પ્રસ્તાવના (introduction):
21મી સદીના સંદર્ભમાં પ્રાથમિક શિક્ષણ કેવું હોવું જોઈએ એ ચિંતનનો વિષય છે. પ્રાથમિક કેળવણીના તબક્કે અધ્યેતાઓને નૂતન યુગના પરિપ્રેક્ષ્યમાં સર્વગ્રાહી શિક્ષણ આપવું જોઈએ.તેનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરીને તેનામાં એવું નૈપુણ્ય ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી નવા યુગમાં તેમના જીવનનો સર્વાગીણ વિકાસ થાય.(in a new and dynamic era of the 21st century,there should be holistic education in order to enable primary school students to achieve a holistic quality of life,through out life.) પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક સ્ટારની કેળવણીના આ પ્રકારના સર્વસમાહિત અભિગમની પાછળ અધ્યેતાઓને પરંપરાગત શિક્ષણની સાથે 21મી સદીના નવા પડકારો(challenges)ને ધ્યાનમાં લઈને એ પડકારોને સર્જનાત્મક રીતે ઝીલવા માટે સર્વ રીતે સક્ષમ બનાવવાનો ખ્યાલ છે.
ડૉ.રવીન્દ્રભાઈ દવેના શબ્દોમાં, “કેળવણી એ માનવ સશક્તિકરણ (human Empowerment) ની પ્રક્રિયા છે. જેના દ્વારા માનવજીવન બહેતર અને ઉન્નત બનાવી શકાય છે. કેળવણી દ્વારા અધ્યેતાનો જ્ઞાનાત્મક, સર્જનાત્મક, ભાવાત્મક, મૂલ્યાત્મક તેમજ કૌશલ્યાત્મક વિકાસ થવો આવશ્યક છે. આ માટે શિક્ષણપ્રક્રિયા એવિ હોવી જોઈએ કે અધ્યેતાઓ જે તે ધોરણના આવશ્યક નિર્ધારિત હેતુઓમાં અર્થાત્ અધ્યયન નિષ્પતિઓ નૈપુણ્ય પ્રાપ્ત કરે. અધ્યેતા નિર્ધારિત હેતુઓમાં/અધ્યયન નિષ્પત્તિઓમાં નૈપુણ્ય પ્રાપ્ત કરે તે માટે શિક્ષણ-પ્રક્રિયામાં સમયે મૂલ્યાંકન કરતાં રહેવું જરૂરી છે.”
આટલી વિગત જાણવા પછી આપણનેએ પણ જાણવાની ઇંતેજારી સહજ રીતે થાય કે – મૂલ્યાંકન એ શું છે? તે કેવી રીતે થઈ શકે? એક શિક્ષક તરીકે આના માટે શું કરવું જરૂરી છે? આ તમામ પ્રશ્નોના ઉત્તરોના સંદર્ભમાં પ્રસ્તુત એકમમાં વિગત નિર્દેશિત છે.
ઉદ્દેશો અને અધ્યયન નિષ્પત્તિઓ (Objectives & Learning outcomes):
ઉદ્દેશો (Objectives):
પ્રશિક્ષણાર્થીઓ…
- મૂલ્યાંકનની સંકલ્પના સમજે.
- અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકન પ્રક્રિયા કેવી રીતે તે અંગેની સમજ મેળવે.
- અધ્યયન માટેનું મૂલ્યાંકન અને અધ્યયનનું મૂલ્યાંકન વચ્ચેનો ભેદ તારવી શકે.
- મૂલ્યાંકનના વિવિધ પ્રકારો વિષયક સમજ પ્રાપ્ત કરે.
- મૂલ્યાંકનનાં સોપાનો વિષયક સમજ મેળવે.
- મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા સમજે.
- અધ્યયન નિષ્પત્તિઓ (Learning outcomes)
- મૂલ્યાંકનની સંકલ્પના સમજશે.
- અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકન પ્રક્રિયા કેવી રીતે તે અંગે સમજશે..
- અધ્યયન માટેનું મૂલ્યાંકન અને અધ્યયનનું મૂલ્યાંકન વચ્ચે નો ભેદ તારવશે.
- મૂલ્યાંકનના વિવિધ પ્રકારો સમજશે.
- મૂલ્યાંકનનાં સોપાનો વિષયક સમજ મેળવશે.
- મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા સમજશે.
વિષયવસ્તુ (Content):
શિક્ષણપ્રણાલી જેટલી જ મૂલ્યાંકન પ્રણાલી પ્રાચીન છે. ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં સૌપ્રથમ જીવન કેળવણીને મહત્વ આપવામાં આવતું. ધનુર્વિદ્યા, અશ્વવિદ્યા, કુસ્તી જેવી કૌશલ્યાત્મક બાબતોનું મૂલ્યાંકન પદ્ધતિસરની ક્રિયાત્મક કસોટી યોજીને થતું.
જેમ કે, ગુરુદ્રોણે લીધેલી પાંડવો અને કૌરવોની ધનુર્વિદ્યા પરીક્ષા. અર્થાત્ વ્યક્તિના સામર્થ્યને કોઇપણ કૌશલ્યાત્મક બાબત દ્વારા ચકાસવામાં આવતી. આ જ કાળમાં નૈતિક બાબતોની પણ ગુરુ પરીક્ષા લેતા. ઉદાહરણ તરીકે આરૂણીની ધૌમ્ય ગુરુએ લીધેલ આરુણિની પરીક્ષા. જેમ-જેમ શિક્ષણનો વ્યાપ વધતો ગયો -તેમ શાસ્ત્રોનું અધ્યયન આવ્યું.
શાસ્ત્રોના અધ્યયનમાં શાસ્ત્રાર્થ દ્વારા વ્યક્તિની સિદ્ધિનું માપ કાઢવામાં આવતું. જેમ કે શંકરાચાર્ય અને મંડનમિશ્ર વચ્ચે થયેલ શાસ્ત્રાર્થ. સમય બદલાતાં અધ્યયન નીપજનું મૂલ્યાંકન કરવા માટે સામૂહિક પરીક્ષાઓ અનિવાર્ય બની. ઉદાહરણ તરીકે બોર્ડ અને યુનિવર્સિટીની પરીક્ષાઓ .હાલ નોકરી માટે વિવિધ ક્ષેત્રોમાં વ્યક્તિ ઓની પસંદગી કરવા માટે ઓનલાઇન પરીક્ષાઓનું પણ આયોજન કરવામાં આવે છે.
આમ પરીક્ષા લેવી અને આપવી એ માનવનો સ્વભાવ છે. જે સ્વાભાવિક રીતે સતત ચાલતી પ્રક્રિયા છે. જેમ કે, ગૃહિણી ભાત રાંધતી વખતે એક દાણો દબાવીને સમગ્ર ભાતનું પરીક્ષણ કરે છે. આપણે ત્યાં નવવધૂ પરણીને ઘરે આવે ત્યારે તેની પાસે લાપસી રંધાવીને કે પાપડ શેકાવીને તેનું પાકશાસ્ત્રનું જ્ઞાન આજે પણ ઘણા કુટુંબોમાં ચકાસાય છે .આમ, રોજબરોજના જીવનમાં પણ મૂલ્યાંકન સંકળાયેલ છે. એક શિક્ષક તરીકે આપણે પણ સમયાંતરે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવું જોઇએ. જેથી ઈચ્છિત લક્ષ્યોને સિદ્ધ કરી શકાય.
આટલી વિગત જાણ્યા પછી મૂલ્યાંકનની સંકલ્પના સમજીએ.
મૂલ્યાંકનની સંકલ્પના :
શિક્ષણક્ષેત્રમાં મૂલ્યાંકન શબ્દ વ્યાપક છે. મૂલ્યાંકનનો અર્થ સ્પષ્ટ કરવા માટે જુદી-જુદી વ્યાખ્યાઓ જોઇએ.
(1)મૂલમ્ એટલે મૂળ. અધ્યેતાના સંદર્ભમાં મૂલમ્ એ ‘હેતુ’ છે જેના માટે અંગ્રેજીમાં ‘Objective’ શબ્દ વપરાય છે.
(2)મૂલ્યમ એટલે કિંમત. મૂલ્યાંકનના સંદર્ભમાં ‘હેતુઓની ઉપલબ્ધિ’ કહી શકાય જે ખૂબ મૂલ્ય વાન છે તેમજ આવકાર્ય છે.
(3)અંકનમ એટલે ‘અંદાજ લગાવવો, આંકવું.’ મૂલ્યાંકનના સંદર્ભમાં આ ‘સ્તર’ નિર્ધારણની પ્રક્રિયા કહી શકાય.
આમ ‘મૂલ્યાંકન એટલે હેતુના ઉપલબ્ધિ સ્તરને નિશ્ચિત કરવાની પ્રક્રિયા’ એમ કહી શકાય.
- અધ્યેતાની સિદ્ધિ જાણવી.
- શિક્ષણના હેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા તે જાણવું.
- અધ્યેતાની કેળવણી વિષયક પ્રગતિના પુરાવા એકઠા કરવા.
- અધ્યેતાની કચાશ જાણી તે સંદર્ભે ઉપચારકાર્ય અને સમૃદ્ધિકરણ કાર્યક્રમો હાથ ધરવા.
વર્ગખંડ અને શાળાકક્ષાએ યોજાતી પદ્ધતિ, પ્રયુક્તિ, પ્રવિધિ અને અધ્યયન અનુભવોની અસરકારકતા ચકાસવી.
અભ્યાસક્રમ પાઠયક્રમ તેમજ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનાં સાધનોની મૂલવણી કરવી.
અધ્યેતાના ભાવિ અંગે, શિક્ષણ-પ્રક્રિયા અંગે અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકો સંદર્ભે તથા શૈક્ષણિક સવલતો સુધારતા રહેવા બાબતે અંગુલિનિર્દેશ કરે છે .
તમારી પ્રગતિ ચકાસો
1 .કેળવણી દ્વારા અધ્યેતામાં કઇ-કઇ બાબતોનો વિકાસ થવો જરૂરી છે ?
2 .મૂલ્યાંકન વિશે આપેલી વ્યાખ્યાઓના આધારે તમે મૂલ્યાંકન વિશે તમે શું માનો છો ?
મૂલ્યાંકન પ્રક્રિયા:
મૂલ્યાંકન
પરીક્ષણ
માપન
ઉપરની વીગતને આધારે સમજી શકાય છે કે માપન અને પરીક્ષણ એ મૂલ્યાંકનપ્રક્રિયાના ભાગ છે, તે મૂલ્યાંકન નથી. માપન દ્વારા અધ્યેતાની સિદ્ધિનું સંખ્યાત્મક માપ મળે છે. પરીક્ષણ દ્વારા સમગ્ર વર્ગના સંદર્ભમાં અધ્યેતાની સ્થિતિ જાણી શકાય છે. આ સ્થિતિ જાણ્યા પછી વિષયના હેતુઓ અર્થાત્ અધ્યયન નિષ્પત્તિના સંદર્ભમાં અધ્યેતા કયાં કચાશ ધરાવે છે ? સમગ્ર વર્ગના સંદર્ભમાં તે કયાં ઊભો છે? વગેરે જેવા પ્રશ્નો મૂલ્યાંકનકર્તાને થાય છે. તે કચાશ દૂર કરવા ઉપચારાત્મક શિક્ષણ કાર્ય થાય છે,પુનઃપરીક્ષા યોજાય છે, પુનઃપરીક્ષણ થાય છે. આ સમગ્ર પ્રક્રિયા એટલે મૂલ્યાંકન પ્રક્રિયા. આમ” મૂલ્યાંકનની પ્રક્રિયા એટલે અધ્યેતાની સિદ્ધિના માપનના આધારે મૂલ્યનિષ્ઠ નિર્ણય કરવો તે ”.અર્થાત્ પ્રત્યેક તબક્કે માપન પરીક્ષણ કરી અપેક્ષા મુજબની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેની શિક્ષણપ્રક્રિયા પૂર્ણ કરવી.
મૂલ્યાંકનની પ્રક્રિયામાં અધ્યેતાની સિદ્ધિનું માપન થાય છે .તે ઉપરાંત શિક્ષક, શિક્ષણ પદ્ધતિ, પાઠ્યપુસ્તક તેમજ શૈક્ષણિક સાધનોના અસરકારક ઉપયોગની ચકાસણી પણ થાય છે.
શિકાગો યુનિવર્સિટીના પ્રાધ્યાપક બેન્જામિન એસ .બ્લૂમે મૂલ્યાંકનપ્રક્રિયાને સમજાવતો નીચે મુજબનો ત્રિકોણ રજૂ કર્યો હતો.
શૈક્ષણિક હેતુઓ
અધ્યયન અનુભવો
મૂલ્યાંકન
ઉપર આપેલ ત્રિકોણ પરથી જોઇ શકાય છે કે -શૈક્ષણિક હેતુઓ તેમજ આ હેતુઓની સિદ્ધિ માટે પૂરા પાડવામાં આવતા અધ્યયન અનુભવો તેમજ અધ્યેતાઓનાં અપેક્ષિત વર્તન પરિવર્તનમાં કેટલી સફળતા પ્રાપ્ત થઇ છે તે જાણવા માટેની મૂલ્યાંકનપ્રક્રિયા પરસ્પર ગૂંથાયેલી છે .આમ, મૂલ્યાંકન પ્રક્રિયા એ હેતુકેન્દ્રી પ્રક્રિયા છે .વ્યાપક પ્રક્રિયા છે .તેમજ અધ્યેતાના સર્વાંગી વિકાસને માપે છે.
અધ્યયન માટેનું મૂલ્યાંકન અને અધ્યયનનું મૂલ્યાંકન:
અધ્યયન માટેનું મૂલ્યાંકન (Evaluation for Learning):
સતત મૂલ્યાંકન પ્રક્રિયાના ભાગરૂપે અધ્યેતાના જે-તે વિષયના નિર્ધારિત હેતુઓ /અધ્યયન નિષ્પત્તિઓ માં કયાં કચાશ રહી ગઇ છે અથવા પોતે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તો હવે પછીના અધ્યયન કાર્યનું આયોજન શું હોઇ શકે તેની વિચારણા એટલે જ અધ્યયન માટેનું મૂલ્યાંકન .જો હેતુઓ/અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિમાં કચાશ હશે તો અધ્યેતાની તે કચાશ દૂર થાય તે માટે શિક્ષક પુનઃપ્રયત્ન કરશે .સિદ્ધિમાં અપેક્ષા મુજબની સફળતા પ્રાપ્ત કરેલ હશે તો આગળના અભ્યાસ માટે વિચારણા કરશે.
અધ્યયનનું મૂલ્યાંકન (Evaluation of Learning):
શાળા કક્ષાએ અધ્યેતાને સતત અધ્યયન અનુભવો પૂરા પાડવામાં આવે છે .આ અધ્યયન અનુભવો દ્વારા હેતુઓ / અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ શક્ય બને છે .હેતુઓ /અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ થકી અધ્યેતાનો સર્વાગી વિકાસ શક્ય બને છે .અધ્યેતાઓએ જે અધ્યયન કર્યું છે તે ચકાસવું એટલે અધ્યયનનું મૂલ્યાંકન. આ પ્રકારનું મૂલ્યાંકન સામાન્ય રીતે સાવધિક (સમયાંતરે લેવાતી) કસોટીઓ દ્વારા કરવામાં આવે છે.
મૂલ્યાંકનના પ્રકાર:
મૂલ્યાંકનના પ્રકારોને સમજવા નીચેની આકૃતિનો અભ્યાસ કરો.
શૈક્ષણિક મૂલ્યાંકન
સહ શૈક્ષણિક મૂલ્યાંકન (સર્વગ્રાહી મૂલ્યાંકન)
રચનાત્મક મૂલ્યાંકન
સત્રાંત મૂલ્યાંકન
(1) શૈક્ષણિક મૂલ્યાંકનઃ
શાળા કક્ષાએ વિવિધ ધોરણોમાં વર્ગખંડોમાં ભણાવાતા વિષયોના હેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા તે જાણવાની પ્રક્રિયા એટલે શૈક્ષણિક મૂલ્યાંકન. શૈક્ષણિક મૂલ્યાંકનમાં અધ્યેતાની વિવિધ શૈક્ષણિક વિષયોની શૈક્ષણિક સિદ્ધિ સાથે જોડાયેલ બાબતોનો સમાવેશ થાય છે. આ પ્રકારના મૂલ્યાંકનમાં અભ્યાસક્રમના વિષયો, એસાઇન્મેન્ટ, પ્રૉજેકટ વર્ક, પ્રાયોગિક કાર્ય, મૌખિક કાર્ય વગેરે પ્રવિધિઓ અને અધ્યયન અનુભવો આપી મૂલ્યાંકન કરવામાં આવે છે .આ મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકન, સત્રાંત મૂલ્યાંકન અને સ્વ અધ્યયન કાર્યનું મૂલ્યાંકન સમાવિષ્ટ છે.
રચનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાનો એક ભાગ છે. વર્ગખંડમાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન શીખવા માટેની પરિસ્થિતિનું નિર્માણ થાય છે .આ પરિસ્થિતિ તેઓને સ્વં જ્ઞાનનું સર્જન કરવા પ્રેરે તે અપેક્ષિત છે .આ પ્રક્રિયા દરમિયાન અધ્યેતાઓ કેટલું શીખ્યા? કેવી રીતે શીખ્યા? તેમની શીખવાની ઝડપ કેટલી છે? તેઓને વિષયવસ્તુ શીખવામાં કયાં મદદની જરૂર છે? વગેરે માહિતી શિક્ષક પાસે હોવી જોઇએ .આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન દ્વારા શિક્ષકને પ્રાપ્ત થઇ શકે છે .તે શાળા કક્ષાએ થતું અધ્યયન માટેનું મૂલ્યાંકન છે.
શિક્ષક જયારે વર્ગખંડ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરવા પ્રશ્નોત્તરી કરે છે. કેટલું શીખ્યા તે જાણવા પ્રશ્નોત્તરી કરે છે. અધ્યેતાનું અવલોકન કરે છે .આ પ્રકારે થતું મૂલ્યાંકન કે જેમાં શિક્ષકને ખાસ કોઈ તૈયારીની જરૂર પડતી નથી તેવા મૂલ્યાંકનને અનૌપચારિક મૂલ્યાંકન કહે છે. જયારે કોઇ વિધિસરની પ્રક્રિયા દ્વારા શિક્ષક અધ્યેતાની પ્રગતિના પુરાવા એકઠા કરે છે ત્યારે તે ઔપચારિક મૂલ્યાંકન થયું ગણાય. વિવિધ પ્રકારની કસોટી દ્વારા થતું મૂલ્યાંકન વર્કશિટ, પ્રૉજેકટ વર્ક, પ્રાયોગિક વર્ક વગેરે દ્વારા થતું મૂલ્યાંકન તે ઔપચારિક મૂલ્યાંકન છે.
(c) સ્વ-અધ્યયન કાર્યઃ
સમજપૂર્વક અપાયેલા સ્વ-અધ્યયન કાર્ય થકી બાળકનું મૂલ્યાંકન થાય છે .અધ્યેતાઓની સમજશકિત, તર્કશક્તિ, વિચારશક્તિ વગેરેને વિકસાવે અને તેના આધારે વિષયવસ્તુનું ર્દઢીકરણ થાય તે પ્રકારનું આયોજનબદ્ધ રીતે અપાયેલું કાર્ય એટલે સ્વ અધ્યયન કાર્ય .સ્વ-અધ્યયન કાર્ય બાળક દ્વારા વર્ગખંડમાં અથવા વર્ગખંડની બહાર થઇ શકે છે .સ્વ-અધ્યયન કાર્યના આધારે અધ્યેતાએ સિદ્ધ કરેલ ક્ષમતાઓ/હેતુઓનું મૂલ્યાંકન થઇ શકે છે.
(2) સહ શૈક્ષણિક મૂલ્યાંકન(સર્વગ્રાહી મૂલ્યાંકન):
સમગ્ર વર્ષ દરમિયાન થતુ અને અધ્યેતાનાં સર્વગ્રાહી પાસાંને લઇને થતું મૂલ્યાંકન એટલે સહ શૈક્ષણિક(સર્વગ્રાહી) મૂલ્યાંકન .આ મૂલ્યાંકન અંતર્ગત અધ્યેતાનાં શારીરિક, માનસિક, સામાજિક, નૈતિક જેવાં પાસાંઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
સહ શૈક્ષણિક મૂલ્યાંકનમાં ચાર ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવે છે:
1. અધ્યેતાના વ્યક્તિ ગત સામાજિક ગુણો
2. અધ્યેતાનાં વલણો
3. અધ્યેતાનાં રસનાં ક્ષેત્રો
4. કાર્યાનુભવ
અધ્યેતાના આ મૂલ્યાંકનને સમગ્ર મૂલ્યાંકન પણ કહીશું.
2. સહ શૈક્ષણિક મૂલ્યાંકનનાં ક્ષેત્રો જણાવો.
મૂલ્યાંકન પ્રક્રિયાનાં સોપાનો:
(1) મૂલ્યાંકનનો પ્રકાર નક્કી કરવોઃ
અધ્યેતાની પ્રગતિ ચકાસવા માટે સૌ પ્રથમ તો તેનું મૂલ્યાંકન કેવી રીતે કરીશું તે વિચારવું પડે. અધ્યેતાનું મૂલ્યાંકન શિક્ષક અધ્યાપનકાર્ય દરમિયાન, વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ દરમિયાન, પ્રાયોગિક કાર્ય દ્વારા, સ્વ-અધ્યયન કાર્ય દ્વારા, તેમજ વિવિધ પ્રકારની કસોટીઓ યોજીને મૂલ્યાંકન કરી શકે. વિષય શિક્ષણના હેતુઓને કેન્દ્રમાં રાખીને કયા પ્રકારે મૂલ્યાંકન કરવું તે વિચારી લેવું પડે.
(2) વિષયવસ્તુની પસંદગીઃ
વિષયવસ્તુના સંદર્ભમાં અધ્યેતાની સિદ્ધિ કે કચાશ જાણવાની હોવાથી વિષયવસ્તુની પસંદગી એ અગત્યની બાબત છે .વિષયવસ્તુ પસંદગીમાં કયાં અને કેટલા વિષયવસ્તુનો સમાવેશ કરવો છે તેની નોંધ લેવામાં આવે છે.
(૩) મૂલ્યાંકનની પદ્ધતિ નક્કી કરવીઃ
હેતુઓના સંદર્ભમાં જે વિષયવસ્તુનું માપન કરવાનું હોય તે કઈ પદ્ધતિથી કરવું તે નક્કી કરવામાં આવે છે .તેને માટે લેખિત કસોટી, મૌખિક કસોટી, ક્રિયાત્મક કસોટી કે પ્રાયોગિક કાર્ય કઇ રીતે યોગ્ય છે તે નિર્ણય લેવામાં આવે છે.
(4) મૂલ્યાંકનની સામગ્રી તૈયાર કરવીઃ
લેખિત, મૌખિક, ક્રિયાત્મક કસોટી કે પ્રાયોગિક કાર્યને અનુરૂપ મૂલ્યાંકન માટેનાં સાધનો તૈયાર કરવાં પડે .લેખિત કસોટી, મૌખિક કસોટી, ક્રિયાત્મક કસોટી માટેનાં પ્રશ્નપત્રો, વિદ્યાર્થીઓની લેખન સામગ્રી ઉપરાંત જો પ્રાયોગિક કાર્ય દ્વારા ચકાસણી કરવા માંગતા હોઇએ તો પ્રાયોગિક કાર્ય માટે જે સાધનો જરૂરી હોય તે એકઠાં કરવાં પડે. દા.ત., ચિત્રકોષ, નકશાપોથી, વિજ્ઞાન પ્રયોગનાં સાધનો, ભૌમિતિક સાધનો વગેરે…
(5) અધ્યેતાઓની કસોટી(પરીક્ષા)નું આયોજનઃ
અધ્યેતાઓ તનાવમુકત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય સમયે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.
(6) મૂલ્યાંકનના આધારે પ્રાપ્તાંક આપવાઃ
અગાઉથી નક્કી થયેલ સ્પષ્ટ અને ચોક્કસ માળખાના ગુણપત્રકમાં અધ્યેતાની હેતુ સિદ્ધિને પ્રાપ્તાંક સ્વરૂપે દર્શાવવામાં આવે છે. જે-તે વિષયવસ્તુના આવરણના સંદર્ભમાં અધ્યેતાની હેતુ સિદ્ધિનું સંખ્યાત્મક માપ અહીં મળે છે. સાથે સાથે શિક્ષક તેમજ વાલીને પણ અધ્યેતાની સિદ્ધિ કે કચાશની માહિતી મળે છે. મૌખિક કસોટી, ક્રિયાત્મક કસોટી કે પ્રાયોગિક કાર્યમાં પ્રાપ્તાંકોની નોંધણી તરત થવી જરૂરી છે.
(7) પ્રાપ્તાંકોનું વિશ્લેષણઃ
અધ્યેતાની વિષયવસ્તુમાં ઉપલબ્ધિ જાણી શકાય તે માટે પરિણામોનું વિશ્લેષણ જરૂરી છે. જે વિષયવાર, શાળાવાર, તાલુકાવાર, જિલ્લાવાર પણ થઇ શકે. તેના આધારે રાજ્યની તમામ શાળાના ચોક્કસ ધોરણના ચોક્કસ વિષય માટેના વિશિષ્ટ હેતુઓને કેન્દ્રમાં રાખીને સિદ્ધિ કે કચાશની જાણકારી સ્પષ્ટ મેળવી શકાય છે. વિશ્લેષણથી મળેલાં પરિણામોને યોગ્ય સારણીઓમાં સ્તંભાલેખ કે વક્રાલેખમાં પણ મૂકી શકાય. પરિણામનું વિશ્લેષણ કુલ ગુણના આધારે કરી શકાય. તેમજ તેની આલેખાત્મક રજૂઆત પણ થઇ શકે.
(8) પ્રાપ્ત પરિણામોની સમીક્ષાઃ
અધ્યેતાઓની હેતુવાર અને કુલ ગુણના આધારે મેળવેલ સિદ્ધિના પરિણામોનું અર્થઘટન કરવાથી નીચેની બાબતો જાણી શકાય છે.
- પ્રત્યેક હેતુવાર અધ્યેતાની સિદ્ધિ કેટલી છે ?
- કોઇ એક ધોરણના એક વિષયમાં એક વર્ગના સમગ્ર અધ્યેતાઓની ક્ષમતા / હેતુવાર સિદ્ધિ કેટલી છે
- ધોરણવાર તેમજ સમગ્ર શાળાનાં બાળકોની ઉપલબ્ધિ સ્તર જાણી શકાય.
- તેને આધારે નિદાનાત્મક કે ઉપચારાત્મક કાર્યક્રમ યોજવો હોય તો શું કરવું પડે તે જાણી શકાય.
- હેતુ સિદ્ધિ માટે પસંદ કરેલ અધ્યયન અનુભવોમાં પરિવર્તન જરૂરી છે ? વિષયવસ્તુની રજૂઆતમાં પરિવર્તન જરૂરી છે ? આમ, અનેક મુદ્દા સંદર્ભે વિચારણા કરી શકાય.
(9) પ્રગતિ પ્રતિવેદન (Progress Report):
વિષયવાર અધ્યેતાઓની પ્રગતિનો લેખિત અહેવાલ જે-તે શિક્ષક, અધ્યેતા અને વાલીને ઉપયોગી થાય છે.
(10) પ્રત્યેક અધ્યેતાઓના પરિણામનો રેકર્ડ રાખવોઃ
મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા:
- અધ્યેતા કયા સ્તર સુધી પહોચ્યો છે ?
- અધ્યેતાની કયાં કચાશ રહી ગઇ છે ?
- અધ્યેતાની કચાશ પાછળ કયાં કારણો જવાબદાર છે?
આમ, મૂલ્યાંકન પ્રક્રિયામાં શિક્ષકની સૂઝ, સ્વભાવ, શિક્ષકનું જ્ઞાન મહત્વનો ભાગ ભજવે છે. શિક્ષક હંમેશાં આટલું તો કરે જ…
- મૂલ્યાંકનનાં સાધનોનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરે.
- અધ્યેતાઓને માર્ગદર્શન અને સહાય પૂરાં પાડે.
- હાજરી ગેરહાજરી અંગે વિચારે.
- સહકાર્યકરોની સાથે સલાહ ચર્ચા-વિચારણા હાથ ધરે.
- આચાર્યનો સહયોગ સાધે.
- કઇ પરિસ્થિતિમાં એકમ કસોટી લીધી હતી તે સ્થિતિ ઉપલબ્ધિના સ્તેર પહોંચાડવામાં કેટલી સબળ પુરવાર થાય છે તે વિશે વિચારે.
(1) પરિણામના રેકર્ડ દ્વારા શાળાનો તુલાનાત્મક અભ્યાસ કઈ રીતે થઇ શકે ?
સારાંશ:
અધ્યેતાના શૈક્ષણિક તેમજ સહ શૈક્ષણિક મૂલ્યાંકન દ્વારા તેના વ્યક્તિત્વ વિકાસનાં તમામ પાસાંનું મૂલ્યાંકન થાય છે .અને સાથે સાથે તેની પ્રગતિની નોંધ પણ લેવામાં આવે છે . શિક્ષણ અને મૂલ્યાંકન દ્વારા અધ્યેતાની પ્રગતિ સાધી શકાય છે .આપણાં શાસ્ત્રોએ પણ ખુદની પ્રગતિ માટે તું તારી અંદર ડોકિયું કર એમ કહી જાત સુધારણા પર ભાર મૂકેલ છે.
અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા: પ્રકરણમાંથી પરીક્ષામાં પૂછતાં પ્રશ્નો નીચે મુજબ છે:
(1) કેળવણીની પ્રક્રિયા દ્વારા અધ્યેતાનો કેવા પ્રકારનો વિકાસ શક્ય બને છે ?
(2) ડો.રવીન્દ્રભાઇ દવેએ આપેલી મૂલ્યાંકનની વ્યાખ્યા સમજાવો.
(3) મૂલ્યાંકન પ્રક્રિયાનાં સોપાનો જણાવો.
(4) ઔપચારિક મૂલ્યાંકનમાં શાનો સમાવેશ થાય છે ?
(1) ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન વચ્ચે નો ભેદ સ્પષ્ટ કરો.
(2) “મૂલ્યાંકન પ્રક્રિયામાં શિક્ષકની ભૂમિકા મહત્વ ની છે ” આ વિધાનની યથાર્થતા ચર્ચો
(3) ‘અધ્યયન માટેનું મૂલ્યાંકન’ અને ‘અધ્યયનનું મૂલ્યાંકન’ વચ્ચે નો ભેદ સ્પષ્ટ કરો.
(1)મૂલ્યાંકન પ્રક્રિયાની સંકલ્પના સ્પષ્ટ કરો.
(2)મૂલ્યાંકન પ્રક્રિયાનાં સોપાનો વર્ણવો.