આજના બ્લોગમાં આપણે જાણીશું, ટેટ/ટાટ પરીક્ષાની સફળ તૈયારી માટે શિક્ષણ વ્યવહાર અને અધ્યાપન કૌશલ્યો મહત્વપૂર્ણ છે. આ લેખમાં, અમે શિક્ષણના મૂળભૂત સિદ્ધાંતો, શિક્ષણકૌશલ્ય વિકાસ અને પરીક્ષા માટે ઉપયોગી ઉંડાણપૂર્વકની માહિતી મેળવીશું, જે તમને પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનશે.
{getToc} $title={Table of Contents} $count={Boolean}
1.1 પ્રસ્તાવના
વિદ્યાર્થીઓ નિયત કરેલ પારંગતતાનું સ્તર પ્રાપ્ત કરે તે માટે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતો પારસ્પરિક વ્યવહાર એટલે અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા. શિક્ષણની પ્રક્રિયા ત્યારે પૂર્ણ બને છે જ્યારે તે માટે આયોજન, અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા અને મૂલ્યાંકન થાય. શિક્ષણવ્યવહાર દરમિયાન શિક્ષક અગાઉથી કરેલ આયોજનનો અમલ કરે છે અને શિક્ષણવ્યવહારને અંતે નિયત સિદ્ધિના સ્તરના સંદર્ભમાં તેને મૂલવે છે.
1.2 શિક્ષણવ્યવહાર-વર્ગવ્યવહારના ઉદ્દેશો
પ્રશિક્ષણાર્થીઓ અને શિક્ષક પારસ્પરિક આરોગ્યપ્રદ આંતરક્રિયા કરે.
પ્રશિક્ષણાર્થીઓ-પ્રશિક્ષણાર્થીઓ પારસ્પરિક આંતરક્રિયા કરે.
જે-તે વિષયવસ્તુ સંદર્ભે રહેલી કચાશનું નિદાન કરી ઉપચારાત્મક શિક્ષણ કરે.
પ્રશિક્ષણાર્થીઓ પ્રાયોગિક કે પ્રત્યક્ષ શિક્ષણ સમજે.
પ્રશિક્ષણાર્થીઓ માર્ગદર્શન, પ્રેરણા તેમજ પ્રોત્સાહન દ્વારા સિદ્ધિ માટે સક્ષમ બને.
શિક્ષણ વિદ્યાર્થીકેન્દ્રી બને.
1.3 શિક્ષણવ્યવહાર અર્થ:
વિદ્યાર્થીને સિદ્ધિની પારંગતતાના સ્તર સુધી લઈ જવા વર્ગખંડમાં, શાળામાં, શાળાની બહાર, મા-બાપ, વાલીઓ તેમજ સમાજ સાથે થતો સમગ્ર વ્યવહાર એટલે શિક્ષણવ્યવહાર. શિક્ષણવ્યવહાર એ વર્ગખંડમાં થતા વ્યવહાર પૂરતો મર્યાદિત નથી. વર્ગવ્યવહાર એ તો શિક્ષણવ્યવહારનો એક નાનકડો ભાગ છે એટલે શિક્ષણવ્યવહાર એ વર્ગવ્યવહાર કરતાં વિશાળ અર્થ ધરાવે છે.
શિક્ષણવ્યવહાર દરમિયાન શૈક્ષણિક મનોવિજ્ઞાન, શૈક્ષણિક વ્યવસ્થાપન અને સામાજિક પાસાંઓને પણ શિક્ષકે જાણવાં જરૂરી છે. ઉપરાંત વિદ્યાર્થીના વૃદ્ધિ-વિકાસની પ્રક્રિયા સમજીને શિક્ષણવ્યવહારનું આયોજન અને અમલ થાય તો તેમાં ઘણી સરળતા રહે છે અને સફળતા મળે છે.
વિદ્યાર્થી માટે અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયાને વધુ રસિક અને સરળ બનાવવા તથા કૌશલ્યોનો વિકાસ કરી જીવનમૂલ્યો વિકસાવવા શિક્ષક શાળામાં કે શાળા બહાર વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજે છે. જેમ કે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કે રાષ્ટ્રીય પર્વની ઉજવણી, સમાજમાં યોજાતાં વિવિધ સેવાકીય કાર્યોમાં ભાગીદારી, શાળામાં યોજાતું પ્રાર્થના-સંમેલન, શૈક્ષણિક પ્રવાસ-પર્યટન, સમૂહજીવનની પ્રવૃત્તિઓ વગેરે તમામનો શિક્ષણવ્યવહારમાં સમાવેશ થાય છે.
શિક્ષણવ્યવહારને અસરકારક બનાવવા સૈદ્ધાંતિક શિક્ષણની સાથે વધારેમાં વધારે પ્રાયોગિક કે પ્રત્યક્ષ શિક્ષણને સ્થાન આપવું જરૂરી છે. ઉપરાંત શિક્ષણવ્યવહારનાં સારાં અને નબળાં પાસાંઓનું પરીક્ષણ કરી વિવિધ ઉપચારાત્મક પગલાં પણ લેવાં જેથી શિક્ષણવ્યવહાર ખરા અર્થમાં અર્થપૂર્ણ બની રહે.
શિક્ષણવ્યવહારની લાક્ષણિકતા:
વિદ્યાર્થીકેન્દ્રી હોય.
અધ્યયન પર વધારે ઝોક હોય-અધ્યાપન તેને પૂરક હોય.
વિદ્યાર્થીની વયકક્ષા, અભિરુચિ અને વલણને અનુરુપ હોય.
શિક્ષક માર્ગદર્શક, પ્રેરક અને પ્રયોજક હોય.
નિદાન, ઉપચારાત્મક શિક્ષણ તેમજ સમૃદ્ધિકરણ સાથે સાથે થતું હોય.
શિક્ષણવ્યવહારને લગતા કેટલાક પ્રશ્નો:
(1) શિક્ષણવ્યવહાર એટલે શું?
1.4 વર્ગવ્યવહાર
પ્રસ્તાવના
વર્ગખંડમાં શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ સાથે જુદા જુદા પ્રકારનો વર્ગવ્યવહાર થતો જોવા મળે છે. વર્ગવ્યવહાર એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. તેમાં બે સજીવ ધ્રુવો કામ કરે છે. શિક્ષક અને વિદ્યાર્થી. બંને સજીવ ધ્રુવો હોવાથી ગમા-અણગમા, માન-અપમાન, સાચું-ખોટું, સુખ-દુઃખ, ઉત્સાહ-નિરાશા જેવી લાગણીઓ બંને પક્ષે અનુભવાય છે.
શિક્ષક અને વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ઉપસ્થિત થાય ત્યારે કેટકેટલી લાગણીઓ, અપેક્ષાઓ, ઈચ્છાઓ સાથે લાવે છે. 35 થી 40 મિનિટના તાસ દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે અનેક પ્રકારના શાબ્દિક તેમજ અશાબ્દિક વ્યવહારો થતા હોય છે.
શિક્ષક વર્ગખંડમાં શિક્ષણ કાર્ય દરમિયાન વિવિધ શબ્દો, વાક્યો, પ્રશ્નો, પ્રયુક્તિઓથી સામાજિક માહોલનું નિર્માણ કરે છે. આ સામાજિક માહોલ જેટલો તંદુરસ્ત તેટલો વર્ગવ્યવહાર આદર્શ ગણી શકાય.
વર્ગ વ્યવહારનો અર્થ
વિદ્યાર્થીઓના ચોક્કસ સમૂહને વર્ગમાં કોઈ એક વિષયનો એક એકમ શીખવતી વખતે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે થતી વિચાર, વાણી અને વર્તનની આદાન-પ્રદાનની તમામ પ્રકારની ક્રિયા એટલે વર્ગવ્યવહાર.
વર્ગખંડનું શિક્ષણ કાર્ય વધારે અસરકારક અને જીવંત બને તે માટે વર્ગખંડમાં ત્રણ પ્રકારની આંતરક્રિયા થાય છે.
1. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતી આંતરક્રિયા
2. વિદ્યાર્થી અને વિદ્યાર્થી વચ્ચે થતી આંતરક્રિયા
3. વિદ્યાર્થી અને સામગ્રી (ઉદ્દીપકો) વચ્ચે થતી આંતરક્રિયા
1. શિક્ષક-વિદ્યાર્થી વ્યવહાર
વર્ગખંડમાં શિક્ષણપ્રક્રિયાના પ્રારંભમાં શિક્ષક પ્રશ્નો દ્વારા, ગીતો દ્વારા, કવાયત દ્વારા કે અન્ય કોઈ યુક્તિ-પ્રયુક્તિ દ્વારા બાળકોને વિષય પ્રતિ અભિમુખ કરે છે. આ પ્રક્રિયા વિદ્યાર્થીકેન્દ્રી બની રહે તે ખૂબ જરૂરી છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને પરિચિત નથી એવો નવો એકમ શિક્ષક શીખવે છે અને વિદ્યાર્થીઓ શીખે છે. આ તબક્કે શિક્ષક-વિદ્યાર્થી વ્યવહાર જરૂરી છે, પરંતુ વર્ગખંડનું શિક્ષણ કાર્ય શિક્ષકકેન્દ્રી બની જાય તો નાનાં બાળકોનો ધ્યાન વિસ્તાર ટૂંકો હોવાથી બાળકોનું ધ્યાન તે પાઠમાં બહુ રહેતું નથી. આથી શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનો શિક્ષણવ્યવહાર ખોરવાય છે. આમ, ન બને તે માટે વર્ગખંડમાં શિક્ષક નિર્દેશિત અધ્યાપનનો સમયગાળો ખૂબ ઓછો રહે તેની કાળજી રાખવી. આ માટે વર્ગને સ્વર્ગ બનાવવા શિક્ષકે અસરકારક વર્ગવ્યવહાર કરવો. વર્ગવ્યવહાર એ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના વિચારોના આદાન-પ્રદાનની પ્રક્રિયા છે. શિક્ષકે વર્ગખંડની થોડીક મિનિટ વિદ્યાર્થીને ઉત્સાહિત કરવામાં, તેમની અભિરુચિ જગાડવામાં કે પ્રેરણા પૂરી પાડવામાં ગાળવી. વર્ગવ્યવહાર જેટલો ઉત્તમ તેટલું શિક્ષણનું વહન સંગીન બનશે. શિક્ષક અને વિદ્યાર્થીની વર્ગખંડમાંની સક્રિયતા અને પ્રસન્નતા એ જ શિક્ષણનો માપદંડ છે. તેથી જ પ્રસન્નતા માટે કહેવાયું છે કે “It is a ventilation to fatigue” “પ્રસન્નતા એ થાક દૂર કરવા માટેની હવાબારી છે.” વર્ગખંડમાં શિક્ષણ કાર્ય વધારે અસરકારક બને તે માટે શિક્ષણપ્રક્રિયા દરમિયાન શિક્ષકે નીચે આપેલી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી.
શિક્ષણ કાર્ય દરમિયાન સિદ્ધિ મેળવનારને પ્રોત્સાહિત કરી અને નબળાને યોગ્ય માર્ગદર્શન આપી વર્ગકાર્ય સંગીન બનાવી શકાય. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવનાનાં ઉમદા મૂલ્યો દૃઢ બને અને તે દ્વારા તેઓ પોતાનું જીવન ઉજ્જવળ બનાવી શકે તે માટે શિક્ષકોનાં વર્તન-વ્યવહાર આદર્શરૂપ હોવા જોઇએ.
2. વિદ્યાર્થી-વિદ્યાર્થી વચ્ચે વ્યવહાર
એક જ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ એકબીજા સાથે ઉંમરનો નજીવો તફાવત તેમજ માનસિક તથા શારીરિક ભિન્નતા ધરાવતા હોય છે. સરખી ઉમર ધરાવતા અને શારીરિક તથા માનસિક વિકાસમાં સામ્ય ધરાવતા વિદ્યાર્થીઓ સમોવડિયા કહેવાય. આવાં બાળકોનો વ્યવહાર લગભગ સરખો અને એકબીજાને અનુકૂળ હોય છે. તેઓ એકબીજા સાથે સ્વીકૃત અને મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે છે. વર્ગવ્યવહાર દરમિયાન વિદ્યાર્થી પોતાના સમોવડિયા સાથે શિક્ષણસંબંધી આદાન-પ્રદાન પ્રક્રિયાથી ઘણું બધું શીખે છે. આથી વર્ગખંડની અંદર થતી અને શિક્ષણપ્રક્રિયામાં વિશેષ ભાગ ભજવતી કોઈ બાબત હોય તો તે વિદ્યાર્થી-વિદ્યાર્થી વચ્ચે થતો આંતરવ્યવહાર છે.
ઘણીવાર વિદ્યાર્થી પોતાને નહિ સમજાતી બાબતોની માહિતી સમોવડિયા પાસેથી મેળવી લે છે અને બીજાને પણ આપે છે કારણ કે સમોવડિયા વિદ્યાર્થીઓ એકબીજાના ચઢિયાતા કે ઊતરતાપણાના ભાવરહિત વિચારો સહજ રીતે સમજી, સ્વીકારી અને પરસ્પરના વિચારોની આપ-લે કરે છે. સમોવડિયા વિદ્યાર્થીઓ એકબીજાની બીક કે શરમ-સંકોચ રાખ્યા વિના પરસ્પર મૂંઝવણોની રજૂઆત કરે છે, ત્યારે પોતાની મૌલિક અભિવ્યક્તિને ખીલવે છે. આથી તેમનામાં રહેલી લઘુતાગ્રંથિ દૂર થાય છે.
શિક્ષકે શીખવેલ મુદ્દાને અનુરૂપ સમોવડિયા સાથે જૂથમાં પ્રવૃત્તિ થતી હોય ત્યારે વિદ્યાર્થી વધુ સક્રિય બને છે તેમજ શૈક્ષણિક ચર્ચાઓમાં અધ્યેતા અને અધ્યાપક તરીકેની બેવડી ભૂમિકા ભજવે છે. અપરિચિત વિષયવસ્તુ શીખવવા શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે વ્યવહાર જરૂરી છે પણ તે પછી દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત અર્થગ્રહણ કરે તે માટે વિદ્યાર્થી-વિદ્યાર્થી વચ્ચે વ્યવહાર વધુ અસરકારક રહે છે. આ કાર્ય માટે શિક્ષકે ખૂબ કાળજી રાખવી. યોગ્ય જૂથરચના કરવી. જે-તે એકમને બરાબર સમજ્યા હોય તેવા એકાદ-બે વિદ્યાર્થી તો દરેક જૂથમાં હોવા જ જોઈએ. જૂથે શું કાર્ય કરવાનું છે તેનું પણ વ્યવસ્થિત પૂર્વઆયોજન કરવું પડે.
જૂથકાર્ય શરૂ થાય ત્યારે દરેક જૂથની વારાફરતી મુલાકાત લઈ સાચું અધ્યયન થઈ રહ્યું છે કે નહિ તે પણ જોવું પડે. સોંપેલું કાર્ય જૂથના દરેક સભ્યને બરાબર આવડે ત્યાં સુધી જૂથના તમામ સભ્યો પરસ્પર શીખે અને શીખવાડે. આ વાત પર ભાર મૂકવાથી ખૂબ સારું અધ્યયન થાય છે. અહીં પ્રત્યક્ષ રીતે શિક્ષક ભણાવતા નથી પરંતુ આ વ્યવહારમાં શિક્ષકની ભૂમિકા વધુ મહત્વની છે. તેણે ખૂબ પૂર્વતૈયારી કરવાની રહે છે અને એકસાથે તમામ જૂથો પર ધ્યાન આપવાનું રહે છે.
3. વિદ્યાર્થી-સામગ્રી વ્યવહાર
નવો એકમ શિક્ષકે શીખવ્યો, વિદ્યાર્થીઓએ પરસ્પર ચર્ચા કરી તેને બરાબર સમજવા મથામણ કરી. હવે વિદ્યાર્થી જાતે સ્વ-અધ્યયન કરે તે તબક્કો આવે છે. આટલું કહો, આટલું કરો, આટલું ચકાસો, દૃઢીકરણ, મહાવરો, સ્વાધ્યાય આવાં શીર્ષક તળે આપેલ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ જાતે કરે તો તે મેળવેલ જ્ઞાનને આત્મસાત કરે છે. આ માટે એકમનું વાચન, સંદર્ભ સાહિત્યનું વાચન, શૈક્ષણિક સાધનોનો ઉપયોગ, મુલાકાત, અવલોકન, પ્રાયોગિક કાર્ય વગેરે કરવાનું થાય છે, જેને વિદ્યાર્થી-સામગ્રી વ્યવહાર કહે છે. આ વ્યવહારથી અર્થગ્રહણ ચિરસ્મરણીય બને છે. તેના અધ્યયનમાં થોડી પણ કચાશ હશે તો તેનું કાર્ય અટકી જશે. કચાશ ક્યાં છે તેનો પણ ખ્યાલ આવશે અને તે દૂર થશે તો જ આગળનું કાર્ય ચાલશે. તેથી શિક્ષણપ્રક્રિયાના અન્ય વ્યવહારની સરખામણીએ અહીં સ્વયંશિક્ષણની વધુ તક મળે છે જેથી ગુણવત્તા વધે છે. અધ્યયનમાં પૂર્ણ પારંગતતાએ પહોંચવાની શક્યતા વધે છે.
આ વ્યવહારમાં પ્રત્યક્ષ રીતે શિક્ષકનું કોઈ કાર્ય નથી તેમ લાગે, પરંતુ વિદ્યાર્થી અને સામગ્રી વચ્ચે વ્યવહાર થાય તેવું કાર્ય તો શિક્ષકે જ આપવાનું રહેશે. શિક્ષકે કાળજી રાખવી કે આ કાર્ય વિદ્યાર્થીના વ્યક્તિગત વિકાસને પુષ્ટિ આપે તેવું હોવું જોઈએ. વિવિધ સામગ્રીનો મહત્તમ ઉપયોગ કરવો પડે તેવું હોવું જોઈએ. આ કાર્ય વર્ગખંડમાં થઈ શકે અથવા વર્ગબહાર પણ થઈ શકે. વ્યક્તિગત આપી શકાય પણ ક્યારેક જૂથમાંય હોઈ શકે. શિક્ષકે વિદ્યાર્થીના કાર્યને ચકાસતા રહેવું. જરૂર મુજબ માર્ગદર્શન પણ આપવું. આ વ્યવહારથી વિદ્યાર્થીનું અધ્યયન સરસ થાય છે અને શિક્ષકને વિદ્યાર્થીઓની વ્યક્તિગત સાચી ઓળખ થાય છે.
વર્ગવ્યવહારના ઉપરોક્ત ત્રણેય પ્રકારો જોયા પછી ભાવિ શિક્ષક તરીકે આપણે વર્ગખંડમાં કેવા પ્રકારનો વ્યવહાર કરીશું તો શિક્ષણ કાર્ય વધુ અસરકારક બનશે તે માટે આપણે વર્ગવ્યવહારના ઘટકો સમજી લેવાં જરૂરી છે.
વર્ગવ્યવહારને લગતા કેટલાક પ્રશ્નો:
1. વર્ગવ્યવહારનો અર્થ શું થાય ?
2. વર્ગખંડમાં કયા ત્રણ પ્રકારની આંતરક્રિયા થાય છે ?
વર્ગવ્યવહારના ઘટકો
વર્ગવ્યવહાર વધારે જીવંત અને અસરકારક બને તે માટે શિક્ષણશાસ્ત્રીઓએ કેટલાંક ઘટકો આપ્યા છે. આ ઘટકોના યથાયોગ્ય ઉપયોગથી વર્ગને સાચા અર્થમાં સ્વર્ગ બનાવી શકાય છે.
મિશિગન સ્ટેટ યુનિ.ના પ્રો.નેડ ફ્લેન્ડર્સે શિક્ષક-વિદ્યાર્થીના વર્ગવ્યવહારના 10 ઘટકો દર્શાવ્યા છે જે નીચે મુજબ છે.
નેડ ફલેન્ડર્સનું વર્ગવ્યવહારનું વર્ગીકરણ
વર્ગવ્યવહાર
વાતચીત
(10) શાતિ (મૂંઝવણ)
શિક્ષક વાતચીત
વિદ્યાર્થીની વાતચીત
શિક્ષકની પરોક્ષ અસર
શિક્ષકની પ્રત્યક્ષ અસર
(8) જવાબ આપે
(9) પહેલ કરે
(1) લાગણીનો સ્વીકાર
(2) વખાણ-પ્રોત્સાહન
(૩) વિચારનો સ્વીકાર
(4) પ્રકનો પૂછવા
(5) વ્યાખ્યાન-કથન
(6) સૂચના આપવી
(7) ટીકા કરવી-સત્તા સ્થાપિત કરવી.
વર્ગવ્યવહારને મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવે છે
1. વાતચીત
2. શાંતિ (મૂંઝવણ)
વાતચીતને બે પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે.
1. શિક્ષકની વાતચીત
2. વિદ્યાર્થીની વાતચીત
શિક્ષકની વાતચીતને પણ બે પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે.
1. શિક્ષકની પરોક્ષ અસર
2. શિક્ષકની પ્રત્યક્ષ અસર
શિક્ષકની પરોક્ષ અસર
અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષક એવા શાબ્દિક-અશાબ્દિક વ્યવહારો કરે કે જેના લીધે વિદ્યાર્થી વર્ગચર્ચામાં ભાગ લેવા પ્રોત્સાહિત થાય, તેમની સક્રિયતા વધે.
(1) લાગણીનો સ્વીકાર
આ પ્રકારના વર્ગવ્યવહારમાં શિક્ષક વિદ્યાર્થીઓની લાગણીઓને નમ્રતાથી સ્વીકારે છે.
સંભવિત છે કે વિદ્યાર્થી ક્યારેક ખોટો પણ હોય છતાં તેને દંડ ન કરતાં તેના વ્યવહારને સમજવાનો પ્રયાસ કરવો, જરૂર પડે તો તેના પૂર્વાનુભાવો જાણવા અને યોગ્ય લાગણીદર્શક શબ્દો-વાક્યોથી તેને સમજણ આપવી. દા.ત., ચાલો, ફરીથી સમજાવું, બોર્ડમાં આકૃતિ દોરીને કે લખીને સમજાવે, વધુ ઉદાહરણો આપે.
(2) વખાણ-પ્રોત્સાહન
આ પ્રકારના વર્ગવ્યવહારમાં શિક્ષક વિદ્યાર્થીના કાર્ય કે વર્તનને હકારાત્મક શાબ્દિક-અશાબ્દિક સુદઢકોથી બિરદાવી તણાવમુક્ત રાખે છે.
આવું કરવાથી વિદ્યાર્થીઓમાં સક્રિયતા વધે છે. વર્ગખંડનું વાતાવરણ હળવું બને છે. વર્ગચર્ચામાં ભાગીદારી વધે છે.
દા.ત., તમે સાચા છો, બરાબર છે. ખૂબ સરસ, વિદ્યાર્થીની પીઠ થાબડવી વગેરે.
(3) વિચાર સ્વીકાર
આ પ્રકારના વર્ગવ્યવહારમાં શિક્ષક વિદ્યાર્થીના સાચા ઉત્તરોનો / વિચારોનો સ્વીકાર કરે છે અને જરૂર મુજબ તેમાં સુધારા-વધારા કરે છે.
આમ, વિદ્યાર્થીએ રજૂ કરેલ વિચારને શિક્ષક સ્પષ્ટ કરે કે સમજાવે છે, જેનાથી વિદ્યાર્થીનું શીખવાનું મનોબળ વધે છે.
(4) પ્રશ્નો પૂછવા
શિક્ષક દ્વારા એ બાબતનું ધ્યાન રાખવું કે તે વિદ્યાર્થીઓને એવા વિષયવસ્તુ સંબંધિત પ્રશ્નો પૂછે કે જેના ઉત્તરો વિદ્યાર્થીઓ આપી શકે.
વિદ્યાર્થીઓ જે-તે વિષયવસ્તુ કેટલું સમજ્યા તે ચકાસતા પ્રશ્નો પૂછવા, જેનાથી વિદ્યાર્થીઓ વર્ગચર્ચામાં સક્રિય બની ભાગ લે.
શિક્ષકની પ્રત્યક્ષ અસર
(5) વ્યાખ્યાન-કથન
જે-તે વિષયવસ્તુની માહિતી સ્પષ્ટ કરવા શિક્ષક વિદ્યાર્થીઓ સમક્ષ વ્યાખ્યાન કે કથન કરે છે.
જરૂર પ્રમાણે શિક્ષક પોતાના વિચારો, અભિપ્રાયો રજૂ કરી વિષયવસ્તુનું સરળ, સુબોધ તેમજ તાર્કિક રીતે વિશ્લેષણ પણ કરે છે.
(6) સૂચના આપવી
આ પ્રકારના વર્ગવ્યવહારમાં શિક્ષક વિદ્યાર્થીઓને વિષયવસ્તુ અંતર્ગત તેમજ તેમાં ધ્યાન રાખવા બાબતે સૂચના આપે છે. જેનો વિદ્યાર્થીઓએ અમલ કરવાનો હોય છે.
દા.ત., પુસ્તક ખોલીને વાંચવા કહેવું, ગણતરી કરો, આકૃતિ દોરો, પાઠમાં ધ્યાન આપો, અવાજ ન કરો, વગેરે…
(7) ટીકા કરવી-સત્તા સ્થાપિત કરવી
આ પ્રકારના વર્ગવ્યવહારમાં શિક્ષક ક્યારેક પોતાનો અહમ સંતોષવા સત્તા સ્થાપિત કરે છે. તેમજ વિદ્યાર્થીઓમાં અનુચિત વ્યવહાર કે વર્તન વિશે ટીકા કરે છે.
દા.ત., મારા જેવું કોઈ ભણાવી જ ન શકે !, તારા કરતાં મને વધારે ખબર છે !, વાતો કરવા આવ્યા છો ?, બેસી જા છાનું માનું, વગેરે……
વિદ્યાર્થીની વાતચીત
વર્ગખંડમાં શિક્ષકની સક્રિયતા જેટલી જરૂરી છે તેટલી જ વિદ્યાર્થીની સક્રિયતા પણ જરૂરી છે. કારણ કે તેનાથી વર્ગચર્ચામાં ભાગીદારી વધે છે, વર્ગવ્યવહાર જીવંત બને છે.
(8) જવાબ આપે
શિક્ષક દ્વારા પૂછાયેલા પ્રશ્નોના વિદ્યાર્થીઓ જવાબો (ઉત્તરો) આપે તેમાં જવાબ આપતી વખતે એ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે કે શિક્ષક જે વિદ્યાર્થીને પૂછે તેણે જ જવાબ આપવાનો હોય તથા જેટલું પૂછે તેટલું જ ઉત્તરમાં જણાવવાનું હોય છે.
ક્યારેક શિક્ષક પક્ષે વિદ્યાર્થીના જવાબો કે વિધાનોનું પુનરાવર્તન પણ થાય છે.
(9) પહેલ કરે
વિદ્યાર્થી પોતાની વિષયવસ્તુ અંતર્ગત મુશ્કેલીઓ, અસ્પષ્ટતા કે સંદિગ્ધ બાબતોને સ્પષ્ટ કરવાના હેતુથી શિક્ષકને પ્રશ્નો પૂછે છે, જેથી વિદ્યાર્થી વિષયવસ્તુને સ્પષ્ટ કરી તેની વધુ નજીક જઈ શકે.
(10) શાંતિ (મૂંઝવણ)
આ પ્રકારના વર્ગવ્યવહારમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ થોડા સમય માટે એકદમ શાંત થઈ જાય છે.
શિક્ષક કોઈ મૂંઝવણમાં મૂકાઈ જાય, વિચારવા લાગે, પ્રશ્નો પૂછવા અંગે વિચારે, વિદ્યાર્થીઓને કોઈ બાબત અંતર્ગત વિચારવાનું કહે વગેરેનો સમાવેશ આ ઘટકમાં થાય.
શિક્ષકના એકધાર્યા કથન કે વ્યાખ્યાનથી વિદ્યાર્થીઓ કંટાળી ન જાય તે માટે તેમજ સક્રિયતા લાવવા માટે વ્યાખ્યાન કે કથન અંતર્ગત પણ થોડી શાંતિની સ્થિતિ લાવવામાં આવે છે.
વર્ગવ્યવહાર નોંધવાના સોપાનો
(1) ઘટકો કંઠસ્થ કરવા
પ્રો. ફલેન્ડર્સે સૂચવેલ વર્ગવ્યવહાર નોંધવાની પદ્ધતિમાં જુદા જુદા દસ ઘટકો દર્શાવ્યા છે. આ ઘટકોના ચોક્કસ ક્રમને નિરીક્ષક કંઠસ્થ કરે તો જ તેની નોંધ કરવામાં અનુકૂળતા રહે છે.
(2) સમય (ત્રણ સેકંડ) નો ખ્યાલ રાખવો
શિક્ષકના વર્ગવ્યવહારમાં દર ત્રણ સેકન્ડનો ખ્યાલ રાખી જે-તે ઘટક નંબર નોંધવામાં આવે છે. સમયમર્યાદા જાણવા માટે સેકન્ડ કાંટાવાળા ઘડિયાળનો, ડિઝિટલ ઘડિયાળ કે સ્ટોપ વૉચનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો.
જો એકનો એક ઘટક વધુ સમય ચાલે તો તેના ક્રમનું પુનરાવર્તન કરવામાં આવે છે.
દા.ત., શિક્ષક એક મિનિટ સુધી સતત કથન કરે તો ઘટક નંબર 5 વીસ વખત નોંધવો.
(3) વર્ગવ્યવહારના ઘટકોની સાંકળ બનાવવી
વર્ગવ્યવહાર નોંધવા માટે સૌપ્રથમ નીચે પ્રમાણેની સાંકળ તૈયાર કરવામાં આવે છે તથા સાંકળની આગળ અને પાછળ ઘટક નંબર 10 નોંધવામાં આવે છે.
આ સાંકળમાં વર્ગવ્યવહારનાં ઘટકોનો ચોક્સ ક્રમ ત્રણ સેકન્ડની સમયમર્યાદાને આધારે નોંધવામાં આવે ๒.
વર્ગવ્યવહારની પ્રક્રિયા સતત ચાલતી હોવાથી ઘટકોની સાંકળ સળંગ દર્શાવવામાં આવે છે.
(4) અવલોકન પત્રકમાં નોંધ
બનાવોની સાંકળ (જોડ)ના આધારે અવલોકન પત્રકમાં તેની નોંધ કરવામાં આવે છે.
અવલોકન પત્રકમાં 1થી 10 ઘટકોનો ક્રમ દર્શાવેલ હોય છે. જેના પરથી દરેક ઘટકની કુલ સંખ્યા મળે છે.
આ સંખ્યામાં ઘટક નંબર 10ની કુલ સંખ્યામાંથી એક માત્રા ઘટાડવામાં આવે છે. કારણ કે જોડ બનાવવા માટે સાંકળની આગળ પાછળ ઘટક નંબર 10 અગાઉથી નોંધવામાં આવે છે.
(5) ઘટકોનું પૃથક્કરણ અને અર્થઘટન
અવલોકન પત્રકના આધારે ઘટકોની નિશ્ચિત સંખ્યા મળે છે. તેના પરથી ગણતરીના આધારે વર્ગવ્યવહારનું પૃથક્કરણ કરવામાં આવે છે.
શિક્ષકોના વ્યવહાર અંગેના તારણો મેળવી શકાય છે, તેમજ વર્ગવ્યવહાર અંગે માર્ગદર્શક સૂચનો આપી શકાય છે.
નમૂનારૂપ અવલોકનપત્રકઃ-
વર્ગવ્યવહારના શૈક્ષણિક ફલિતાર્થો:
શિક્ષક અને વિદ્યાર્થીના વર્તન-વ્યવહારોને અપેક્ષિત વળાંક આપવા માટે દિશા મળી રહે છે.
વર્ગવ્યવહારના અર્થઘટન પરથી શિક્ષકને પોતાના વર્તન-વ્યવહારોનું મૂલ્યાંકન કરવાની તક રહે છે.
વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી તેમની ક્રિયાશીલતાને ન્યાય આપી શકાય છે.
શિક્ષકની પ્રત્યક્ષ અને પરોક્ષ અસરના આધારે તેની માત્રામાં યોગ્ય વધઘટ કરી શકાય છે.
વર્ગવ્યવહારના અર્થઘટનથી શિક્ષણ કાર્ય જીવંત, રસપ્રદ અને ફળદાયી બનાવી શકાય છે.
શિક્ષકની પ્રત્યક્ષ અને પરોક્ષ અસરના આધારે તેની માત્રામાં યોગ્ય વધઘટ કરી શકાય છે.
વર્ગવ્યવહારના અર્થઘટનથી શિક્ષણ કાર્ય જીવંત, રસપ્રદ અને ફળદાયી બનાવી શકાય છે.
શિક્ષણની નૂતન પદ્ધતિઓ, પ્રવિધિઓ અને પ્રયુક્તિઓનો યોગ્ય ઉપયોગ કરવાની તક રહે છે.
વર્ગવ્યવહારનાં વિશ્લેષણ દ્વારા વર્ગમાં સામાજિક વાતાવરણ ઊભુ કરીને તંદુરસ્ત વલણો કેળવી શકાય છે.
વિદ્યાર્થીઓની અપેક્ષા અનુસાર શિક્ષણ કાર્ય શક્ય બને છે.
શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે પારસ્પરિક સંબંધો વિકસાવી વર્ગનું વાતાવરણ સમૃદ્ધ બનાવી શકાય છે.
શિક્ષણ કાર્યને અસરકારક બનાવવા માટે માર્ગદર્શક સૂચનો કરી શકાય છે.
વર્ગખંડમાં શિક્ષક દ્વારા થતા વર્તન વ્યવહારો અંગે સભાનતા કેળવી શકાય છે.
વર્ગવ્યવહારને લગતા કેટલાક પ્રશ્નો:
1. ફ્લેન્ડર્સના વર્ગવ્યવહારમાં અધ્યાપકની પરોક્ષ અસર કયા ઘટકોમાં જોવા મળે છે ?
2. ફ્લેન્ડર્સના વર્ગવ્યવહારમાં કયા ઘટકોમાં અધ્યાપકની પ્રત્યક્ષ અસર જોવા મળે છે ?
3. ફ્લેન્ડર્સના વર્ગવ્યવહારમાં વિષયવસ્તુનું પ્રદાન કયા ઘટકો સાથે સંકળાયેલું છે ?
4. ફ્લેન્ડર્સના વર્ગવ્યવહારમાં વિદ્યાર્થીઓ કેટલું બોલ્યા તે કયા ઘટકો પરથી જાણી શકાય છે ?
વર્ગવ્યવહાર અસરકારક કેવી રીતે બને ?
શિક્ષકે વર્ગવ્યવહાર એવી રીતે ગોઠવવો જોઇએ કે જેથી વર્ગ વિદ્યાર્થીને મન સ્વર્ગ બને. શિક્ષકે વર્ગમાં અધ્યાપન કાર્ય કેવી રીતે કરવું, વર્ગમાં કેવી વાણી બોલવી, વર્ગમાં કેવું વર્તન રાખવું વગેરે બાબતોની પૂર્વતૈયારી શિક્ષકે વર્ગમાં જતાં પહેલાં કરી લેવી. વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ બને તેવી સૌમ્ય અને કર્ણપ્રિય વાણીમાં રજૂઆત સાંભળવી ગમે છે. વાણી સુશ્રાવ્ય-વિવેકપૂર્ણ, ઉચ્ચારશુદ્ધ અને યોગ્ય આરોહ-અવરોહ સાથે વ્યક્ત કરવાથી વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યમાં તન્મય બને છે. શિક્ષકે પોતાનું વર્તન પણ સંસ્કારી અને પ્રેમપૂર્ણ રાખવું, જેથી વિદ્યાર્થીઓને તેમના જીવનમાંથી સદ્દગુણ આચરણની પ્રેરણા મળે.
વર્ગવ્યવહારના ઘટકોમાં પરોક્ષ અસરવાળા ઘટકોનો ઉપયોગ વધારે કરવો અને વર્ગવ્યવહારમાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધે તેવો પ્રયત્ન પણ કરવો. વર્ગમાં શિક્ષણ-કાર્ય કરવા જતાં પહેલાં શિક્ષકે નીચેની બાબતો લક્ષમાં રાખવી.
શિક્ષકે લક્ષમાં રાખવાની બાબતો
વિષય કે એકમની સંપૂર્ણ પૂર્વતૈયારી કરીને જ વર્ગમાં જવું.
પ્રસન્ન ચિત્તે અને સસ્મિત મુખે વર્ગવ્યવહાર શરૂ કરવો.
બાળકોનું અભિવાદન અને લાગણીઓ સપ્રેમ સ્વીકારવી.
શિક્ષણ કાર્ય માટે જરૂરી સ્વસ્થ વાતાવરણ સ્થાપી શિક્ષણ કાર્ય માટે વિદ્યાર્થીઓને માનસિક રીતે તૈયાર કરવા.
વિદ્યાર્થીઓના વૈયક્તિક તફાવતો લક્ષમાં લઈ શિક્ષણ કાર્ય કરવું.
વર્ગવ્યવહારમાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગીદાર બને તે માટે વર્ગવ્યવહાર દરમિયાન હકારાત્મક સુદૃઢકોનો ઉપયોગ કરવો.
વિષયવસ્તુ પ્રત્યે રુચિ થાય તેવી રસપ્રદ અને સરળ શૈલીમાં શીખવવું.
વિદ્યાર્થીઓની વયકક્ષા મુજબ શિક્ષણની વિવિધ પદ્ધતિઓ પસંદ કરી શિક્ષણ રસમય બનાવવું અને શૈક્ષણિક સાહિત્ય-સાધનોનો ઉપયોગ કરવો.
વર્ગમાં વિદ્યાર્થીઓની ટીકા કે અપમાન ન કરવું.
વર્ગવ્યવહારમાં શારીરિક શિક્ષાને સ્થાન ન આપવું, પરંતુ વિદ્યાર્થીઓ સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરી મુક્ત અને સ્વયંશિસ્ત ઊભી કરવી.
શિક્ષકે વર્ગવ્યવહાર દરમિયાન ઓછામાં ઓછું બોલવું અને વિદ્યાર્થીઓને વધારેમાં વધારે બોલવા દેવા, બોલતા કરવા. વિદ્યાર્થીઓને વધારે પ્રવૃત્તિઓ આપવી-ચર્ચા કરવા દેવી.
વિદ્યાર્થીઓ સમક્ષ આયોજન મુજબ જ શિક્ષણ કાર્ય કરવું, નિરર્થક વાતો કે સ્વપ્રશંસામાં સમય ન બગાડવો.
વિદ્યાર્થીઓને શિક્ષણકાર્યને અંતે સ્વાધ્યાય આપવો, કસોટી લેવી અને તપાસણી કરી જરૂરી શિક્ષણ- કાર્ય પુનઃ કરવું.
શિક્ષક-વિદ્યાર્થી સંબંધો આત્મીય બનાવવા.
આમ, ઉપર મુજબની વિગતો લક્ષમાં રાખી વર્ગવ્યવહાર અસરકારક બનાવી શકાશે.
શિક્ષણપ્રક્રિયામાં શિક્ષણવ્યવહાર અને વર્ગવ્યવહારના ઘટકોની સમજ અનિવાર્ય છે. જેના દ્વારા શિક્ષણ કાર્યને વધારે અસરકારક બનાવી શકાય. વર્ગખંડની પ્રક્રિયા માત્ર બે ધ્રુવ-શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખી વર્ગવ્યવહાર થતો હોય છે. આ વર્ગવ્યવહારને અસરકારક બનાવવા માટે વિદ્યાર્થીની આસપાસ શિક્ષક ઉપરાંત શૈક્ષણિક સાધન-સામગ્રી હોવાથી તે પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
આમ, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના વ્યવહારમાં શૈક્ષણિક સાધનસામગ્રી પણ રહેલી હોવાથી વર્ગખંડની પ્રક્રિયા ત્રિધ્રુવીય બને છે.
1.5 માઈક્રોટીચિંગ
વર્ગખંડમાં જયારે શિક્ષક વિદ્યાર્થી વચ્ચે આંતરક્રિયા થતી હોય છે ત્યારે શિક્ષક વિવિધ પ્રકારનાં અધ્યાપન કૌશલ્યોનો ઉપયોગ કરે છે. આ આંતરક્રિયાની સફળતાનો આધાર મુખ્યત્વે વિવિધ પ્રકારનાં અધ્યાપન કૌશલ્યના ઉપયોગ પર શિક્ષકનું પ્રભુત્વ અને તેના એકબીજા સાથેના જોડાણ પર રહેલું છે. શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થી સમક્ષ વિષયવસ્તુની રજૂઆત કરે તે પહેલાં તેનામાં અધ્યાપન કૌશલ્યના ઉપયોગમાં પારંગતતા મેળવવી જરૂરી બને છે. અધ્યાપન કૌશલ્યમાં પારંગતતા મેળવવા માટે માઈક્રોટીચિંગની સૌપ્રથમ વાત ડવાઈટ એલને ૧૯૬૩માં કરી અને ૧૯૬૮માં એલન અને ઈવે તેની સૌપ્રથમ વ્યાખ્યા આપી જે નીચે મુજબ છે.
“માઈક્રોટીચિંગ એક નિયંત્રિત વ્યવહાર પદ્ધતિ છે કે જે વિશિષ્ઠ શિક્ષણ વ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને નિયંત્રિત પરીસ્થિતિમાં શિક્ષણ વ્યવહાર કરાવે છે.”
ઈ.સ. ૧૯૬૮માં બુશ માઈક્રોટીચિંગની વ્યાખ્યા કરતાં કહે છે કે “માઈક્રોટીચિંગ એક એવી પ્રયુક્તિ છે કે જે શિક્ષકોને સુવ્યાખ્યાયિત કરેલાં અધ્યાપન કૌશલ્યોને, પાંચ થી દસ મિનિટમાં કાળજીપૂર્વક આયોજન પામેલા પાઠોને, વિદ્યાર્થીઓનાં નાના જૂથ સમક્ષ વિનિયોગ કરવાની અને પાઠનાં પરિમાણો વીડિયો ટેપ પર જોવાની તક પૂરી પડે છે.”
ડૉ. કુલકર્ણી (૧૯૮૬) મુજબ “માઈક્રોટીચિંગ એક સિમ્યુલેશન અથવા વાસ્તવિક પરિસ્થિતિ જેવી પરિસ્થિતિ છે જે વિશિષ્ઠ કૌશલ્યોની પ્રાપ્તિ તરફ એકાગ્રતા કેળવે છે. એ એક એવી પદ્ધતિ છે કે જેમાં પ્રશિક્ષણાર્થી ઓછા સમયમાં, ઓછા વિદ્યાર્થી સમક્ષ એક વિશિષ્ટ કૌશલ્ય પર પ્રભુત્વ મેળવવા માટે મહાવરો કરે છે.”
ઉપરોક્ત વ્યાખ્યાઓને આધારે કહી શકાય કે કોઈ એક અધ્યાપન કૌશલ્યને ધ્યાને રાખી, પાંચથી સાત વિદ્યાર્થીઓ સમક્ષ, પાંચથી સાત મિનિટ માટે એક નાના વિષયવસ્તુનું અધ્યાપન કાર્ય કરે જેનું Video Recording કરી શકાય અને પ્રતિપુષ્ટિ મેળવી પોતાના વર્તનમાં પરિવર્તન લાવી અધ્યાપન કૌશલ્ય પર પારંગતતા મેળવી શકાય.
માઈક્રોટીચિંગમાં સૂક્ષ્મ શું છે તેના વિશે વિચારીએ…
1. પાઠની સમય મર્યાદા – ૫ થી ૭ મિનિટ
2. વિષય વસ્તુ – કોઈ એક નાનો ખ્યાલ (એકમ) કે જે ૫ થી ૭ મિનિટમાં રજૂ થઇ શકે.
3. વિદ્યાર્થીઓની સંખ્યા – ૫ થી ૭ વિદ્યાર્થી જૂથ
4. અધ્યાપન કૌશલ્ય – ફક્ત એક જ અધ્યાપન કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત
આમ, માઈક્રોટીચિંગ એ અધ્યાપન કૌશલ્યના વિકાસ માટેની પ્રક્રિયા છે. માઈક્રોટીચિંગના સોપાનો નીચે મુજબ છે.
(1) સૂક્ષ્મ પાઠનું આયોજન
(2) શિક્ષણ કાર્ય (5 થી 7 મિનિટ)
(3) પ્રતિ પૃષ્ટિ (6 મિનિટ)
(4) પુન: આયોજન (10 મિનિટ)
(5) પુન: શિક્ષણ (5 થી 7 મિનિટ)
(6) પુન: પ્રતિપૃષ્ટિ (6 મિનિટ)
1.5.1 સૂક્ષ્મ પાઠનું આયોજન
પ્રશિક્ષણાર્થી કોઈ એક નાના વિષયવસ્તુ (ખ્યાલ)ને લઈ કોઈ એક ચોક્કસ અધ્યાપન કૌશલ્ય અને તેના ઘટકોને ધ્યાને લઇ તે અધ્યાપન કૌશલ્યના વિકાસ માટે પાઠ આયોજન તૈયાર કરે છે.
1.5.2 શિક્ષણ કાર્ય
પ્રશિક્ષણાર્થી ૫ થી ૭ વિદ્યાર્થી (કોઈ વખત સહાધ્યાયી) સમક્ષ આયોજન મુજબ નક્કી કરેલા અધ્યાપન કૌશલ્યના વિકાસ માટે વિષય વસ્તુની રજૂઆત કરે.
1.5.3 પ્રતિપૃષ્ટિ
વિષયવસ્તુની રજૂઆત બાદ અધ્યાપન કૌશલ્યના ઘટકોને ધ્યાનમાં રાખી રજૂ કરનાર પ્રશિક્ષણાર્થીને તેના જ સહાધ્યાયીઓ પ્રતિપુષ્ટિ આપે. જો પાઠનું વિડિઓ રેકોર્ડિંગ થયું હોય તો પ્રશિક્ષણાર્થી વિડિઓ રેકોર્ડિંગ જોઇને સ્વ પ્રાતેપોષણ પણ પ્રાપ્ત કરી શકે છે.
1.5.4 પુનઃ આયોજન
પ્રશિક્ષણાર્થીને મળેલ પ્રાતેપોષણના આધારે તે નક્કી કરેલ અધ્યાપન કૌશલ્ય અને વિષયવસ્તુ માટે પુનઃ પાઠ આયોજન તૈયાર કરે છે.
ફરીથી વિદ્યાર્થી સમક્ષ શિક્ષણ કાર્ય કરે, ફરીથી પ્રતિપુષ્ટિ મેળવે. આ પ્રક્રિયા જ્યાં સુધી નક્કી કરેલ એક અધ્યાપન કૌશલ્ય હસ્તગત ન થાય ત્યાં સુધી ચાલતી રહે.
આમ, માઈક્રોટીચિંગ એ બિલકુલ બિનઅનુભવી એવા પ્રશિક્ષણાર્થીઓને અધ્યાપન માટે આવશ્યક
એવા અધ્યાપન કૌશલ્યોને હસ્તગત કરવામાં મદદ કરે છે.
માઈક્રોટીચિંગને લગતા કેટલાક પ્રશ્નો:
1.માઈક્રોટીચિંગના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા અધ્યાપક સાથે કરો.
2.કોઈ એક અધ્યાપન કૌશલ્ય પસંદ કરી તેના ઘટકોને ધ્યાને રાખી સૂક્ષ્મ પાઠ માટેની નોંધ તૈયાર કરો.
3.માઈક્રોટીચિંગની લાક્ષણિકતાઓ જણાવો.
1.6 અધ્યાપન કૌશલ્યો
કોઈ પણ કાર્યને સારી રીતે પાર પાડવા, અસરકારક બનાવવા કે પરિણામદાયી બનાવવા માટે તેને પદ્ધતિસર હાથ ધરવું જરૂરી છે. આ બાબત જીવનના કોઈ પણ ક્ષેત્રને લાગુ પડે છે. શિક્ષણના સંદર્ભમાં વિચારીએ તો આ બાબત એટલી જ સાચી છે. શિક્ષણ કાર્ય પદ્ધતિસર થાય તો તે ફળદાયી બની રહે છે. શિક્ષણ કાર્યમાં અધ્યાપન અને અધ્યયન બંનેનો સમાવેશ થાય છે. આપણે અધ્યયનનીપજને ધ્યાનમાં રાખીને અધ્યાપન કાર્ય કરવું હોય તો તેમાં કઈ કઈ બાબતો જરૂરી છે તેનો પ્રથમ વિચાર કરવો રહ્યો. અસરકારક અધ્યાપનમાં વિષયવસ્તુને અનુરૂપ પદ્ધતિ, સાધન-સામગ્રી, અધ્યાપનનાં સૂત્રો અને અધ્યાપન કૌશલ્યોનો ઉપયોગ અનિવાર્ય છે. કોઈ પણ રમતમાં જીત મેળવવા તે રમતનાં કૌશલ્યોને હસ્તગત કરી રમત દરમિયાન તેને અખત્યાર કરવાં પડે છે. અધ્યાપનમાં પણ હેતુઓ પાર પાડવા માટે કૌશલ્યોનો ઉપયોગ અનિવાર્ય બની જાય છે. કૌશલ્યો સાથેનું અધ્યાપન ધારી અસર નિપજાવી શકે છે. આવા અધ્યાપનને અસરકારક બનાવવા માટેના વિવિધ કૌશલ્યો પૈકી કેટલાકની અહીં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
અધ્યાપન કૌશલ્ય-અર્થ અને મહત્વ
શિક્ષક તેના અધ્યાપન કાર્ય દરમિયાન જે વર્ગવ્યવહાર કરે છે તેમાં તે અનેક વર્તનો સ્વાભાવિકપણે જ કરે છે. આ વર્તનો પૈકી કેટલાક શાબ્દિક વર્તનો હોય છે અને કેટલાક અશાબ્દિક વર્તનો હોય છે. જેમ કે સ્મિત કરવું, હકારમાં માથું હલાવવું, નકારમાં માથું હલાવવું, વર્ગખંડમાં હલનચલન કરવું વગેરે અશાબ્દિક વર્તનો છે. જ્યારે પ્રશ્નો પૂછવા, કથન કરવું, વાણીમાં આરોહ-અવરોહ લાવવો, વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવું વગેરે શાબ્દિક વર્તનો છે. આખરે આ બધાં વર્તનો શિક્ષક વિદ્યાર્થીઓના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાના હેતુથી કરે છે. આમ, વર્ગવ્યવહાર દરમિયાન શિક્ષકનાં તમામ વર્તનો સહેતુક હોય છે. આવાં વર્તનો પૈકી કેટલાક એકબીજા સાથે સંકળાયેલાં હોય છે. આને આધારે આપણે આ વર્તનોનું જુદા જુદા સમૂહોમાં વર્ગીકરણ કરી શકીએ. આ વર્ગીકૃત થયેલ વર્તનસમૂહને અધ્યાપન કૌશલ્ય તરીકે ઓળખવામાં આવે છે. આમ, અધ્યાપન કાર્યને અસરકારક બનાવવા માટે શિક્ષક દ્વારા થતાં વર્તનોના વિશિષ્ટ સમૂહને અધ્યાપન કૌશલ્ય કહેવામાં આવે છે.
અધ્યાપન કૌશલ્ય સંદર્ભે ઉપર્યુક્ત ચર્ચામાંથી નીચેના મુદ્દાઓ તારવી શકાય :
શિક્ષકો વર્ગવ્યવહાર દરમિયાન અનેક વર્તનો કરે છે.
શિક્ષકનાં વર્તનો વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાના હેતુથી થાય છે.
આ વર્તનસમૂહો જેટલા બને તેટલા વિશિષ્ટ અધ્યાપન કૌશલ્યો સ્વરૂપે બને છે.
મહાવરાનાં પરિણામે અધ્યાપન કૌશલ્યને હસ્તગત કરી શકાય છે.
અધ્યાપન કૌશલ્યોનું અવલોકન અને મૂલ્યાંકન કરી શકાય છે.
શિક્ષકોમાં આ કૌશલ્યો જેટલા પ્રમાણમાં વિકસાવી શકાય તેટલું શિક્ષણ વધુ અસરકારક બને અને શિક્ષક પણ સાથોસાથ નિપુણ બને. તાલીમ દરમ્યાન પ્રશિક્ષણાર્થીમાં આ કૌશલ્યોને હસ્તગત કરાવી શકાય તો તે સક્ષમ શિક્ષક તરીકે તૈયાર થઈને બહાર આવશે. શિક્ષણ કાર્ય ક્ષમતાલક્ષી ત્યારે જ બની શકે જ્યારે અધ્યાપન કૌશલ્યોનો સુચારુ ઉપયોગ શિક્ષક દ્વારા કરવામાં આવે.
અધ્યાપન કૌશલ્યના કેટલાક પ્રશ્નો:
1. અધ્યાપન કૌશલ્ય એટલે શું ?
અધ્યાપન કૌશલ્યોના પ્રકારો
વર્ગશિક્ષણની પ્રક્રિયાને જુદા જદા વર્તન-ઘટકોમાં એટલે કે અધ્યાપન કૌશલ્યોમાં પૃથક્કરણ કરવાનું કાર્ય સ્ટેનફર્ડ યુનિવર્સિટી કેલિફોર્નિયા, લેન્ડર્સ તેમજ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા થયું છે. ભારતમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઈન એજ્યુકેશન (IASE) દ્વારા આ પ્રકારનું પૃથક્કરણનું કાર્ય થયેલ છે. આ પૃથક્કરણના આધારે નીચે દર્શાવ્યા મુજબનાં અધ્યાપન કૌશલ્યો તારવવામાં આવ્યાં છે.
ઉપર્યુક્ત કૌશલ્યો પૈકી કેટલાકની વિગતવાર ચર્ચા આપણે આ પ્રકરણમાં કરીશું.
1.7.1 વિષયાભિમુખ કૌશલ્ય
ઉદ્દશો:
પ્રશિક્ષણાર્થીઓ નવીન જ્ઞાન મેળવવા તત્પર બને.
પ્રશિક્ષણાર્થીઓનું અપેક્ષિત પૂર્વજ્ઞાન ચકાસી નવીન જ્ઞાન સાથે અનુસંધાન સાધવું.
પ્રશિક્ષણાર્થીઓના પૂર્વજ્ઞાન અને નવીન જ્ઞાન વચ્ચેના અંતરને ઘટાડવું. વર્ગશિક્ષણને લગતા નીચેના પ્રસંગનો અભ્યાસ કરો.
(શિક્ષક રાષ્ટ્રધ્વજનો ઉપયોગ શી રીતે કરવો તે વિશે શીખવવા ઈચ્છે છે.)
શિક્ષક : (શિક્ષક રાષ્ટ્રધ્વજ બતાવે છે. વિદ્યાર્થીઓ તે ધ્યાનથી જુએ છે) આ શું છે ?
નમ્ર : તે આપણો રાષ્ટ્રધ્વજ છે.
શિક્ષક : તે આપણી શાળામાં કયા દિવસે ફરકાવવામાં આવે છે ?
બબલી : પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ.
શિક્ષક : રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે શું-શું કરવામાં આવે છે ?
પાયલ : રાષ્ટ્રધ્વજને વાંસના એક છેડે ઊંચે બાંધવામાં આવે છે.
બિટ્ટુ : આચાર્ય સાહેબ દોરી ખેંચે છે એટલે ઉપર બાંધેલો રાષ્ટ્રધ્વજ છૂટો પડે છે અને ફરકવા લાગે છે.
નિસર્ગ : પછી આપણે બધા તેને સલામ કરીએ છીએ.
અપૂર્વ : પછી બધા સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈએ છીએ.
ખેવના : પછી નારાઓ બોલવામાં આવે છે.
શિક્ષક : આજે આપણે રાષ્ટ્રધ્વજને ફરકાવવા શું-શું કરવું પડે તે વિશે વિગતવાર સમજીએ.
ઉપર્યુક્ત પ્રસંગમાં આપણે જોયું કે શિક્ષકે વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનને અને પૂર્વાનુમાનને તાજા કરાવી તેમાં નવી ઉમેરવા જેવી કે નવી શીખવા જેવી બાબતો માટે વિદ્યાર્થીઓને તત્પર કર્યા. આમ, જે કાંઈ નવું શીખવવાનો શિક્ષકનો હેતુ હોય તેની સીધેસીધી વાત ન કરતાં જે મુદ્દા સાથે સંલગ્ન અને વિદ્યાર્થીની આછી- પાતળી જાણકારી હોય તેવી બાબતોની ચર્ચા કર્યા બાદ નવો મુદ્દો તેમની સામે મૂકવામાં આવે છે. આ રીતે જે વિષય કે ક્ષમતા શીખવવાની હોય તેના પ્રત્યે વિદ્યાર્થીઓને અભિમુખ કરવાના કૌશલ્યને આપણે વિષયાભિમુખ કૌશલ્ય તરીકે ઓળખીશું.
આ કૌશલ્ય કેળવવા માટે શિક્ષકે કેવા પ્રકારનાં ઈચ્છનીય વર્તનો કરવાં તેના વિશે વિગતવાર સમજૂતી નીચે મુજબ આપવામાં આવી છે
અ. વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરવો.
બ. યોગ્ય પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો.
હવે આ બંને મુદ્દા વિશે ક્રમશઃ વિગતવાર માહિતી મેળવીએ.
(અ) વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરવો
કેટલાક લોકો બાળકને કોરી સ્લેટ માને છે, પરંતુ બાળક એ કોરી સ્લેટ નથી. તેની પાસે અનેક પ્રકારના અનુભવોનું ભાથું રહેલું હોય છે. પોતાનાં ઘરમાંથી, મિત્રો પાસેથી, આજુબાજુના સમાજમાંથી અને વાતાવરણમાંથી બાળક વિવિધ પ્રકારનું જ્ઞાન કે અનુભવ મેળવે છે. આને આપણે બાળકના પૂર્વજ્ઞાન કે પૂર્વાનુભવ કહીશું તેમાં નવું જ્ઞાન ઉમેરવા માટે તેની પાસે જે જ્ઞાન છે તેની સાથે નવા જ્ઞાનનું તાર્કિક જોડાણ હોય તે જરૂરી છે. આવું જોડાણ કે સાતત્ય ન હોય ત્યારે નવું જ્ઞાન સ્વીકારવું મુશ્કેલ બને છે. આમ, જૂના જ્ઞાનમાં નવા જ્ઞાનનો ઉમેરો થાય છે અને પછી ઉમેરાવાળું જ્ઞાન હવે પછીના નવા જ્ઞાન માટે પૂર્વજ્ઞાન બને છે. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે અને બાળક નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરતો રહે છે. આ સ્વાભાવિક ક્રમને હંમેશાં શિક્ષકે નજર સમક્ષ રાખવો. આથી જે નવીન જ્ઞાન, અનુભવ કે મુદ્દો શીખવવાનો હોય તેની પૂરેપૂરી સમજઆપણને હોવી જોઈએ. જે નવો મુદ્દો શીખવવાનો હોય તેની સાથે સુસંગત થઈ શકે તેવું પૂર્વજ્ઞાન બાળક પાસે કયું છે તે વિશે આપણે પહેલેથી જ વિચારી લેવું પડે. આ માટે વિદ્યાર્થીની ઉંમર, ધોરણ, વિસ્તાર અને કક્ષાને ધ્યાનમાં રાખીને તેમની પાસે કેવા પ્રકારનું અને કેટલું પૂર્વજ્ઞાન કે પૂર્વાનુભવ છે તે જાણી લેવું જોઈએ. આ જ્ઞાનના સંદર્ભમાં વિદ્યાર્થીને જાગ્રત કરી પછી જ નવા મુદ્દાની કે અનુભવની રજૂઆત તેમની સમક્ષ કરવી. દા.ત., આપણા ઘરમાં અને ગામમાં જે પશુઓ જોવા મળતા હોય તેના વિશે વિદ્યાર્થીઓ પાસેથી માહિતી કઢાવવી ત્યારબાદ જંગલી પશુઓ કે પ્રાણીઓ વિશે શીખવવાની રજૂઆત કરવી.
આમ, નવા જ્ઞાન, અનુભવ કે મુદ્દાઓની રજૂઆત કરતાં પૂર્વે વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાન કે પૂર્વાનુભવનો ઉપયોગ આપણે કરી શક્યા તેની ખાતરી આપણને કેવી રીતે થાય ? તો વિદ્યાર્થીઓ આપણે પૂછેલા પ્રશ્નોના સાચા જવાબ આપે છે કે ખોટા તેના પરથી થાય. જો વિદ્યાર્થીઓ તેમના પૂર્વજ્ઞાન આધારિત પૂછાયેલા પ્રશ્નોના સાચા જવાબ આપે તો પૂર્વજ્ઞાનનો ઉપયોગ આપણે કરી શક્યા છીએ એમ કહેવાય. કેટલીકવાર આપણે જાણીએ છીએ, આપણે શીખી ગયા છીએ જેવાં વિધાનોનો ઉપયોગ પણ કરી શકાય.
આમ, વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનનો કે પૂર્વાનુભવનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને વિષયપ્રવેશ કરાવવાની બાબત આપણે જોઈ. હવે તેના માટે કઈ કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કરી શકાય તેના વિશે સમજીશું.
(બ) યોગ્ય પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો
વિદ્યાર્થીઓને વિષયાભિમુખ કરવા માટે અથવા તો વિદ્યાર્થીઓને સરળતાથી વિષય પ્રવેશ કરાવવા માટે શિક્ષક અનેકવિધ પ્રયુક્તિઓની અજમાયશ કરે છે. આ પ્રયુક્તિઓ કેવા પ્રકારની હોઈ શકે તેની વિગતો અહીં આપવામાં આવી છે તેની સમજ મેળવીએ.
(1) પ્રશ્નો દ્વારા
નીચેના પ્રસંગનો અભ્યાસ કરો
(શિક્ષક સરવાળા શીખવવા તેની સંકલ્પના સ્પષ્ટ કરે છે.)
શિક્ષક : આ ઢગલીમાં કેટલી લખોટી છે ?
ઉષા : (લખોટીની ગણતરી કરીને) 9 લખોટી.
શિક્ષક : (બીજી ઢગલી બતાવીને) આ ઢગલીમાં કેટલી લખોટી છે ?
નીમા : (લખોટીની ગણતરી કરીને ) 5 લખોટી.
શિક્ષક : (9 લખોટીવાળી ઢગલીમાં 5 લખોટીવાળી ઢગલી ભેળવીએ તો હવે કેટલી લખોટીઓ થઈ?
પ્રિયા : (લખોટીની ગણતરી કરીને) 14 લખોટી
શિક્ષક : સરસ. 9 લખોટીમાં 5 લખોટી ઉમેરી એટલે 14 લખોટી થઈ. આમ, એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવાની પ્રક્રિયાને સરવાળો કહે છે. આજે આપણે એક રકમના સરવાળા શીખીશું.
(2) ઉદાહરણ દ્વારા
(શિક્ષક બાષ્પીભવન વિશે શીખવવા ઈચ્છે છે.)
શિક્ષક : જુઓ તમે સ્નાન કરો છો, ત્યારે તમારા માથાના વાળ પાણીથી ભીંજાય છે. સ્નાન કર્યા પછી થોડા સમય બાદ માથાના વાળ તદ્દન કોરા થઈ જાય છે. તેનું કારણ શું?
દીપક : વાળ સાથેનું પાણી ઊડી ગયું, તેથી વાળ કોરા થઈ ગયા.
શિક્ષક : આપણે ભીનાં કપડાં દોરી પર સૂકવીએ છીએ. થોડા સમય બાદ ભીનાં કપડાં કોરા થઈ જાય છે. શા માટે ?
મનીષા : કપડાંમાંથી પાણી ઊડી ગયું માટે કપડાં કોરાં થઈ ગયાં.
શિક્ષક : બરાબર. આમ, આપણે જાણીએ છીએ કે જુદી જુદી વસ્તુઓ સાથે ભળેલ પાણી થોડા સમય બાદ ઊડી જાય છે. પાણીની આ ઊડી જવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. આજે આપણે બાષ્પીભવન વિશે ભણીશું.
(3) કથન, વ્યાખ્યાન કે વર્ણન દ્વારા
(શિક્ષક ‘રાજા અશોકની મહાનતા’ વિશે શીખવવા ઈચ્છે છે.)
શિક્ષક : જુઓ અગાઉના તાસમાં આપણે શીખી ગયા છીએ કે રાજા અશોકે કલિંગ દેશ પર ચઢાઈ કરી, પરંતુ આ ચઢાઈ દરમિયાન જે માનવ હાનિ થઈ, તેનાથી રાજા અશોકને ખૂબ દુઃખ થયું અને તેણે યુદ્ધનો કાયમ માટે ત્યાગ કર્યો તેમજ તેણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. આમ થવાથી તેના પ્રજા સાથેના વ્યવહારમાં ફેરફાર થયો. આવા ફેરફારથી રાજા અશોકે કેવાં કેવાં સત્કાર્યો કર્યા તે વિશે આજે આપણે સમજ કેળવીએ.
(4) વાર્તા દ્વારા
‘શરીરની સ્વચ્છતા’ વિશે શીખવવા ‘ગંદી ઉંદરડી’ની વાર્તા કહી શકાય.
સંખ્યા જ્ઞાનઃ 1થી 5 શીખવવા ‘ટચુકભાઈની વાર્તા’ કહી શકાય.
‘સ્વાતંત્ર્ય દિન’ વિશે શીખવવા ‘શહીદ ભગતસિંહ’ની વાર્તા કહી શકાય.
(5) રોલ પ્લે કે નાટ્યીકરણ દ્વારા
કોઈ પાત્રનો પાઠ ભજવીને (રોલ પ્લે) કે નાટ્યીકરણ દ્વારા વિદ્યાર્થીઓને તેમના પૂર્વજ્ઞાન વિશે જાગ્રત કરી શકાય. દા.ત., ગ્રામપંચાયતના સરપંચ, પોસ્ટમેન વગેરે.
(6) રમત દ્વારા
ગણન પ્રક્રિયા શીખવવા માટે ‘કેટલા રે કેટલા’ રમત રમાડી શકાય તેમજ શરીરનાં અંગોની જાણકારી આપવા માટે ‘ગાંધીજી કહે’ રમત રમાડી શકાય.
(7) ગીત દ્વારા
શરીરનાં અંગોનાં કાર્યો વિશે શીખવવા માટે ‘નાની મારી આંખ’ ગીત ગવડાવી શકાય.
(8) દૃશ્ય-શ્રાવ્ય સાધનોના ઉપયોગ દ્વારા
(શિક્ષક પાચનક્રિયાના અવયવો વિશે શીખવવા ઈચ્છે છે.)
શિક્ષક : જુઓ, આપણે દરરોજ ખોરાક ખાઈએ છીએ. ખોરાકને સૌપ્રથમ મોઢામાં મૂકીએ છીએ. મોઢામાંથી આ ખોરાક પેટમાં જાય છે અને પેટમાં ખોરાક પચે છે. ખોરાક પચાવવામાં આપણા શરીરના કેટલાક અવયવો મદદરૂપ બને છે. આ મોડેલ તમારી સમક્ષ રજૂ કર્યું છે તેમાં જોઈને કહો ખોરાક પચાવવામાં કયા કયા અવયવો ભાગ ભજવે છે ?
નરેશ : મોઢામાં આવેલા દાંત અને જીભ.
હરેશ : અન્નનળી, હોજરી અને આંતરડાં.
શિક્ષક : બરાબર, આ બધા અવયવો ખોરાકના પાચનમાં મદદ કરે છે. તો આજે આપણે પાચનક્રિયાના આ પ્રત્યેક અવયવ વિશે સમજણ મેળવીએ.
આમ, વિવિધ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરી શિક્ષક વિદ્યાર્થીઓને વિષયાભિમુખ કરી શકે. હવે આપણે વર્ગશિક્ષણ પ્રક્રિયા દરમિયાન કયાં અનિચ્છનીય વર્તનો ટાળવાં તે અંગે સમજ મેળવીએ.
અનિચ્છનીય વર્તનો નીચે મુજબ છે
(1). સાતત્યભંગનું વર્તન
(2). કૃત્રિમ રીતે મથાળું કઢાવવું.
(1) સાતત્યભંગનું વર્તન
જ્યારે શિક્ષક પાઠના પ્રારંભમાં જ ક્રમ વગરનાં વિધાનો કરે અથવા પ્રશ્નો પૂછે ત્યારે સાતત્ય જળવાતું નથી તેમ કહી શકાય. પૂર્વે કરેલા વિધાન કે પૂછેલા પ્રશ્નના અનુસંધાનમાં જ ત્યાર પછીનું વિધાન કે પ્રશ્નની રજૂઆત ન થાય ત્યારે સાતત્યભંગ થાય છે. આ ઉપરાંત અસંબંધિત વિધાન કે પ્રશ્નની રજૂઆતથી પણ સાતત્યભંગ થાય છે. જે વિદ્યાર્થીને મૂંઝવણમાં મૂકે છે અને તેના પૂર્વજ્ઞાનનો નવા જ્ઞાન સાથે બરાબર સંબંધ જોડાતો નથી.
શિક્ષકના પૂછાયેલા પ્રશ્નોના જવાબ ન મળે અથવા શિક્ષક પ્રશ્નો પૂછવા માટે આડાઅવળા ફાંફા મારે કે આડા પાટે ચડી જાય ત્યારે ખ્યાલ આવે છે કે શિક્ષક સાતત્યભંગનું વર્તન કરે છે.
(2) કૃત્રિમ રીતે મથાળું કઢાવવુ
નીચેના પ્રસંગોનો અભ્યાસ કરો.
પ્રસંગ:- 1
(શિક્ષક રાષ્ટ્રધ્વજ વિશે શીખવવા ઈચ્છે છે.)
શિક્ષક: દેશ માટે બીજો શબ્દ કયો વાપરી શકાય ? :
હરેશ : રાષ્ટ્ર
શિક્ષક : બરાબર. ધજા માટે બીજો શબ્દ કયો વાપરી શકાય ?
નરેશ : ધ્વજ
શિક્ષક : સરસ. રાષ્ટ્ર અને ધ્વજ બંને શબ્દોને ભેગા કરીએ તો કયો શબ્દ બને ?
ઉષા : રાષ્ટ્રધ્વજ
શિક્ષક : તો આજે આપણે ‘રાષ્ટ્રધ્વજ’ વિશે શીખીશું.
(શિક્ષક ‘ધરતીનાં બીજ’ એકમ શીખવવા ઈચ્છે છે.)
શિક્ષક : બીજ ક્યાં વાવવામાં આવે છે ?
વિદ્યાર્થી : ધરતીમાં
શિક્ષક : તો આજે આપણે ધરતીનાં બીજ વિશે શીખીશું.
આમ, માત્ર એકમનું મથાળું જોઈને પ્રશ્નો પૂછવાને બદલે તેનું હાર્દ સમજીને પ્રશ્નો પૂછવા નહિતર આ પ્રસંગ હાસ્યાસ્પદ પણ બની શકે છે. દા.ત. પાણીનું ટીપું પાડીને પૂછીએ કે આને શું કહેવાય ? અને વિદ્યાર્થી જો
જવાબ આપે કે ‘ટીપું’ તો આજે આપણે ‘ટીપુ સુલતાન’ વિશે શીખીશું. આ રીતે મથાળું કઢાવવું તે હાસ્યાસ્પદ બને છે.
વિષયાભિમુખ કૌશલ્યનું મહત્વ
વિષયાભિમુખ કૌશલ્ય વિશે આપણે વિગતવાર સમજ મેળવી. હવે તેના મહત્વ વિશે નીચે આપેલા મુદ્દાઓ તારવી શકાય.
શિક્ષક નવું જ્ઞાન પીરસવાના હોય ત્યારે તે ઝીલવા માટે વિદ્યાર્થીઓને તત્પર બનાવી શકાય છે.
વિદ્યાર્થીઓનું વિષય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.
વિદ્યાર્થીઓના માનસ પર આગળના મુદ્દાઓની છાપ રહેલ હોય તેવા સમયે તરત જ નવા મુદ્દાની રજૂઆત સીધી કરવાને બદલે તેને નવા મુદ્દા પ્રત્યે અભિમુખ કરવામાં આવે તો નવા જ્ઞાનનું ધારણ સરળ બને છે.
વિદ્યાર્થીની અધ્યાપન પ્રક્રિયામાં સામેલગીરી કરી શકાય છે.
વિદ્યાર્થી સરળતાથી નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.
વિષયાભિમુખ કૌશલ્યને લગતા પ્રશ્નો :
1. વિષયાભિમુખ કૌશલ્ય માટેની પ્રયુક્તિઓ કઈ કઈ છે?
1.7.2 પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય
શિક્ષણમાં પ્રશ્નો પૂછવાનું મહત્વ ખૂબ જ છે. સૉક્રેટિસના જમાનાથી આજ દિન સુધી વર્ગના શિક્ષણ કાર્યમાં પ્રશ્નોત્તર પ્રયુક્તિનો ઉપયોગ થતો રહ્યો છે.
કૅલ્વિનના મતે, પ્રશ્ન સૌથી ઉત્તમ ઉત્તેજક છે અને શિક્ષકને તરત જ ઉપલબ્ધ છે. શિક્ષણમાં પ્રશ્નોત્તર પ્રયુક્તિનું પ્રભુત્વ જોતાં તેની અસરકારકતા વધારવા અંગે વિચારવું પડે. તે માટે નીચે પ્રમાણે બે રીત છે.
1. પ્રશ્નો પૂછવામાં પ્રવાહિતા લાવવી.
2. વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવા એટલે કે પ્રશ્નોના અપેક્ષિત ઉત્તરો ઊંડાણથી સમજવા.
આ બે રીતોને અનુક્રમે ‘પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય’ અને ‘પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય’ કહે છે. અત્રે આપણે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય વિશે વિગતવાર ચર્ચા કરીશું.
બાળક શાળામાં આવે છે ત્યારે તે ઘર, કુટુંબ, સમાજ અને આસપાસના પર્યાવરણમાંથી જ્ઞાન મેળવીને જ આવે છે. જેથી પ્રશ્નો પૂછવાથી બાળક શું જાણે છે અને શું નથી જાણતો તે જાણી શકાય છે.
શિક્ષક વિદ્યાર્થીમાં રહેલા જ્ઞાનને બહાર લાવવા માટે, તેનું બેધ્યાનપણું ટાળવા માટે, વર્ગમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓમાં તેને જોડવા માટે, એકમનું પુનરાવર્તન થતાં વિદ્યાર્થીમાં તેની સ્પષ્ટતા થઈ છે કે નહિ તે ચકાસવા માટે પાણીના પ્રવાહની માફક ટૂંકા, સ્પષ્ટ, સુસંગત, સચોટ અને અસંદિગ્ધ પ્રશ્નો પૂછીને યોગ્ય ઉત્તરો મેળવે છે. આ રીતે પ્રશ્નો પૂછવાના કૌશલ્યને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો નિર્ધારિત સમયમર્યાદામાં મહત્તમ સંખ્યામાં અર્થપૂર્ણ પ્રશ્નો પૂછવાના પ્રાવીણ્યને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કહે છે.
પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યના ઉદ્દેશો:
પ્રશ્નોના અપેક્ષિત ઉત્તર આપવા તરફ દોરે.
પ્રશિક્ષણાર્થીઓની સમજ સ્પષ્ટ બને.
પ્રશિક્ષણાર્થીઓ સક્રિય બને.
પ્રશિક્ષણાર્થીઓની વિવેચનાત્મક દૃષ્ટિ વિકસે.
આ કૌશલ્યમાં ત્રણ બાબતો મહત્ત્વની છે:
(1) પ્રશ્નો પૂછવાનો સમયગાળો મર્યાદિત છે.
(2) પ્રશ્નો અર્થપૂર્ણ હોય તે જરૂરી છે.
(3) પ્રશ્નો બને તેટલા વધારે ક્રમિક અને તાર્કિક હોય તે જરૂરી છે.
ઉપરોક્ત ત્રણ બાબતોમાંથી પહેલી અને ત્રીજી બાબત તો સ્વયંસ્પષ્ટ છે, પરંતુ બીજી બાબત અર્થપૂર્ણ પ્રશ્નો વિશે વિગતે વિચારવું જરૂરી છે.
અર્થપૂર્ણ પ્રશ્નો
જે પ્રશ્નો બંધારણ, પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા અને નિષ્પત્તિની દૃષ્ટિએ સુયોગ્ય હોય તેવા પ્રશ્નોને અર્થપૂર્ણ પ્રશ્નો કહે છે.
પ્રશ્ન બંધારણ
નીચેનાં લક્ષણો ધરાવતો પ્રશ્ન બંધારણની દૃષ્ટિએ યોગ્ય ગણાય.
(1) પ્રશ્ન વ્યાકરણ અને વાક્યરચનાની દૃષ્ટિએ શુદ્ધતા ધરાવતો હોવો જોઇએ.
નીચે આપેલા પ્રશ્નોનો વ્યાકરણ અને વાક્યરચનાની દૃષ્ટિએ અભ્યાસ કરો. વિચારો, કયા પ્રશ્નો સાચા અને
કયા પ્રશ્નો ખોટા છે ? શા માટે ?
પ્રશ્ન-1 છોકરી ગાંડી ક્યાં બેઠી છે?
પ્રશ્ન-2 ગાંડી છોકરી ક્યાં બેઠી છે?
ઉપરોક્ત આપેલા પ્રશ્નો તપાસતાં માલૂમ પડે છે કે પ્રથમ પ્રશ્ન વ્યાકરણ, કાળ, જોડણી, વચન, જાતિ, પદ ગોઠવણી વગેરેની દૃષ્ટિએ અશુદ્ધ છે અને પ્રશ્ન-2 વ્યાકરણની દૃષ્ટિએ સાચો છે. આવા ખોટા પ્રશ્નો પ્રશ્ન પ્રવાહિતાને અવરોધે છે. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં પ્રશ્નો વ્યાકરણની દૃષ્ટિએ શુદ્ધ હોય તે જરૂરી છે.
(2) પ્રશ્ન સંક્ષિપ્તતા ધરાવતો હોવો જોઇએ. ઉદાહરણ તરીકે
પ્રશ્ન-1 તમારામાંથી કોણ જાણે છે કે આપણો દેશ કયા વર્ષે સ્વતંત્ર થયો ?
પ્રશ્ન-2 આપણો દેશ કયા વર્ષે સ્વતંત્ર થયો ?
બંને પ્રશ્નો જોતાં માલૂમ પડે છે કે પ્રશ્ન-2 સંક્ષિપ્તતાની દૃષ્ટિએ વેધક છે. જ્યારે પ્રશ્ન-1 બિનજરૂરી શબ્દો- ‘કોણ જાણે છે મૂકીને રચ્યા છે તેથી સંક્ષિપ્તતા સચવાતી નથી.
(3) ઉત્તરની દૃષ્ટિએ પ્રશ્ન સ્પષ્ટતા કે અસંદિગ્ધતા ધરાવતો હોવો જોઈએ. ધાર્યા ઉત્તરો ન મેળવી શકાય તેવા પ્રશ્નો અસ્પષ્ટ-સંદિગ્ધ પ્રશ્નો કહેવાય.
(4) પ્રશ્ન વિષયવસ્તુની દૃષ્ટિએ સુસંગતતા ધરાવતો હોવો એટલે કે તે ચર્ચાતા મુદ્દાની સાથે સંકળાયેલો હોવો જોઇએ. અસંગત પ્રશ્નો પ્રવાહિતા કૌશલ્યને અવરોધે છે. ચર્ચાના મુદ્દા સાથે પ્રશ્નની સુસંગતતા હોય તે અનિવાર્ય છે.
પ્રશ્નો પૂછવાની પ્રક્રિયા
પ્રશ્નો પૂછવાની પ્રક્રિયા એટલે શિક્ષણ કાર્ય કરતી વખતે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રશ્નોની રજૂઆત કરવી અને તેમના ઉત્તરો સ્વીકારવા.
શિક્ષકે પ્રશ્નો પૂછવાની પ્રક્રિયા વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
1. પ્રશ્નની સમગ્ર રજૂઆત વર્ગસમક્ષ થવી જોઇએ. પ્રશ્ન વ્યક્તિગત ન પૂછતાં સમગ્ર વર્ગ સમક્ષ પૂછવો. જેથી વર્ગના બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક કંઈક વિચારીને ઉત્તર આપવા પ્રેરાય. વળી, વધુ વિદ્યાર્થીઓ ક્રિયાશીલ અને સતર્ક બને.
2. પ્રશ્નનું પુનરાવર્તન ન કરવું. પ્રશ્નનું પુનરાવર્તન કરવાથી વિદ્યાર્થીઓ પ્રશ્ન સાંભળવામાં બેદરકાર અને બેધ્યાન બને છે તેમજ સમય અને શક્તિનો વ્યય થાય છે.
3. પ્રશ્ન પૂછયા બાદ એકાદ ક્ષણ શાંતિ જાળવવી જેથી વિદ્યાર્થીઓને પ્રશ્ન સમજવાની અને તેનો યોગ્ય ઉત્તર વિચારવાનો સમય મળે.
4. પ્રશ્ન પૂછવાની ઝડપ યોગ્ય રાખવી. ખૂબ જ ઝડપથી પ્રશ્નો પૂછવામાં આવે તો વિદ્યાર્થીઓ બરાબર સમજી ન શકે. વળી, ખૂબ જ ઓછી ઝડપથી પ્રશ્નો પૂછવાથી વિદ્યાર્થીઓને સમયાવકાશ મળે છે તેથી અન્ય પ્રવૃત્તિઓ કરવા પ્રેરાય છે.
5. પ્રશ્નોની રજૂઆત વખતે શિક્ષકનો અવાજ યોગ્ય હોય તે જરૂરી છે. વર્ગના બધા જ વિદ્યાર્થીઓ સાંભળી શકે તેવો અવાજ. ખૂબ ધીમા અવાજથી પ્રશ્નો પૂછવાથી વિદ્યાર્થીઓ સાંભળી શકતા નથી. જ્યારે ખૂબ મોટા અવાજથી પ્રશ્નો પૂછવામાં આવે તો વિદ્યાર્થીઓ સાંભળીને કંટાળી જાય.
6. પ્રશ્નની અગત્યની બાબત કે શબ્દ ઉપર યોગ્ય ભાર મૂકવો જેથી પ્રશ્નની મહત્વની બાબતો તરફ
વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય.
નીચેના પ્રશ્નો વાંચો
1. તેઓ કોણ છે ?
2. શા માટે રામે રાવણ સાથે યુદ્ધ કર્યું હતું ?
3. આ માટે મહત્વનું પરિબળ કયું છે ?
આવાં પ્રશ્નો પૂછતાં યોગ્ય શબ્દો પર શિક્ષક યોગ્ય ભાર મૂકે તો પ્રશ્નોની રજૂઆત અસરકારક બને છે. આ શબ્દો પર યોગ્ય ભાર ન મૂકે અને રજૂઆત કરે તો શિક્ષક કોઈ વિધાનની રજૂઆત કરતા હોય તેવું લાગશે. પરિણામે તેની રજૂઆત બિનઅસરકારક થશે.
7. શિક્ષકે વિદ્યાર્થીઓએ આપેલા ઉત્તરોનું પુનરાવર્તન કરવું નહિ ઉદાહરણ તરીકે
શિક્ષક : આપણા શરીરના મુખ્ય ભાગો કેટલા છે ?
વિદ્યાર્થી : બે ભાગ છે.
શિક્ષક : તે કયા-કયા છે?
વિદ્યાર્થી : માથું અને ધડ.
શિક્ષક : બરાબર, માથું અને ધડ. માથામાં કયા કયા નાજુક અવયવો આવેલા છે ?
8. હાવભાવ સાથે પ્રશ્નની રજૂઆત થવી જોઈએ. જેથી તેની વેધકતા વધે, ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રબળતા વધે. શિક્ષક પ્રશ્નને મૌખિક-શાબ્દિક રીતે રજૂ કરે અને તેની સાથે યોગ્ય હાવભાવ કરે તો તે રજૂઆત અસરકારક બને.
કેવા પ્રશ્ન ન પૂછાય ?
શિક્ષણપ્રક્રિયામાં વિદ્યાર્થીઓને વિચાર કરતા કરવામાં મદદરૂપ બને તેવા પ્રશ્નો પૂછવા. જે પ્રશ્નો વિદ્યાર્થીઓને વિચાર કરવામાં મદદરૂપ બનતા નથી તેમની કોઈ ફલશ્રુતિ નથી. કોઈ ફલશ્રુતિ ન હોય તેવા પ્રશ્નો નીચે મુજબ છે.
1. હા કે નામાં ઉત્તર આપે તેવા પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ કંઈ વિચારવાનું હોતું નથી. નીચેનાં ઉદાહરણો જુઓ. આ પ્રશ્નોના ઉત્તરો ‘હા’ કે ‘ના’ માં આવે છે. તેના ઉત્તરો આપવામાં વિદ્યાર્થીઓએ કંઈ પણ વિચારવાનું રહેતું નથી. કારણ કે આવા પ્રશ્નો માત્ર વિગતલક્ષી જ હોય છે.
(1) કેરી ખાટી છે ?
(2) જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા ?
(3) શું દાંડીકૂચ ભવ્ય હતી ?
(4) સ્ટેનલેસ સ્ટીલ ઉપયોગી મિશ્રધાતુ છે?
આવા પ્રશ્નો પૂછવાનું ટાળવું.
ક્યારેક ‘હા’ ‘ના’ ઉત્તરવાળો પ્રશ્ન પૂછવો અનિવાર્ય હોય તો તે પૂછીને તેને લગતા પૂરક પ્રશ્નો પૂછવા. દા.ત. આસામમાં ચા સૌથી વધુ થાય છે ?
(હા-ના પ્રકારનો પ્રશ્ન છે.) શા માટે ત્યાં સૌથી વધુ ચા થાય છે ? (ઉપરના પ્રશ્નને લગતો પૂરક પ્રશ્ન છે.)
ટૂંકમાં ‘હા’ કે ‘ના’ પ્રકારના પ્રશ્નોની ઉપયોગિતા ઓછી છે તેથી પૂછવાનું ખાસ જરૂરી ન હોય તો એવા પ્રશ્નો પૂછવાનું ટાળવું.
2. સૂચનશીલ પ્રશ્નો પણ વિચાર કરવામાં ઉપયોગી બનતા નથી. તેની કંઈ ફલશ્રુતિ હોતી નથી. નીચેનો પ્રસંગ સમજો.
શિક્ષક : (કા.પા. પર રેખાખંડની આકૃતિ દોરે છે.) આ આકૃતિ રેખાની છે કે રેખાખંડની છે ?
વિદ્યાર્થી : રેખાખંડની આકૃતિ છે.
શિક્ષક : (રેખાખંડના એક છેડે કિરણનું નિશાન કરીને) હવે આ આકૃતિને કિરણ કહીશું કે રેખા?
વિદ્યાર્થી: કિરણ કહેવાય.
આ પ્રસંગમાં જોઈ શકશો કે શિક્ષકે જે પ્રશ્ન પૂછ્યો છે તેમાં જ જવાબ સૂચવેલો છે. આ પ્રકારના પ્રશ્નોને સૂચનશીલ પ્રશ્નો કહે છે. શિક્ષકે સૂચનશીલ પ્રશ્નોનો ઉપયોગ કરવાનું બને ત્યાં સુધી ટાળવું.
3. અટકળ પોષક પ્રશ્નોના ઉત્તરો વિદ્યાર્થીઓ અટકળથી આપવા પ્રયત્ન કરે છે. આ પ્રકારના પ્રશ્નોની પણ ફલશ્રુતિ કંઈ નથી. નીચેનો પ્રસંગ વાંચો અને સમજો.
શિક્ષક : 21મી સદીના પ્રારંભમાં ભારતની વસ્તી કેટલી થઈ ?
વિદ્યાર્થી : 90 કરોડની.
શિક્ષક : ના.
વિદ્યાર્થી : 85 કરોડની.
શિક્ષક : ના
પ્રસ્તુત પ્રસંગ ઉપરથી જોવા મળે છે કે પ્રશ્નના ઉત્તર અંગેની વિગત કે માહિતી વિદ્યાર્થીઓ અગાઉ શીખી ન ગયા હોય અને તેનો જવાબ શિક્ષક ઈચ્છે તે સંજોગોમાં વિદ્યાર્થીઓ અટકળથી ઉત્તર આપવા પ્રયત્ન કરે છે. આ પ્રકારના પ્રશ્ન પૂછવાથી વિદ્યાર્થીઓ અટકળથી ગપ્પાં મારીને ઉત્તર આપતા થઈ જાય છે. આથી અટકળ પોષક પ્રકારના પ્રશ્નો પૂછવાનું ટાળવું.
4. સમર્થન પ્રશ્નો એટલે એવા પ્રશ્નો કે જેમાં શિક્ષક કોઈ એક વિધાન કરે છે અને તે વિધાન માટે સમર્થનની જરૂર હોય ત્યારે ખરુંને ? બરાબરને ? સાચું છેને ? જેવા પ્રશ્ન પૂછે. દા.ત.,
શિક્ષક : પાણીને જંતુ મુક્ત કરવા તેમાં ક્લોરિન વાયુ પસાર કરવામાં આ છે. ખરુંને?
વિદ્યાર્થી : હાજી
શિક્ષક : તમે સાચા છો.
આવા સમર્થન પ્રશ્નો વિદ્યાર્થીઓને વિચાર કરતા કરવામાં મદદરૂપ થતા નથી તેથી તેવા પ્રશ્નો પૂછવાનું
ટાળવું.
5. પડઘા પ્રશ્નોની પણ નિષ્પત્તિ નથી. પડઘા પ્રશ્નો કોને કહેવાય, તેની સમજ નીચેના પ્રસંગોનો અભ્યાસ કરવાથી મળી શકશે.
શિક્ષક
શિક્ષક : ગુજરાત આપણું રાજ્ય છે. આપણું રાજ્ય કયું છે ?
વિદ્યાર્થી : ગુજરાત આપણું રાજ્ય છે.
શિક્ષક : ગાંધીનગર તેનું પાટનગર છે. ગાંધીનગર શું છે ?
વિદ્યાર્થી : ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે.
ઉપરના પ્રસંગ ઉપરથી જોઈ શકાય છે કે શરૂઆતમાં શિક્ષક માહિતીની રજૂઆત કરે છે અને પછીથી તરત જ તે માહિતી પર આધારિત પ્રશ્નો પૂછે છે. આ પ્રકારના પ્રશ્નોને પડઘા પ્રશ્નો કહે છે. આ પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીઓને વિચારતા કરતા નથી તેથી તેમની કંઈ નિષ્પત્તિ નથી. આ પ્રશ્નોના ઉત્તરમાં શિક્ષક અગાઉ રજૂ કરેલી માહિતીનો પડઘો પાડે છે. જેથી વિદ્યાર્થીઓની વિચારવાની પ્રક્રિયાને પડઘા પ્રશ્નો મદદરૂપ બનતા નથી. શિક્ષકે પડઘા પ્રશ્નોનો ઉપયોગ કરવાનું ટાળવું.
6. ઘણીવાર વર્ગમાં શિક્ષણ કાર્ય કરતાં બંધારણની દૃષ્ટિએ અને પ્રશ્ન પૂછવાની પ્રક્રિયાની દૃષ્ટિએ યોગ્ય હોય તેવા પ્રશ્નોના ઉત્તરો વિદ્યાર્થીઓ આપતા નથી. આ પરિસ્થિતિ માટે નીચેનાં જેવાં અનેક કારણો
જવાબદાર હોઈ શકે.
પ્રશ્ન અઘરો હોય.
વિદ્યાર્થીઓની કક્ષાથી ઊંચી બુદ્ધિકક્ષાવાળો હોય.
વિદ્યાર્થીઓને શિક્ષણપ્રક્રિયામાં રસ ન પડતો હોય.
વિદ્યાર્થીઓ પૂર્વજ્ઞાનથી અપરિચિત હોય.
વિદ્યાર્થીઓની શારીરિક સ્થિતિ સારી ન હોય.
વિદ્યાર્થીઓ બેધ્યાન હોય ત્યારે.
શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ ન હોય.
શિક્ષકે વિદ્યાર્થીઓ પ્રશ્નોનો ઉત્તર આપી શકે તેવા સંજોગો એટલે કે ઉપરનાં જેવાં કારણોને ધ્યાનમાં રાખીને પ્રશ્નમાં જરૂરી ફેરફાર કરવો.
પ્રશ્નની ફલશ્રુતિની ઉપરોક્ત ચર્ચાને આધારે એમ કહી શકાય કે નીચેના જેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું.
1. ‘હા’ કે ‘ના’ પ્રકારના પ્રશ્નો
2. સૂચનશીલ પ્રકારના પ્રશ્નો
3. અટકળ પોષક પ્રશ્નો
4. સમર્થન પ્રશ્નો
5. પડઘા પ્રશ્નો
6. કઠિન અને અસ્પષ્ટ પ્રશ્નો
પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યના કેટલાક પ્રશ્નો :
1. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય એટલે શું?
2. કેવા પ્રકારના પ્રશ્નો પૂછવાનું શિક્ષકે ટાળવું જોઇએ?
1.7.3 સુદઢિકરણ કૌશલ્ય
સુદઢિકરણ કૌશલ્યના ઉદ્દેશો:
પ્રશિક્ષણાર્થીઓને વર્ગશિક્ષણમાં જોડે.
પ્રશિક્ષણાર્થીઓને વર્ગશિક્ષણ દરમિયાન સુદઢકોથી પ્રોત્સાહિત કરે.
પ્રશિક્ષણાર્થીઓને ધ્યાન કેન્દ્રિત કરી રસ લેતા કરે.
સુદૃઢીકરણ કૌશલ્યના માધ્યમથી વર્ગખંડને સક્રિય અને જીવંત બનાવવા પ્રશિક્ષણાર્થીઓને પ્રોત્સાહિત કરે.
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સાન્નિધ્ય સાધે.
સુદૃઢિકરણ કૌશલ્યનું મહત્વ નીચે મુજબ છે:
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શકાય છે.
વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી ટકાવી શકાય છે.
વિદ્યાર્થીઓને અશિસ્ત આચરતાં રોકી શકાય છે.
વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચે સાન્નિધ્ય સાધી શકાય છે.
વિદ્યાર્થીનો શિક્ષણ પ્રત્યે રસ કેળવી શકાય છે.
અધ્યાપનને સહજ બનાવી શકાય છે.
વર્ગખંડ જીવંત બનાવી શકાય છે.
વિદ્યાર્થી સક્રિય બની જાય છે.
વર્ગશિક્ષણમાં નીચેના પ્રસંગનો કાળજીપૂર્વક અભ્યાસ કરો:
શિક્ષક : આસો માસમાં કયો મોટો તહેવાર આવે છે ? બીના, તું કહે.
બીના : દિવાળી એ આસો માસનો સૌથી મોટો તહેવાર છે.
શિક્ષક : સરસ. આ માસમાં બીજા કયા તહેવારો આવે છે ? મહેશ.
મહેશ : (શાંત રહે છે.)
શિક્ષક : કંઈ વાંધો નહિ દિલીપ, તું મદદ કરીશ?
દિલીપ : નવરાત્રીનો ઉત્સવ પણ આસો માસમાં જ આવે છે.
શિક્ષક : બહુ સરસ. મિતેશ, નવરાત્રીના ઉત્સવમાં લોકો શું કરે છે ?
મિતેશ : હિન્દુ સ્ત્રી-પુરુષો માતાજીની પૂજા કરે છે અને રાસ-ગરબા ગાય છે.
શિક્ષક : બહુ સુંદર જવાબ આપ્યો. આસો માસમાં બીજા પણ તહેવારો આવે છે.કયા કયા ? (ભાવિક તરફ ઈશારો કરે છે.)
ભાવિક : વાઘ બારસ… (પછી અટકે છે.)
શિક્ષક : હા હા, બરાબર છે પછી ? (શિક્ષક સ્મિત કરે છે.)
ભાવિક : ધનતેરસ, કાળીચૌદસ વગેરે.
શિક્ષક : અરે, વાહ ! તને તો સરસ આવડે છે. (વિદ્યાર્થી સામે ગૌરવથી જુએ છે.)
ઉપર જણાવેલ પ્રસંગમાં શિક્ષકે વિદ્યાર્થીએ પ્રશ્નનો ઉત્તર આપ્યો ત્યારે જવાબની ઉચિતતા જોઈને ‘સરસ’, ‘બહુ સરસ’, ‘બહુ સુંદર જવાબ આપ્યો’, ‘હા, હા બરાબર છે’, ‘અરે, વાહ! તને તો સરસ આવડે છે’ જેવું બોલીને અને જ્યારે વિદ્યાર્થી જવાબ આપતો નથી તે વખતે ‘કંઈ વાંધો નહિ’ કહીને કે વિદ્યાર્થી સામે સ્મિત તેમજ ગૌરવભરી નજરથી જોઈને વિદ્યાર્થીઓને જવાબ આપવા ઉત્સાહ પૂરો પાડ્યો એટલે કે વિદ્યાર્થીઓને પ્રશ્નોના ઉત્તર આપવા પ્રોત્સાહન પૂરું પાડ્યું.
આમ, કરવાથી વિદ્યાર્થીઓ શિક્ષકના પ્રશ્નોના ઉત્તર આપવા તત્પર બન્યા અને પોતાને જે કંઈ આવડતું હતું તે પ્રમાણે ઉત્તરો આપીને વર્ગશિક્ષણમાં સક્રિય રીતે ભાગ લીધો. આનાથી આપણે સમજી શક્યા કે વર્ગશિક્ષણમાં વિદ્યાર્થીઓ સક્રિય બને તે માટે તેમને પ્રોત્સાહન પૂરું પાડવું. જો તેમને હતોત્સાહ કરવામાં આવે તો તે નિષ્ક્રિય બને છે. તેથી વિદ્યાર્થીઓને વર્ગશિક્ષણ દરમિયાન પ્રોત્સાહન પૂરું પાડવા માટે શિક્ષકે કેટલીક પ્રક્રિયા કરવાની જરૂર પડે છે. આ પ્રક્રિયાને આપણે સુદૃઢિકરણ કૌશલ્ય તરીકે ઓળખીશું. ટૂંકમાં વિદ્યાર્થીઓ વર્ગની પ્રવૃત્તિઓમાં વધુને વધુ પ્રમાણમાં ભાગ લે તે માટે શિક્ષકે વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય તેવી પ્રક્રિયા વધારે અને વધારે પ્રમાણમાં કરવાનું તેમજ વિદ્યાર્થીઓ હતોત્સાહ થાય તેવી પ્રક્રિયા ઓછામાં ઓછા પ્રમાણમાં કરવાનું કૌશલ્ય એટલે સુદૃઢિકરણ કૌશલ્ય.
આમ આ કૌશલ્ય કેળવવામાં નીચેની બે બાબતો ધ્યાનમાં રાખવાની છે:
1. અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેની વિવિધ યુક્તિ- પ્રયુક્તિઓનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવાનો છે.
2. અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ હતોત્સાહ ન થાય, નિરાશ થઈને નિષ્ક્રિય બની ન જાય તે માટે સજાગ રહીને નિષ્ક્રિયતાનું વાતાવરણ સર્જનારી યુક્તિ-પ્રયુક્તિઓનો ઉપયોગ ટાળવાનો છે.
સુદૃઢિકરણ કૌશલ્યનું સ્વરૂપ
સુદઢિકરણ કૌશલ્યના સ્વરૂપને સમજવા માટે તેના ઘટકો (સુદૃઢકોના પ્રકાર) સમજીએ.
સુદ્રઢકો
હકારાત્મક
નકારાત્મક
1.
2.
શાબ્દિક સુદ્રઢકો
અશાબ્દિક સુદ્રઢકો
શાબ્દિક સુદ્રઢકો
અશાબ્દિક સુદ્રઢકો
સુદૃઢકોના પ્રકારો દર્શાવતી આકૃતિ
હકારાત્મક સુદૃઢકો:
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરનારી યુક્તિ-પ્રયુક્તિને આપણે હકારાત્મક સુદૃઢકો તરીકે ઓળખીશું. આ સુદઢકો શાબ્દિક અને અશાબ્દિક પણ હોઈ શકે.
જ્યારે વિદ્યાર્થીને તેના વર્તન કે વ્યવહારને પ્રોત્સાહિત કરવા માટે શબ્દો કે શબ્દસમૂહો અને શાબ્દિક વિધાનોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને હકારાત્મક શાબ્દિક સુદૃઢકો તરીકે ઓળખીશું, જે ભાષાકીય સ્વરૂપના છે એટલે કે ભાષા દ્વારા વ્યક્ત થાય છે. દા.ત, હા, સરસ, સુંદર, શાબાશ, ધન્યવાદ, સાચું,
બરાબર, શ્રેષ્ઠ, ઉત્તમ, બહુ સરસ, તદ્દન સાચું, સારો પ્રયાસ, તમને આવડે છે, શાંતિથી બોલો, હા.હા. બોલો, તમારો ઉત્તર પ્રશંસાપાત્ર છે વગેરે.
આપણે અનુભવ્યું છે કે વર્ગશિક્ષણની પ્રક્રિયા દરમિયાન જ્યારે વિદ્યાર્થી કંઈક ઉત્તર આપે, કોઈ પ્રકારનું વર્તન કરે ત્યારે શિક્ષક કંઈ બોલે નહિ, પરંતુ અનેક પ્રકારનાં વર્તન દર્શાવે, જેથી વિદ્યાર્થી પ્રોત્સાહિત બને. ભાષાના ઉપયોગ વિના કરેલી શિક્ષકની પ્રક્રિયા, વર્તન, અંગના હાવભાવ કે શરીરના હલનચલનની પ્રક્રિયા પણ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરે છે. આ ક્રિયાઓમાં ભાષાનો ઉપયોગ થતો નથી, તેથી તેને હકારાત્મક અશાબ્દિક સુદૃઢકો તરીકે ઓળખીશું.
હકારાત્મક અશાબ્દિક સુદૃઢકોની વિગત નીચે મુજબ છે.:
વિદ્યાર્થીની સામે જોવું.
વિદ્યાર્થીની સામે હકારમાં સ્મિત કરવું.
વિદ્યાર્થી જવાબ આપે ત્યારે માથું હલાવી સાચા જવાબની પ્રતીતિ કરાવવી
વિદ્યાર્થી લાંબો સમય જવાબ આપતો હોય, ત્યારે વચ્ચે માથું હલાવી વિદ્યાર્થી જવાબ સાચી દિશામાં આપી રહ્યો છે તેની ખાતરી કરાવવી.
વિદ્યાર્થીની નજીક જવું.
વિદ્યાર્થીના ખભે ધીમેથી હાથ મૂકવો.
વિદ્યાર્થીને થાબડવો.
વિદ્યાર્થીના જવાબને અક્ષરશઃ કા.પા. પર લખવો.
આમ, હકારાત્મક સુદૃઢકોનો વર્ગશિક્ષણમાં જરૂર જણાય ત્યાં ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીશું.
નકારાત્મક સુદૃઢકો :
વિદ્યાર્થીઓને હતોત્સાહ કરનારી યુક્તિ-પ્રયુક્તિઓને આપણે નકારાત્મક સુદૃઢકો તરીકે ઓળખીશું. આ સુદૃઢકો શાબ્દિક અને અશાબ્દિક હોઈ શકે.
જ્યારે શિક્ષક વિદ્યાર્થીને તેના વર્તન કે વ્યવહારને હતોત્સાહિત કરે તેવો શબ્દો, શબ્દસમૂહો અને શાબ્દિક વિધાનોનો ઉપયોગ કટે ત્યારે તેને નકારાત્મક શાબ્દિક સુદૃઢક તરીકે ઓળખીશું. નકારાત્મક શાબ્દિક સુદઢકોનો ઉપયોગ કરવામાં ભાષા વપરાય છે અર્થાત્ આપણે બોલીને તેની રજૂઆત કરીએ છીએ. દા.ત, ગુસ્સાના ભાવ સાથે બેસી જવા કહેવું, ઊભા રહેવા કહેવું., વિદ્યાર્થીને મૂર્ખ, ગધેડો, બેવકૂફ,નાલાયક, ઉલ્લુનો પઠ્ઠો, ઠોઠ વગેરે કહેવું. બસ ફર્યા કરો, કપડાંનો ઠઠારો કરે શું વળે ? લાંબા લાંબા વાળ રાખી રૂપાળા બનો એટલે ચાલશે, આ જવાબ આપવાની રીત છે ? બોલતાં તો આવડતું નથી, આવાં વિધાનો દ્વારા વિદ્યાર્થીની ટીકા કરવી, તેનો કટાક્ષ કરવો, તેને વર્ગમાં ઉતારી પાડવો અને તેની માનહાનિ કરવી.
જે નકારાત્મક સુદૃઢકોમાં ભાષાનો ઉપયોગ કરતા નથી પરંતુ આંગિક હાવભાવ કે શરીરના હલનચલનની ક્રિયા કરીએ છીએ તેને નકારાત્મક અશાબ્દિક સુદઢકો કહીએ છીએ. દા.ત., આંખો કાઢવી, ભવાં ચઢાવવાં, મોઢું ભારેખમ કરવું, ગુસ્સા સાથે વિદ્યાર્થી સામે જોવું, ગુસ્સામાં વર્ગમાં આમ તેમ ફરવું, હાથથી ઝાટકો મારી બેસવાનો ઈશારો કરવો, હાથ પછાડી કે ડસ્ટર પછાડી બેસવા ઈશારો કરવો, ધૂરકિયાં કરવાં, વગેરેનો સમાવેશ થાય છે.
આપણે નકારાત્મક સુદઢકોના બે પ્રકાર વિશે સમજ મેળવી. આ પ્રકારનાં સુદૃઢકોનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થી હતોત્સાહ કે નિરાશ બને, નિષ્ક્રિય બને, બેધ્યાન બને. પરિણામે શિક્ષણની પ્રક્રિયા જોખમાય. તેથી આવાં સુદૃઢકોનો ઉપયોગ ટાળવા માટે આપણે પ્રયત્નો કરીશું.
સુદૃઢકોનો યોગ્ય ઉપયોગ
અગાઉ દર્શાવ્યા પ્રમાણે સામાન્ય રીતે આપણે બને ત્યાં સુધી હકારાત્મક સુદૃઢકોનો ઉપયોગ વધુ કરીશું અને નકારાત્મક સુદૃઢકોનો ઉપયોગ કરવાનું ટાળીશું, પરંતુ હકારાત્મક સુદૃઢકોનો ઉપયોગ કરવામાં અતિ ઉત્સાહ દાખવીએ અને હાંસીને પાત્ર બની જઈએ તેમ ન બનવું.
સુદૃઢકોનો યોગ્ય ઉપયોગમાટે નીચેની બાબતો ધ્યાનમાં રાખીએ.:
જ્યાં જરૂર જણાય ત્યાં જ હકારાત્મક સુદૃઢકોનો ઉપયોગ કરીશું.
યોગ્ય હકારાત્મક સુદૃઢકોનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખીશું.
જરૂર પ્રમાણે, જરૂરી સ્થળે જ સુદૃઢકોનો ઉપયોગ કરીશું.
સુદૃઢકોની અસરને ધ્યાનમાં રાખીને તેમનો ઉપયોગ કરીશું.
સુદૃઢકોનો ઉપયોગ સ્વાભાવિકપણે કરીશું.
વારંવાર એક જ સુદૃઢકના ઉપયોગથી આવતી કૃત્રિમતા ટાળીશું.
જરૂર ન હોય ત્યાં સુદઢકોનો ઉપયોગ ન જ કરાય તેની કાળજી રાખીશું.
નકારાત્મક સુદૃઢકોનો ઉપયોગ ટાળીશું.
બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને ધીમે ધીમે શરમાળ કે નબળા વિદ્યાર્થીઓને પ્રક્રિયામાં સાંકળવા યોગ્ય સુદૃઢકોનો ઉપયોગ કરીશું.
સુદૃઢકોના કેટલાક પ્રશ્નો:
1. સુદઢિકરણ કૌશલ્ય કોને કહીશું ?
2. સુદઢિકરણ કૌશલ્યનું સ્વરૂપ સમજાવો.
1.7.4 કા.પા.કાર્ય કૌશલ્ય
આપણે સૌ જાણીએ છીએ કે વર્ગશિક્ષણમાં મોટાભાગે જેનો વધુ સરળતાથી ઉપયોગ થઈ શકે તેવું સાધન તે કાળું પાટિયું જેને શ્યામફલક કે કૃષ્ણફલક તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળું પાટિયું વર્ગખંડનો એક ભાગ જ બની ગયું છે. વર્ગખંડનું એ પ્રતીક સમાન બની ગયું છે.
કા.પા.નો અધ્યાપન કાર્યમાં અનેક રીતે ઉપયોગ થાય છે. કોઈ પણ મુદ્દાની સમજ આપવા માટે આકૃતિ દોરવી હોય, અગત્યના મુદ્દાની નોંધ કરવી હોય તો કા.પા. ઘણું ઉપયોગી બને છે. કા.પા. ઉપરની
નોંધ પરથી શિક્ષકની એક છાપ ઊભી થતી હોય છે. તેથી તેનો ઉપયોગ કરવાનું કૌશલ્ય કેળવવું પડે. આમ, કા.પા. ઉપર નોંધ કરવાની આવડત કે તેનો યથોચિત ઉપયોગ કરવાનું કૌશલ્ય એટલે કા.પા.કાર્ય કૌશલ્ય.
કા.પા.કાર્ય કૌશલ્યના ઉદ્દેશો:
પ્રશિક્ષણાર્થીઓને વિષયવસ્તુના મુદ્દા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરતા કરવા.
વિદ્યાર્થીઓ સમક્ષ વિષયવસ્તુ સાતત્યપૂર્ણ અને તાર્કિક ક્રમમાં રજૂ કરવું.
કા.પા.કાર્ય કૌશલ્યના લક્ષણો:
અસરકારક કા.પા.કાર્ય કરવા માટે નીચે મુજબનાં લક્ષણોને સમજવાં જરૂરી છે.
(1) હસ્તાક્ષરની સુવાચ્યતા:
કા.પા. પરના લખાણમાં સુવાચ્યતા જરૂરી છે. તેમાં નીચેની બાબતોનો ખ્યાલ
રાખવો પડે છે.
પ્રત્યેક અક્ષર સ્પષ્ટ-ભેદક હોવો જોઈએ.
બે અક્ષરો વચ્ચે યોગ્ય અંતર જાળવવું.
બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર જાળવવું.
અક્ષરોનું કદ દૂરથી વાંચી શકાય તેટલું રાખવું.
(2) સ્વચ્છતા :
કા.પા. પરનું લખાણ સ્વચ્છ થાય તેની કાળજી લેવાવી જોઈએ. આ માટે નીચેની બાબતોની
કાળજી રાખવી જોઈએ:
લખાણ સીધી લીટીમાં લખવું.
લીટીઓ વચ્ચે પૂરતું અંતર જાળવવું.
અક્ષર ઉપર અક્ષર લખાઈ ન જાય તેનો ખ્યાલ રાખવો.
ચર્ચા સંબંધિત બાબતો જ લખવી.
(3) યથાર્થતાઃ
એકમને અનુરૂપ જે લખાણ જરૂરી હોય તે જ લખાણ અને યોગ્ય રીતનું લખાણ કા.પા. પર થવું જોઈએ. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે
મુદ્દાઓ તાર્કિક ક્રમ મુજબ લખવા જોઈએ.
મુદ્દાઓમાં સાતત્ય જાળવવું.
રંગીન ચૉકનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ.
મહત્વના મુદ્દાઓ અધોરેખિત કરવાં જોઈએ.
અપ્રસ્તુત બાબતો ન લખવી.
(4) પ્રકીર્ણ બાબતો :
કા.પા.કાર્ય કરતી વખતે શિક્ષકે નીચે જેવી કેટલીક બાબતોનો પણ ખ્યાલ રાખવો
લેખન માટે કા.પા.નો ઉપયોગ કરતાં પહેલાં ફલકની સ્વચ્છતા તપાસવી.
લેખન માટે કા.પા.નો ઉપયોગ કર્યા પછી તેને સ્વચ્છ કરવું.
**શિક્ષકે પૂરતી સંખ્યામાં ચૉક રાખવા.
શિક્ષકે કા.પા અને વિદ્યાર્થી વચ્ચે આવવાનું ટાળવું.
લખતી વખતે ચૉકનો અવાજ ન થવો જોઈએ.
યોગ્ય પ્રમાણમાં ભાર દઈને લખવું.
કા.પા. સાફ કરતી વખતે રજકણો ઉડવા ન જોઇએ.
લખાણમાં વિષયવસ્તુ અને વ્યાકરણની દૃષ્ટિએ ભૂલ ન થાય તેની કાળજી લેવી.
પાઠના વિકાસની સાથે જ કા.પા. નોંધ વિકસાવવી.
આત્મવિશ્વાસથી કા.પા.કાર્ય કરવું.
કા.પા.કાર્ય કૌશલ્યનું મહત્ત્વ :
નીચેના મુદ્દાઓને આધારે કા.પા.નું મહત્વ સ્પષ્ટ કરી શકાય.
કાળું પાટિયું એ દૃશ્ય સાધન છે અને તેની મદદથી વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.
વિદ્યાર્થીઓને શીખવવા માટે દૃશ્ય અને શ્રાવ્ય અનુભવોનું સંયોજન કરી શકાય છે. નવીન અને અપરિચિત શબ્દો કે વ્યાખ્યાઓ અસરકારક રીતે લખી શકાય છે.
કા.પા.ના ઉપયોગથી વિષયવસ્તુના ખ્યાલો સ્પષ્ટ થાય છે.
આકૃતિઓ, આલેખો, રેખાચિત્રો, નકશાઓ વગેરે દોરીને વિષય શિક્ષણની સમજ વધુ સ્પષ્ટ કરી શકાય છે.
વિષયાંગના મહત્વના મુદ્દા પર સમગ્ર વર્ગનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.
સૂત્રો, તુલનાત્મક મુદ્દાઓ, વિશિષ્ટ શબ્દો, વાક્યો વગેરે માટે તેનો ઉપયોગ કરવાથી જ્ઞાન ચિરંજીવી બની શકે છે.
સતત કથન કે પ્રશ્નોત્તર પ્રક્રિયા કંટાળો ઉપજાવે તો તેમાં વૈવિધ્ય લાવવા માટે પણ કા.પા. કાર્ય અસરકારક બને છે.
આમ કા.પા.નું એક સાધન તરીકે આટલું મહત્વ હોવાથી એનો અસરકારક ઉપયોગ થઈ શકે તેવું કૌશલ્ય પ્રત્યેક શિક્ષકે કેળવવું જોઈએ.
કા.પા.કાર્ય કૌશલ્યનાકેટલાક પ્રશ્નો :
1. કા.પા.કાર્ય કૌશલ્યનો એટલે શું?
2. અસરકારક કા.પા.કાર્યનાં લક્ષણો જણાવો.
1.7.5 ઉદાહરણ કૌશલ્ય
ઉદાહરણ કૌશલ્ય વિશે સમજવા માટે નીચેના પ્રસંગનો કાળજીપૂર્વક અભ્યાસ કરીએ
શિક્ષક : બાળકો, તમારી આસપાસ જુદી જુદી વસ્તુઓને જુઓ અને તે દરેક શામાંથી બનેલી છે તે વિચારવા પ્રયત્ન કરો. તમારી પાટલી લાકડાની બનેલી છે. આપણા વર્ગની દીવાલો ઇંટો, પથ્થર કે સિમેન્ટની બનેલી છે, જ્યારે તમારી ચોપડીઓ કાગળની બનેલી છે. આમ, જેમાંથી વસ્તુ બનાવવામાં આવે તેને પદાર્થ કહે છે. લાકડું, પથ્થર, સિમેન્ટ, કાગળ, ઇંટો વગેરે પદાર્થ છે. હવે તમે બીજા પદાર્થોનાં નામ આપશો ?
ધવલ : કાચ, સોનું, ખાંડ, મીઠું
મિતલ : રેતી, પ્લાસ્ટિક, હવા, પાણી, કેરોસીન, તાંબુ
શિક્ષક : બરાબર.
આ પ્રસંગમાં પદાર્થ વિશેનો ખ્યાલ સ્પષ્ટ કરવા શિક્ષકે જુદાં જુદાં ઉદાહરણો આપ્યાં. વિદ્યાર્થીઓએ જુદા જુદા પદાર્થોનાં નામ આપ્યાં. એ પરથી વિદ્યાર્થીઓમાં પદાર્થ વિશેના ખ્યાલની સમજ વિકસાવવામાં શિક્ષક સફળ થયા. આમ, શિક્ષકે પદાર્થનો ખ્યાલ વિકસાવવા ઉદાહરણ કૌશલ્યનો ઉપયોગ કર્યો. હવે ઉદાહરણ કૌશલ્યનો અર્થ સ્પષ્ટ રીતે સમજી લઈએ.
સૌ પ્રથમ ઉદાહરણ કોને કહેવાય તે સમજીએ. જેમાં શીખવવાનો સિદ્ધાંત, વિચાર કે ખ્યાલ લાગુ પડતો હોય તેવી પરિસ્થિતિ, પદાર્થ કે વસ્તુ એટલે ઉદાહરણ. આપણા રોજિંદા શિક્ષણ કાર્યમાં શીખવવાના મુદ્દાઓમાં સમાયેલા અમૂર્ત વિષયવસ્તુને ઉદાહરણો કે દૃષ્ટાંત દ્વારા સમજાવવાનું કૌશલ્ય એટલે ઉદાહરણ કૌશલ્ય.
ઉદાહરણ કૌશલ્યના ઉદ્દેશો:
(1) પ્રશિક્ષણાર્થીઓને શિક્ષણ કાર્યમાં રસ લેતા કરે.
(2) વિષયવસ્તુ પ્રત્યે કુતૂહલવૃત્તિ અને જિજ્ઞાસા જાગૃત કરે.
(3) મૂર્ત પરથી અમૂર્ત શિક્ષણ તરફ દોરે.
(4) જ્ઞાત પરથી અજ્ઞાત શિક્ષણ તરફ દોરે.
(5) સરળ પરથી સંકુલ શિક્ષણ તરફ દોરે.
ઉદાહરણ કૌશલ્યના લક્ષણો :
(1) ઉદાહરણ સરળ હોવું જોઇએ. ઉદાહરણ સરળ ત્યારે લાગે જ્યારે તે વિદ્યાર્થીના પૂર્વજ્ઞાન પર આધારિત હોય કે તેની સાથે સંકળાયેલું હોય અથવા તેના અનુભવજગતમાંથી લીધેલું હોય.
(2) ઉદાહરણ નિયમ, સિદ્ધાંત કે ખ્યાલ સાથે સુસંગત હોવું જોઈએ. શીખવવાની પ્રક્રિયામાં જે-તે મુદ્દામાં સમાવિષ્ટ નિયમ, સિદ્ધાંત કે ખ્યાલને સમજાવવા, સ્પષ્ટ કરવા માટે આપણે જે ઉદાહરણોનો ઉપયોગ કરીએ તે જે-તે બાબતોને લાગુ પડતા હોય તે સુસંગત છે તેમ કહી શકાય.
(3) ઉદાહરણ રસપ્રદ હોવું જોઈએ. જે ઉદાહરણ વિદ્યાર્થીઓની જિજ્ઞાસા જગાડે, કુતૂહલવૃત્તિ પેદા કરે અને રસ જાગ્રત કરે તે ઉદાહરણ રસપ્રદ ગણાય. રસ અને ધ્યાનને સીધો સંબંધ છે. આથી જો ઉદાહરણની રજૂઆત વખતે વિદ્યાર્થી આતુરતાપૂર્વક કે ધ્યાનથી સાંભળતો હોય, સાંભળ્યા પછી ચર્ચામાં ભાગ લેતો હોય, રજૂઆત દરમિયાન સાવધાન બનીને, ટટ્ટાર બેસીને આપણી સામે ધ્યાનપૂર્વક જોતો હોય ને સાંભળતો હોય અથવા આપણે જે કંઈ રજૂઆત કરીએ તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરતો હોય તો કહી શકાય કે ઉદાહરણ રસપ્રદ છે.
ઉદાહરણ કૌશલ્યનો વર્ગખંડમાં ઉપયોગ
ઉદાહરણ કૌશલ્યનો વર્ગખંડમાં અસરકારક ઉપયોગ કરવા માટે ઉદાહરણના માધ્યમ અને પદ્ધતિને ધ્યાનમાં રાખવી ઘટે. સામાન્ય રીતે વિદ્યાર્થી પોતાની જ્ઞાનેન્દ્રિયો દ્વારા ગ્રહણ કરે છે. આથી આપણે ઉદાહરણો ત્રણ વર્ગોમાં વહેંચી શકીએ. દૃશ્ય, શ્રાવ્ય અને સ્પર્શ અથવા અશાબ્દિક, વસ્તુઓ, નમૂનાઓ, ચિત્રો, આકૃતિઓ, ચાર્ટ, નકશા, રેખાચિત્ર કે પ્રયોગોને આપણે અશાબ્દિક, દૃશ્ય કે સ્પર્શ માધ્યમમાં સમાવીશું.
આવા માધ્યમોનો ઉપયોગ કરતી વખતે વર્ગશિક્ષક પ્રક્રિયાને સુસંગત હોય તેવાં જ ઉદાહરણો જ્યાં જરૂર જણાય ત્યાં જ
ઉપયોગમાં લેવાં જોઈએ. ફૂલના ભાગોને સમજાવવા ફૂલનો ઉપયોગ, ભારત દેશનું દુનિયામાં સ્થાન સમજાવવા પૃથ્વીના ગોળાનો ઉપયોગ, રાષ્ટ્રધ્વજનો ખ્યાલ સ્પષ્ટ કરવા માટે રાષ્ટ્રધ્વજનું ચિત્ર રજૂ કરી શકાય.
સાચો મિત્ર કોને કહેવાય એ બાબત સ્પષ્ટ કરવા જ્યારે આપણે પ્રસંગ કે વાર્તા રજૂ કરીએ ત્યારે તે શાબ્દિક માધ્યમ બને છે અને તે શ્રાવ્ય હોય છે. આ શ્રાવ્ય ઉદાહરણ ખૂબ લાંબા ન હોવાં જોઈએ. આપણે ટૂંકા અને સ્પષ્ટ ઉદાહરણોનો આગ્રહ રાખીશું. વિદ્યાર્થીની વય, કક્ષા, રસ-રુચિ અને સમજશક્તિને ધ્યાનમાં રાખીને રજૂઆત કરીશું.
વિદ્યાર્થીઓ નિયમ જાતે તારવી શકે તે માટે શિક્ષકે નિયમ કે સિદ્ધાંત સમજાવવા ઉદાહરણો પ્રથમ રજૂ કરવાં જોઈએ. જેને આગમન પદ્ધતિ કહેવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થીઓ સમક્ષ સૌપ્રથમ નિયમ કે સિદ્ધાંતની રજૂઆત કરી તેને સ્પષ્ટ કરવા માટે ઉદાહરણો આપવામાં આવે તેને નિગમન પદ્ધતિ કહેવામાં આવે છે.
આથી જો આપણે શિક્ષણનાં સૂત્રોને ધ્યાનમાં રાખીને ઉદાહરણોની રજૂઆત કરવી હોય તો આગમન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તેમજ તેની ફેરચકાસણી કરવા માટે નિગમન પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. એટલે કે શિક્ષક પ્રથમ ઉદાહરણો રજૂ કરી તેના પરથી નિયમ કે સિદ્ધાંત સમજાવે અને ત્યારબાદ વિદ્યાર્થી પાસેથી આ નિયમ કે સિદ્ધાંતને આધારે ઉદાહરણો કઢાવે તો તેને આગમન-નિગમન સિદ્ધાંતનો ઉપયોગ થયો કહેવાય.
આમ, આ ચર્ચા પરથી કહી શકાય કે જો શિક્ષક કુશળતાપૂર્વક ઉદાહરણ કૌશલ્યનો ઉપયોગ કરે તો વર્ગશિક્ષણ વધુ અસરકારક બની શકે છે.
ઉદાહરણ કૌશલ્યનું મહત્ત્વ:
ઉદાહરણ કૌશલ્યનું શિક્ષણ પ્રક્રિયામાં ઘણું મહત્વ છે. જેમ આખ્યાનકાર પોતાને જે વાત કરવી છે તે સ્પષ્ટ કરવા માટે અનેક ઉદાહરણો આપે છે, રોજિંદા વ્યવહારની વાત સાંકળી લે છે, તેને કારણે સાંભળનારને આખ્યાનમાં રસ પડે છે અને વધુ ધ્યાનથી સાંભળે છે તેમ શિક્ષક તરીકે આપણે પણ શીખવતી વખતે જરૂર જણાય ત્યાં ઉદાહરણો રજૂ કરવાથી વિદ્યાર્થી રસપૂર્વક શીખી શકે છે.
ઉદાહરણ કૌશલ્યનો ઉપયોગ કરવાથી આપણે વિદ્યાર્થીઓને જ્ઞાત પરથી અજ્ઞાત તરફ, મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જઈએ છીએ. વિદ્યાર્થીઓ વર્ગશિક્ષણમાં રસ લેતા થાય છે અને આપણે તેઓનું સતત કેન્દ્રીકરણ ટકાવી શકીએ છીએ. કઠિન લાગતા શૈક્ષણિક મુદ્દા સરળ બનાવી શકાય છે. આપણું કથન સરળ, રસપ્રદ અને અસરકારક થઈ શકે છે પરિણામે વિદ્યાર્થીઓ સમજપૂર્વકની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.
ઉદાહરણ કૌશલ્યના કેટલાક પ્રશ્નો :
1. ઉદાહરણ કૌશલ્યનો એટલે શું?
2. ઉદાહરણ કૌશલ્યનાં લક્ષણો જણાવો.
3. ઉદાહરણ કૌશલ્યનો વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગ કરશો?
4. શિક્ષણકાર્ય કરતી વખતે ઉદાહરણ આપવાથી થતા ફાયદા જણાવો.
1.7.6 ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય
શિક્ષક વર્ગખંડમાં પોતાના અધ્યાપન કાર્યને અસરકારક બનાવવા વિદ્યાર્થીના ધ્યાનને કેન્દ્રિત કરવા અને ટકાવી રાખવા પ્રયત્ન કરે છે. અધ્યાપકની સફળતાનો આધાર વિદ્યાર્થીઓ અધ્યાપન કાર્યને કેટલા ધ્યાનથી ગ્રહણ કરે છે તેના પર રહેલો છે. જે શિક્ષક યંત્રવત્ કથન કરે, પ્રશ્નો પૂછે, ઉદાહરણ દર્શાવે વગેરે એકધારી પ્રવૃત્તિ કરે તો વિદ્યાર્થીઓ કંટાળી જાય છે અને બેધ્યાન બને છે. આમ, ન થાય એટલા માટે શિક્ષકે પોતાની પ્રવૃત્તિઓમાં અવારનવાર ફેરફાર લાવવો જોઈએ, જે વિદ્યાર્થીના ધ્યાનનું કેન્દ્રિકરણ કરી ટકાવી રાખવામાં ઉપયોગી બને. ધ્યાન જ જ્ઞાનની જનની છે. આ માટે શિક્ષકે તેના વર્ગવ્યવહાર દરમિયાનનાં વર્તનોમાં ક્યારે અને કેવો ફેરફાર લાવવો તેનો નિર્ણય ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય દ્વારા શિક્ષક કરી શકે છે.
ઉત્તેજના પરિવર્તન કૌશલ્યનો અર્થ:
વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરી ટકાવી રાખવા માટે શિક્ષકની વર્તન-તરેહમાં સમજપૂર્વક ફેરફાર કરવાનું કૌશલ્ય એટલે ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય.
ઉત્તેજના પરિવર્તન કૌશલ્યના ઉદ્દેશો
પ્રશિક્ષણાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરે.
પ્રશિક્ષણાર્થી અને શિક્ષક વર્ગવ્યવસ્થામાં અપેક્ષિત પરિવર્તન લાવે.
ઉત્તેજના પરિવર્તન કૌશલ્યના ઘટકો
આપણે ઉપર્યુક્ત ચર્ચામાં જાણ્યું કે વર્ગશિક્ષણમાં અસરકારકતા પ્રાપ્ત કરવા માટે શિક્ષક પોતાની વર્તન- તરેહમાં જે ફેરફાર કરે છે, એટલે કે તે કઈ કઈ વર્તન તરેહો કરે છે તે સમજવા પ્રયત્ન કરીએ. આ વર્તન-તરેહોને ઘટકો અથવા ઉત્તેજકો કહેવામાં આવે છે. જે નીચે પ્રમાણે છેઃ
1. હલનચલનઃ વર્ગખંડમાં એક જ સ્થાને સ્થિર રહીને શિક્ષણ કાર્ય કરીએ તો તે યંત્રવત્ લાગે. હેતુપૂર્વકનું હલનચલન કરવું જરૂરી છે કે જે ખૂબ જ અસરકારક અને ઉપયોગી બને છે. દા.ત., લખવા માટે કે આકૃતિ દોરવા માટે કા.પા. તરફ જવું, વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવા તેની નજીક જવું, એક જ સ્થિતિમાં પરિવર્તન લાવવું. હલનચલન કરવું. આમ, હેતુપૂર્વક હલનચલન યોગ્ય ગણાય.
2. હાવભાવઃ માત્ર કથન કરવાને બદલે તેને અનુરૂપ હાવભાવ કરવાથી તે વધુ અસર જન્માવે છે. કથનની સામે સ્મિત કરવું, આશ્ચર્યચકિત થવું, નિરાશા દર્શાવવી, ભવાં ચઢાવવાં વગેરે કરવામાં કંઈ બહુ શ્રમ પડતો નથી. યોગ્ય સમયે તેનો આપણે ઉપયોગ કરીએ, અભિનય કરીએ, હાથથી ભાવ દર્શાવીએ, ક્રિયા દર્શાવીએ, મોંના ભાવથી દુઃખ દર્શાવીએ, આપણા હાથ, પગ, માથું અને આંખોનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ, માહિતી સ્પષ્ટ કરી શકીએ, લાગણી દર્શાવી શકીએ તથા વસ્તુનું કદ, આકાર અને ગતિ દર્શાવી શકીએ.
3. વાણીમાં આરોહ-અવરોહઃ સતત એકધારું બોલવાને બદલે જ્યારે જ્યારે ભાવ કે લાગણી દર્શાવવા માટે શબ્દો કે શબ્દસમૂહોની મૌખિક રજૂઆત કરવાની હોય ત્યારે તેને અનુરૂપ વાણીમાં આરોહ-અવરોહ લાવવો જોઈએ, જેમ કે પાઠનું વાચન કરતી વખતે ક્રોધ વ્યક્ત કરતાં વાક્યોના વાચન સમયે વાણીમાં આરોહ લાવવાથી, દુઃખના ભાવ વ્યક્ત કરતાં વાક્યોના વાચન સમયે વાણીમાં અવરોહ લાવવાથી પાઠનું વાચન અસરકારક બને છે અને એકધારાપણાથી ઊભા થતા કંટાળાને દૂર કરે છે.
4. કેન્દ્રીકરણઃ વર્ગશિક્ષણમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે શિક્ષક દ્વારા શાબ્દિક તેમજ અશાબ્દિક બંને પ્રકારનાં વર્તનો કરવામાં આવે છે.
દા.ત., આ બાજુ ધ્યાન આપો, ધ્યાનથી જુઓ, આકૃતિ તરફ ધ્યાન આપો, હવે શું થયું તે જુઓ વગેરે શાબ્દિક વર્તનો છે.
અશાબ્દિક રીતે પણ ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે. દા.ત., કા.પા. નોંધ કરવી, અગત્યના મુદ્દા અને શબ્દો નીચે લીટી દોરવી, રંગીન ચૉક વડે લખવું, નકશા, ચાર્ટ, આકૃતિ, ચિત્ર કે પ્રયોગ નિર્દેશનમાં પૉઈન્ટર વડે માહિતી દર્શાવવી.
કેટલીકવાર શાબ્દિક-અશાબ્દિક બંને સંયુક્ત રીતે ઉપયોગમાં લઈ શકાય છે. દા.ત., કા.પા. પર આકૃતિ દોરવી અને કહેવું ‘આ આકૃતિ તરફ ધ્યાન આપો’. પ્રયોગ દર્શાવી અવલોકન કરવા કહેવું અને અવલોકન નોંધ તૈયાર કરો તેમ કહેવું.
5. વિરામઃ માહિતીની રજૂઆત દરમિયાન વર્ગમાં શિક્ષણ કાર્ય કરતાં થોડીક ક્ષણો માટે સહેતુક થંભી જવું, મૌન પાળવું એ ક્રિયાને ‘વિરામ’ કહે છે. જેમ કે કથન કરતાં કરતાં, વર્ગમાં હલનચલન કરતાં કરતાં, કા.પા. પર લખતાં લખતાં, કોઈ મુદ્દાનું સ્પષ્ટીકરણ કરતાં કરતાં થોડીક ક્ષણો સહેતુક થંભી જવું. આ વિરામ સહેતુક હોય છે અને વિદ્યાર્થીનું ધ્યાન દોરવા માટે જ તેનો ઉપયોગ કરવો જોઈએ.
6. વર્ગવ્યવહારમાં પરિવર્તનઃ વર્ગખંડમાં શિક્ષક-વિદ્યાર્થી, વિદ્યાર્થી-વિદ્યાર્થી કે વિદ્યાર્થી-ઉદ્દીપક વચ્ચે વ્યવહાર થતો હોય છે. વર્ગશિક્ષકનો પ્રક્રિયામાં એક જ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે તો શું થાય ? વર્ગશિક્ષણ નિષ્ક્રિય બને. આથી વર્ગવ્યવહારમાં પરિવર્તન જરૂરી છે.
શાબ્દિક કે અશાબ્દિક પરિવર્તન કથન કરતાં કરતાં પ્રશ્નો પૂછવા અને ઉત્તર મેળવવા, પ્રશ્નો અને ઉત્તરોમાંથી કથન કરવું, વાચનમાંથી પ્રશ્નો પૂછવા અને ઉત્તરો મેળવવા જેવા ફેરફાર શાબ્દિક-અશાબ્દિક ફેરફાર કહી શકાય. કથન-પ્રશ્નોત્તર, સૂચના, વાચન પછી શૈક્ષણિક સાધન દર્શાવવું તે શાબ્દિક-અશાબ્દિક પરિવર્તન કહેવાય, જ્યારે કા.પા. નોંધ કર્યા પછી પ્રશ્નો પૂછવા તે અશાબ્દિક-શાબ્દિક પરિવર્તન કહેવાય. જ્યારે કથન કરવું, કા.પા. પર નોંધ કરવી અને નોંધના આધારે પ્રશ્નો પૂછવા એ શાબ્દિક-અશાબ્દિક પરિવર્તન કહેવાય.
ઉપર્યુક્ત દર્શાવેલ ઘટકોનો યથા સમયે યોગ્ય ઉપયોગ કરીને આપણે વર્ગખંડને જીવંત રાખી શકીએ અને બાળકોને ક્રિયાશીલ બનાવી શકીએ તો શિક્ષણ કાર્ય અસરકારક બને.
ઉત્તેજના પરિવર્તન કૌશલ્યનું મહત્ત્વ:
વર્ગશિક્ષકની અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં શીખવવામાં આવતા શૈક્ષણિક મુદ્દાઓ પ્રત્યે વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચી, કેન્દ્રિત કરીને ટકાવી રાખવા માટે આ કૌશલ્યનું મહત્વ ખૂબ છે. વર્ગશિક્ષણ કાર્ય રસપ્રદ અને અસરકારક બને તેવી પ્રયુક્તિઓ અપનાવી શિક્ષણ કાર્ય રસપ્રદ અને અસરકારક બનાવી શકાય. યોગ્ય શૈક્ષણિક મુદ્દા શીખવવા માટે હેતુલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરી શૈક્ષણિક અનુભવો પૂરા પાડી શકાય અને વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમય રાખીને ક્રિયાશીલ બનાવી શકાય છે. વિવિધ પ્રકારનાં બાળકોના વ્યક્તિગત રસ
જાણીને અધ્યાપન કાર્યનું આયોજન થઈ શકે છે. ધ્યાન કેન્દ્રિત થાય તો રસ જાગ્રત થાય અને રસ પડે તો ધ્યાન કેન્દ્રિત થાય એમ અરસપરસ સંબંધ ધરાવતાં બંને ઘટકોની માત્રા વધારવામાં આ કૌશલ્ય મહત્વનું બની રહે છે.
ઉત્તેજના પરિવર્તન કૌશલ્યના કેટલાક પ્રશ્નો:
1. ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય કોને કહેવાય?
2. ઉત્તેજના પરિવર્તન કૌશલ્યના ઘટકો જણાવો.
1.7.7 પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય
શિક્ષક વર્ગખંડમાં પ્રશ્ન પૂછે ત્યારે વિદ્યાર્થી ખોટો પ્રત્યુત્તર આપે, સાચો પ્રત્યુત્તર આપે, અંશતઃ સાચો પ્રત્યુત્તર આપે અથવા ઉત્તરની સમજ ન પડે; આવી પરિસ્થિતિ સર્જાય છે. શિક્ષક આવી પરિસ્થિતિ સમજી વધુમાં વધુ વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછી વિદ્યાર્થીને યોગ્ય દિશામાં વાળે છે. આ માટે શિક્ષકને પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય ખૂબ મદદરૂપ થાય છે.
પ્રશ્ન ઊંડાણ કૌશલ્યનો અર્થ
પ્રશ્નો અને માત્ર પ્રશ્નો દ્વારા જ વિદ્યાર્થીઓને એકમના ઊંડાણમાં લઈ જવા તે પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવાનું શિક્ષકનું કૌશલ્ય એટલે પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય.
પ્રશ્ન ઊંડાણ કૌશલ્યનો ઉદ્દેશો
પ્રશિક્ષણાર્થીઓને પ્રશ્નો દ્વારા વિષયવસ્તુના ઊંડાણમાં લઈ જવા પ્રેરે.
વિવિધ પ્રકારના પ્રશ્નો દ્વારા પ્રશિક્ષણાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરે.
પ્રશ્ન ઊંડાણ કૌશલ્યના સ્વરૂપ
પ્રશ્ન ઊંડાણ કૌશલ્યનું સ્વરૂપ તેના ઘટકોના સંદર્ભમાં સમજાવી શકાય. પ્રશ્ન ઊંડાણ કૌશલ્યના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે નીચેના પ્રશ્નોનો સમાવેશ પ્રસ્તુત કૌશલ્યમાં થાય છે. જે આ કૌશલ્યના ઘટકો છે.
પ્રોત્સાહન પૂરું પાડતા પ્રશ્નો
વર્ગખંડમાં વિદ્યાર્થીને આવડતું ન હોય ત્યારે તે ઉત્તર ન આપે, ખોટો ઉત્તર આપે, અંશતઃ ખોટો ઉત્તર આપે ત્યારે શિક્ષક તે વિદ્યાર્થીને અપેક્ષિત ઉત્તર સાથે સંકળાયેલ પૂરક માહિતી દર્શાવતો પ્રશ્ન કરે તો આવો પ્રશ્ન વિદ્યાર્થીને ઉત્તર આપવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. આથી આ પ્રશ્ન પ્રોત્સાહન પ્રશ્ન બને છે.
વધુ માહિતી માગતા પ્રશ્નો
આપેલા ઉત્તરની ચકાસણી કરવા, વધુ માહિતી કે વિગત મેળવવા માટે, અધૂરો ઉત્તર પૂર્ણ કરાવવા જે પ્રશ્નોનો ઉપયોગ કરીએ છીએ તેને વધુ માહિતી માગતા પ્રશ્નો તરીકે ઓળખીશું.
દા.ત.,
તમારા ઉત્તરને સ્પષ્ટ કરવા ઉદાહરણ આપશો ?
આપેલા ઉદાહરણ જેવું બીજું ઉદાહરણ આપશો ?
ધ્યાન કેન્દ્રિત કરતા પ્રશ્નો
તમે જણાવેલ પ્રસંગ જેવા અન્ય પ્રસંગો કહેશો ?
તમે જણાવેલ પ્રસંગની વિરુદ્ધનો પ્રસંગ વર્ણવશો ?
આ પ્રસંગ પેલા પ્રસંગથી કઈ રીતે જુદો પડે છે ?
આ પ્રસંગને આ રીતે વિચારીએ તો ?
ઉપર્યુક્ત પ્રશ્નો પરથી કહી શકાય કે વર્ગના વિદ્યાર્થી જે કાંઈ નવું જ્ઞાન મેળવે છે તે વિશે પોતાના પૂર્વજ્ઞાનના સંદર્ભમાં ઊંડાણથી વિચાર કરતો થાય તે માટે પૂછવામાં આવતા પ્રશ્નોને ધ્યાન કેન્દ્રિત કરતા પ્રશ્નો કહે છે.
દિશાસૂચન પ્રશ્નો
પ્રોત્સાહન પૂરું પાડવા છતાં જો વિદ્યાર્થી જવાબ શોધી ન શકે તો શિક્ષક તેને ઉત્તર આપવાની દિશા તરફ લઈ જતો પ્રશ્ન પૂછે છે. એક બાબત પર પ્રશ્ન પૂછયો, ઉત્તર ન મળ્યો. જરા પાછળ થઈને કે દિશા બદલીને પ્રશ્ન પૂછીએ અને તે પ્રશ્નના ઉત્તર મળતા મૂળ પ્રશ્નની દિશામાં બીજા પ્રશ્નો પૂછાય. આવા પ્રશ્નને દિશાસૂચન પ્રશ્ન કહેવાય. દિશાસૂચન પ્રશ્નોમાં પ્રોત્સાહન અને વધુ માહિતી માગતા પ્રશ્નોનો સમાવેશ કરી શકાય છે. આ પ્રકારના પ્રશ્નોનો ઉપયોગ કરતા ધ્યાન રાખો કે વિદ્યાર્થીને ઉત્તર ન મળે ત્યારે તેના તે જ વિદ્યાર્થી પાસેથી જવાબ મેળવવાને બદલે બીજા વિદ્યાર્થી પાસેથી જવાબ મેળવવામાં આવે છે.
વિવેચનાત્મક જાણકારી વધારનાર પ્રશ્નો
વર્ગશિક્ષણના નીચેના પ્રસંગનો અભ્યાસ કરો
શિક્ષક : પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ નદીઓના કિનારે જ કેમ થયો ?
મુદ્રા: આપણા ભટકતા પૂર્વજો નદીના કિનારે વસ્યા, ત્યાં સ્થિર થયા અને નિર્ભય, સુખ અને સમૃદ્ધ જીવન જીવવાનું શરૂ થયું.
શિક્ષક : સરસ. તમે કહી શકશો કે આપણા પૂર્વજોએ નદીના કિનારે વસવાટ શા માટે કર્યો ?
ઉપર્યુક્ત પ્રસંગમાં શિક્ષક વિદ્યાર્થીને જે પ્રશ્ન પૂછે છે તેમાં ‘કેમ થયો ?’, ‘શા માટે કર્યો ?’ જેવા પ્રશ્નસૂચક શબ્દોનો ઉપયોગ કરે છે. આવા પ્રશ્નસૂચક પ્રકારના પ્રશ્નોનો ઉત્તર આપતાં પહેલાં વિદ્યાર્થી પોતાના જવાબને વિવેચનાત્મક રીતે રજૂ કરે છે. આથી જ્યારે વિદ્યાર્થીઓને વિચાર કરતા કરવા હોય ત્યારે પૂછાતા પ્રશ્નોને વિવેચનાત્મક પ્રશ્નો કહે છે. આ પ્રસંગ ઉપરથી વિવેચનાત્મક પ્રશ્નોનું મહત્વ નીચે પ્રમાણે સ્પષ્ટ થાય છે.
પ્રશ્ન ઊંડાણ કૌશલ્યનું મહત્વ
વિદ્યાર્થીના અસ્પષ્ટ ઉત્તરને વધુ સ્પષ્ટ બનાવી શકાય છે.
જે વિદ્યાર્થી વર્ગમાં બિલકુલ ઉત્તર આપતો નથી અથવા તે ખોટો ઉત્તર આપે છે તેને સાચા ઉત્તરો તરફ વાળી શકાય છે.
વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓને ચર્ચામાં ભાગ લેતા કરી શકાય.
વિદ્યાર્થીએ આપેલા ઉત્તરને વિદ્યાર્થી વિશાળ દૃષ્ટિથી જુએ તે માટે વિદ્યાર્થીને મદદરૂપ થઈ શકાય છે.
વિદ્યાર્થીઓને વિચાર કરતા કરી શકાય છે.
વિદ્યાર્થી પાસેના પૂર્વજ્ઞાનને નવીન જ્ઞાન સાથે સાંકળી શકાય છે.
વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર વિવેચનાત્મક રીતે આપી શકે તેવા પ્રયાસો થઈ શકે છે.
1.8 સારાંશ
વર્ગવ્યવહાર જીવંત, સક્રિય અને અસરકારક બનાવવાં તેમજ અધ્યાપનના હેતુઓ પાર પાડવા પ્રશિક્ષણાર્થીઓ શિક્ષક તરીકે જરૂરી અધ્યાપન કૌશલ્યો હસ્તગત કરે તે માટે આ એકમ ખૂબ જ ઉપયોગી બની રહેશે.
1.9 શિક્ષણવ્યવહાર અને અધ્યાપન કૌશલ્યોમાંથી પરીક્ષામાં પુછવામાં આવતાં કેટલાક પ્રશ્નો નીચે મુજબ છે.:
(1). શિક્ષણવ્યવહારની લાક્ષણિકતા જણાવો.
(2). શિક્ષક-વિદ્યાર્થી વ્યવહારનું સ્વરૂપ સમજાવો.
(3). વિદ્યાર્થી-સામગ્રી વ્યવહારનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
(4). વર્ગવ્યવહારના ઘટકો જણાવો.
(5). વર્ગવ્યવહારને અસરકારક બનાવવા શું કરી શકાય ? સમજાવો.
(6). વર્ગવ્યવહાર નોંધવાના સોપાનો જણાવો.
(7). વર્ગવ્યવહારના શૈક્ષણિક ફલિતાર્થો જણાવો.
(8). વિષયાભિમુખ કૌશલ્યમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરી શકાય ?
(9). વિષયાભિમુખ કૌશલ્યના ઈચ્છનીય અને અનિચ્છનીય વર્તનો જણાવો.
(10). પ્રશ્નપ્રવાહિતા કૌશલ્યમાં પ્રશ્નના પ્રકાર વિશે સમજાવો.
(11). પ્રશ્નપ્રવાહિતા કૌશલ્યમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ ?
(12). સુદૃઢીકરણ કૌશલ્ય વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
(13). કા.પા. કાર્ય કૌશલ્યના લક્ષણો જણાવો.
(14). ઉદાહરણ કૌશલ્યના લક્ષણો અને મહત્વ જણાવો.
(15). ઉત્તેજના પરિવર્તન કૌશલ્યના ઘટકો વર્ણવી તેનું મહત્વ જણાવો.
(16). પ્રશ્ન ઊંડાણ કૌશલ્યમાં કેવા પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થાય છે તે જણાવો.