વિગતો નીચે મુજબ છે :
ડિજિટલ રેશનકાર્ડ અને તેનું સોગંદનામું
નામ બદલવા માટેનું સોગંદનામું
રેશનકાર્ડમાં નામનો ઉમેરો કરવા બાબત
બિનઅનામત જાતિ પ્રમાણપત્ર (ગ્રામપંચાયત આવક વગર)
ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર (ગ્રામપંચાયત)
બસ-રેલવે-એર-ટિકિટ
નોંધ : ઇ-ગ્રામની સેવાનો લાભ લેતી વખતે તેમજ આપતી વખતે બે મીટરનું અંતર રાખવું, તેમજ માસ્ક પહેરવું પણ જરૂરી છે.
ગ્રામ વિકાસ મંત્રાલય સહી/-
ક્રમાંક : 924-14 ગ્રામીણ વિકાસ અધિકારી
તા.25/10/2024 ગુજરાત રાજ્ય
ઉદાહરણ (2) : આપ શિક્ષણમંત્રી છો. કોરોનાનો અઘરો સમય પસાર કર્યા બાદ રાજ્યની શાળા ફરીથી શરૂ થવાની છે, તો બાળકોના અભ્યાસક્રમને બાળ-સાહિત્યિક પ્રવૃત્તિઓને શાળાકીય સમય દરમિયાન ભણાવવાનો આગવો નિર્ણય લેવાયો છે, તો આ વિષયની માહિતી પ્રદાન કરતું નિવેદન તૈયાર કરો.
અખબારી યાદી
“ચાલો, રમતાં ભણીએ”
કોરોના કાળમાંથી બહાર નીકળી નાનાં નાનાં ભૂલકાં શાળામાં આશરે બે વર્ષે કદમ મૂકશે. આવા સમયે ગુજરાત સરકાર બાળકોના મનોભાવોને સમજીને અભ્યાસ પ્રત્યે તેમની રસરુચિ ફરી વાર પહેલાંની જેમ ખીલે તે માટે કટિબદ્ધ છે. આ માટે પ્રાથમિક કક્ષાએ નીચેની બાળ-સાહિત્યિક પ્રવૃત્તિ સાથે અભ્યાસ કરાવવાનો નૂતન વિચાર અપનાવાયો છે. જેમાં નીચેની વાતોને ધ્યાનમાં રખાશે.
ગુજરાતી વિષયને નાની નાની અન્ય વાર્તાઓ દ્વારા ભણાવવાનો અભિગમ.
ગણિત વિષયને પુસ્તક કરતાં બાહ્ય રમતોની ગોઠવણ દ્વારા ભણાવવાનો પ્રયાસ.
બધા વિષયોને શ્રાવ્ય નહિ, પણ દૃશ્ય પ્રવૃત્તિઓ દ્વારા શીખવવાનો આગ્રહ.
પ્રાથમિક શાળાઓમાં વીડિયો પ્રોજેક્ટરની વ્યવસ્થા કરાવવામાં આવશે.
નાનાં નાનાં હાસ્ય નાટકો – સાહિત્યિક કૃતિ પરથી બનેલી નાટિકા અભ્યાસક્રમનો ભાગ બનશે.
અભ્યાસક્રમને આવરી લેતી વિવિધ વિષયની વિવિધ સ્પર્ધાઓનું આયોજન સતત થાય તેવો આગ્રહ
સ્પર્ધાના અંતે દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાય તેવાં ઇનામોનું થશે સતત વિતરણ
દરેક વિદ્યાર્થી શાળા તરફ આકર્ષાય અને તેના શિક્ષણનો પાયો મજબૂત બને તેવો કુશળ અભિગમ
ઉપરોક્ત વિચારણાના અમલીકરણ માટે દરેક પ્રાથમિક શિક્ષણ સંકુલને તેનું પાલન કરવા અને કરાવવા માટે આગ્રહ કરવામાં આવે છે. આ સર્વ વિચારોમાં નવીનતાની અપેક્ષા રહેશે. આ વિચારણાને સફળ કરવા ગુજરાત સરકાર રાજ્યની દરેક પ્રાથમિક શાળાની પડખે છે.
શિક્ષણખાતું, ગુજરાત સરકાર સહી/-
ક્રમાંક 268-14 એમ.કે પટેલ
તા. 17-10-2024 શિક્ષણમંત્રી,
ગુજરાત રાજ્ય.
ઉદાહરણ (3): આપ રાજ્યના નવા મુખ્યમંત્રી છો. કોરોનાનો સમયગાળો આપના રાજ્યમાંથી ધીમે ધીમે પૂર્ણ થવાની ગતિ તરફ જઈ રહ્યો છે. આ સમયે આપના સમગ્ર રાજ્યને સંપૂર્ણ રીતે કોરોનામુક્ત કરવા આપ કટિબદ્ધ છો, તો આપના નિર્ણયની કટિબદ્ધતાને પ્રચાર માધ્યમોનાં નિવેદનો દ્વારા પ્રગટ કરો.
જાહેર નિવેદન
“કોરોનામુક્ત થશે ગુજરાત, કટિબદ્ધ છે સરકાર”
કોરોના કાળ હવે સમાપ્ત થવાના આરે છે, છતાંય વર્તમાન સમયમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ ઓછા પ્રમાણે તો આવી રહ્યા છે. હવે આવનારા સમયમાં ગુજરાતને સંપૂર્ણ કોરોના મુક્ત બનાવવાના અડગ નિર્ણયને સફળ બનાવવા ગુજરાત સરકાર કટિબદ્ધ બની છે. આ માટેના ગુજરાત સરકારની વિચારધારા નીચે મુજબ છે, જેને જનતાના સહયોગથી સફળ બનાવી શકાશે.
ગુજરાતનો એક પણ નાગરિક હવે કોરોનાની રસીથી નહીં રહે વિમુખ, તેની રખાશે તકેદારી
કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાનને બનાવશે વધુ ને વધુ ગતિશીલ
હવે જાહેર સ્થળોએ રસીના બે ડોઝ વિના પ્રવેશનિષેધ
બસ-બીઆરટીએસ-રેલવે-હવાઈસફર આ સર્વ દ્વારા સફર કરવા માટે રસીના બે ડોઝ લેવા ફરજિયાત
દરેક સરકારી – અર્ધસરકારી કે પ્રાઇવેટ ધોરણે ચાલતાં વ્યવસાયમાં હવે ફરજ બજાવવા કોરોનાની રસીના બે ડોઝ ફરજિયાત
કોઈ પણ સરકારી – અર્ધસરકારી કે પ્રાઇવેટ વ્યવસાયમાં નવી ભરતીનાં નક્કી કરાયેલાં ધોરણોમાં કોરોનાની રસીના બે ડોઝનું ધોરણ હશે અગ્રિમ
હવે ઘરે ઘરે જઈને રસીકરણ યોજનાને સફળ બનાવવાનું સુદૃઢ આયોજન
હવે કોઈ પરિવાર – કોઈ સદસ્ય નહિ રહે રસીકરણથી બાકાત. હાથ ધરાશે ઝુંબેશ
કોરોનાની રસીના બે ડોઝ લેવા ફરજિયાત આ હાકલને હવે કરાશે ફરજિયાત
મુખ્યમંત્રી, ગુજરાત સરકાર
ક્રમાંક : 924-24 સહી/-
તા. 02-10-2024 અ,બ,ક,
ગુજરાત રાજ્ય
ઉદાહરણ (4): ‘ઝૂંપડું ત્યાં પાકું મકાન’ યોજના અન્વયે લાભાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવા બાબત અંગેની અખબારી યાદી રજૂ કરો.
‘ઝૂંપડું ત્યાં પાકું મકાન’ યોજના અન્વયે લાભાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવા અર્થે
પ્રજાના કલ્યાણને હંમેશાં અગ્રિમતા આપતી રાજ્ય સરકારે રાજ્યનાં તમામ કુટુંબોને રહેવા માટે પાકું મકાન મળી રહે તે હેતુથી ‘ઝૂંપડું ત્યાં પાકું મકાન’ યોજનાને અમલમાં મૂકી છે. ગરીબીરેખાથી નીચે જીવતાં કુટુંબોને આ યોજનાનો લાભ મળનાર છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા BPL કાર્ડધારકો પાસેથી નિયત નમૂનામાં જરૂરી પ્રમાણપત્રો અને પુરાવા સાથેની અરજીઓ મંગાવવામાં આવે છે. શહેરી વિસ્તારના BPL કાર્ડધારકો માટે અલગથી જાહેરાત કરવામાં આવશે.
BPL કાર્ડ બતાવવાથી નિયત અરજી ફોર્મ ગ્રામપંચાયતના તલાટી-કમ-મંત્રી પાસેથી વિનામૂલ્યે મળી શકશે.
ફોર્મ તા. 15-7-2021ને સવારે 11:00 કલાકથી વિતરણ કરવામાં આવશે. ફોર્મ 25-7-2021 સુધી મળી શકશે.
ફોર્મ ભરીને પરત કરવાની છેલ્લી તારીખ 31-7-2021 છે. ફોર્મ ભરીને ગ્રામપંચાયતે પાછાં આપવાનાં રહેશે.
ફોર્મ સાથે જોડવાના પત્રકો, પુરાવાઓની યાદી ફોર્મમાં આપેલ છે.
અધૂરી વિગતવાળાં ફોર્મ કે સમયમર્યાદા પછી આવેલાં ફોર્મ રદ થયેલાં ગણાશે.
ગ્રામ વિકાસ મંત્રાલય
ઝી. એન. પુરોહિત
ક્રમાંક : 924-14 સહી/-
તા. 12-7-2024 સંયુક્ત સચિવ, ગ્રામ વિકાસ
ગુજરાત રાજ્ય
ઉદાહરણ (5) : ગુજરાત સરકાર દ્વારા હાથશાળ, હસ્તકલાના કારીગરોને મદદ મળી રહે તે આશયથી ‘કુટિર હસ્તકલા મેળો’ પ્રદર્શન અને વેચાણ હાટ શરૂ કરવામાં આવ્યા છે, તો આ અંગે પ્રચાર માધ્યમનું નિવેદન તૈયાર કરો.
જાહેર નિવેદન
“કુટિર હસ્તકળા મેળો”
આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે અમૃત મહોત્સવના ઉપક્રમે, કોવિડ-19ના સરકારશ્રીના નિયમોના પાલન સાથે ભાતીગળ હાથશાળ, હસ્તકલા અને ગ્રામોધોગના કારીગરોને રોજગારી આપવાના હેતુથી કુટિર હસ્તકલા મેળો, પ્રદર્શન અને વેચાણ હાટ શરૂ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત ગુજરાતની ઉત્તમ હસ્તકલાનો લાભ શહેરીજનો ઉઠાવી શકશે.
હાથશાળાની બનાવેલી ચીજવસ્તુઓ
હસ્તકલા, ભરતકામ, મોતીકામની ઉત્તમ કલા-કારીગરી ધરાવતી વસ્તુઓ
ચર્મકામ અને માટીકામની આકર્ષક બનાવટો
સ્ત્રી-શણગારની વસ્તુઓ જેવી કે, જવેલરી, કચ્છીશાલ, પટોળાં, બાંધણી, પેચ વર્કની ઉમદા કારીગરી
ગૃહસુશોભનની અનેકવિધ અને એન્ટિક ડિઝાઇનવાળી ચીજવસ્તુઓ હવે થશે હાથવગી.
હસ્તકલા મેળામાં ઉપસ્થિત રહેવા અંગેની કેટલીક પૂર્વશરતો :
(1) રસીકરણના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ.
(2) માસ્ક ફરજિયાતપણે પહેરેલું હોવું જોઈએ.
(3) “દો ગજ કી દૂરી”નું પાલન દરેક મુલાકાતીએ ફરજિયાતપણે કરવાનું રહેશે.
(4) કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મર્યાદિત જ સંખ્યાને “કુટિર હસ્તકલા મેળા”માં પ્રવેશ મળી શકશે.
તા. 10-02-2024 થી 18-02-2024
સમયઃ 11:00 થી રાત્રીના 8:00
જ બ ક હાટ, ત ફ જ તળાવ પાસે, જ બ ક શહેર.
કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રાલય અ,બ,ક,
ક્રમાંક: 924-14 કમિશનર અને સચિવશ્રી
તા. 9-2-2024 કુટિર ગ્રામોધોગ મંત્રાલય,
વિસ્તાર, ૫ ડ ફ રાજ્ય